તમારે સફળ થવું છે? આ રહી તેની ફોર્મ્યુલા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમારે સફળ થવું છે?
આ રહી તેની ફોર્મ્યુલા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

નિષ્ફળતા એ બીજું કંઇ જ નથી, માત્ર સફળ થવા માટે
જે પ્રયાસો કરવા જોઇએ તેનો અભાવ છે.
સફળ થવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની
અને તેને પ્રામાણિકતાપૂર્વક ફોલો કરવાની હોય છે.


———–

તમે કોઇને પણ પૂછજો કે, તમારે સફળ થવું છે? કોઇ વ્યક્તિ ના નહીં પાડે. બધાને સફળ થવું હોય છે. દરેકની એવી તમન્ના હોય છે કે, મારું નામ હોય, લોકો મને ઓળખે, લોકો મને આદર આપે, હું જ્યાં જાઉં ત્યાં મારી નોંધ લેવાય. માણસને આવી ઇચ્છાઓ હોય એ સ્વાભાવિક છે. આવી ઇચ્છાઓ હોવી જ જોઇએ. એ જ તો સફળ થવાનું પ્રેરકબળ છે. કોઇ પણ સફળતા એમ ને એમ નથી મળતી. એની પાછળ રાત-દિવસ અને લોહી-પાણી એક કરવાં પડતાં હોય છે. જે લોકો નિષ્ફળ જાય છે તેનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ હોય છે કે, સફળ થવા માટે જે કરવું જોઇએ એ તેઓ કરતા નથી. સફળ થવા માટે ક્લેરિટી સૌથી વધુ જરૂરી છે. મનમાં ગાંઠ વાળી લેવી પડતી હોય છે કે, મારે સફળ થવું છે અને સફળ થવા માટે મારે જેટલી મહેનત કરવી પડશે એટલી કરીશ. જરાયે પાછી પાની નહીં કરું. હમણાં સફળ થયેલા લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસથી એ જાણવાનો પ્રયાસ થયો હતો કે, એવાં તે કયાં કારણો છે જે માણસને સફળ બનાવે છે? બધાના અનુભવો પરથી કેટલાંક તારણો કાઢવામાં આવ્યાં છે. તેને સફળતાની ફોર્મ્યુલા પણ કહેવામાં આવે છે.
સૌથી મોખરે છે, સખત મહેનત. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. જે માણસ જેટલી મહેનત કરે છે એટલા ઊંચા મુકામ સુધી પહોંચે છે. મહેનત વગર કોઇ સફળ થયું હોય એવો એકેય કિસ્સો નથી. ઘણા લોકો નસીબની વાત કરે છે. નસીબના મામલામાં પણ એક વાત ધ્યાનમા રાખવા જેવી છે કે, નસીબ પણ તો જ ચમકશે જો મહેનત કરશો. જે આળસુ થઇને પડ્યા રહે છે એનું નસીબ પણ ક્યારેય બેઠું થતું નથી. સખત મહેનત પછી જેની સૌથી વધુ જરૂર પડે છે એ છે, ધીરજ. કોઇ સફળતા રાતોરાત મળતી નથી. સમય લાગે છે. અત્યારના યંગસ્ટર્સનો એક પ્રોબ્લેમ એ છે કે, એને બધું બહુ ઝડપથી જોઇએ છે. આપણામાં કહેવત છે કે, ઉતાવળે આંબા ન પાકે. સફળતાનું પણ એવું જ છે. એક સમય લાગતો હોય છે. સફળ થવા માટે જે કરવું પડે એ કરતા રહો, સમય આવ્યે આપોઆપ સફળતા મળશે. જો ધીરજ ગુમાવી તો સફળતા સરકી જશે.
સફળતા માટે ત્યાગ ખૂબ જ જરૂરી છે. કંઇક મેળવવા માટે કંઇક છોડવું પડતું હોય છે. ઘણી બધી મજા જતી કરવી પડે છે. આપણે વડીલો પાસેથી એવી વાતો સાંભળતા આવ્યા છીએ કે, યુવાનીમાં મહેનત કરી લેશો તો તેનાં ફળ પછી ચાખવા મળશે. યુવાની જો મોજમજા પાછળ વેડફશો તો પછી હેરાનગતિ જ સહન કરવી પડશે. નિષ્ણાતો કહે છે કે, સફળ થવા માટે ટુ ડુ લિસ્ટ બનાવવાની સાથે નોટ ટુ ડુ લિસ્ટ પણ બનાવવું પડે છે. મારે આટલું તો નથી જ કરવાનું. ખોટો સમય નથી બગાડવાનો. અત્યારના સમયમાં સૌથી મોટો ઇશ્યૂ મોબાઇલ ફોનનો છે. સ્ક્રીન ટાઇમને કંટ્રોલમાં રાખતા જેને આવડે છે એને કોઇ વાંધો આવતો નથી. ન કરવા જેવું ન કરીએ તો જ કરવા જેવું કરી શકાય છે. જરાકેય લલચાયા તો ગયા. સફળતા માટેના કોઇ પ્રયત્નો મુલતવી ન રાખો. કાલથી કરીશું કે હજુ તો ઘણો સમય છે એવો વિચાર કર્યા વગર જ મહેનત ચાલુ કરી દેવી પડતી હોય છે.
એ પછી જેનું ધ્યાન રાખવું પડે છે એ છે, સાતત્ય. ઘણા લોકો આરંભે સૂરા હોય છે. થોડોક સમય સુધી લાગી પડે છે પણ પછી ફસકી જાય છે. ક્યારેક વિઘ્નો પણ આવવાનાં છે. સમસ્યાઓ પેદા થવાની છે. એ બધાંનો સામનો કરીને જે કરતા હોઇએ એ કરવું પડે છે. સાતત્ય ખોરવાયું તો સફળતાને બ્રેક વાગી જશે. સાતત્યની સાથે જ શિસ્તની જરૂર પડે છે. જે નક્કી કર્યું હોય એમાં કોઇ બાંધછોડ ન જોઇએ. કોઇ લાલચ કે મોહમાં આવ્યા વગર કામ કરવું પડે છે. પ્રસંગોથી માંડી પાર્ટીઓ થતી જ રહેવાની છે. રિલેક્સ થવા માટે થોડો સમય રાખવો જોઇએ એમાં ના નહીં, પણ એ સમય માઇન્ડ ફ્રેશ થાય એટલો જ રહેવો જોઇએ. આરામની પણ કુરબાની આપવી પડે છે.
આ બધાની સાથે એક વસ્તુ ખૂબ જ આવશ્યક છે અને એ છે, સેલ્ફ કોન્ફિડન્સ. પોતાની જાત પર શ્રદ્ધા. હું સફળ થઇશ જ. મહેનત કરું તો કેમ સફળ ન થાઉં? ઘણા લોકો મહેનત કરતા હોય છે, પણ તેને પોતાની સફળતા પર જ શંકા થતી રહે છે. હું સફળ તો થઇશને? આવા વિચારને બદલે જે લોકો એવા વિચાર કરે છે કે, હું સફળ થઇશ જ, એ સફળતાની નજીક રહે છે. માણસનો એટિટ્યૂડ હંમેશાં પોઝિટિવ રહેવો જોઇએ. તમારા ગોલ પર ફોકસ કરો અને સફળતાની ખાતરી સાથે પ્રયાસો ચાલુ રાખો. જેને પોતાની જાત પર જ શંકા હોય છે એ ક્યારેય સફળ થતા નથી. મહેનતનું ફળ મળવાનું જ છે. નિષ્ફળતાનો તો વિચાર જ નહીં કરવાનો. આમ નહીં થાય તો? હું પાસ નહીં થાઉં તો? મને ધારેલાં પરિણામો નહીં મળે તો? આવા વિચારો ટાળવા જોઇએ. માણસના વિચાર જ તેને મજબૂત કે નબળા બનાવે છે. વિચારો સારા અને સચોટ રહેવા જોઇએ.
સફળ થવું બિલકુલ અઘરું નથી. અઘરું એને જ લાગે છે જેને કંઇ કરવું નથી. સફળતાને માણસની પરિસ્થિતિ સાથે પણ કંઇ લાગતુંવળગતું નથી. આપણે એવા અસંખ્ય કિસ્સાઓ જોયા છે કે, ગરીબ કે સામાન્ય પરિવારનો છોકરો કે છોકરીએ ટોપ કર્યું હોય. ઉછીના લીધેલાં પુસ્તકો વાંચીને પણ મોખરે રહ્યા હોય. આવી ઘટનાઓ એ જ સાબિત કરે છે કે, જેને સફળ થવું છે એ કોઇ પણ ભોગે થશે. મારી પાસે આ સગવડ નથી, આ સુવિધા નથી, એવો કોઇ વિચાર તેઓ કરતા નથી. સ્ટ્રગલ તો રહેવાની જ છે. તમે કોઇ પણ સફળ માણસની જિંદગી જોઇ લો, એણે પોતાના મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હોય છે. સંઘર્ષથી પણ ક્યારેય થાક લાગવો ન જોઇએ. આંખોમાં એવાં સપનાં આંજી રાખો કે, મારી આવતી કાલ ખૂબ સારી રહેવાની છે. જે બનવા માંગતા હોવ એ વિશે કલ્પના કરતા રહો. હું એક દિવસ અહીં હોઇશ. મારી વાતને ધ્યાનમાં લેવાતી હશે. મારા આદેશનું પાલન થતું હશે. હું લીડર બનીશ અને મારી ટીમને લીડ કરીશ. હું બીજા માટે આદર્શ બનીશ. લોકો મારામાંથી કંઇક શીખશે. પરિવારમાં મારું ઉદાહરણ અપાશે કે થવું હોય તો એના જેવું થવું.
પરિવાર હોય કે સમાજ, માન એને જ મળે છે જે એના માટે લાયક સાબિત થાય છે. આપણી આસપાસ એવા લોકો હોય છે જેની નોંધ લેવાતી હોય છે. એમના વિશે એટલું જ વિચારવાનું હોય છે કે, એણે એવું શું કર્યું છે કે એની નોંધ લેવાય છે. એણે મહેનત કરી હોય છે. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, સફળતાનો કોઇ શોર્ટકટ નથી. કોઇ એવો માર્ગ જ નથી જે આસાનીથી સફળતા અપાવી દે. સરળ રસ્તા વિશે એવું પણ કહેવાતું રહ્યું છે કે, સરળ રસ્તો ક્યાંય જતો હોતો નથી. મહેનત તો કરવી જ પડે છે. ભોગ આપવો પડે છે. મહેનતને પણ એન્જોય કરવી જોઇએ. ઘણા લોકો મહેનતનો ભાર લઇને ફરતા હોય છે. મહેનત પણ મજાથી કરો. આપણે સાચા અને સારા રસ્તે હોઇએ એનું પણ આપણને ગૌરવ હોવું જોઇએ, ભલેને એ રસ્તો અઘરો હોય. સફળતાનો સિદ્ધાંત એ જ છે કે, મારે આ કરવું છે અને જ્યાં સુધી એ પૂરું નહીં થાય ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહીશ. સફળતાથી ઓછું મને કંઇ ખપતું નથી. માણસના ઇરાદા જ સરવાળે તેને પોતાની મંજિલ સુધી પહોંચાડતા હોય છે.


—————-


પેશ-એ-ખિદમત
યહી આવાઝ કા મૌસમ હૈ ન ટાલો મુઝકો,
કુછ જવાબોં સે નિપટને દો સવાલોં મુઝકો,
મૈં ખરા સિક્કા હૂં જબ ચાહે ચલા લો મુઝકો,
સર-એ-બાઝાર ન રહ રહ કે ઉછાલો મુઝકો.
– રમેશ તન્હા


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 જૂન, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *