રિસ્ક લીધા સિવાય તારી પાસે બીજી કોઇ ચોઇસ જ નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

રિસ્ક લીધા સિવાય તારી પાસે
બીજી કોઇ ચોઇસ જ નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


આંખ આડા કાન છે બસ એટલે કહેવું નથી,
ક્યાંક બીજે ધ્યાન છે બસ એટલે કહેવું નથી,
હોઠ પર હમણાં સુધી જ્યાં માત્ર ફરમાઇશ હતી,
ત્યાં હવે ફરમાન છે બસ એટલે કહેવું નથી.
– બાબુલાલ ચાવડા



જિંદગીમાં આપણે જે નિર્ણયો કરીએ છીએ એ તમામ નિર્ણયો આપણને ગમતા જ હોય એવું જરૂરી નથી. ક્યારેક આપણને ન ગમે એવા નિર્ણય પણ આપણે લેવા પડતા હોય છે. આપણે જ ઘણી વખત એવું બોલતા હોઇએ છીએ કે, મારી પાસે બીજો કોઇ છૂટકો જ નહોતો. જિંદગીમાં ક્યારેક ટુ બી ઓર નોટ ટુ બી જેવી સ્થિતિ પેદા થતી હોય છે. કરું કે ન કરું? આગળ વધુ કે ન વધુ? એવી અવઢવ ક્યારેક થવાની જ છે. અવઢવ હોય તો હજુયે કોઇની સલાહ લઇ શકાય કે બીજો કોઇ રસ્તો અપનાવી શકાય. કોઇ વિકલ્પ જ ન હોય ત્યારે માણસે હા પાડવી પડતી હોય છે. આપણા બધાની સાથે ક્યારેક એવું થયું હોય છે કે, આપણને પસંદ ન હોય એવો રસ્તો લેવો પડે. સમય જતા એવું લાગે કે, જે થયું હતું એ સારું હતું. જિંદગીમાં જે કંઇ બને છે એ દરેક ઘટના પાછળ કોઇ સંકેત હોય છે. દરેક સંકેત સ્પષ્ટ રીતે વર્તાતા કે સમજાતા નથી. ઘણા નિર્ણયો સમય આવ્યે સમજાતા હોય છે.
દરેક માણસની જિંદગી એક રહસ્ય હોય છે. રહસ્યનાં પડો ધીમે ધીમે ઊખડે છે. આપણે ધાર્યું ન હોય એવું થતું રહે છે. જરાક શાંતિથી વિચારજો, તમે આજે છો એ સ્થળે પહોંચવાનું તમે ક્યારેય ધાર્યું હતું? એક યુવાનની આ વાત છે. એક વખત આ યુવાન એક સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારાં થોડાંક સપનાં છે. એક સરસ મજાની જોબ હોય, નાનકડું ઘર હોય, પ્રેમ કરે એવી પત્ની હોય, બાળકો હોય અને સરસ મજાની જિંદગી હોય. હું ભગવાનને પ્રાર્થના કરું છું ત્યારે એટલું જ માંગું છું. આ વાત સાંભળીને સંતે કહ્યું, તું ભગવાનને પ્રાર્થના કર પણ કંઇ માંગ નહીં. યુવાને પૂછ્યું, કેમ એવું? સંતે કહ્યું, ભગવાને કદાચ તારી ઇચ્છાથી વધુ આપવાનું પણ નક્કી કર્યું હોય! તું શા માટે તારી લિમિટ બાંધી લે છે? ઉપરવાળા પર છોડી દે! આમેય આપણે ઘણી વખત ઘણું બધું ઉપરવાળા પર છોડવું પડતું હોય છે. આપણે જ કહીએ છીએ કે, હવે તો જે થાય એ ઇશ્વરની મરજી. માણસનું કર્તવ્ય એટલું જ છે કે, એ જે કરતો હોય એ પ્રામાણિકતાથી કરતો રહે. જે મળવાનું છે એ મળવાનું જ છે. જે નથી મળવાનું, એના માટે ગમે તેટલાં ફાંફાં મારીએ તો પણ કંઇ મેળ પડવાનો નથી. કુદરત પાસે પણ ક્યારેય જીદ કરવી ન જોઇએ.
ખાસ તો કોઇ ચોઇસ ન હોય ત્યારે જે હોય તેને હસતા મોઢે સ્વીકારી લેવું એ જ સમજદારી છે. એક યુવાન હતો. તે જોબ કરતો હતો. સારી જોબ હતી. બધું સારું થતું હતું. અચાનક સમય પલટાયો. જે કંપનીમાં એ નોકરી કરતો હતો એ કંપનીએ એ શહેરનું યુનિટ બંધ કરવાનું નક્કી કર્યું. એ યુવાનને બોલાવીને કહ્યું કે, તારી પાસે બે વિકલ્પ છે. એક તો તમને નોકરીમાંથી છૂટા કરીએ અને બીજું જો તમારી ઇચ્છા હોય તો બીજા શહેરમાં જ્યાં આપણું યુનિટ છે ત્યાં તમને ટ્રાન્સફર કરીએ. એ યુવાનને પોતાનું શહેર ખૂબ ગમતું હતું. શહેર છોડવાનો ક્યારેય વિચાર જ કર્યો નહોતો. તેણે પોતાના એક વડીલનું માર્ગદર્શન માંગ્યું. વડીલે કહ્યું કે, તને અત્યારે આ શહેરમાં બીજી જોબ મળે એમ છે? યુવાને કહ્યું, હું જે કામ કરું છું એના માટે આ શહેરમાં બીજો કોઇ સ્કોપ જ નથી. એ પછી વડીલે કહ્યું કે, તો પછી તારી પાસે રિસ્ક લીધા સિવાય બીજી કોઇ ચોઇસ જ નથી. નોકરી છોડવાની ચોઇસ છે, પણ એવું કર્યા પછી તું કરીશ શું? ચોઇસ પણ એવી પસંદ કરવી જોઇએ જેનો કોઇ અફસોસ ન થાય. જિંદગી ક્યારેક આપણને એવા રસ્તે લાવીને ઊભી રહી જતી હોય છે જ્યાંથી આપણે આગળ વધવું પડતું હોય છે. બનવા જોગ છે કે, કંઇક સારું થવાનું હશે. આપણી પાસે ઘણી વખત લાંબો વિચાર કરવાનો પણ સમય હોતો નથી. અમુક વખતે વિચાર નહીં, નિર્ણય જ કરવો પડતો હોય છે. જે સામે હોય એને સ્વીકારવું પડતું હોય છે.
એક ડોક્ટરની આ વાત છે. તેને પત્ની સાથે ઘણા બધા ઇશ્યૂ હતા. રોજેરોજ ઝઘડા થતા હતા. તે નક્કી કરી શકતાં નહોતાં કે, હવે આગળ શું કરવું? એક દિવસ એ પોતાના ક્લિનિકમાં દર્દીઓને તપાસતા હતા. એક દર્દી આવ્યો. તેના રિપોર્ટ જોયા. તેની સ્થિતિ વિચિત્ર હતી. સર્જરી કરવી પડે એમ હતી. ડોક્ટરે કહ્યું, આપણે મેડિસિન્સથી ટ્રાય કરી જોઇએ, જો દવાથી સારું નહીં થાય તો સર્જરી કરવી પડશે. આ વાત સાંભળીને દર્દીએ કહ્યું, ડોક્ટર, દવાની અસરની રાહ નથી જોવી, તમે સર્જરી જ કરી નાખો. એ દર્દી પછી બોલ્યો કે, જિંદગીમાં ક્યારેક સર્જરી જ ફાઇનલ ઇલાજ હોય છે. એ જ વખતે ડોક્ટરને વિચાર આવ્યો કે, મારી જિંદગીમાં પણ મેં દવાની અસરની જેમ ઘણી રાહ જોઇ, હવે સર્જરી સિવાય કોઇ ચોઇસ નથી. આખરે તેણે ડિવોર્સનો નિર્ણય લીધો. જિંદગીની ઘણી વેદનાઓથી મુક્તિ મેળવવા માટે પણ સર્જરી કરવી પડતી હોય છે. આપણને વહાલું હોય એનાથી પણ મુક્તિ મેળવવી પડે છે. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. એ પોતાના પ્રેમીને ખૂબ ચાહતી હતી. તેને પછી ખબર પડી કે, તે જેને પ્રેમ કરે છે એ છોકરો તો ફ્રોડ છે. તે મારી સાથે બનાવટ કરે છે. એ છોકરીને તેની ફ્રેન્ડે કહ્યું કે, તું જેમ બને એમ તેનાથી દૂર થઇ જા. એ છોકરીએ કહ્યું કે, પણ હું એને બહુ પ્રેમ કરું છું. તેની ફ્રેન્ડે કહ્યું, તું એને પ્રેમ કરે છે, પણ એ તને પ્રેમ કરે છે ખરો? એ તો તને છેતરે છે. પ્રેમ એને કરવાનો હોય જે આપણને પ્રેમ કરતા હોય. પ્રેમ અને વહેમનો ભેદ સમજવો પડતો હોય છે. જેને આ ભેદ નથી સમજાતો એ મૂરખ સાબિત થતા હોય છે. માણસ સૌથી વધુ લાગણીમાં મૂરખ બનતા હોય છે. લાગણીને પણ ટકોરા મારીને ચેક કરવી પડે એવો અત્યારનો સમય છે. કોઇ લાગણી બોદી તો બોલતી નથીને? બોદી બોલતી લાગણીઓ ગમે ત્યારે બદલાઇ જતી હોય છે. આપણે પછી કહેતા હોઇએ છીએ કે, મને તો કલ્પના પણ નહોતી કે એ વ્યક્તિ આવું પણ કરી શકે. કોઇ કેવું કરી શકે, ક્યાં સુધી નીચે જઇ શકે, કેટલા હલકા થઇ શકે એ ખબર હોતી નથી. બધા એવા હોતા નથી. ઘણા સારા હોય છે. ખરાબ લોકોને ઓળખવા કરતા સારા લોકોને ઓળખવા વધુ અઘરા હોય છે. એનું કારણ એ હોય છે કે, સારા લોકો સારા જ હોય છે. એ સારા દેખાવવા કોઇ નાટક કરતા હોતા નથી. જે લોકો સારા નથી એ સારા દેખાવવાના નાટક કરતા હોય છે. એ નાટક ઘણી વખત સમજાતાં નથી. માણસ એ નાટકમાં છેતરાઇ જાય છે.
અમુક સમયે આપણી પાસે કોઇ ચોઇસ હોતી નથી એ વાત સાચી, પણ જિંદગી આપણને બાદમાં ચોઇસ તો આપતી જ હોય છે. ચોઇસ ન હોય ત્યારે તો આપણે જે હોય એનો સ્વીકાર કરવો જ પડતો હોય છે, પણ જ્યારે ચોઇસ એક કરતાં વધુ હોય ત્યારે વધુ સાવધાની વર્તવાની હોય છે. ખોટી ચોઇસ ઘણી વખત જિંદગી બરબાદ કરી દેતી હોય છે. માણસની પસંદગી જ મોટા ભાગે માણસની જિંદગી ઘડતી હોય છે. પસંદગીમાં જે થાપ ખાય છે એ પસ્તાતો હોય છે. આપણે ઘણાના મોઢે એવું સાંભળતા હોઇએ છીએ કે, મેં એ ચોઇસ કરીને ભૂલ કરી. મારી પાસે બીજા વિકલ્પો હતો. ખોટી પસંદગી થઇ જાય તો પણ ઘણી વખત તેનાથી મુક્તિ મેળવવાનો માર્ગ હોય છે. એ શોધવો પડે છે. ભૂલ સુધરી શકતી હોય છે. ખોટો રસ્તો પકડાઈ ગયો છે એની ખબર પડે પછી બેસ્ટ વિકલ્પ એ જ હોય છે કે, વહેલી તકે યુ ટર્ન લઇ લઇએ. જો ખોટા રસ્તે આગળ જ ચાલતા રહીએ તો ક્યારેય મંજિલે પહોંચવાના જ નથી. ખોટા રસ્તે જેટલા આગળ જશું તેટલું જ પાછા ફરવું મુશ્કેલ બનતું હોય છે. જિંદગીમાં સમયે સમયે આપણે આપણી ચોઇસ અને આપણા રસ્તાનું મૂલ્યાંકન કરવું પડતું હોય છે. ચેક કરવું પડે છે કે, આપણે જિંદગીના રાઇટ ટ્રેક પર તો છીએને?


છેલ્લો સીન :
નિર્ણય લેતા ડરવું ન જોઇએ. નિર્ણય કાં તો સાચો પડશે, કાં તો ખોટો. કોઇ નિર્ણય જ ન કરવો એ સૌથી મોટી ભૂલ હોય છે. ટીંગાડી રાખવાની વૃત્તિ તકરાર જ પેદા કરે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 જૂન, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *