હવે મને તારા પર જરાયે ભરોસો નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે મને તારા પર

જરાયે ભરોસો નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી,

રૂપાળું એક નામ, હવે બોલવું નથી,

લ્યો સામા પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ,

શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

-સૈફ પાલનપુરી

દરેક સંબંધ શ્રદ્ધાના પાયા પર ટકેલા હોય છે. ભરોસો એ સંબંધની સૌથી પહેલી શરત હોય છે. ભરોસો તૂટે ત્યારે સંબંધનું સત્વ ખૂટી જાય છે. માણસ હવે નાની નાની વાતોમાં વોચ રાખતો થઇ ગયો છે. કોણ શું કરે છે? ક્યાં જાય છે? કોની સાથે વાત કરે છે? શું વાત કરે છે? શા માટે વાત કરે છે? એનો ઇરાદો શું છે? આપણે એટલા બધા શંકાશીલ થઈ ગયાં છીએ કે આપણને દરેક માણસ રમત કરતો હોય એવું લાગે છે. કોઇ કંઇ બોલે તો પણ આપણે એનો અર્થ તારવવાની મથામણ કરવા લાગીએ છીએ. કોઇ સાથે સંવાદ ચાલતો હોય ત્યારે પણ આપણામાં એક અજાણ્યું ‘લાઇ ડિટેક્ટર’ ચાલુ થઇ જાય છે. એ સાચું બોલે છે કે નહીં? ટોનના આરોહ-અવરોહ પર આપણે નજર રાખવા લાગ્યાં છીએ. માપવાનું શરૂ થાય ત્યારે પામવાનું બંધ થાય છે. સંબંધોમાં સૌથી મોટું સંકટ શંકાના કારણે સર્જાય છે.

એક પતિ-પત્ની હતાં. પતિનું બિહેવિયર પત્નીને કાયમ ભેદી લાગતું. એના કારણે પત્નીને શંકા જતી. કોઇનો ફોન આવે તો પતિ કહે નહીં કે કોનો ફોન હતો, જવાબ પણ એવી રીતે આપે કે સમજાય જ નહીં કે વાતનો વિષય શું હતો? પત્નીને એવા સવાલો થાય કે શું વાત હશે? એક વખત બંને બેઠાં હતાં. પતિનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર નંબર જોઇને પતિએ ફોન કાપી નાખ્યો. પત્નીના મનમાં ફરીથી શંકાનો કીડો સળવળ્યો. કોનો ફોન હશે? કેમ એણે કાપી નાખ્યો હશે? મારી સામે વાત કરવી નહીં હોય? એ પતિને પૂછી શકતી નહોતી. એને એવું પણ લાગવા દેવું નહોતું કે એ શંકા કરે છે. પતિ થોડી વારમાં ઊભો થઇને એક કાગળ લેવા માટે બીજા રૂમમાં ગયો. પત્નીથી ન રહેવાયું. એણે પતિનો ફોન ઉપાડી એ જોવાનો પ્રયાસ કર્યો કે, કોનો ફોન હતો? પત્ની ફોન જોવા ગઇ, પણ ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ હતો. પત્ની જોતી હતી, ત્યાં જ પતિ આવી ગયો. પત્ની હાંફળી-ફાંફળી થઈ ગઈ. પતિએ બહુ સલુકાઇથી કહ્યું, ‘તારું નામ જ મારો પાસવર્ડ છે. ખોલી લે.’ તેણે પ્રેમથી કહ્યું કે, ‘માર્કેટિંગ કંપનીનો નકામો ફોન હતો. સ્પામ લખેલું આવ્યું હતું એટલે મેં ફોન કાપી નાખ્યો હતો.’ તેણે ફોન હાથમાં લઇને પાસવર્ડનું પ્રોટેક્શન જ હટાવી દીધું. પત્નીને કહ્યું કે, ‘તારે જ્યારે મારો ફોન જોવો હોય ત્યારે જોઈ લેજે. મારી સામે જુએ તો પણ મને વાંધો નથી. શંકા થાય ત્યારે કંઇ પૂછવું હોય તો પણ પૂછી લેજે. બાકી આમ મનમાં ને મનમાં શંકા રાખીને જીવતી નહીં! શંકા જ રાખતી રહીશ તો સંબંધોને માણી જ નહીં શકે!’

પ્રેમ અને દાંપત્યને સોળે કળાએ જીવવા અને માણવા માટે એટલો ભરોસો હોવો જરૂરી છે કે, મારી વ્યક્તિ મારી જ છે. આપણે એવું માનતાં નથી, પણ એની ખાતરી કરવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ કે, મારી વ્યક્તિ મારી જ છે ને? એનો પગ ક્યાંય બીજે લપસી નથી ગયો ને?  એ જાણવા માટે એના હાથે થતું ચેટિંગ તપાસતાં રહીએ છીએ! એક કપલની આ વાત છે. પતિ એની પત્નીનો ફોન ચેક કરતો રહે. એની સામે જ રોજેરોજ કોની સાથે ચેટ કરે છે, કોના સંપર્કમાં છે, કોની સાથે કેટલી મિનિટ વાત કરી એ પણ ચેક કરી લે. એક વખત પત્નીએ પતિને પૂછ્યું, ‘તું શા માટે આવું કરે છે?’ પતિએ કહ્યું, ‘હું તારા માટે બહુ પઝેસિવ છું!’ પત્નીએ તરત જ કહ્યું, ‘તું પઝેસિવ નથી, પણ શંકાશીલ છે. પઝેસિવ હોવું અને શંકાશીલ હોવામાં બહુ મોટો ફરક છે. પ્રેમના નામે શંકા કરવી એ તો વધુ ખરાબ છે. સાચું પઝેશન શ્રદ્ધાથી જ સાર્થક થાય છે. હવે તો લોકો દોસ્તી રાખતાં પહેલાં કે સંબંધ બાંધતાં પહેલાં પણ સોશિયલ મીડિયામાં એકબીજાની પ્રોફાઇલ ચેક કરી લે છે! હવે બંધાતા નવા સંબંધો ભૂતકાળ ભેગો લઈને આવે છે. સોશિયલ મીડિયા પર ચીતરાયેલી વોલ પરના ચહેરાઓ જોવાય છે અને સંબંધો વિશે અનુમાનો બાંધી લેવાય છે!

ટેક્નોલોજીએ માણસને વધુ શંકાશીલ બનાવી દીધો છે. હવે તો માણસ ફોન પર પણ ખુલ્લા દિલે વાત કરતા ગભરાય છે. ક્યાંક એ મારો ફોન રેકોર્ડ કરતો હશે તો? વાત કરતી વખતે શબ્દો વીણી-વીણીને શોધવા પડતાં હોય ત્યારે શબ્દોમાં સંવેદનાને બદલે શંકા જ સર્જાવાની! ક્યારે શું લીક થઇ જાય એની બીક બધાંને લાગવા માંડી છે. સ્ક્રીનશોટથી માંડીને વોઇસ ક્લિપનો પણ હવે શસ્ત્રની જેમ ઉપયોગ કરવામાં આવે છે. અમુક વખતે કોઇ ફોટો પડતો હોય ત્યારે પણ એવો સવાલ ઊઠે છે કે, ‘આ ફોટો અપલોડ થશે ત્યારે તેનાં કેવા મતલબો કાઢવામાં આવશે? આપણો ફોટો હોય ત્યારે પણ કેટલાક લોકોને અપલોડ કર્યા પહેલાં કાપી નાખવામાં આવે છે.

