તમારા વિચારો તમારા જ છે કે પછી બીજા કોઇના? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તમારા વિચારો તમારા જ

છે કે પછી બીજા કોઇના?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે,
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે,
એ નાહક સીધે રસ્તે ચાલવાની હઠ લઈ બેઠો
થયું શું આખરે એનું, એ આખું ગામ જાણે છે !

– ઉદયન ઠક્કર

માણસ જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરે છે. હા, ઘણા લોકો એવું બોલી દેતા હોય છે કે એવું વર્તન કરી બેસતા હોય છે જેનાથી આપણને એવો સવાલ થાય કે, આનામાં બુદ્ધિ જેવું કંઇ છે કે નહીં?  આવું કરતા પહેલા એને કંઇ વિચાર નહીં આવતો હોય? આપણને આપણી બુદ્ધિ, આપણી સમજ અને આપણા વિચારો કંઇ પણ કરવા કે બોલવા પ્રેરતા હોય છે. માણસ જો કંઇ કરતા પહેલા તેના પરિણામ વિશે થોડોકેય વિચાર કરે તો એણે પસ્તાવું પડતું નથી. જે લોકો લાંબું વિચાર્યા વગર કંઇ કરે છે એને જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક સ્વજન સાથે ઝઘડો થયો. તેણે તેના મિત્રને કહ્યું કે, હવે તો મારે લડી જ લેવું છે. જે થવું હોય એ થાય! તેના મિત્રએ કહ્યું, બરાબર છે, પણ માત્ર એટલું વિચારી લે કે, લડી લેવામાં શું શું થઇ શકે છે? આ ઝઘડાથી જે નુકશાન કે વેદના થાય છે એના કરતા લડી લેવાથી જો વધારે નુકશાન થવાનું હોય તો એ તારા માટે ખોટનો ધંધો થશે. બહારવટીયાઓના છેલ્લે પાળિયા જ થતા હોય છે. આપણી બહાદૂરીને જો આપણે કંટ્રોલમાં ન રાખીએ તો એ આપણા માટે જ જોખમી નીવડતી હોય છે. શક્તિ સાથે સમજ હોય એ જ સંઘર્ષમાં સફળ થાય છે. આંધળુકિયા કરીએ તો અથડાવાનો જ વારો આવે. માણસ ક્યારેક જડ થઇ જતો હોય છે. જડ થઇ જતો માણસ પોતાને જ જડતો હોતો નથી. જડતાની સૌથી મોટી નિશાની કઇ છે? જડ માણસ ક્યારેય પોતાના વિચારો સાથે બાંધછોડ કરતો નથી. માણસે વિચારોમાં પણ ફેલેક્સિબલ રહેવું પડતું હોય છે. વિચારનો દરવખતે છૂટો દોર ન આપી શકાય. વિચારને કાબુમાં રાખવા પડતા હોય છે. વિચારોને વાળવા, ટાળવા અને ક્યારેક મારવા પણ પડતા હોય છે.

આપણા વિચારો પર આપણો કેટલો કંટ્રોલ હોય છે? કોઇ વિચાર આવે ત્યારે આપણે એવો વિચાર કરીએ છીએ કે, આવો વિચાર મને કેમ આવ્યો? દરેક વિચાર પાછળ કંઇક કારણ હોય છે. કોઇ ઘટના, કોઇ વાત, કોઇ અનુભવ, કોઇ અહેસાસ, કોઇ વેદના, કોઇ સંવેદના, કોઇ યાદ. કોઇ ફરિયાદ, કોઇ નારાજગી, કોઇ ગુસ્સો આપણને અમુક વિચારો કરવા મજબૂર કરે છે. હમણાની જ એક વાત છે. એક પતિ પત્ની હતા. બંનેના એરેન્જ મેરેજ હતા. લગ્નનું નક્કી થયું એ પછી યુવાને પોતાની મંગેતરને આઇફોન ગિફ્ટ કર્યો હતો. લગ્ન થયા. થોડો સમય થયો. એક વખત બંને વચ્ચે ઝઘડો થયો. પતિએ એવું કહ્યું કે, મેં તને આઇફોન આપ્યો હતો, બાકી તારી કે તારા બાપની ક્યાં એટલી ત્રેવડ હતી કે, તું આઇફોન વાપરી શકે! પત્નીથી સહન ન થયું. તેણે કહ્યું કે, તારાથી આવું બોલાય જ કેમ? મેં તારી પાસે આઇફોન માંગ્યો હતો? હું તો મારી પાસે જે ફોન હતો એનાથી ખુશ જ હતી. ઝઘડો ડિવોર્સ સુધી પહોંચી ગયો. છોકરીના પિતાએ દીકરીને કહ્યું કે, આમ જો તો એની વાત ખોટી તો નથીને? આપણી ક્યાં આઇફોન લેવા જેટલી ત્રેવડ હતી? એ સમયે દીકરીએ કહ્યું, વાત ત્રેવડની નથી, વાત આઇફોનની પણ નથી, વાત એના વિચારોની છે, વાત હલકી મનોવૃતિની છે. માણસની ત્રેવડ, તાકાત, શક્તિ, સામર્થ્ય અને સફળતા છેલ્લે તો એનાથી જ મપાતા હોય છે કે, એના વિચારો કેવા છે? માણસે જે કંઇ પ્રાપ્ત કર્યું છે એ કેવી રીતે કર્યું છે? પિતાએ દીકરીને કહ્યું કે, એ તો જેવો જેનો ઉછેર અને જેવી જેની સમજણ. આ વાત સાંભળીને દીકરીએ માત્ર એટલું જ કહ્યું કે, મારા ઉછેર અને મારી સમજણનું શું?

આપણા વિચારો ઉપર પણ આપણા ઉછેર અને આપણી સમજણ સૌથી મોટી અસર કરતા હોય છે. ઉછેરમાં પણ ક્યારેક કંઇક કમી રહી ગઇ હોય છે. સમજણમાં પણ ક્યારેક થાપ ખવાઇ જતી હોય છે, એટલે જ માણસે પોતાને જે વિચાર આવતા હોય એના પર પણ થોડોક વિચાર કરતા રહેવું જોઇએ. જે વિચારો આપણને દુ:ખી કરે, અપસેટ કરે એને ટાળવા જોઇએ. વિચારો જ્યારે પોતાની દીશા ખોઇ બેસે ત્યારે વિશાદ પેદા થતો હોય છે. ડિપ્રેસન ખરાબ કે નેગેટિવ વિચારોની હારમાળાથી સર્જાય છે. સામા પક્ષે સારા વિચારો શાંતિ અર્પે છે. જતું કરવાના વિચારથી આપણને કેટલું બધું મળતું હોય છે એની આપણને કલ્પના હોતી નથી. ત્રણ ભાઇઓ હતા. પિતાના અવસાન પછી ત્રણેય વચ્ચે મિલકત બાબતે ઝઘડો થયો. સૌથી નાનો ભાઇ સમજુ હતો. તેણે કહ્યું કે, મને તમારે જે આપવું હોય એ આપી દો, મારે આ બધી માથાકૂટમાં પડવું નથી. બંને ભાઇઓએ એ ભાઇના ભાગે જે આવવાનું હતું તેનાથી અડધું આપીને એને છુટ્ટો કરી દીધો. વર્ષો થઇ ગયા. છુટો થઇ ગયેલો નાનો ભાઇ સુખેથી જીવે છે અને બાકીના બંને ભાઇઓ હજુ ઝઘડે છે અને કોર્ટના ચક્કર કાપે છે. નાના ભાઇએ એક વખત પત્નીને કહ્યું કે, જે અડધો ભાગ આપણે જતો કર્યોને એ આપણી શાંતિ અને સુખની જ કિંમત હતી. જતું કર્યું એ અલ્ટિમેટલી આપણા ફાયદાની વાત હતી.

માણસની જિંદગી છેલ્લે તો એવી જ બને છે જેવા એ વિચાર કરે છે. જિંદગીમાં એ સાવચેતી રાખવાની હોય છે કે, સારા વિચારો આવે. વિચારો પર નજર ન રાખીએ તો કોઇ આપણા વિચારો ઉપર કોઇ કાબુ જમાવી લે છે. એક દંપતિની આ વાત છે. એક મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. પતિ મનમાં આવે એ બોલતો હતો. પત્નીએ શાંતિથી પતિની વાત સાંભળી. આખરે પત્નીએ કહ્યું કે, આ તું નથી બોલતો. આ તારા વિચારો નથી. તારા વિચારો ઉપર કોઇનો પ્રભાવ છે. કોઇએ પોતાના વિચારો તારા પર થોપી દીધા છે. મારે તને એટલું જ કહેવું છે કે, તું તને યોગ્ય લાગે એ કર પણ એ વિચારો તારા હોવા જોઇએ, એ નિર્ણય તારો હોવો જોઇએ. ઘણા લોકો વાત કરે ત્યારે આપણને ખબર પડી જાય છે કે, આ જે બોલે છે એ એનું નથી. એને આપણે ઘણી વખત ચડામણીનું પણ નામ આપીએ છીએ. કોઇ ચડાવે અને આપણે ચડી જઇએ ત્યારે એક વાત યાદ રાખવી કે કોઇ પાડવા ઇચ્છશે ત્યારે આપણે પડી પણ જશું.

ગમે એવો અભાવ હોય તો પણ માણસે ક્યારેય કોઇના પ્રભાવમાં આવવું ન જોઇએ.  માત્ર અભાવ જ નહીં, ભાવ હોય તો પણ કોઇના વિચારોથી દોરવાઇ ન જવું જોઇએ. કોઇને માનીએ, કોઇને આદર આપીએ, કોઇનાથી પ્રેરિત થઇએ, કોઇના વિચારો ગમે, એમાં કશો જ વાંધો નહીં પણ એને આંખો મીંચીને વળગી રહેવાની કે એ કહે એટલું જ કરવાની જરૂર હોતી નથી. એક યુવાનને કંઇ પણ પ્રોબ્લેમ થાય એટલે એ તરત જ એક ફિલોસોફર પાસે પહોંચી જાય. સમસ્યાનો ઉકેલ માંગે. ફિલોસોફર ઉકેલ આપે પણ ખરા. એક વખત જ્યારે એ યુવાન આવ્યો ત્યારે એમણે યુવાનને પૂછ્યું, તારું મન શું કહે છે? યુવાને પોતે જે વિચારતો હતો એની વાત કરી. ફિલોસોફરે કહ્યું કે, તું જે વિચારે છે એ ઉમદા છે. તેં મારા કરતા જુદું વિચાર્યું છે. હવે મારે તને જે વાત કરવી છે એ સાંભળ. દરેક નિર્ણયમાં મારા પર આધાર નહીં રાખ. પગમાં ઇજા થાય ત્યારે આપણે કાખઘોડી વાપરીએ છીએ. સાજા અને ચાલતા થઇ જઇએ પછી ઘોડી ફેંકી દઇએ છીએ. તું તો દોડવા લાગ્યો છે તો પણ ઘોડી છોડતો નથી. કંઇ વાંચો, કંઇ સાંભળો, કંઇ જુઓ એ પછી એની આપણા પર કેવી અસર થાય છે એના પર પણ વિચાર કરો. કોઇનાથી એટલા બધા અભિભૂત ન થઇ જાવ કે તમે તમારો માર્ગ છોડીને એના માર્ગે ચાલવા માંડો. આપણો માર્ગ આપણે જ બનાવવાનો હોય છે. જે દોરવાતો રહે છે એ પોતાની મંઝિલે નહીં પણ કોઇએ નક્કી કરેલી જગ્યાએ પહોંચતો હોય છે. આજના સમયમાં દીશાએથી ભટકાવનારાઓની કમી નથી. કોઇના એટલા પ્રભાવમાં ક્યારેય ન આવવું જોઇએ કે આપણને આપણું જ ભાન ન રહે!

છેલ્લો સીન :

વિચારો જ્યારે અતિશય પરેશાન કરવા લાગે ત્યારે વિચારોને પણ મૌન આપવું પડે છે. વિચાર વિરામ અને વિચારશૂન્યતા પણ ક્યારેક જરૂરી બને છે.  –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 06 જૂન 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *