આપણી સંવેદનાઓ કેમ થોડીક ઝણઝણીને
પાછી હતી એવી ને એવી થઇ જાય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કેટલીક ઘટનાઓ સાથે આપણને કંઇ લાગતુંવળગતું ન હોય
છતાં એ આપણને પીડા અને વેદના આપી જતી હોય છે.
કેટલાક બનાવો જીવનમાં પરિવર્તન લઇ આવે છે!
———–
આપણી આજુબાજુમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે, જે આપણા સહુ ઉપર બહુ ઘેરી અને લાંબી અસરો છોડી જાય છે. ગમે એટલો સમય જાય છતાંયે એ ભુલાતી નથી. વિમાન દુર્ઘટનાની આવી જ એક કરુણ ઘટનાના આપણે સહુ સાક્ષી બન્યા. પ્લેન ક્રેશનાં કેટલાંયે દૃશ્યો હજુ આપણી સામેથી ખસતાં નથી. જે લોકો વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા એ તમામેતમામની કોઇ ને કોઇ કથા હતી. કોઇ શુભ પ્રસંગે આવ્યું હતું તો કોઇ સ્વજનને મળવા લંડન જતું હતું. કેટલાકે પોતાના પરિવારજનોને સરપ્રાઇઝ આપવી હતી, તો કેટલાકને આ ટ્રિપ યાદગાર બનાવવી હતી. વિમાનમાં હતા એમાંથી એકને બાદ કરતાં તમામ લોકોએ તો જીવ ગુમાવ્યા જ, તરવરિયા તબીબો અને બીજા લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. આ વિશેની વાતો હજુયે યાદ આવે ત્યારે આઘાતનો આંચકો અનુભવાય છે. આ એવી ઘટના હતી જેણે તમામેતમામ લોકો પર નાની-મોટી અસર છોડી છે. મોટાભાગના લોકોને આ ઘટના સાથે સીધી રીતે કંઇ લાગતુંવળગતું નહોતું. એનું કોઇ સ્વજન વિમાનમાં નહોતું, તો પણ શોકની કાલિમા છવાઇ ગઇ હતી. અમદાવાદની એક સોફ્ટવેર ઓફિસની આ વાત છે. એ ઓફિસના એક કર્મચારીએ કહ્યું કે, વિમાન દુર્ઘટનાની ખબર પડી એ પછી કોઇનો કામમાં જીવ જ નહોતો લાગતો. કોઇ કંઇ વાત પણ કરતું નહોતું. જાણે ઓફિસમાં કોઇ ખરાબ ઘટના બની હોય એવું વાતાવરણ છવાઇ ગયું હતું. માત્ર આ એક ઓફિસની વાત નથી, બધાના મોઢે એ વાત સાંભળવા મળતી હતી કે, જ્યારથી આ વિમાન દુર્ઘટનાની ખબર પડી છે ત્યારથી ક્યાંય મજા જ નથી આવતી.
વિમાન દુર્ઘટના બાદની એક સાવ સાચી ઘટના છે. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ હતી. પ્રોબ્લેમ બહુ મોટો નહોતો, પણ વાત વટે ચડી ગઇ હતી. પ્લેન ક્રેશ બાદ પતિએ નક્કી કર્યું કે, મારે કોઇ ઝઘડામાં પડવું નથી. તેણે સામેથી પત્નીનો સંપર્ક કરીને કહ્યું, ચાલ આપણે શાંતિથી સાથે રહીએ. તેં જોયુંને, જિંદગીનો કોઇ ભરોસો નથી. ઘડીકમાં ન થવાનું થઇ જાય છે. આપણે ખોટી જીદ પકડીને બેસીએ છીએ અને આપણી જિંદગી બરબાદ કરીએ છીએ. પત્નીને પણ આ વાત સાચી લાગી. બંને સાથે રહેવા લાગ્યાં. પ્લેન ક્રેશ બાદ બધાને એક વિચાર તો આવ્યો જ હશે કે, જિંદગીનું કંઇ નક્કી હોતું નથી. આમ તો આપણને બધાને આ વાતની ખબર હોય જ છે કે, ક્યારે શું થશે એનો કોઇ અંદાજ હોતો નથી. જ્યારે આપણે નરી આંખે આવું જોઇએ છીએ ત્યારે જ સાચી સ્થિતિનું ભાન થાય છે.
વિમાન દુર્ઘટનામાં માત્ર એક યુવાન બચ્યો. એ ઘટના ચમત્કારથી જરાયે કમ નથી. બચ્યો તો ખરો જ, આરામથી ચાલીને નીકળ્યો. આ ઘટના વિશે દરેક લોકોના મોઢે એ જ વાત હતી કે, ભગવાને બચાવવા જ હોય તો ગમે તે રીતે બચાવે છે. આપણે એવી ઘણી રીલ્સ સોશિયલ મીડિયા પર જોઇએ છીએ કે, માત્ર એક ક્ષણથી કોઇ વ્યક્તિ બાલ બાલ બચી ગઇ હોય. પ્લેન ક્રેશની નાની-નાની વાતોમાં પણ લોકોને રસ પડતો હતો, એનું કારણે એ જ છે કે, માણસ એ ઘટના સાથે સીધો કનેક્ટ થતો હતો. એમાંયે જેણે પોતાના નજીકના કે જાણીતા લોકોને ગુમાવ્યા છે એના માટે તો આ ક્યારેય ન ભુલાય એવી ઘટના સાબિત થવાની છે.
માણસ સંવેદનશીલ છે. આવી ઘટનાની ગંભીર અસર થાય એ વાત સાબિત કરે છે કે, આપણામાં સંવેદનાઓ જીવે છે. સંવેદના વિશે એટલે જ એવું કહેવું પડે કે, જ્યારે આપણને કંઇ વાગે એને પીડા થાય એ વેદના છે, જ્યારે બીજા કોઇને કંઇ થાય અને તેની વેદના આપણને થાય એ સંવેદના છે. દોડતું બાળક પડી જાય ત્યારે એ આપણું કોઇ સગું ન હોવા છતાં આપણો હાયકારો નીકળી જાય છે. આપણે તેને ઊભું કરવા દોડી જઇએ છીએ અને તેને રડતું બંધ કરવા પટાવીએ છીએ. બહુ ઓછા એવા લોકો હોય છે જેને કોઇ વાતથી કંઇ ફેર પડતો નથી. કોઇનું ખરાબ થતું જોઇને જેને વેદના નથી થતી એવા લોકોને આપણે જડ અને લાગણી વગરના કહીએ છીએ. એવા લોકો વિશે પણ તમે માર્ક કરજો. એને કોઇની પીડા, દર્દ કે વેદના સ્પર્શતા નથી, પણ એ લોકો કોઇને ખુશ કે સુખી જોઇને ઇર્ષા કરતા હોય છે! જ્યારે પોતાના પર કંઇ આવી પડે ત્યારે એ બધા પાછા ગરીબડાં પણ થઇ જતાં હોય છે.
સાયકોલોજી એવું કહે છે કે, માણસ સરવાળે સંવેદનશીલ છે. એને દરેક વાતની અસર થવાની જ છે. માણસનો સૌથી મોટો એક પ્રોબ્લેમ પણ છે. સમય પસાર થાય એટલે આવી ઘટનાઓની અસર ઓછી થઇ જાય છે. ધીમે ધીમે માણસ હતો એવો ને એવો થઇ જાય છે. એક રીતે જોવા જઇએ તો એ સ્મશાન વૈરાગ્ય જેવું જ હોય છે. થોડીક વાર ભાન થાય છે, ડહાપણ પણ સૂઝે છે, માણસ થોડોક સારો પણ થાય છે, પણ એ લાંબું ટકતું નથી. એનો એક બીજો પણ રસપ્રદ કિસ્સો છે. એક ગામમાં એક વ્યક્તિનું મોત થયું. મૃત્યુ પામ્યો એ બહુ સારો માણસ હતો. બધાનું ભલું કરતો. લોકો માટે ઘસાઇ છૂટતો. તેની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. તેના મૃત્યુથી તેની પત્ની અને બે સંતાનોનું કોણ પૂરું કરશે એ સવાલ પેદા થયો. બધાએ કહ્યું કે, આપણે સાથે મળીને એના પરિવાર માટે કંઇક કરવું જોઇએ. બધાએ એવું નક્કી કર્યું કે, આપણે ચોક્કસ રકમ કાઢીને તેની પત્નીના નામે ફિક્સ મૂકી દઇએ. એના વ્યાજમાંથી ઘર ચાલે એવી વ્યવસ્થા કરીએ. આ વાત નક્કી થઇ ત્યારે જે બધી વ્યવસ્થા સંભાળવાનો હતો એ માણસને એક વડીલે કહ્યું કે, આજે ને આજે બધા પાસેથી રૂપિયા લઇ લેજે. થોડોક સમય જશે તો કોઇ નહીં આપે. થયું પણ એવું જ, કેટલાક લોકોએ કહ્યું હતું કે, અમે આપીશું, પણ તેણે છેક સુધી આપ્યા જ નહીં. આપણી લાગણીઓ ઘડીકમાં ઓસરી જાય છે. જિંદગી પણ આપણને ઘણી વખત સારા પાઠ શીખવે છે, પણ સમય જતાં આપણે એ પાઠ કાં તો ભૂલી જઇએ છીએ અને કાં તો તેને નજર અંદાજ કરીએ છીએ.
કોરોનાનો સમય સહુના માટે સૌથી મોટું ઉદાહરણ છે. કોરોનાએ દરેક દરેક વ્યક્તિની જિંદગીને અસર કરી હતી. બધા લોકોએ ઘરમાં પુરાઇ રહેવું પડ્યું હતું. નરી આંખે ન દેખાતા વાઇરસે માણસજાતની હાલત બગાડી નાખી હતી. ઓક્સિજન વગર તરફડતા લોકોને આપણે સહુએ જોયા છે. સ્વજનોને શાંતિથી વિદાય પણ આપી શકાઈ નહોતી. છેલ્લી વખત મોઢું પણ જોઇ શકાતું નહોતું. માસ્ક પહેરીને ફરતો માણસ સતત ફફડતો રહેતો હતો. જિંદગીની વાસ્તવિકતા બધાને સારી પેઠે સમજાઇ ગઇ હતી. જિંદગી કેવી ક્ષણભંગુર છે એની બધાને સમજ પડી ગઇ હતી. એ વખતે કહેવાતું હતું કે, કોરોના માણસની જિંદગીને બદલી નાખશે. થયું શું? બહુ ટૂંકા ગાળામાં બધા જ લોકો બધું જ ભૂલી ગયા.
દુનિયાની વાત કરીએ તો બે-બે મોટાં યુદ્ધના કારણે લાખો લોકોનાં મોત થયાં છે. લાખો લોકો ઘરબાર વગરના થઇ ગયા છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારના લોકો પાસે ખાવા માટે અનાજ નથી અને પીવા માટે પાણી નથી. ઇજાગ્રસ્તોની સારવાર માટે દવા નથી. યુદ્ધમાં એક પક્ષ જીતે છે અને બીજો પક્ષ હારે છે, પણ ફના બંને થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, છેલ્લે મરો તો સામાન્ય માણસનો જ થાય છે. એવા લોકો જેને પોતાના નાનકડા પરિવાર સાથે શાંતિથી જીવવું છે. જેને કોઇ ઝઘડા કે વિવાદમાં પડવું નથી. કોઇ વાંકગુનો ન હોવા છતાં નિર્દોષ લોકો ભોગ બનતા રહે છે. યુદ્ધની ઘટનાઓ પણ માણસને અસરો કરી જાય છે.
જેને જિંદગી જીવતા શીખવું હોય તેને પ્લેન ક્રેશ જેવી ઘટનાઓ ઘણું શીખવી જતી હોય છે. જિંદગી જીવવા માટે છે. આપણે ખરેખર કેવું અને કેટલું જીવતા હોઇએ છીએ? તમને પણ જો આ અને આવી ઘટનાથી કંઇ થયું હોય તો એને તમારી અંદર જીવંત રાખજો. ભૂલી ન જતા. જિંદગી પર નજર રાખજો અને ચેક કરતા રહેજો કે, હું ખરેખર જે રીતે જીવવું જોઇએ એ રીતે જીવું તો છુંને?
—————-
પેશ-એ-ખિદમત
ચલે તો રાહ મેં ચુભને લગે થે સન્નાટે,
રુકે તો શોર સા અંદર સુનાઈ દેતા હૈ,
અલગ શા શોર જો અપને હી ઘર મેં સુનતે હો,
નિકલ કે દેખો તો ઘર ઘર સુનાઈ દેતા હૈ.
– મોહમ્મદ અસદુલ્લાહ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 જૂન, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
