પતિ, પત્ની, આર્થિક વ્યવહાર
અને સંબંધોનું સત્ય-અસત્ય
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
મારો પતિ મને આર્થિક વ્યવહારો વિશે કંઇ વાત કરતો
નથી, એ મુદ્દે એક યુવતીએ ડિવોર્સનો કેસ દાખલ કર્યો છે.
પતિ-પત્ની વચ્ચે આર્થિક બાબતોના કારણે ડિસ્ટન્સ વધી રહ્યું છે!
હવે મહિલાઓ પણ કમાવવા લાગી છે એટલે એ આર્થિક
બાબતોમાં સરખી ભાગીદારીની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે
ફક્ત પ્રેમ જ પૂરતો નથી, સંબંધો સાચવવા બીજુ ઘણું બધું કરવું પડતું હોય છે. દરેક સંબંધો લાગણી ઉપરાંત ઘણા બધા પર આધાર રાખે છે. દાંપત્ય જીવનના અનેક પહેલુઓ છે. માણસે બધી જ બાબતોમાં બેલેન્સ અને સમજદારી દાખવવી પડે છે. અમેરિકામાં હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, આર્થિક બાબતોના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વધુ તીરાડો ઊભી થાય છે. દાંપત્ય અખંડ રહે એ માટે અમેરિકામાં તો જાતજાતના કોર્સિસ અને થેરાપીઓ શરૂ કરવામાં આવે છે. આપણે ત્યાં આવા અભ્યાસો થતા નથી. પતિ-પત્નીના સંબંધોમાં ઉડીને આંખે વળગે એવી સમસ્યાઓ હોય તો પણ એના ઉકેલ શોધવા માટે પણ કોઇ પ્રયાસો થતા નથી.
પતિ-પત્ની વચ્ચે એક નહીં, અનેક મામલે વિવાદ કે ઝઘડા થવાની શક્યતાઓ રહે છે. ઘર માટે જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કોણ કરે? બાળકોના ઉછેરમાં કોની કેટલી જવાબદારી? સંતાનોને સ્કૂલે લેવા-મૂકવા કોણ જાય? પરિવારમાં ક્યાંય જવાનું હોય તો નિર્ણય કોણ કરે? પત્નીના પરિવાર સાથે પતિએ કેવા સંબંધો રાખવા? કેટલો વ્યવહાર કરવો? કેટલું ખેંચાવું? પતિના પરિવાર સાથે પત્નીએ કેવી રીતે રહેવું એ મામલે પણ અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે. આ બધા વચ્ચે એક મહત્વની વાત હોય તો એ ઘરના આર્થિક વ્યવહારો છે.
હમણા એક યુવતીએ એવું કહીને ડિવોર્સ માંગ્યા કે, મારો પતિ ઘરના કે પોતાના આર્થિક વ્યવહારો વિશે કોઇ વાત કરતો નથી. હવે સમય બદલાયો છે. આજના આધુનિક સમયમાં મહિલાઓ પણ કમાતી થઇ છે. ઘરનું એક બજેટ હોય છે. રૂપિયા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જાણવાનો પત્નીને પણ અધિકાર છે. આજની તારીખે આપણે ત્યાં એવા દંપતિ છે, જેમાં પત્નીએ મળતો જોબનો પગાર પતિને આપી દેવો પડે છે. પતિ પોતાની રીતે બધો વ્યવહાર કરે છે. પત્નીને કંઇ ખબર હોતી નથી. એ વાત જુદી છે કે, પ્રેમ અને વિશ્વાસના કારણે પત્ની પોતાના પતિ ઉપર કોઇ શંકા-કુશંકા કરતી નથી પણ ક્યારેક એને એવો વિચાર તો આવે જ છે કે, હું જે કમાઇને લાવું છું એનું થાય છે શું?
નવી પેઢીની વિચારસરણી બદલાઇ છે. હવે એ લોકો એક-બીજાને બધી જ વાત કરે છે. બંનેના જોઇન્ટ એકાઉન્ટ પણ હોય છે. બધા વ્યવહારોની બંનેને ખબર હોય છે. આ સ્થિતિ ઉમદા છે. જો કે બધે એવું હોતું નથી. હમણાનો જ એક કિસ્સો છે. એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું. એની પત્નીને કંઇ જ ખબર ન હતી કે, મારા પતિનો ઇન્સ્યુરન્સ ક્યાં અને કેટલો છે? ક્યા બેંક ખાતામાં કેટલા રૂપિયા છે? વારસદારમાં કોનું નામ છે? અને એ રૂપિયા એ કેવી રીતે ક્લેઇમ કરી શકે?
પત્ની વધુ કમાતી હોય અને પતિ ઓછું કમાતો હોય એવા કિસ્સામાં વળી નવા પ્રશ્નો સર્જાય છે. આવા સંજોગોમાં જો બંને અથવા તો બેમાંથી એક સમજુ ન હોય તો મુશ્કેલી પેદા થઇ શકે છે. ઇગોના કારણે ઓછું કમાતા પતિને એવું લાગે છે કે, પત્નીનું વર્ચસ્વ વધી જશે તો? અમુક કિસ્સામાં પત્ની પણ એવું બિહેવ કરતી હોય છે કે, મારી ઇનકમ એના કરતા વધારે છે. અમુક એવા પણ કિસ્સા છે જેમાં પતિ પોતાને જરૂર લાગે એટલા રૂપિયા પોતાની પાસે રાખે છે અને બાકીનો પગાર પત્નીને આપે છે. અક યુવાને કહેલી આ વાત છે કે, મારી પત્ની મારા કરતા આર્થિક બાબતોને સારી રીતે હેન્ડલ કરી જાણે છે. બીજી એક ઘટના એવી છે કે, પત્ની વારેવારે આર્થિક વ્યવહારો વિશે પૂછતી હતી એટલે પતિએ કહ્યું કે, હવેથી બધું તું જ કરજે. મારે આ બધામાં પડવું જ નથી. અન્ય એક કિસ્સામાં પતિએ પત્નીને બધો વ્યવહાર સોંપીને એમ કહ્યું કે, એક જ કામમાં બંનેએ એનર્જી શા માટે વેડફવી? હા, ક્યારેક એવું થાય કે પત્નીએ આ વ્યવહાર આવી રીતે કરવો જોઇતો નહોતો. જેને ડિસિઝન લેવાના હોય એને લેવા દેવા જોઇએ. એનો નિર્ણય સાચો છે કે ખોટો, એમાં બહુ પડવું ન જોઇએ. આપણા બધા ડિસિઝન પણ ક્યાં સાચા હોય છે?
આપણે ત્યાં હવે એક બીજી વાતે પણ દંપતી વચ્ચે સમજણ જરૂરી બની ગઇ છે. હવે ઘણા કિસ્સાઓમાં મા-બાપને એક દીકરી જ હોય છે. એ પરણીને જાય પછી ઘણા સવાલો સર્જાય છે. એકની એક દીકરી સાથે બનેલી આ ઘટના છે. લગ્ન પછી તેણે કહ્યું કે, હું મારા પગારમાંથી દર મહિને અમુક રકમ મા-બાપને મોકલીશ. પતિ અને સાસરીયાઓએ આવું કરવા ન દીધું. એ પછી માતા-પિતાની મિલકત દીકરીના નામે કરવાની વાત આવી. પત્નીને પિતાનો વારસો મળે એમાં પતિ કે તેના પરિવારના સભ્યોને વાંધો નહોતો! પત્નીએ કહ્યું કે, કેમ? તમે મારા પગારમાંથી તો કંઇ આપવાની ના પાડો છો અને લેવાની વાત આવે તો દાનત બદલી જાય છે! દરેક દંપતીએ એક વાત સમજવા જેવી હોય છે કે, રૂપિયા, પગાર કે મિલકત કરતા સંબંધ અને દાંપત્ય જીવન વધુ મહત્વનું છે. એક પતિ-પત્નીએ એવું નક્કી કર્યું છે કે, તારા પગારનું તારે જે કરવું હોય એ કરજે, મારા પગારમાંથી મને ગમે એવું કરીશ. ઘર ખર્ચ માટે એ બંને દર મહિને અડધી-અડધી રકમ કાઢે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આર્થિક વ્યવહારો વિશે બંને વચ્ચે ટ્રાન્સપરન્સી હોવી જોઇએ. દાંપત્યમાં કંઇ તારું કે મારું નથી હોતું, બધું સહિયારું હોય છે. નિર્ણયોમાં બંનેની ભાગીદારી હોવી જોઇએ. જે કંઇ કરો એ સાથે મળીને કરો કારણ કે આખરે તો બંનેએ સાથે જ જીવવાનું છે. આર્થિક બાબતોના કારણે વહાલમાં ઓટ ન આવવી જોઇએ. પ્રેમ ખૂટશે તો ગમે એટલી સંપત્તિ હશે તો પણ કંઇ કામ લાગવાની નથી. સંબંધનું સત્ય ધબકતું હશે તો જ સંવેદના સજીવન રહેશે અને લાઇફ જીવવા જેવી લાગશે.
પેશ-એ-ખિદમત
ભરા ઘાવ આકર તૂ કર દે હરા સા,
મુજે ભી લગે મૈં હૂં જિંદા જરા સા,
અસલ મૈં વો જીના સિખાતા રહા થા,
સમજતે રહે થે જિસે સબ ભરા સા.
-અર્પણ ક્રિસ્ટી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 17 નવેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)