શું બાળકો ધીમે ધીમે શારીરિક અને માનસિક રીતે નબળાં પડતાં જાય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું બાળકો ધીમે ધીમે શારીરિક અને

માનસિક રીતે નબળાં પડતાં જાય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

બાળકોના શેડ્યુલ મોટા લોકો કરતાં પણ વધુ

ટાઇટ થઇ ગયા છે, એની પાસે રમવાનો ટાઇમ જ નથી.

આઉટડોર એક્ટિવિટી ઘટતા બાળકોનો શારીરિક અને

માનસિક વિકાસ રુંધાઇ રહ્યો છે.

મારા સંતાન સાથે કંઇક અજુગતું થશે તો?

એ ભયે મા-બાપ બાળકોને બહાર રમવા જવા દેતાં ડરે છે.

બાળકો હવે એકલસૂરાં થતાં જાય છે.

હમણાંની એક સાવ સાચી વાત છે. એક કપલ કારમાં જતું હતું. તેનું બાળક પણ તેની સાથે હતું. ચાર રસ્તા પર રેડ સિગ્નલ હોવાથી કાર રોકવી પડી. એક ભિખારણ બાઇ ભીખ માંગવા માટે આવી. તેની કાખમાં છોકરું હતું. એકદમ હટ્ટુકટ્ટું અને મસ્ત બાળક હતું. એ બાળકને જોઇ કારમાં બેઠેલી મહિલાએ પતિને કહ્યું, જો તો કેવું મસ્ત બેબી છે! ખાવાના કંઇ ઠેકાણાં હોતાં નથી, ધૂળમાં રમતાં હોય છે, છતાં એનાં બાળકો કેવાં પઠ્ઠા જેવાં હોય છે! આપણને બધાને ક્યારેક ગરીબ, મજૂર, કામવાળા કે ઝૂંપડપટ્ટીમાં ઊછરતા મસ્ત મજાનાં બાળકોને જોઇને આવા વિચારો આવતા હોય છે. આપણે આપણા બાળકની કેર કરવામાં કંઇ બાકી રાખતા નથી. એ પાણી માંગે તો દૂધ હાજર કરી દેતા હોઇએ છીએ. બાળકનો સારો ઉછેર થાય એના માટે થઇને આપણે આપણા ગજા બહારનું પણ ઘણુંબધું કરતા હોઇએ છીએ, છતાં એ હાલતા ને ચાલતા બીમાર પડી જાય છે.

માત્ર આપણા દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં અત્યારે એ સવાલ ચર્ચાનો મુખ્ય વિષય બનેલો છે કે શું આજનાં બાળકો શારીરિક અને માનસિક રીતે નબળાં પડતાં જાય છે? તેનો જવાબ છે, હા. એના સાયન્ટિફિક રીતે પુરવાર થયેલાં કારણો પણ છે. તમે વિચાર કરો કે તમને બહાર ખુલ્લામાં રમવા જવાનો જેટલો સમય મળતો હતો એટલો ટાઇમ તમારાં સંતાનને મળે છે? હવેનાં બાળકોના શેડ્યુલ એટલા ટાઇટ થઇ ગયા છે કે એને રમવા માટે સમય જ નથી મળતો. સ્કૂલ, ટ્યૂશન અને બીજી એક્ટિવિટીમાં એ એટલાં બીઝી હોય છે કે આપણને બાળકની દયા આવી જાય. બાળકોની હાલત જોઇને આપણને એવું થાય કે સારું છે આપણે સમયસર મોટા થઇ ગયા!

બાળકો બહાર રમવા જઇ શકતા ન હોવાથી એનો ઇમ્યુન પાવર ઘટે છે. ગરીબનાં બાળકો પહેલેથી જ ધૂળમાં રમતાં હોય છે અને ખુલ્લા વાતવરણમાં ધીંગામસ્તી કરતાં હોય છે એટલે તે હાઇફાઇ લાઇફ સ્ટાઇલ ઘરાવતા છોકરાંવ કરતાં વધુ સશક્ત હોય છે. આપણે બાળકોની જરૂર કરતાં વધુ પડતી કેર કરવા લાગ્યા છીએ એ પણ એક કારણ છે. બાળકનો ગોઠણ જરાકેય છોલાય તો આપણો હાયકારો નીકળી જાય છે. ઘરમાં જ બેઠા રહેતા હોવાથી તેનામાં શારીરિક અને માનસિક રીતે કચાશ રહી જાય છે. એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે દુનિયાભરના દેશોમાં અડધાથી વધુ બાળકોને બહાર રમવા જવા માટે એક કલાકનો પણ સમય મળતો નથી! માર્કેટ રિસર્ચ ફર્મ એડલમાન ઇન્ટેલિજન્સે ભારત, અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, તુર્કી, પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ, ચીન અને ઇન્ડોનેશિયા એમ દસ દેશોમાં પાંચથી બાર વર્ષની ઉંમરનાં 12000થી વધુ બાળકો ઉપર એક અભ્યાસ કર્યો હતો. તેમાં બાળકો એક કલાક કરતાં પણ ઓછો સમય બહાર ખુલ્લા વાતાવરણમાં રમવા જતાં હોવાની વાત બહાર આવી હતી.

બાળકો બહાર જતાં ન હોવાથી બીજાં બાળકો સાથે તાલમેલ બેસાડવાની કળા પણ શીખી શકતાં નથી. ઘરમાં પાતાનું ધાર્યું થતું હોય છે એટલે મોટા થઇને પણ એ એવું જ ઇચ્છે છે કે બધી જગ્યાએ પોતે ઇચ્છે એમ જ થાય. એવું તો થવાનું જ નથી. પોતાની મરજી મુજબ ન થાય ત્યારે એ કાં તો ગુસ્સે થઇ જાય છે અને કાં તો ઉદાસ થઇ જાય છે. મેન્ટલ ડિસઓર્ડરનો ભોગ બનવાનું એક કારણ આ પણ છે. આ અભ્યાસ પછી એક્શન ફોર ચિલ્ડ્રન્સ એન્વાયરન્મેન્ટ નામની સંસ્થાએ શાળાઓમાં એ અભિયાન ચલાવ્યું છે કે બાળકોને એટલિસ્ટ એકાદ કલાક જેટલો સમય ખુલ્લામાં ભણાવો. બે દિવસ પહેલાં 12મી ઓક્ટોબરે તો શાળાઓને વિનંતી કરવામાં આવી હતી કે એક પિરિયડ ક્લાસમાં નહીં પણ ખુલ્લામાં ભણાવો. પ્રાચીન સમયમાં આશ્રમ શાળાઓ હતી ત્યારે બાળકોને ખુલ્લામાં જ અભ્યાસ કરાવાતો હતો. ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટનું એવું કહેવું છે કે ઘરમાં જ બેઠા રહેતાં બાળકોની શારીરિક ઊર્જાનું સ્તર ડાઉન જાય છે. આજનાં બાળકો વિશે એક ફરિયાદ એ પણ છે કે એ હાઇપર થઇ ગયાં છે, બહુ તોફાન કરે છે. બાળકોમાં ભરપૂર એનર્જી હોય છે, એ ક્યાંક તો કાઢવીને? બહાર દોડભાગ ન કરે અટલે પછી ઘરમાં ધમપછાડા કરે છે. બહાર રમવામાં એની એનર્જી વપરાય છે.

અગાઉના સમયમાં એક કરતાં વધારે બાળકો હતાં, એટલે એક-બીજા સાથે રમ્યે રાખતાં હતાં. હવે એક બાળકનો ટ્રેન્ડ છે. એકને તો માંડ સાચવી શકાય છે. એક બાળક કરવાનું અને એનો બેસ્ટ ઉછેર કરવાનો, એવી માનસિકતા થઇ ગઇ છે. આમ તો એમાં કંઇ ખોટું નથી, પણ બેસ્ટ આપવામાં જે કુદરતી રીતે મળવું જોઇએ એ મળે છે કે નહીં એ પણ વિચારવા જેવું છે. જોઇન્ટ ફેમિલીનો હવે જમાનો નથી. ઘણા કિસ્સામાં તો મા-બાપ બંને નોકરી કરતાં હોય છે અને ઘરે છોકરું એકલું એકલું ટીવી જોવામાં કે મોબાઇલમાં પડ્યું હોય છે. સીસીટીવી ગોઠવીને મા-બાપ આશ્વાસન મેળવી લે છે કે મારું બાળક ઘરમાં મજા કરે છે. એક માતાએ કહેલી વાત પણ વિચાર માંગી લે તેવી છે. તેને નવ વર્ષની એક ડોટર છે. તેણે કહ્યું કે દીકરીને બહાર રમવા મોકલતા મને ડર લાગે છે. કેવો ખરાબ સમય આવી ગયો છે? બાળકોને રેઢા મૂકવાં જેવું નથી! અમે નવરાં હોઇએ ત્યારે જ એને બહાર રમવા દઇએ છીએ, આપણી નજર સામે રમે એ સારું. આ વાત પણ સાવ ખોટી તો નથી જ. આ બધા વચ્ચે જોકે એ જરૂરી તો છે જ કે બાળક ખુલ્લા વાતાવરણમાં તેના મિત્રો સાથે રમે. શાળાઓ આ અંગે કંઇક વિચારે એ પણ જરૂરી છે. દરેક પેરેન્ટ્સે પણ પોતાની રીતે આનો ઉકેલ લાવવો જોઇએ. તમારા ઘરમાં દસથી બાર વર્ષ સુધીની ઉંમરનું બાળક છે? તો એટલું વિચારી જોજો કે એ દિવસના 24 કલાકમાંથી કેટલો સમય બહાર રમતું હોય છે? બાળક પડી આખડી જશે એવી બહુ ચિંતા ન કરો. વડીલો ઘણી વખત એટલે જ કહેતા હોય છે કે, એ તો પડે, વાગે પણ ખરું, એમાં મૂંઝાવવાનું નહીં, તમેય કંઇ એમ ને એમ મોટા થઇ ગયા નહોતા. આપણા શરીર પર પડેલાં કેટલાંય ચાઠાઓ એ વાતની ગવાહી પૂરતા હોય છે કે આપણે કેવા તોફાન-મસ્તી કરતા હતા. આજનાં બાળકો એવું કરે છે ખરા? ઓવર પ્રોટેક્શન બાળકો માટે આફત ન નોંતરે એનો ખ્યાલ રાખજો.

પેશ-એ-ખિદમત

બચ્ચો કે છોટે હાથો કો

ચાંદ સિતારે છૂને દો,

ચાર કિતાબે પઢકર યે ભી

હમ જૈસે હો જોયેગેં

-નિદા ફાઝલી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 14 ઓકટોબર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *