હું જે કંઈ કરું છું તે બધું તારા માટે જ તો કરું છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું જે કંઈ કરું છું તે બધું

તારા માટે જ તો કરું છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ડગમગે છે એવી ક્ષણને શું કરું?

ઓગળી જતાં ચરણને શું કરું?

કાળમીંઢી શક્યતા પલળે નહીં,

તો ભીના વાતાવરણને શું કરું?

-મનોજ ખંડેરિયા

દરેક માણસની જિંદગીના કેન્દ્રમાં કોણ હોય છે? થોડાક લોકો. એવા લોકો જેને આપણે પોતાના માનીએ છીએ. આ પોતાના લોકોમાં પણ અમુક ખાસ હોય છે. એ આપણી જિંદગીની પ્રાયોરિટી હોય છે. તમારા પ્રાયોરિટી લિસ્ટમાં કેટલા લોકો છે? તમે ક્યારેય એનું લિસ્ટ બનાવ્યું છે? નહીં બનાવ્યું હોય! એનું કારણ પણ એ જ છે કે એ યાદ જ હોય છે. હૃદયસ્થ જ હોય છે. લિસ્ટ તો એનું બનાવવું પડે જે યાદ રાખવાનું હોય. જે ભુલાય જ નહીં એના લિસ્ટ બનતાં હોતાં નથી. એ તો જિંદગીનો જ એક હિસ્સો હોય છે. શ્વાસ લેવાનું યાદ કરવું પડતું નથી. એ તો ચાલતો જ હોય છે. કેટલાક સંબંધો પણ એવા જ હોય છે. અમુક સંબંધો આપણે નિભાવતા હોઈએ છીએ. થોડાંક સંબંધો આપણે જીવતા હોઈએ છીએ. અમુક સંબંધો ઊગતા હોય છે. અમુક આથમતા પણ હોય છે. થોડાક સંબંધો એવા હોય છે, જે કાયમ સોળે કળાએ ખીલેલા જ હોય છે.

દરેક સંબંધો પણ કાયમી હોવાના નથી. જે ખૂટી જાય છે એ સંબંધો પણ જીવનની એક મૂડી તો હોય જ છે. એ સંબંધ જિંદગીના અમુક સમય માટે અવતરતા હોય છે. એણે અમુક સમય સુધી આપણને સુખ આપ્યું હોય છે. આપણી જિંદગીમાં અમુક લોકો એવા હોય છે જે ચાલ્યા ગયા હોય છે. એ જ્યારે હતા ત્યારે એણે આપણા માટે કેટલું બધું કર્યું હોય છે. કોઈ નાનકડો છરકો પાડીને પણ જતા હોય છે. સંબંધોમાં પણ ઊગવું અને આથમવું સ્વાભાવિક છે. સૂરજ ઊગે છે. દિવસ આથમે છે. રાત શરૂ થાય છે. રાત ઊગતી નથી! આપણે ક્યારેય એવું નથી બોલતા કે, જો રાત ઊગી! રાત પડે છે. અંધકાર ક્યારેય ઊગે નહીં. ઊગે એ તો પ્રકાશ જ હોય! સંબંધો પ્રકાશની જેમ આપણી જિંદગીમાં ઊગે છે. અજવાળું ફેલાવે છે. આપણને રોશન કરે છે. આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ. આપણી ઇચ્છા પણ એવી જ હોય છે કે, આપણે જેને પ્રેમ કરીએ છીએ, જે આપણા દિલથી નજીક છે એને ખુશ રાખીએ. આપણે આપણી વ્યક્તિને એવું કહેતા પણ હોઈએ છીએ કે, તું મજામાં હોય તો બસ. મને બીજું કંઈ ક્યાં જોઈએ છે? હું જે કરું છું એ તારા માટે જ તો કરું છું.

માણસ વિશે એવું કહેવાય છે કે, માણસ સ્વાર્થી પ્રાણી છે. આ વાત સાવ સાચી નથી. દરેક માણસની જિંદગીમાં એવા લોકો હોય જ છે જેની પાસે એને કોઈ જ સ્વાર્થ નથી. એની પાસેથી કંઈ જ નથી જોઈતું હોતું. બે દોસ્ત હતા. એક મિત્ર પોતાના દોસ્ત માટે બધું જ કરે. એક વખત તેના મિત્રએ પૂછ્યું, મેં તો એવું સાંભળ્યું છે કે માણસ સ્વાર્થ વગર કંઈ કરતો નથી. તું કેમ મારા માટે આટલું બધું કરે છે? તેના મિત્રએ કહ્યું, એમાં પણ સ્વાર્થ તો છે જ! એ સ્વાર્થ તારી પાસેથી કંઈ મેળવવાનો નથી. એ મારો સ્વાર્થ છે. તને મજામાં રાખીને મને ખુશી મળે છે. માણસ પોતાની જાત સાથે સ્વાર્થી હોઈ શકે? કદાચ હોય છે. પોતાના લોકોને રાજી રાખીને સુખી થવાનો સ્વાર્થ! આપણે આપણી વ્યક્તિ માટે કંઈક કરીએ પછી એનો રિસ્પોન્સ સારો ન હોય ત્યારે આપણે થોડાક દુ:ખી કે ડિસ્ટર્બ થઈએ છીએ. કેમ આવું થાય છે? આપણી જાત સાથેનો આપણો સ્વાર્થ પૂરો થયો નહીં એટલે? અલબત્ત, પ્રેમ કે સંબંધમાં તો આવા કોઈ તર્ક પણ લગાવવાના હોતા નથી. પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા તો દરેક તર્ક, માન્યતા અને માનસિકતાથી પર હોય છે!

ઘણા લોકોની વળી પોતે જે કરતા હોય એ જતાવવાની આદત પણ હોય છે. વારેવારે એવું કહેવું કે, જો હું તારા માટે જ બધું કરું છું એ લાગણીનું અપમાન છે. કહેવાનું વધે ત્યારે કરવાનું ઇમ્પોર્ટન્સ ઘટે છે. એક પ્રેમી એની પ્રેમિકા માટે કંઈ પણ કરે ત્યારે એવું કહેતો રહે કે, તારા માટે કરું, બીજા કોઈના માટે ન કરું. પ્રેમિકાથી એક વખત ન રહેવાયું. તેણે કહી દીધું કે, તો ન કર. મારા માટે કંઈ કરવાની જરૂર નથી. તું કંઈ મારા ઉપર મહેરબાની કરે છે? પ્રેમમાં શું વ્યક્ત કરવું અને શું અવ્યક્ત રાખવું એની સમજ હોવી જોઈએ. પોતાની વ્યક્તિને સમજાતું જ હોય છે કે, એ મારા માટે કરે છે. બધું કહેવાની જરૂર જ નથી હોતી! અનુભૂતિ જ જરૂરી હોય છે.

એક બીજા પ્રેમીઓની વાત છે. પ્રેમી અને પ્રેમિકા બંને અલગ અલગ જગ્યાએ એકલાં રહેતાં હતાં. છોકરાને રસોઈ બનાવતા ન આવડતી. છોકરી પોતાના રૂમ પર જ જમવાનું બનાવતી. એ પોતાના પ્રેમી માટે પણ જમવાનું બનાવી લેતી. દરરોજ પ્રેમીને જમવાનું પહોંચાડી દે. શક્ય બને ત્યારે એની સાથે જ જમે. પ્રેમીએ એક વખત કહ્યું કે, તું મારા માટે કેટલું બધું કરે છે યાર! પ્રેમિકાએ કહ્યું, તારા માટે નહીં કરું તો કોના માટે કરીશ? પ્રેમ હોય ત્યારે આપણી વ્યક્તિ માટે હેરાન થવાની પણ એક મજા હોય છે, એ હેરાનગતિ લાગતી જ નથી. આપણે એવા કિસ્સાઓ જોયા જ હોય છે કે, બીજાના માટે જે સળી ભાંગવા જેટલીય મહેનત ન કરે, એ કોઈ ખાસ વ્યક્તિ માટે આખેઆખો ટેકરો પણ તોડવા તૈયાર હોય! કંઈક ખૂબી હોય છે અમુક સંબંધોની!

પોતાની વ્યક્તિ માટે કંઈ પણ કરવામાં પણ અમુક ધ્યાન રાખવાનું હોય છે. એક યુવાનની આ વાત છે. એ પત્નીને બહુ જ પ્રેમ કરે. તેનું એક જ સપનું હતું કે, મારી પત્નીને તમામ સુખ આપું. એની દરેક ઇચ્છા પૂરી કરું. પત્ની માટે તેની ગમતી વસ્તુઓ ખરીદવા એ નોકરીમાં ઓવરટાઇમ કરે. રવિવારે પણ નોકરીએ જાય. રાત-દિવસ મહેનત કરે. પત્ની તોયે ઉદાસ રહે. એક વખત પતિએ કહ્યું, હું તારા માટે આટલું બધું કરું છું. તને ખુશ રાખવા મથું છું, પણ તારા ચહેરા ઉપર તો કંઈ ખુશી જેવું દેખાતું જ નથી! પત્નીએ કહ્યું, તું જે કરે છે એ બધું મારા માટે કરે છે એવું તો તું માને છે, હું નથી માનતી! પતિને આઘાત લાગ્યો. તેણે પૂછ્યું કે, કેમ આવું બોલે છે? તું મને ખુશ રાખવા ઇચ્છે છે, પણ તને એની ખબર છે કે, મને ખુશી શેનાથી મળે છે? રવિવારે નોકરીએ જાય છે એના કરતાં મારી સાથે રહે. મને સમય આપ. મને પેમ્પર કર. સગવડ અને સાધનો જ સુખ નથી આપતાં, સાંનિધ્ય જ સાચા સુખનું કારણ બનતું હોય છે. તમે જેના માટે બધું કરો છો એ એને ગમે છે ખરું? આપણને એ પણ અહેસાસ હોવો જોઈએ કે, આપણી વ્યક્તિની ખુશી શેમાં છે. એને શું ગમે છે? શું કરું તો એને લાગે જાણે એ સાતમા આસમાનમાં છે. સંબંધો તૂટવાનાં કારણોમાં એક કારણ એ પણ હોય છે કે આપણને આપણી વ્યક્તિના સુખનાં કારણો જ ખબર નથી હોતાં. એટલે જ આપણને ઘણી વખત એ જ નથી સમજાતું કે સાવ નાનકડા અને તદ્દન ઓછી ચીજવસ્તુઓ સાથે જીવતી બે વ્યક્તિનું દાંપત્ય સુખી કેમ હોય છે! એને માત્ર એટલી જ સમજ હોય છે કે મારી વ્યક્તિને શું ગમે છે! ક્યારેક તો અમુક શબ્દો, થોડુંક સન્માન અને આછકલો આદર જ પ્રેમને છલકાવી દેતો હોય છે. આપણી વ્યક્તિને સુખ, આનંદ, ખુશી પણ એની કલ્પના મુજબ આપવું જોઈએ, આપણી ઇચ્છા મુજબ નહીં!

છેલ્લે એક વાત, તમારા માટે કોઈ કંઈ કરતું હોય એની તમને કદર છે ખરી? તમને એનો અહેસાસ તો છે ને કે આ માણસ જે કંઈ કરે છે એ મારા માટે કરે છે. ભલે તમે એનો આભાર ન માનો, બધામાં થેંક્યૂ કહેવાની જરૂર પણ હોતી નથી, પણ તેને એ અહેસાસ કરાવવાનું ન ભૂલતા કે, તું જે કરે છે એની મને ખબર છે, એની મને ખુશી છે અને એનું મને ગૌરવ છે. એટલું એના સુખ માટે પૂરતું બની રહેશે!

છેલ્લો સીન :

જિંદગીને જીવવા જેવી બનાવનાર જે પરિબળો છે એ બહુ સૂક્ષ્મ હોય છે, નાજુક હોય છે. એને નજાકતથી જ સમજવા અને સંભાળવા પડે.     -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 સપ્ટેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “હું જે કંઈ કરું છું તે બધું તારા માટે જ તો કરું છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: