દુ:ખી થવું ન હોય તો `ના’ કહેતાં શીખી જજો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દુ:ખી થવું ન હોય તો
`ના’ કહેતાં શીખી જજો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, એ જ્યાં ના
પાડવાની હોય ત્યાં ના પાડી શકતા નથી.
બે આંખની શરમ ક્યારેક ભારે પડી જતી હોય છે!


———–

જિંદગીમાં સમસ્યા, ઉપાધિ, ચિંતા, દુ:ખ અને તણાવનું એક સૌથી મોટું કારણ કયું છે એ ખબર છે? ના પાડવાની હોય ત્યાં હા પાડી દેવી અને હા પાડવાની હોય ત્યાં ના પાડી દેવી! માણસ ક્યારેક ભોળવાઇ જાય છે અને ક્યારેક ભાવુક થઇ જાય છે. ક્યારેક દયા ખાઇને તો ક્યારેક સારા થવામાં માણસ ના કહેતા નથી અને પછી એવા ફસાઈ જાય છે કે, હાલત ખરાબ થઇ જાય! આપણા બધાની લાઇફમાં એવી ઘટના બની જ હોય છે જ્યારે આપણને એવો વિચાર આવ્યો હોય કે, આના કરતાં તો ના પાડી દીધી હોત તો સારું હતું! ઘણા લોકો સાથે એ ઇશ્યૂ હોય છે કે એ લોકો ના કહી શકતા જ નથી. એને ખબર હોય કે, મને ટ્રેપમાં લેવામાં આવી રહ્યો છે, મારી હાલત ખરાબ થવાની છે, તો પણ એ ના પાડી શકતા નથી. આ દુનિયામાં એવા ચાલાક અને બદમાશ લોકો છે જે આવા એટલે કે ના ન પાડી શકે એવા લોકોને જ શોધતા હોય છે. એનું પોતાનું કામ એ બીજાના ગળે આસાનીથી પરોવી દે છે. અમુક એવા લોકોને પણ તમે ઓળખતા જ હશો જે ખો આપવામાં માહેર હોય છે. એ પોતાનું કામ બીજાને પાસ કરી દે છે અને પોતે આરામથી બેઠા રહે છે. એવા લોકોને તમે કંઇ કામ સોંપો તો એ તરત જ કહી દેશે કે, એ આપણને નહીં ફાવે!
કોઇ તમારી પાસે રૂપિયા ઉછીના માંગે ત્યારે તમે ના પાડી શકો છો ખરા? મોટા ભાગના લોકો રૂપિયા ઉછીના આપ્યા પછી પસ્તાતા હોય છે. ઉછીના આપેલા રૂપિયા માંગવા જઇએ ત્યારે ઉછીના લેનાર લોકો કોઈ પણ જાતના હિચકિચાટ વગર ના પાડી દે છે કે, હમણાં મેળ પડે એમ નથી, થોડોક સમય જાળવી જાવને! એક વખત લઇ ગયા હોય, પાછા ન આપ્યા હોય અને એ માણસ ફરીથી રૂપિયા માંગે ત્યારે પણ ઘણાં લોકો ના પાડી શકતા નથી! ના ન પાડી શકતા લોકો જુદી જુદી રીતે પોતાનો બચાવ પણ કરતા હોય છે. એવું કહે છે કે, એને બિચારાને જરૂર હશે! એટલા રૂપિયામાં આપણે ક્યાં ગરીબ થઇ જવાના છીએ! આ અને આવી દલીલો કરે છે, એ એવું કબૂલતા નથી કે મારાથી ના પાડી શકાતી નથી. ના પાડવી એ એક આર્ટ છે. ઘણા લોકોને એ કલા હસ્તગત હોય છે. એટલી સિફતથી અને સારા શબ્દોમાં એ ના પાડશે કે સામેની વ્યક્તિને જરાયે ખરાબ ન લાગે. ના પાડવામાં જો હાર્શ થઇ જઇએ તો સંબંધ પર જોખમ ખડું થઇ જાય છે. સલુકાઇથી ના પાડવાનું કહેવામાં આવે છે પણ એવી સલુકાઇ કાઢવી ક્યાંથી? સલુકાઇ ન આવડે તો પણ સ્પષ્ટપણે ના પાડતા તો આવડવું જ જોઇએ. દયા પણ જ્યાં ખાવાની હોય ત્યાં જ ખાવી જોઈએ. કોઈ ક્રાઇમ કરવામાં મદદ માંગે ત્યારે તેની દયા ન ખાવાની હોય કે તેને મારી જરૂર છે એટલે મારાથી ના કેવી રીતે પડાય! ના ન પાડીએ તો જેલમાં જવાનો વારો આવે!
ના કહેવા વિશે અમેરિકામાં હમણાં એક અભ્યાસ થયો હતો. ના કહેતાં ન આવડવું એ પ્રોબ્લેમ આખી દુનિયામાં છે. અમેરિકાના નિષ્ણાતો કહે છે કે, કેટલીક માનસિકતા વૈશ્વિક હોય છે. અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વેનિસા બોન્સ કહે છે કે, ના પાડતા કેટલાંક લોકો ડરતા હોય છે. હું ના પાડીશ તો એને કેવું લાગશે? હું ના પાડીશ તો મને નબળો સમજી લેશે! હું ના પાડીશ તો મારી સાથે સંબંધ તોડી નાખશે! મારા વિશે જુદી જ ધારણા બાંધી લેશે! આ અને આવા કેટલાંય ડર લોકોને સતાવતા હોય છે. આવા બધા જ ભય અને ભ્રમ દરેક વ્યક્તિએ પોતે જ ભાંગવા પડતા હોય છે. જિંદગીમાં એક વાત પણ યાદ રાખવા જેવી હોય છે કે, આપણે બીજા માટે નથી, આપણે સૌથી પહેલાં પોતાના માટે છીએ. અંગત હોય, પોતાના હોય, સ્વજન હોય એના માટે થાય એ બધું કરી છૂટવું જોઇએ એ વાત સાચી પણ કોઇ આપણો ઉપયોગ ન કરી જાય એની પણ સાવચેતી રાખવાની જરૂર હોય છે.
ના પાડવાની સાથે ક્યાં હા પાડવી એ સમજવાની પણ એટલી જ જરૂર હોય છે. કેટલાંક કિસ્સાઓમાં ના ન પાડવી અને હા પાડવી જરૂરી હોય છે. એ કિસ્સાઓ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. કેટલીક ઘટનાઓ વખતે આપણું દિલ જ આપણને કહેતું હોય છે કે, મારે આમ કરવું જોઇએ, આ મારી ફરજ છે, હું આનાથી ભાગી ન શકું. દિલ આવું કહે ત્યારે ના પાડવાનો કોઈ અર્થ નથી હોતો. ક્યારેક એવું પણ થાય છે કે, હા પાડતા પડાઇ ગઇ હોય અને પછી એવું થતું હોય કે મારાથી ભૂલ થઇ ગઇ છે. આવા કિસ્સામાં પણ મેળ પડ્યે ના પાડી દેવી જોઇએ. બહુ સહજતાથી કહી દેવાનું કે, મારાથી કહેવાઇ ગયું હતું પણ હું કરી શકું એમ નથી. આપણું દિલ આપણને કહી જ દેતું હોય છે કે, શેમાં પડવું અને શેમાં ન પડવું. દિલની વાત માનવી જોઇએ. દિલ જો ના કહે તો દૂર રહેવામાં માલ હોય છે. કોઇની શરમમાં તો હા ન જ પાડવી. ઘણા લોકો કારણ વગરના ખેંચાતા હોય છે. તમે કૂચે મર્યા રાખો અને કોઈ નોંધ સુધ્ધાં ન લે એ તો કોઈ હિસાબે વાજબી નથી!
ના પાડતી વખતે પણ નબળા પડવાથી કે નબળા દેખાવાથી દૂર રહો. જ્યારે ના પાડતા હોવ ત્યારે પણ આંખમાં આંખ પરોવીને દૃઢતાપૂર્વક ના પાડો, તમારી છાપ એવી જ પડવી જોઇએ કે તમે તમારી વાતમાં અને તમારા નિર્ણયમાં સાચા છો. ના પાડીને તમે કંઈ ખોટું કરતા નથી કે પાપ કરતા નથી. વાજબી ન લાગે તો ના પાડી દેવાની. પહોંચી શકાય એમ ન હોય તો ના પાડી દેવાની. પ્રોફેસર વેનિસા બોન્સ કહે છે કે, દરેક વાતમાં તરત જ હા કે ના પાડી દેવાથી પણ બચવું જોઇએ. જવાબ દેવામાં ઉતાવળ કરવી ન જોઇએ. હું વિચારીને કહું છું, આના માટે મારે થોડો સમય જોઇશે, મને નક્કી કરવા દો, એવું કહીને તમે સમય માંગી શકો છો અને જે વાત હોય તેની સારી અને નરસી બાજુઓ વિચારી શકો છો. ઘણી વખતે આપણે ભાવાવેશમાં આવીને હા પાડી દઇએ છીએ. આમ તો એવું કહેવાતું રહ્યું છે કે, ખૂબ ખુશ હોઇએ ત્યારે કોઇ વાતનું વચન આપવું અને ખૂબ ગુસ્સે હોઇએ ત્યારે કોઇ વાતની ના ન પાડી દેવી. એમ તો એવું પણ કહેવાય છે કે, નેવર સે, નેવર અગેઇન. એવું ક્યારેય કહેવું નહીં કે, હવે હું આમ કોઇ દિવસ નહીં કહું. આપણે બદલાતા હોઇએ છીએ, સમય પણ બદલાતો હોય છે, માનસિકતા પણ બદલાતી હોય છે. ક્યારે શું કહેવું, ક્યારે શું ન કહેવું, ક્યારે સદંતર મૌન રહેવું, ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી એ જે જાણે છે એ જ જિંદગી સારી રીતે જીવી શકે છે. સ્વાર્થી કે મતલબી બનવાની કોઇ જરૂર નથી, થાય એટલું કરો, બાકી ખોટા હેરાન ન થાવ. એમાંયે કોઈની વાતમાં ન આવી જવાય એની તો ખાસ તકેદારી રાખવાની હોય છે. કેટલાંક લોકો જાળ પાથરીને જ બેઠા હોય છે, તમે હા પાડી કે ગયા. અંગત હોય એવા લોકો સાથે પણ સાવચેતી તો રાખવી જ પડે છે. ના કહેવાથી કદાચ કોઇને થોડું ખોટું લાગે તો ભલે લાગે પણ કોઇને ખોટું ન લાગે એ માટે આપણે હા પાડી દઇએ એ ખોટું જ છે!
હા, એવું છે!
કોઈને કંઈ પ્રોમિસ આપો તો પછી ગમે એ સંજોગોમાં તેની સાથે રહો અને પ્રોમિસ જાળવી રાખો. ધ્યાન પ્રોમિસ આપતાં પહેલાં રાખો. વચન આપતાં પહેલાં પ્લસ માઇનસ પોઇન્ટ્સ વિચારીને ચેક કરો કે ક્યાંક ફસાઈ જવાય એવું તો નથીને? આંખો મીંચીને અપાતાં વચનો ક્યારેક હાલત ખરાબ કરી નાખતાં હોય છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 06 માર્ચ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *