ટેક્નોલોજી હવે માણસને
સાચું બોલવા મજબૂર કરશે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
લંડનની એક સ્ટાર્ટઅપ કંપનીએ ‘ફેસસોફ્ટ’ બનાવ્યું છે,
જે ખોટું બોલનારને પકડી પાડશે. અત્યારે તો આ ટેક્નોલોજી
માત્ર ગુનેગારો માટે વપરાશે, પણ એ દિવસ દૂર નથી કે,
સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો થઇ જાય!
ટેક્નોલોજી કદાચ માણસની બુદ્ધિ ઉપર થોડો ઘણો કબજો
કરશે, પણ ઇમોશન્સનો માલિક તો માણસ પોતે જ છે.
તમારા ઇમોશન્સ તમારા કબજામાં છે?
‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’, જૂની હિન્દી ફિલ્મ ‘તીસરી કસમ’માં આવું ગીત છે. એ સમયે ખોટું બોલવા માટે ભગવાન પાસે જઇને સજા ભોગવવાની જ વાત હતી. બીજું તો લોકો સાચું બોલે છેને? એ જાણવા માટે સમ આપતા હતા. મારા સમ ખા જોઇએ. ઘણા તો વળી સમ ખાવામાં પણ ખોટું બોલી દેતા કે, તારા સમ બસ. સાચું કબૂલાત કરાવવા માટે લોકો જાતજાતના નુસખા આપનાવતા હતા. હવે સમય બદલાયો છે. ખોટું બોલવું અને ખોટું કરવું ટેક્નોલોજીએ અઘરું બનાવી દીધું છે. તમે કંઇ પણ ખોટું કરો તો પકડાઇ જવાનો ખતરો સૌથી વધુ રહે છે. સીસીટીવી કેમેરા તમારી હાજરી પકડી પાડે છે. તમારો ફોન તમે ક્યાં હતા અને ક્યાંથી ક્યાં ગયા હતા તેનો હિસાબ આપી દે છે. ટેક્નોલોજી હવે એ હદે પહોંચી ગઇ છે કે, તમારું જૂઠ ઘડીના છઠ્ઠા ભાગમાં પકડી આપે. લેટેસ્ટ સમાચાર એ છે કે, હવે એવી ટેક્નોલોજી આવી ગઇ છે કે, જો માણસ ખોટું બોલતો હોય તો તેના મોઢાના હાવભાવ એવું કહી આપશે કે, આ એક નંબરનો ખોટાડો છે.
બ્રિટનની એક સ્ટાર્ટઅપ કંપની ફેસસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી ટેક્નોલોજી વિકસાવી છે, જે માણસનું જૂઠ પકડી પાડશે. આ ટેક્નોલોજી ચહેરાના હાવભાવને માઇક્રો એક્સપ્રેશન સાથે સામે લાવશે, જે છતું કરી દેશે કે, સાચું બોલે છે કે ખોટું? તમને ખબર છે, આપણે જ્યારે હસીએ ત્યારે આપણા હાસ્યનો તાલ આપણી આંખો સાથે મળતો હોય છે. ખુશી, ગુસ્સો, નારાજગી અને આપણી બીજી ભાવનાઓથી ચહેરા પર ચોક્કસ રેખાઓ અંકાય છે. હવે માણસ જો ખોટું બોલતો હોય તો તેના હોઠ અલગ બયાન કરે છે અને તેની આંખોના એક્સપ્રેશન જુદા હાય છે. આ ટેક્નોલોજીમાં 30 કરોડથી વધુ લોકોના હાવભાવ અપલોડ કરવામાં આવ્યા છે. દરેકના ચહેરા પર 80 પોઇન્ટ્સ એવા હોય છે જે એક ચહેરાને બીજા ચહેરાથી અલગ પાડે છે. તેના આધારે ન્યુમેરિક કોડ તૈયાર થાય છે. બીજી ડિટેઇલમાં ન પડીએ અને સીધી ને સટ ભાષામાં વાત કરીએ તો કહી શકાય કે, ખોટું બાલનારને આ ટેક્નોલોજી ઉઘાડા પાડી દેશે. આપણે આમ તો બધું નેગેટિવ સાઇડથી જ વિચારતા હોઇએ છીએ, ખોટાની જ વાત કરીએ છીએ, પણ બીજી બાજુનો વિચાર કરો તો એમ પણ કહી શકાય કે, સાચું બોલનાર પણ સાચો સાબિત ઠરશે. આ પણ સારી વાત નથી કે, સત્ય બોલનારને ટેક્નોલોજીનો સાથ મળશે.
હવે આ ફેસસોફ્ટ કંપની લંડનની પોલીસ અને આપણા મુંબઇની પોલીસ સાથે મળીને આ ટેક્નોલોજીની ટ્રાયલ કરશે. જો આ ટેક્નોલોજી સફળ રહી તો એ પોલિગ્રાફી ટેસ્ટ એટલે કે લાઇ ડિટેક્ટરની જગ્યા લેશે. પોલિગ્રાફી ટેસ્ટ જે તે ગુનેગારના શરીરમાં સોડિયમ થિઓપેન્ટલ, ઇથેનોલ કે કેનાબિસ નામનાં કેમિકલ ઇન્જેક્ટ કરીને કરવામાં આવે છે. આ કેમિકલને ટ્રુથ ડ્રગ્સ પણ કહેવામાં આવે છે. બહુ રેર કેસમાં પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. આ નવી ટેક્નોલોજી સોફ્ટવેર બેઝ છે. અત્યારે ભલે આ માત્ર પોલીસ માટે જ હોય અને ગુનેગારો પર જ અજમાવવાની હોય, પણ ટેક્નોલોજીના નિષ્ણાતો એવી આગાહી કરે છે કે, વહેલી કે મોડી આ ટેક્નોલોજી સામાન્ય લોકો માટે પણ હાથવગી થઇ જશે. વાત તો ત્યાં સુધીની છે કે, તમે કોઇનો વીડિયો અપલોડ કરશો તો એ સાચું બોલે છે કે ખોટું એ પણ કહી આપશે. તમારા પ્લે સ્ટોરમાં કદાચ થોડા જ સમયમાં આવી એપ જોવા મળે તો એમાં નવાઇ પામવા જેવું કંઇ નહીં હોય.
સૌથી મોટો સવાલ એ પણ છે કે, જો આવું થશે તો માનવીય સંબંધોનું શું થશે? આપણે ગમે તે કહીએ, પણ એ હકીકત છે કે, ઘણા સંબંધો જૂઠની બુનિયાદ પર જ ટકેલા હોય છે. માણસ રાતોરાત સુધરી જાય એ વાતમાં માલ નથી. આમ તો સંબંધમાં ઓનેસ્ટી મસ્ટ છે. ગમે એવું ખોટું બોલો એ વહેલું કે મોડું પકડાઇ તો જવાનું જ છે. ટેક્નોલોજી તમારા કમ્યુનિકેશનની હિસ્ટ્રી ક્યારેય કમ્પ્લીટલી ડિલીટ કરતી જ નથી. પાપ છાપરે ચડીને પોકારતું હોય છે. એક સાઇબર એક્સપર્ટે તો ત્યાં સુધી કહ્યું કે, કોઇ માણસ પાછળ પડી જાય તો એ તમારા અતથી ઇતિ સુધીના વ્યવહારો જાણી શકે છે. એ તો સારું છે કે, બધા આપણા ઉપર શંકા નથી કરતા! જોકે, સમયની સાથે અને ટેક્નોલોજીના વિકાસની સાથે એકબીજા પર શંકા કરવાનું પણ વધ્યું છે. આમ તો મોબાઇલ આવ્યા ત્યારથી મજાકમાં પણ એવું થવા લાગ્યું છે. સૌથી પહેલો જોક કદાચ એ જ હતો કે, પત્નીએ પૂછ્યું કે, ક્યાં છો? પતિએ કહ્યું કે, કાર ડ્રાઇવ કરું છું. પત્નીએ કહ્યું, એમ? જરાક હોર્ન તો વગાડો! આ તો થઇ મજાકની વાત, પણ હવે મોબાઇલ ચેક કરવાનું અને મેસેજીસ કે હિસ્ટ્રી ડિલીટ કરવાનું ઘણા માટે રોજિંદું કામ બની ગયું છે.
એમ તો બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સિટીએ એવો પણ દાવા કર્યો છે કે, હવે લાગણીઓ વાંચી શકે એવા રિસ્ટ બેલ્ટ થોડા જ સમયમાં બજારમાં આવશે. લાગણીઓ વાંચવાવાળું કોઇ ન હોય ત્યારે આવા લાગણી વાંચવાવાળા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય છે. ટેક્નોલોજી વિશે તો ત્યાં સુધી આગાહીઓ કરવામાં આવી છે કે, વહેલા મોડા એ માણસની બુદ્ધિ ઉપર કબજો મેળવી લેશે. ઇમોશન્સની વાત કરીએ તો, કદાચ ટેક્નોલોજી માણસના ઇમોશન્સ પકડી પાડશે, પણ ઇમોશન તો માણસના પોતાના જ રહેવાના. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે તોયે આર્ટિફિશિયલ જ છે, એ રિઅલ ક્યારેય હોઈ જ ન શકે. માણસ સંવેદનશીલ પ્રાણી છે. એ સંવેદનાથી જ જીવે છે. આટલી બધી જાતજાતની ટેક્નોલોજી આવે છે ત્યારે એવી ટેક્નોલોજી ક્યારે આવશે જે માણસની સંવેદનાઓ જીવતી રાખે? જોકે, આપણે આપણી લાગણીઓને સજીવન રાખી શકીએ તો આવી ટેક્નોલોજીની કોઇ જરૂર જ નથી. તમારી જાત સાથે સાચા, પ્રામાણિક, વફાદાર અને ખેલદિલ રહો, આવા લોકોની સંખ્યા સતત ઘટતી જ જાય છે!
પેશ-એ-ખિદમત
હૈં સારે જુર્મ અપને હિસાબ મેં લિખના,
સવાલ યે હૈ કિ ફિર ક્યા જવાબ મેં લિખના,
યે ઇત્તફાક કિ માંગા થા ઉનસે જિનકા જવાબ,
વો બાતેં ભૂલ ગયે વો જવાબ મેં લિખના.
– ઉમર અન્સારી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 08 સપ્ટેમ્બર 2019, રવિવાર)
kkantu@gmail.com