આપણને કોઇ કોઇનો રેકોર્ડેડ કોલ સંભળાવે ત્યારે આપણે એવો વિચાર કરીએ છીએ કે, આ આપણો પણ રેકોર્ડ કરતો હશે? અગાઉના સમયમાં જ્યારે કાગળ-પત્રથી બધું કમ્યુનિકેશન ચાલતું હતું ત્યારે કોઇનો લેટર કોઇ છૂપી રીતે વાંચે તો એવું કહેવાતું કે, કોઇનો લેટર વાંચવો એ પાપ છે! કોઇનો લેટર વંચાય નહીં! આજે કોઇ એવું નથી કહેતું કે, કોઇનો ફોન જોવો, કોઇનો ફોન રેકોર્ડ કરવો, કોઇનો સ્ક્રીનશોટ લેવો, તેને વાઇરલ કરવો એ પાપ છે. પાપ તો દૂરની વાત છે. હવે લોકો એને અનૈતિક પ્રવૃતિ પણ નથી ગણતાં. શંકા જ્યારે સાર્વત્રિક થઇ જાય ત્યારે પુરાવા ભેગા કરવાની વૃત્તિ જ કામ કરવા લાગે છે. તમારા મોબાઇલમાં કોના કેટલા પુરાવાઓ છે? તમે એવું વિચારીને કેટલું સંગ્રહી રાખ્યું છે કે, કોઇક દિવસ કામ લાગશે? સોશિયલ મીડિયાના પણ સંસ્કારો હોય છે. અંગત મિત્રો અને સાથે કામ કરતાં કલીગ પણ જ્યારે સંભાળી-સંભાળીને વાત કરે, ત્યારે ઘણી વખત વેદના ઘેરી વળે છે. બે મિત્રોની આ વાત છે. બંને સાથે ભણ્યા, સાથે મોટા થયા અને સાથે એક જ ઓફિસમાં કામે વળગ્યા. ઓફિસની કોઇ મહત્ત્વની વાત હોય તો બંને ખુલ્લા દિલે વાત કરતા. ધીમે ધીમે દોસ્તીમાં પણ ઓફિસનું પોલિટિક્સ ઉમેરાઇ ગયું. એક મિત્ર સંવેદનશીલ હતો. પોતાનો અંગત દોસ્ત જાળવી-જાળવીને વાત કરવા લાગ્યો ત્યારે એને દોસ્તીમાં કંઇ સુકાઇ ગયું હોય એવું લાગ્યું. હદ તો ત્યારે થઇ જ્યારે મિત્ર ફોન રેકોર્ડ ન કરે એ માટે એ વોટ્સએપ કોલ કરવા લાગ્યો. મિત્રથી આ સહન ન થયું. એક વખત વોટ્સએપ કોલની જ ઓડિયો ક્લિપ તેણે પોતાના ફ્રેન્ડને મોકલી. તેના મિત્રએ પૂછ્યું, ‘આ વાત તો મેં વોટ્સએપ કોલ પર કરી હતી. રેકોર્ડ કેવી રીતે થઇ?’ તેના મિત્રએ કહ્યું કે, ‘દોસ્ત, તેં જ્યારે વોટ્સએપ કોલ કર્યો ને ત્યારે મેં ફોન સ્પીકર પર રાખીને બીજા ફોનથી રેકોર્ડ કરી લીધું. આ એટલા માટે કર્યું કે તું આવું ન કર, ક્યાં ગયો આપણો એકબીજા પરનો ભરોસો? ક્યાં ગઈ એ નિખાલસતા? પ્રેમ હોય, દોસ્તી હોય કે બીજો કોઇ પણ સંબંધ હોય એમાં શંકા ઉમેરાઇ, તો સંબંધનું પોત નબળું જ પડવાનું છે. સંબંધોમાં શ્રદ્ધા રાખો. વિશ્વાસ અને વફાદારી હશે તો જ સંબંધ ટકશે. વફાદારીની ઇચ્છા રાખતી વ્યક્તિએ એ પણ વિચારવું જોઇએ કે, હું પણ એટલો વફાદાર છું ને? રમત રમવાની શરૂઆત થાય ત્યારે એકની હાર અને એકની જીત થાય છે, પ્રેમમાં અને સંબંધમાં એકે નહીં, બંનેએ જીતવાનું હોય છે એટલે રમત રમવી ન જોઇએ!

છેલ્લો સીન :

માફ કરવું એ મહાનતા છે, છતાં વારંવાર હર્ટ કરીને માફી માંગનાર વિશે વિચારવું તો પડે જ!                                 –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 જુલાઇ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *