તરત જ જવાબ દેનારા
બધા નવરાં નથી હોતા

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ગુલાબોય મોકલ, ઝુરાપોય મોકલ,
કદી ફૂલ સાથે નિસાસોય મોકલ,
જવાબો જડે છે મને મૌનમાંથી,
હવે તું ધડાધડ સવાલોય મોકલ.
– કિશોર જીકાદરા
સંબંધની સૂક્ષ્મતાને ખરેખર આપણે કેટલી સમજતા હોઇએ છીએ? સાચા સંબંધમાં ઘણું બધું એવું હોય છે, જે દેખાતું નથી પણ વર્તાતું હોય છે. પ્રેમ, લાગણી અને સ્નેહમાં કેટલાંક વર્તન એવાં હોય છે જે બોલાતાં કે કહેવાતાં નથી, માત્ર અનુભવાય છે. આપણને ખબર પડે છે કે, એ જે કરે છે એ મારા માટે કરે છે. આપણને એની સમજ હોવી જોઇએ અને એની કદર પણ હોવી જોઇએ. આપણે ઘણી વખત આપણી જ વ્યક્તિને બહુ લાઇટલી લેતા હોઇએ છીએ. એના પ્રેમ અને સમર્પણને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. એણે તો કરવાનું જ હોયને? એ તો એની ફરજમાં આવે છે. ઘણા તો ત્યાં સુધીની વાતો કરે છે કે, એ કંઇ નવી નવાઇનું થોડું કરે છે? માત્ર બે ઘડી એટલો વિચાર કરો કે, એ ન કરે તો શું થાય? ઘણા લોકો વળી પોતાની સરખામણી પોતાની વ્યક્તિ સાથે કરવા લાગે છે. એ કરે છે તે હું કંઇ નવરો બેઠો છું કે નવરી બેઠી છું? હુંય મારે જે કરવાનું હોય એ કરું છું. બધા કરતા જ હોય છે પણ એને જરાક સારા શબ્દોથી નવાજીએ તો એને પોતાનું કર્યું લેખે લાગે છે. તને ખબર છે તારા બે સારા શબ્દો મારા માટે મોટી વાત છે. બીજા કોઇ વખાણ કરે કે ન કરે, સારું લગાડે કે ન લગાડે, પોતાની વ્યક્તિ જ્યારે બે-ચાર સારા શબ્દો બોલે ત્યારે એવું લાગે છે કે, મારી મહેનત વસૂલ. આપણા લોકો આપણને ખુશ જોવા માટે કેટલું બધું કરતા હોય છે. આપણે જરાકેય ખુશ ન થઇએ ત્યારે તેને ઠેંસ પહોંચે છે. ભલે એ બોલે નહીં પણ એને દુ:ખ તો થાય જ છે કે, મેં કેટલા દિલથી બધું કર્યું હતું અને આને તો જરાય કદર જ નથી.
એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. પતિનો બર્થડે આવતો હતો. પત્નીએ એક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી. પતિ સાંજે ઓફિસથી આવ્યો ત્યારે તેના તમામ મિત્રો ઘરે હાજર હતા. પાર્ટીની તમામ તૈયારીઓ પત્નીએ કરી રાખી હતી. પતિ બધાની સામે તો સારું સારું બોલ્યો, પણ બધા ગયા પછી તેણે પત્નીને કહ્યું કે, તને કોણે આવું દોઢડહાપણ કરવાનું કહ્યું હતું? તું કારણ વગરના ખર્ચા કર્યે રાખે છે. પત્નીને આઘાત લાગ્યો. તેને એમ હતું કે, મારો પતિ ખુશ થશે. પત્નીએ કહ્યું કે, મારી ભૂલ થઇ ગઇ કે મેં પાર્ટી પ્લાન કરી. બીજી વખત આવું નહીં કરું. પત્નીને એક ઉદાસી ઘેરી વળી. આપણે સારું કરવા જતા હોઇએ ત્યારે તેનો સારો પડઘો જ પડે એવું ઘણી વાર બનતું નથી. આવું થાય ત્યારે માણસ કંઇ પણ કરતા પહેલાં એવું વિચારવા લાગે છે કે, હું જે કરું છું એ એને ગમશે તો ખરુંને? ક્યાંય વાતનું વતેસર તો નહીં થઇ જાયને? ઘણી વખત તો માણસ પૂછતા પણ ડરે છે કે, હું આમ કરું કે ન કરું? એવો વિચાર આવી જાય છે કે, રહેવા દેને, ક્યાંક એનું ફટકશે. એના કરતાં એને જે કરવું હોય તે કરવા દે. જ્યાં હુકમ જ થતો હોય ત્યાં તાબે જ થવું પડતું હોય છે, જ્યાં પૂછવામાં આવે છે ત્યાં જ સંવાદને અવકાશ રહે છે. આપણે એ વિચારવાનું જ નથી હોતું કે, એ જે કહે છે એ સાચું છે કે ખોટું, સારું છે કે ખરાબ, મને ગમે છે કે નહીં, બસ એ કહે એ માનવાનું છે. પાલન કરવાનું છે. ના પાડવાનો કોઇ અવકાશ જ ક્યાં છે. ઘણાં ઘરોમાં આવી સ્થિતિ હોય છે કે, બેમાંથી એકનું જ ધાર્યું થતું હોય છે. જ્યારે આવું થાય ત્યારે માણસ પોતાને ગમતું હોય એવું છૂપું અને ખાનગીમાં કરતો હોય છે. જોજે હોં, એને ખબર ન પડે, અમારે માથાકૂટ થઇ જશે! પોતાની વ્યક્તિથી છુપાવીને કે સંતાઇને કંઇ કરવું પડે એના જેવી ખરાબ સ્થિતિ બીજી કોઇ નથી.
સંબંધને સમજવો પડે છે. સંબંધની કદર કરવી પડે છે. જો સંબંધને ન સમજીએ તો ઘણી વખત સંબંધ ગુમાવવાનો વારો આવે છે. એ સંબંધ કોઇ પણ હોય, એનો ગ્રેસ જળવાઇ રહેવો જોઇએ. મિત્રોનું એક ગ્રૂપ હતું. બધા વચ્ચે સારું બનતું હતું. તેમાં એક મિત્ર એવો હતો જે કંઇ પણ નાની વાત હોય તો પણ ગ્રૂપમાં શેર કરતો. કોઇ પણ કંઇ પૂછે કે, તરત જ જવાબ આપતો. એના વિશે એક મિત્રએ એવી ટિપ્પણી કરી કે, એનો જવાબ તો ફટ દઇને આવી જ જાય. આપણને ખબર જ હોય કે, એ સૌથી પહેલો જ હશે. ક્યારેક તો એવું પણ લાગે કે, એને બીજું કોઇ કામ નથી કે શું? આ વાત સાંભળીને બીજા એક મિત્રએ કહ્યું કે, તરત જ જવાબ આપી દેનારા બધા નવરા નથી હોતા. એને સંબંધની કદર હોય છે. મને ખબર છે કે, એ બિઝી માણસ છે, પણ આપણામાંથી કોઇનો મેસેજ હોય તો એ જરાયે વિલંબ કર્યા વગર જવાબ આપે છે. આપણને એનું ગૌરવ હોવું જોઇએ. તને ખબર છે, ઘણા લોકો પાસે સમય હોવા છતાં એ પોતાનું ઇમ્પોર્ટન્સ જતાવવા માટે મોડા જવાબ આપે છે. ઘણી વખત આપણે કોઇને મેસેજ કરીએ અને એણે કલાકો કે દિવસો સુધી મેસેજ જોયો જ ન હોય, ગ્રીન લાઇન આવી જ ન હોય ત્યારે આપણને જ એવું થાય છે કે, એની પાસે તો મેસેજ જોવાનીયે ફુરસદ નથી. કોણ જાણે પોતાની જાતને શું સમજે છે? આપણે હર્ટ થઇએ છીએ.
લોકો હવે કામ હોય ત્યારે જ યાદ કરવા લાગ્યા છે. તમે માર્ક કરજો, તમને એવા કેટલા મેસેજ આવે છે જેમાં લખ્યું હોય કે, એમ જ તારી યાદ આવતી હતી એટલે તને મેસેજ કર્યો છે. સંબંધ સાચો અને સક્ષમ હોય ત્યારે અમુક અવસરે અમુક લોકો યાદ આવ્યા વગર નથી રહેતા. એક છોકરીની આ વાત છે. એ દરિયાકિનારે ફરવા ગઇ હતી. ખૂબ જ સુંદર વાતાવરણ હતું. તેને પોતાના મિત્રો યાદ આવી ગયા. તેને થયું કે, બધા અહીં સાથે હોઇએ તો કેવી મજા આવે! તેને થયું કે, ચાલ બધાને ગ્રૂપ વીડિયો કોલ કરું. તેણે કોલ કર્યો. બધાએ ઉપાડ્યો, પણ જે સૌથી અંગત મિત્ર હતો તેણે જ ફોન રિસીવ ન કર્યો. બધાને વીડિયોમાં દરિયાનાં સુંદર દૃશ્યો બતાવ્યાં. બધાને ગમ્યું. ફોન પૂરો થયો પછી તેને વિચાર આવ્યો કે, મારો સૌથી ખાસ દોસ્ત તો હતો જ નહીં. કદાચ કોઇ કારણોસર ફોન નહીં લઇ શક્યો હોય. તેણે વીડિયો ઉતારીને પોતાના મિત્રને વોટ્સએપ કર્યો. તેના મિત્રએ એ વીડિયો જોઇને કહ્યું કે, હું એક જગ્યાએ ફસાયેલો હતો, વીડિયો કોલ લઇ શકું એમ નહોતો. મને થતું હતું કે, હું કંઇક મિસ કરીશ. તેં વીડિયો મોકલ્યો એ ગમ્યું અને ખાસ તો તેં સરસ જગ્યાએ બધાને યાદ કર્યા એનાથી ખૂબ સારું લાગ્યું. આપણને સારું લાગે તો પણ ઘણી વખત આપણે કહેતા નથી. તમારા માટે કોઇ કંઇ કરે ત્યારે તમે શું કરો છો? આપણે મોટા ભાગે થેંક્યૂ કહીને વાત પૂરી કરી દઇએ છીએ. ક્યારેક થોડા વધુ વ્યક્ત થઇ જોજો, કહેજો કે, મને બહુ સારું લાગ્યું છે, ખૂબ ગમ્યું છે, તારી લાગણીની મને કદર છે. હું નસીબદાર છું કે તારા જેવી વ્યક્તિ મારી જિંદગીમાં છે. આપણી પાસે ઘણી વખત આપણને પ્રેમ કરતા હોય એવા લોકો હોય છે એટલે આપણને એની કદર કે અહેસાસ નથી હોતો. જેની પાસે એવા લોકો ન હોય એને પૂછી જોજો કે, કોઇ યાદ કરવાવાળું કે રાહ જોવાવાળું ન હોય ત્યારે કેવું લાગે છે? એક યુવાનની વાત છે. તેણે પોતાના મિત્રને કહ્યું કે, મારી પાસે બે-ત્રણ ઘર એવાં છે જ્યાં હું કોઇ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર ગમે ત્યારે જઇ શકું છું. મને આવકાર જ મળે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું નસીબદાર છે. મારી પાસે તો એવું એકેય ઘર નથી જ્યાં પહોંચીને હું સીધા ટકોરા મારી શકું. તમારી પાસે આવું ઘર, આવા સંબંધો છે? જો હોય તો એને જતનથી સાચવી રાખજો. બધાના નસીબમાં એવા લોકો હોતા નથી. સારા સંબંધો એ સારા નસીબની નિશાની છે. એ નિશાની જરાયે ઝાંખી ન થાય એ જોવાની જવાબદારી પણ આપણી જ હોય છે.
છેલ્લો સીન :
હોંકારો ન મળે ત્યારે ઘણી વખત સાદ દીધાનો પણ અફસોસ થતો હોય છે. એવું થાય કે, આના કરતાં તો બોલાવ્યા જ ન હોત તો સારું હતું. ઘણાને બોલાવવા જેવા હોતા નથી અને ઘણાને વતાવવા જેવા હોતા નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 29 જૂન, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
