ફ્રેન્ક કેપ્રિયો : આ જજના જજમેન્ટ વાયરલ થાય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ફ્રેન્ક કેપ્રિયો : આ જજના

જજમેન્ટ વાયરલ થાય છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોર્ટ રૂમ અને કોર્ટ પ્રોસિજર મોટા ભાગના લોકોએ માત્

ફિલ્મોમાં જોઇ હોય છે. જે લોકોને રિઅલ કોર્ટ સાથે પનારો

પડ્યો છે એને ખબર છે કે, ત્યાંનું વાતાવરણ કેટલું જુદું, બોરિંગ

અને ટેન્શનવાળું હોય છે.

‘કોટ ઇન પ્રોવિડન્સ’ સિરિઝમાં 83 વર્ષના ફ્રેન્ક કેપ્રિયોના જજમેન્ટમાં સંવેદના,

સલુકાઇ, સહજતા અને વ્યાવહારિકતા હોય છે એટલે

એ સીધા જ લોકોના દિલને સ્પર્શે છે

પચાસથી વધુ વયના એક વ્યક્તિને કોર્ટ રૂમમાં લઇ આવવામાં આવે છે. તેની સામે આરોપ છે કે, તેણે રેડ લાઇટ ક્રોસ કરી હતી. તેની સામે કેસ ચાલે છે. આરોપીએ કહ્યું કે, હા મારાથી ભૂલ થઇ છે. હું એક સૈનિક હતો. હું દેશ માટે લડ્યો છું. ઇરાકમાં તૈનાત હતો ત્યારે રેડિએશનના કારણે મને કેન્સરની અસર થઇ ગઇ હતી. મારી નજીક એલઇડી બ્લાસ્ટ થતાં હું બહેરો થઇ ગયો છું. એક કાને સાંભળી શકતો નથી. અત્યારે મારી ડિપ્રેશન અને એંગ્ઝાઇટીની દવા ચાલે છે. જજ બધી વાત શાંતિથી સાંભળે છે અને પછી કહે છે કે, તમે દેશ માટે જે કર્યું છે એનું અમને ગૌરવ છે. તમારી સામે જે આરોપ છે તેમાંથી તમને મુક્ત કરવામાં આવે છે. જજ એ પણ પૂછે છે કે, તમારી સારવાર તો બરાબર ચાલે છે ને? પેલો માણસ ગદગદ થઇ જાય છે. જે રીતે આખો સીન ક્રિએટ થાય છે એ જોઇને કોઇ પણ માણસ ભાવુક થઇ જાય. આ અને આના જેવા કેટલાય ટ્રાફિક અંગેના કેસોની ક્લિપ્સ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. તમે પણ કદાચ જોઇ હશે. આ કોર્ટ રૂમના જે જજ છે એ છે ફ્રેન્ક કેપ્રિયો. આજકાલ તેઓ બહુ લોકપ્રિય થયા છે. આપણને થાય કે આવી કોર્ટ હોય તો કેવું સારું?

તમે ક્યારેય કોર્ટમાં ગયો છો? જો તમારે કોર્ટમાં જવાનું નથી થયું તો તમે નસીબદાર છો. જે લોકોના નસીબમાં કોર્ટમાં ધક્કા ખાવાનું લખ્યું હોય છે એ લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે જલ્દી આમાંથી છૂટકારો આપો. મોટા ભાગના લોકોએ તો કોર્ટ ફિલ્મોમાં જ જોઇ હોય છે. ફિલ્મની કોર્ટ હન્ડ્રેડ પર્સન્ટ ફિલ્મી જ હોય છે. છેલ્લી ઘડીએ કંઇક બને છે અને વકીલ તાડૂકે છે કે, ઠહરિએ જજ સાહબ, મેરે પાસ વો સબૂત આયે હૈ, જો પૂરે કેસ કા રૂખ હી બદલ દેગા. અમુક ફિલ્મોમાં તો વળી કોર્ટ પ્રોસિજર જ જાણે કોઇ રમૂજ હોય એવું બતાવવામાં આવે છે. રિઅલ કોર્ટ રૂમ સાવ જુદો, બોરિંગ, બોઝિલ, ટેન્શનવાળો અને અત્યંત સ્લો હોય છે. વેલ, આપણે વાત આપણા દેશના સાચા કોર્ટ રૂમની નથી કરવી પણ એક એવા જજની વાત કરવી છે, જેના જજમેન્ટ વાયરલ થાય છે. તમે જો સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો તમે આ જજના એકાદ-બે જજમેન્ટ તો જોયા જ હશે. એક વાતની ચોખવટ કરી લઉં કે, આ એક ટેલિવિઝન સિરિઝ છે,  જેનું નામ ‘કોટ ઇન પ્રોવિડન્સ’ છે. આ સિરિઝ એબીસી ટીવી પર આવી હતી. હવે એની સિઝન ટુ ચાલે છે. આ સીરિઝમાં ટ્રાફિકના નિયમોનો જે લોકો ભંગ કરે છે એની સામે કેસ ચલાવવામાં આવે છે અને ચૂકાદો આપવામાં આવે છે. જે રીતે કોર્ટનું કામ ચાલે છે, જે રીતે જજ હળવાશથી સવાલો પૂછે છે, આરોપીનું જે રીતનું વર્તન હોય છે, એ જોઇને એવો જ વિચાર આવે કે કાશ રિઅલ કોર્ટ રૂમ પણ આવા હોત તો કેવું સારું હતું! સીરિઝનું લોકેશન અમેરિકાના, રોડ આઇલેન્ડનું પ્રોવિડન્સ છે.

ફ્રેન્ક કેપ્રિયોના વર્તન અને જજમેન્ટે એને સેલિબ્રિટી બનાવી દીધા છે. આ ફ્રેન્કની પોતાની સ્ટોરી પણ કાબિલે દાદ છે. તેનું સાચું નામ ફ્રાંસેસ્કો કેપ્રિયો છે. સાવ ગરીબ પરિવારમાં તેનો જન્મ. ઇટાલીથી પેટિયું રળવા અમેરિકા આવેલા તેના પિતા એન્ટોનિયા લારીમાં ફ્રુટ વેચતા અને દૂધની ડિલિવરી કરતા હતા. ફ્રેન્કના નસીબમાં પણ ભણતા ભણતા કામ કરવાનું લખ્યું હતું. હોટલમાં ઠામ વાસણ ધોવાનું અને બૂટ પોલિશ કરવાનું કામ તેણે કર્યું છે. અમુક લોકોની લાઇફ જ બીજા લોકો માટે પ્રેરણા જેવી હોય છે. ફ્રેન્કનું પણ એવું જ હતું. એ ગ્રેજ્યુએટ થયા. સુફોક યુનિવર્સિટીમાં લોનું ભણ્યા. આખરે ચીફ મ્યુનિસિપલ જજ બન્યા. તેમની પાસે જાતજાતના કેસો આવતા. એમની રિયલ કોર્ટ પ્રોસિજર પણ લોકપ્રિય હતી. રિટાયર્ડ થયા પછી એમાંના જ કેટલાંક કેસો લઇને સિરિઝ બનાવવામાં આવી. બે યુનિવર્સિટીએ તો ફ્રેન્કને માનદ ડોક્ટરેટની પદવી આપી છે. જજ બન્યા પહેલા એ ટીચર હતા અને સામાજિક કાર્યો પણ કરતા હતા. તેણે કહ્યું કે, જજ સંવેદનશીલ હોવા જોઇએ. સામાન્ય સંજોગોમાં જજ લોકો સોસાયટીથી એક સેઇફ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરતા હોય છે. જો કે જો એ સમાજ સાથે જોડાયેલા હોય તો લોકોની સમસ્યા અને સવાલોને સારી રીતે સમજી શકે છે. ટ્રાફિકના કેસો તો એવી રીતે હેન્ડલ કરવા જોઇએ જેથી લોકો પોતાની જવાબદારી સમજે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે. દરેક ગુના માટે સજા જ મહત્વની નથી.

ફ્રેન્કની લાઇફની બીજી એક રસપ્રદ વાત એ છે કે, જિંદગીને પૂરી રીતે જીવી જાણવી. જિંદગીથી થાકી ન જવું. સામાન્ય રીતે માણસ રિટાયર્ડ થાય એ પછી હિંમતથી માંડીને ઉત્સાહ સુધીનું ઘણું બધું ગુમાવી દે છે. ફ્રેન્કને લોકપ્રિયતા 70 વર્ષની ઉંમર પછી જ મળી. તમારું વ્યકિતત્વ તમારી હાજરી પૂરતું હોવું જોઇએ. તમે જ જો પાતાને ગેરહાજર સમજવા માંડો તો કોઇ તમારી હાજરીની નોંધ લેવાનું નથી. આઠ દાયકા કરતા પણ વધુની ઉંમરે આ માણસ યુટ્યુબ સેન્સેશન છે. કારણ એક જ છે, લોકોના દિલોને સ્પર્શો. દિમાગથી જ બધું ન કરો. આખરે દિલમાંથી જે ઉઠશે એ જ દિલ સુધી પહોંચવાનું છે.

પેશ-એ-ખિદમત

મૈં રોજ રોજ તબસ્સુમ મૈં છુપતા ફિરતા હૂઁ,

ઉદાસી હૈ કિ મુજે રોજ ઢૂઁઢ લેતી હૈ,

જરુર કુછ તો બનાએગી જિંદગી મુજ કો,

કદમ કદમ પે મેરા ઇમ્તિહાન લેતી હૈ

-આલોક શ્રીવાસ્તવ

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 12 મે 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *