કંઈ વાંધો નહીં, તેં થોડું જાણી જોઇને એવું કર્યું છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કંઈ વાંધો નહીં, તેં થોડું

જાણી જોઇને એવું કર્યું છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


આંખમાં છૂપા રહેલા ભેદ જેવું,
એક પંખી પિંજરામાં કેદ જેવું,
આમ વમળો ના ડુબાડી જાય એને,
નાવમાં નક્કી હશે હા છેદ જેવું.
– ગિરીશ રઢુકિયા


માણસ જે કંઇ પણ કરે છે એની પાછળ કંઇક કારણ હોય છે. કોઇ માણસ એમ જ કંઇ કરતો નથી. કેટલીક વખત આપણે કંઇ જ કર્યા વગર બેઠા હોઇએ છીએ. એ વખતે પણ આપણો ઇરાદો કંઇ ન કરવાનો હોય છે. દરેક માણસને અમુક સમયે એવું થતું હોય છે કે, આ વખતના હોલિડેમાં કંઇ કરવું નથી, બસ પડ્યા રહેવું છે. કામ કરવા પાછળ કોઇ ઉદ્દેશ હોય છે એમ આરામ કરવા પાછળ પણ રિલેક્સ થવાનું કારણ હોય છે. જિંદગીમાં બે વસ્તુથી માણસ હંમેશાં દોરવાતો રહે છે, એક તો આદત અને બીજી દાનત. માણસ એનાથી મપાતો અને ઓળખાતો હોય છે કે, એની દાનત કેવી છે? માણસનો ઇરાદો શું છે? કેટલાક લોકો એવા હોય છે જેના ઇરાદાઓ જ ભેદી હોય છે. આપણને સમજાય નહીં કે, એ માણસ જે કરી રહ્યો છે એ શા માટે કરે છે. ભેદી પ્રકૃતિવાળા લોકાના ઇરાદા હંમેશાં ભેદભરમવાળા હોય છે. દરેક વખતે ઇરાદો ખરાબ જ હોય એવું જરૂરી નથી. ઇરાદા સારા પણ હોય છે. માણસને ઓળખવા માટે એના ઇરાદા સમજવા જરૂરી છે.
એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. થોડો સમય બધું બરાબર ચાલ્યું. અચાનક એક દિવસ છોકરીએ એ છોકરા સાથે બ્રેકઅપ કરી નાખ્યું. ગ્રૂપમાં બધા લોકોને આશ્ચર્ય થયું કે, આ બંને વચ્ચે તો કોઇ ઇશ્યૂ નહોતા, તો પછી અચાનક બ્રેકઅપ કેમ થયું? એ છોકરીની ફ્રેન્ડે આખરે પૂછી લીધું કે, તમારા બંને વચ્ચે શું થયું હતું? ઝઘડો થયો હતો? બ્રેકઅપનું સાચું કારણ શું હતું? એ છોકરીએ કહ્યું, ના, એણે મારી સાથે નથી ઝઘડો કર્યો કે નથી મારું અપમાન કર્યું. બ્રેકઅપનું કારણ જો કંઇ હોય તો એકમાત્ર તેના ઇરાદાઓ હતા. એ કહેતો કે, તું જોજે, એક દિવસ હું ગમે તેમ કરીને રૂપિયાવાળો થઇશ. કોઇને ટોપી પહેરાવવી પડશે તો પહેરાવીશ. કંઇ ખોટું કરવું પડે તો કરીશ. એના ઇરાદા મને અયોગ્ય લાગ્યા. એ મારી સાથે સારો હતો, પણ એ મને ક્યારેય સારો માણસ લાગ્યો નથી. મારા માટે એ જરૂરી છે કે, મારી વ્યક્તિ માત્ર મારી સાથે જ નહીં, બધા સાથે સારી હોવી જોઇએ. સારો માણસ એ જ છે જે બધા માટે સારો હોય. મારી વ્યક્તિ કોઇનું બૂરું કરે એ મને ન ગમે. એ ભલો માણસ હોવો જોઇએ. મારા સુખની વ્યાખ્યા માત્ર સાધન, સુવિધા કે સંપત્તિ નથી, મારી વ્યાખ્યા સંતોષ છે, સાત્ત્વિકતા છે અને સુખ છે. એ માણસ જ સુખી થાય છે જેના ઇરાદાઓ સારા હોય છે. એ મને જે વાતો કરતો તેના વિશે મને સવાલો થતા હતા. એ સવાલોના જવાબ મેળવવાનો હું પ્રયાસ કરતી હતી. મને જે જવાબો મળ્યા એ એવા હતા કે, આ માણસ મારા માટે નથી. આખરે મેં બ્રેકઅપ કરવાનું નક્કી કરી લીધું. મને એવો પણ વિચાર આવ્યો હતો કે, હું તેને સમજાવું, બદલવાનો પ્રયાસ કરું. મેં એવું ન કર્યું. એ એના ઇરાદાઓમાં મક્કમ હતો. ધારે એ જ કરે એવો હતો. જે બદલે એમ ન હોય એને સમજાવવામાં પણ શક્તિ વેડફવી ન જોઇએ.
સંબંધમાં જ્યારે સંઘર્ષ પેદા થાય ત્યારે માણસે સામેની વ્યક્તિના ઇરાદા અને દાનત પર નજર કરવી જોઇએ. એણે આવું કેમ કર્યું? માણસ ક્યારેક જાણે અજાણે ભૂલ કરી બેસતો હોય છે. ભૂલ હોય તો માફ કરી શકાય, બદઇરાદા માફીને લાયક હોતા નથી. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ ચીજવસ્તુઓની બાબતમાં ખૂબ જ ચીવટવાળો હતો. પોતાનાથી કંઇ તૂટફૂટ થાય તો પણ એનાથી સહન ન થાય. ક્યારેક કંઇ થાય તો એ પોતાની જાત પર જ ગુસ્સો કરે. એ જોઇને એની પત્નીને ટેન્શન થતું કે, મારાથી કોઇ દિવસ કંઇ થઇ ગયું તો મારું તો આવી જ બનશે. એક વખત ખરેખર એવું થયું. કાચનો એક શો પીસ સાફ કરતી વખતે તેના હાથમાંથી પડી ગયો અને ટુકડેટુકડા થઇ ગયો. પતિ એ વખત ઘરમાં જ હતો અને સોફા પર બેઠો હતો. પત્નીના હાથમાંથી જેવો શો પીસ પડ્યો કે એ તરત જ ઊભો થઇ ગયો. તેણે કહ્યું, ધ્યાન રાખજે, ક્યાંક કાચ વાગી ન જાય. પત્નીને વાગે નહીં એ રીતે તેણે કાચના ટુકડા ભેગા કરીને ડસ્ટબિનમાં નાખી દીધા. થોડી વાર પછી પત્નીએ કહ્યું, મને તો ટેન્શન થઇ ગયું હતું કે, તું મારા પર ગુસ્સે થઇશ. પતિએ કહ્યું, ના રે, તેં કંઇ થોડું ચાઇ કરીને આવું કર્યું છે. એવું તો થાય. તારો ઇરાદો તો સાફ કરવાનો હતો. ક્યારેક પડી જાય. ચિંતા ન કર. આપણી વ્યક્તિ ક્યારેક એવું વર્તન કરતી હોય છે જે જોઇને આપણને જ આશ્ચર્ય થાય. એક આવા જ કિસ્સામાં પતિએ પત્નીને કહ્યું હતું કે, મારા માટે તું ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઇ નહીં. આપણે પણ એ નક્કી કરવાનું હોય છે કે, આપણા માટે કોણ ઇમ્પોર્ટન્ટ છે અને શું ઇમ્પોર્ટન્ટ છે? આપણા સુખનું કારણ કોણ છે? જે છે એના માટે આપણી દાનત અને આપણા ઇરાદાઓ કેવા છે? આપણે એના માટે એવું વિચારીએ છીએ કે, એના માટે કંઇ પણ! કોઇ ગણતરી નહીં કે કંઇ બીજું વિચારવાનું નહીં. મારી વ્યક્તિ છે એ જ પૂરતું છે.
દરેક માણસનો એક બેઝિક નેચર હોય છે. દરેકની વિચારવાની એક પેટર્ન હોય છે. એ શું વિચારે છે અને શું બોલે છે એના પરથી એના ઇરાદા છતા થઇ જતા હોય છે. એક સફળ માણસની આ વાત છે. એણે ખૂબ મહેનત કરી હતી. ધાર્યું હતું એ મુકામે એ પહોંચ્યો હતો. એક વખત તેનાં પેરેન્ટ્સને એના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, એના ઇરાદા પહેલેથી જ મક્કમ હતા. એ નાનો હતો ત્યારથી જ એવું વિચારતો અને કહેતો હતો કે, મારે ખૂબ આગળ વધવું છે. એના માટે જેટલી મહેનત કરવી પડે એ કરવા હું તૈયાર છું. તે જેવું કહેતો હતો એવું જ તેણે કર્યું અને સફળ થયો. કેટલાક કિસ્સામાં એનાથી ઊંધું પણ હોય છે. કેટલાક લોકોના ઇરાદાઓ બહુ મોટા અને ઊંચા હોય છે. આમ કરવું છે અને તેમ કરવું છે. એ લોકોને કંઇક કરવું હોય છે, પણ એ કરવા માટે જે કરવું જોઇએ એવું એ લોકો કરતા નથી. સરવાળે એવા લોકો હોય ત્યાં ને ત્યાં જ રહે છે.
તમે ક્યારેય પોતાના વિશે વિચાર્યું છે કે, મારા ઇરાદાઓ કેવા છે? મારી દાનત કેવી છે? પોતાના વિશેના આવા પ્રશ્નોના જવાબ એને જ મળે છે જેને એ ખબર છે કે, હું કેવો માણસ છું. માણસ બીજાને ઓળખે કે ન ઓળખે, એ એની જગ્યાએ છે. માણસ પોતાને ઓળખે એ પૂરતું છે. આપણને એ ખબર હોવી જોઇએ કે, મારે શું કરવું છે. મારે શું નથી કરવું એનું સ્પષ્ટ પિક્ચર પણ મન અને મગજમાં હોવું જોઇએ. જેને એ ખબર છે કે, મને શું ન શોભે એ શોભે એવાં જ કામ કરે છે. બેશરમીનો કોઇ ઇલાજ નથી. જેને કોઇનાથી કંઇ ફેર ન પડતો હોય એનાથી દૂર રહેવું જ હિતાવહ છે. એનું કારણ એ છે કે, જેને કોઇનાથી ફેર નથી પડતો અને આપણાથી પણ ફેર પડવાનો નથી. જે બધાને હડધૂત કરતા હોય એ આપણું અપમાન પણ કરી શકે છે. સંબંધો રાખવામાં સાવચેતી રાખવી પડતી હોય છે. માણસને ઓળખવો પડતો હોય છે. માણસને ઓળખવા માટે એના ઇરાદા અને એની દાનત સમજવી પડે છે. એવા લોકોથી દૂર રહો જેના ઇરાદાઓ શંકાસ્પદ હોય. એ આપણી સાથે ગમે એટલો સારો રહેતો હોય તો પણ એની સાથેનો સંબંધ ક્યારેક ભારે પડી જાય છે. મોટાભાગના લોકો પોતાના કારણે નહીં, પણ બીજાના કારણે ફસાઇ જતા હોય છે. કોઇની ભૂલ આપણે ભોગવવી પડે એના જેવી ખરાબ સ્થિતિ બીજી કોઇ નથી. કોઇની ભૂલનાં પરિણામો આપણે સહન કરવાં પડે ત્યારે આપણી પણ એ ભૂલ હોય છે કે, આપણે એના જેવા માણસ સાથે સંબંધ રાખ્યો. સંબંધોમાં થાપ ખાઇ બેસીએ તો સુખથી પણ હાથ ધોઇ બેસીએ છીએ. બોદા બોલતા હોય એવા સંબંધોથી ટકોરા મારવાની તસ્દી લીધા વગર દૂર થઇ જવું એ જ સુખ અને શાંતિથી જીવવા માટે હિતાવહ છે.
છેલ્લો સીન :
મનમાં જે ચાલતું હશે એ વહેલું કે મોડું વર્તનમાં આવી જ જવાનું છે. કડવાશ જ ઘૂંટશો તો મીઠાશ ક્યારેય અનુભવવા જ નહીં મળે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 ફેબ્રુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *