એ માણસનો નયા ભારનો ભરોસો કરવા જેવો નથી! – ચિંતનની પળે

એ માણસનો નયા ભારનો

ભરોસો કરવા જેવો નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધા હોતા નથી ગઈ કાલ ભૂલી જીવવાવાળા,

ભલા ક્યારે સમજશે આ રિસાઈને જવાવાળા,

નગરની સાવ વચ્ચોવચ ઊભો છું તોય ખોવાયો,

નજર પડતાં નજરને ફેરવે છે શોધવાવાળા.

-ભાવેશ ભટ્ટ

 

માણસને પૂરેપૂરો, સાચેસાચો અને આખેઆખો સમજવો એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. માણસ રોજેરોજ બદલાય છે. ગઈ કાલે માણસ જેવો હોય એવો આજે નથી હોતો. આજે છે એવો કાલે ન પણ હોય. કયો માણસ ક્યારે કેવું વર્તન કરશે એ નક્કી હોતું નથી. આપણે એક અંદાજ બાંધી શકીએ. જોકે, આ અંદાજ પણ સાચો પડે એવું જરૂરી હોતું નથી. દરેક ક્ષણે માણસમાં થોડું થોડું પરિવર્તન આવતું હોય છે. બહુ ઓછા માણસો ‘એકધારા’ હોય છે. ઘણા માણસો ‘બેધારા’ હોય છે, તો ઘણા લોકો ‘અનેકધારા’ પણ હોય છે. માણસ મોસ્ટ અનપ્રિડિક્ટેબલ પ્રાણી છે.

 

ઘણા લોકો વિશે આપણે એવું કહીએ છીએ કે, એ શું કરે એનો કોઈ ભરોસો નહીં. એનું ખાતું એકદમ મૂડી છે. મૂડ સ્વિંગ થતા હોય છે. મૂડ સાથે વર્તન બદલે એવા માણસને ન તો માપી શકાય છે અને ન તો પામી શકાય છે. પામવાલાયક થવા માટે પણ પાત્રતા કેળવવી પડે છે. તમે ભરોસાપાત્ર છો? તમારો ભરોસો કોઈ શા માટે કરે? ભરોસો પણ પુરાવાથી સાબિત થતો હોય છે. અભિપ્રાય ભરોસાથી બનતો હોય છે. આપણે કોઈ વિશ્વાસુ છે કે અવિશ્વાસુ એ આપણા અનુભવના આધારે નક્કી કરતા હોઈએ છીએ.

 

તમે પેલા માણસને ઓળખો છો? કેવો છે એ માણસ? કોઈ આપણને કોઈના વિશે અભિપ્રાય પૂછે ત્યારે તેના વિશે વાત કરતા પહેલાં આપણે કેટલો અને કેવો વિચાર કરતા હોઈએ છીએ? ઘણા માટે એવો અભિપ્રાય આપી દઈએ છીએ કે એ માણસનો તો નયા ભારનો ભરોસો કરવા જેવો નથી! આપણને ખરાબ અનુભવ થયો હોય તો હજુ સમજી શકાય કે એના વિશે એવો અભિપ્રાય નીકળે. અભિપ્રાય પાછળ કયો આધાર હોય છે? આપણે શેના આધારે કોઈને સારો કે ખરાબ માણસ કહી દેતા હોઈએ છીએ? ઘણી વખત તો આપણે કોઈના વિશે સાંભળેલી વાતોથી તેનો અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ! જેને કોઈ દિવસ મળ્યા ન હોય, જેની સાથે કોઈ જાતનો પનારો ન પડ્યો હોય, જેનો કોઈ અનુભવ ન હોય એ માણસ વિશે પણ આપણે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ. આપણે પાછી ટાપસી પૂરીએ છીએ કે જો ભાઈ, મને એનો કોઈ અનુભવ નથી, પણ મેં એના વિશે આવું સાંભળ્યું છે. આપણે એ પણ ખરાઈ કરવાની પરવા નથી કરતા કે જે સાંભળ્યું છે એ સાચું છે કે નહીં? જેણે કહ્યું છે એ માણસ ભરોસો કરવાને લાયક છે કે નહીં?

 

એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે, મારો એક મિત્ર તમને નિયમિત મળવા આવે છે. હવે તેણે મારી સાથે ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવો છે. તમે જરા મને કહેશો કે એ માણસ કેવો છે? સાધુ હસવા લાગ્યા. તેણે કહ્યું કે હજુ તો મને મારી જ ખબર નથી કે હું કેવો છું, ત્યાં કોઈ કેવો છે એ હું કેવી રીતે કહી શકું? તમને ખબર છે તમે કેવા છો? તમારા વિશે તમારો અભિપ્રાય કેવો છે? જે અભિપ્રાય છે એ તટસ્થ છે? હા, એટલું કહી શકું કે સામેવાળો માણસ કેવો છે એ ઘણી વખત આપણે કેવા છીએ તેના પરથી નક્કી થતું હોય છે. આપણે સારા રહીએ તો સામેવાળો માણસ ખરાબ થતાં પહેલાં વિચાર જરૂર કરે. હું તેના વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકું? મેં કંઈ તેની સાથે બિઝનસ કર્યો નથી. મારી સાથે સારો હોય તો પણ એ જરૂરી નથી કે, તારી સાથે સારો જ રહે. મારી સાથે ખરાબ હોય તો પણ બનવાજોગ છે કે તારી સાથે સારો રહે. કોઈ માણસ કેવો રહે એ માત્ર એના ઉપરથી નક્કી થતું નથી, ઘણું બધું આપણા ઉપરથી પણ નક્કી થતું હોય છે.

 

અનુભવ વગર અભિપ્રાય આપવો એ અનૈતિક પ્રવૃત્તિ છે. અનુભવ હોય તો પણ અભિપ્રાય આપવામાં ધ્યાન રાખવું જોઈએ. મને આવો અનુભવ થયો છે, તને કદાચ ન પણ થાય. આપણો અભિપ્રાય સાંભળીને કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય પર આવવાના હોય ત્યારે વધુ તકેદારીની જરૂર પડે છે. માણસ એ ગુણ અને અવગુણનું ગજબનું મિક્સચર છે. કોઈ માણસ સંપૂર્ણ સારો હોઈ ન શકે. કોઈ તદ્દન ખરાબ પણ ન હોય. દરેક માણસ પાછો દરેક માટે જુદો જુદો હોય છે. કોઈના માટે એ દેવ હોય છે, તો કોઈના માટે દાનવ જેવો. જોકે, દરેક માણસમાં કંઈક ‘બેઝિક્સ’ હોય છે. સારો માણસ કંઈક બૂરું કરે તો પણ એ એક હદથી વધુ બૂરું કરી શકતો નથી. બહુ ગુસ્સે થાય તો એનાથી અપશબ્દ બોલાઈ જાય, પણ એ મારવા ઉપર તો ન જ ઊતરી આવે. ક્યારેક અયોગ્ય વર્તન થઈ જાય તો પણ એને અફસોસ થશે. ખરાબ માણસનો તો અફસોસ પણ ભરોસાપાત્ર હોતો નથી. કોઈ સોરી કહેવા આવે ત્યારે પણ આપણને સવાલ થાય છે કે આ સોરી કહેવા શા માટે આવ્યો? એની પાછળ પણ કંઈ રમત તો નથીને? ઘણા માણસો ઉપર આપણે આંખ મીંચીને ભરોસો મૂકી દઈએ છીએ, કારણ કે એમણે એ પાત્રતા કેળવી હોય છે.

 

અભિપ્રાય આપવા માટે પણ લાયકાત કેળવવી પડે છે. આપણે અભિપ્રાય એની પાસેથી જ લેતા હોઈએ છીએ જેના વિશે આપણને શ્રદ્ધા હોય કે એ સાચો જ અભિપ્રાય આપશે. પોતાની વ્યક્તિનો સાચો અભિપ્રાય આપવો એ સૌથી કઠિન કામ છે. ભાઈ, મિત્ર કે બીજા કોઈ પણ વિશે કોઈ આપણને પૂછે ત્યારે આપણે સાચા હોઈએ છીએ કે બાયસ્ડ? જો એના આટલા પ્લસ પોઇન્ટ્સ છે અને આટલા માઇનસ પોઇન્ટ્સ. હવે તું નક્કી કર કે તારે તેની સાથે આગળ વધવું કે નહીં? વાંધો પડે એટલે આપણે ઘણી વખત નેગેટિવ અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ. અભિપ્રાયમાં ગમા કે અણગમા ઉમેરાય ત્યારે અભિપ્રાય ખરડાયેલો બની જાય છે.

 

એક દંપતીના ડિવોર્સ થયા. જુદો પડેલો યુવાન પછી બીજી જીવનસાથી શોધતો હતો. એક યુવતી સાથે તેની મુલાકાત થઈ. લગ્ન માટે વાત આગળ વધી. યુવતીને થયું કે આ માણસના એક ડિવોર્સ થઈ ગયા છે. એવું તો શું થયું હશે કે બંને જુદાં પડી ગયાં? એ યુવતીને થયું કે, મારે તેની પહેલી વાઇફને મળવું જોઈએ. એ યુવતી એને મળવા ગઈ. તમારો એક્સ હસબન્ડ કેવો માણસ છે, એવો એણે સવાલ કર્યો. પેલી સ્ત્રીને તો જાણે ભડાસ કાઢવાની તક મળી ગઈ. એ બદમાશ માણસ છે. એને કોઈની પડી જ નથી. એણે પોતાનું જ ધાર્યું કરવું હોય છે. આવા અનેક અભિપ્રાયો એણે પોતાના એક્સ હસબન્ડ માટે આપી દીધાં. બધી વાત સાંભળી પેલી યુવતીએ એક સવાલ કર્યો. હવે તમે મને એની કોઈ એક સારી વાત કરોને? એક્સવાઇફ કંઈ જ કહી ન શકી! પેલી યુવતીએ કહ્યું, એવું કેવી રીતે બની શકે કે કોઈ માણસમાં એકેય સારી વાત જ ન હોય! એવું ન બને કે તમને એની સારી વાત દેખાઈ જ ન હોય? આપણે આંધળા હોઈએ એટલે આખું જગત કાળું થઈ જાય?

 

દરેક વખતે અણબનાવ કે છૂટા પડવાનું કારણ એ નથી હોતું કે કોઈ સારું છે અથવા તો કોઈ ખરાબ છે. ઘણી વખત કારણ એ હોય છે કે બંને ‘જુદાં’ હોય છે. ન ફાવે, ન બને, સાથે રહી ન શકાય ત્યારે કોઈ કેમ ખરાબ થઈ જાય છે? હું એના માટે લાયક નહોતો કે હું એના માટે યોગ્ય નહોતી, એવું પણ ઘણી વખત નથી હોતું. અમે બંને જુદાં હતાં. એ કદાચ એની જગ્યાએ સાચો હતો. હું કદાચ મારી જગ્યાએ સાચી હતી. બે સત્ય જ્યારે એક ન થઈ શકે ત્યારે આપણે એને અસત્ય કહી દેતા હોઈએ છીએ!

 

અભિપ્રાય આપતી વખતે એટલી દરકાર પણ જરૂરી હોય છે કે આપણે અભિપ્રાય આપવાનો છે, આક્ષેપ કરવાનો નથી. અભિપ્રાય તટસ્થ અને યોગ્ય નહીં હોય તો એ ઓળખાઈ જશે. આપણા અભિપ્રાયમાં વજૂદ હોવું જોઈએ. સાચો, સારો અને સમજુ માણસ જ ખરો અભિપ્રાય આપી શકતો હોય છે. અભિપ્રાય આપવો એ ન્યાય તોળવા જેવું કામ છે. તમે કોઈના વિશે કંઈક સ્ટેટમેન્ટ કરતા હોવ છો. કોઈ માણસ ઉપર આંખ મીંચીને લેબલ મારી દેવું એ પોતાની જાત સાથે જ છેતરપિંડી હોય છે. તમારા અભિપ્રાયમાં દમ નહીં હોય તો લોકો તમારો અભિપ્રાય લેશે ખરા, પણ એ અભિપ્રાય માનશે નહીં! વાત ભલે કોઈના પણ વિશે કરીએ, ધ્યાન એટલું જ રાખવાનું કે આપણે આપણી ગરિમા ગુમાવી ન દઈએ. એની જ વાતનું વજન પડતું હોય છે જે થોડુંક વિચારીને બોલે છે. ખોખલા શબ્દો સરવાળે બોદા જ સાબિત થતા હોય છે.

 

છેલ્લો સીન :

આપણે કોઈના વિશે શું કહીએ છીએ એના ઉપરથી આપણે કેવા છીએ એ પણ સાબિત થતું હોય છે. અભિપ્રાય આપતી વખતે તમારા વિશેનો એક અભિપ્રાય પણ બનતો હોય છે. –કેયુ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 ફેબ્રુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: