માંદા પડો ત્યારે પેશન્ટ
તરીકે તમે કેવા હોવ છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
સામાન્ય બીમારી હોય તો પણ ઘણા લોકો
ખૂબ જ ગંભીર થઇ જાય છે.
એવા લોકોની પણ કમી નથી જેઓ
બીમારીને એન્જોય કરે છે. નવ પ્રકારના દર્દીઓ હોય છે!
પોતાની માંદગી સામે દરેકનું વર્તન અલગ-અલગ હોય છે.
મોટા ભાગના લોકો એવું ઇચ્છતા હોય છે કે,
તેના અંગત લોકો તેને પેમ્પર કરે.
શરીર અને મન એવા છે જે એકબીજા ઉપર સીધી અસર કરે છે. મનને કોઇ ઘા વાગ્યો હોય તો શરીર જવાબ આપે છે. શરીરને કંઇ થયું તો મન જુદી-જુદી રીતે રિએક્ટ કરે છે. શરીર છે એટલે ક્યારેક તો નાનું-મોટું કંઇ ને કંઇ થતું જ રહેવાનું છે. સિઝન ચેઇન્જ થાય ત્યારે પણ વાતાવરણની અસર બોડી પર થવાની છે અને બીજું કંઇ નહીં તો શરદી, ઉધરસ અને સામાન્ય તાવ થવાની શક્યતાઓ રહેવાની છે. મેડિકલ સાયન્સ તો ત્યાં સુધી કહે છે કે, ઋતુ બદલે અને તમારા શરીર પર અસર થાય એ સારી વાત છે. માત્ર માણસ જ નહીં, દરેક પશુ-પક્ષીઓ ઉપર ઋતુની અસર થતી જ હોય છે.
બાય ધ વે, તમે બીમાર પડો ત્યારે તમારું વર્તન કેવું હોય છે? મતલબ કે તમે કયા પ્રકારના પેશન્ટ હોવ છો? દર્દીઓના પ્રકારનો જે અભ્યાસ કરવામાં આવ્યો છે એ એવું કહે છે કે, મુખ્ય નવ પ્રકારના દર્દીઓ હોય છે. સૌથી વધુ જે જોવા મળે છે એ એવા દર્દીઓ છે જે એવું ઈચ્છે છે કે, તેમના અંગત લોકો તેમને પેમ્પર કરે. સામાન્ય સંજોગોમાં પોતાના મોટાભાગનાં તમામ કામ પોતાના હાથે જ કરવાનું પસંદ કરતા લોકો પણ જ્યારે બીમાર પડે ત્યારે એવું ઈચ્છતા હોય છે કે, તેમને પથારીમાં પડ્યા પડ્યા બધું મળે. એ સમય પૂરતા એ પોતાને રાજાશાહી મૂડમાં પણ સમજતા હોય છે. એક દંપતીની આ વાત છે. સામાન્ય સંજોગોમાં પત્ની એવું કહેતી કે, યાર, તું તારું કામ તો જાતે કર. પતિને પણ એમાં કંઈ ખોટું લાગતું નહીં. પતિ એક વખત બીમાર પડ્યો. એની પત્નીએ એટલું બધું ધ્યાન રાખ્યું કે, હળવાશમાં પતિએ એવું કહ્યું કે, તું તો એવી માયાળુ થઈ જાય છે કે, વારે વારે માંદા પડવાનું મન થઈ આવે. ઘણી પત્નીઓને પણ એવા અનુભવો થયા હશે કે, પોતાની કેર કરવામાં બેદરકાર રહેતો પતિ પત્નીની બીમારી વખતે પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે. એટલે જ એવું પણ કહેવાય છે કે, બીમાર પડો ત્યારે ખબર પડે કે, ખરેખર તમારી વ્યક્તિને તમારી કેટલી પડી છે!
અમુક પ્રકારના દર્દીઓ એવા પણ હોય છે જેમને કોઈને પણ હેરાન કરવા ગમતા હોતા નથી. એમની દાનત મોટાભાગે એવી પણ હોય છે કે, મારે કોઈની જરૂર નથી. કોઈ મારી સેવા કરે એ મને મંજૂર નથી. આવા લોકો બીમાર પડશે ત્યારે કોઈને કહેશે પણ નહીં. એમ તો એવા લોકોની પણ કોઈ કમી નથી જેને સામાન્ય માંદગી આવે તો આખું ગામ ગજવવાની મજા આવે. એ બધાને સામેથી કહેશે કે હું બીમાર છું. જાણીતા લાગતાવળગતા અને મિત્રો ખબર પૂછવા આવે એ પણ એમને ગમતું હોય છે. કોઈ ખબર પૂછવા ન આવે ત્યારે એમને માઠું પણ લાગી જાય છે. અલબત્ત, ખબર પુછાવીને પણ એ લોકો એક જાતનું પેમ્પરિંગ જ ફીલ કરતા હોય છે. એને સારું લાગતું હોય છે કે, લોકો મારી નજીક છે અને મને મળવા આવે છે.
અમુક દર્દીઓ તો વળી વિચિત્ર હોય છે. એ લોકો બીમાર પડે એટલે આખું ઘર માથે લેતા હોય છે. સામાન્ય તાવ આવ્યો હોય તો બધાને ધંધે લગાડી દે. જરાક કોઈ બેધ્યાન થાય તો પણ બોલે કે, તમને તો મારી કંઈ પડી જ નથી. મારું ભલેને જે થવાનું હોય તે થાય. તમને ખબર છે કે, એવા દર્દીઓ પણ છે કે જે બીમારીને ફુલ ટુ એન્જોય કરે છે. એક યુવાનની આ વાત છે. એ ભાઈ બીમાર પડે એટલે બધા મિત્રોને ભેગા કરે અને પછી ડાયરો જામે. પોતે ભલે બીમાર હોવાને કારણે કંઈ ન ખાય, પણ ફ્રેન્ડ્ઝ માટે પાર્ટી પણ કરે. એ યુવાનના બીમાર હોવાની પાર્ટી ચાલતી હતી ત્યારે અચાનક જ એનો બોસ એની તબિયત પૂછવા આવી ચડ્યો. બધા મિત્રોને મજા કરતા જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. એણે કહ્યું કે, તું તો જલસા કરે છે. પેલા યુવાને હસીને કહ્યું કે, તો હું શું રડવા બેસું? મારી બીમારી કંઈ એવી નથી કે, હું મરી જાઉં. રોદણાં રડવાનો કોઈ મતલબ ખરો?
એક સાવ સાચો કિસ્સો છે. એક મિત્ર ગંભીર બીમારીમાં સપડાયો. હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. ઓપરેશન થયું. થોડોક રિકવર થયો. પોતાના અને પત્નીના પરિવારજનો અને અંગત મિત્રો મળીને લગભગ વીસેક લોકો એકસામટાં ભેગાં થયેલાં. ગામગપાટા અને મોજમસ્તી ચાલતાં હતાં. ત્યાં જ નર્સ દવાનો સમય થયો એટલે દવા આપવા આવી. આટલા બધા લોકોને મસ્તી કરતા જોયા અને પેશન્ટના બેડ પર ચાર લોકો પલાંઠી વાળીને બેઠા હતા. નર્સે તરત પૂછ્યું, આમાંથી પેશન્ટ કોણ છે? માણસ બીમાર પડે ત્યારે આરામ કરવાના, ખાવા-પીવાના અને મોજ મજા કરવાના દરેકના પોતાના ખયાલો હોય છે. અમુક લોકો પોતાની માંદગી વિશે ગૂગલમાં એ ટુ ઝેડ સર્ચ કરી લે છે અને એવું માને છે કે, પોતાને ડૉક્ટર કરતાં વધુ ખબર પડે છે. આ ખવાય અને આ ન ખવાયથી માંડીને પોતાને અપાતી દવાની કેમિકલ ફોર્મ્યુલા અને એની આડઅસરો વાંચી લે છે. આપણને સમજાય નહીં કે, ભાઈ તારે સાજું થવું છે કે, તારી બીમારી પર પીએચડી કરવું છે? સૌથી ખતરનાક લોકો એ હોય છે જે સામાન્ય બીમારીને પણ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે, જાણે પોતે મરી જવાના ન હોય? ઘણી વખત આપણે ચિંતા કરતા હોઈએ છીએ એટલું ગંભીર કંઈ હોતું નથી. છેલ્લે એક વાત, જે લોકો હળવા હોય છે એ લોકો વહેલા સાજા થાય છે. આમ તો માણસ ટાંટિયા વાળીને બેસતો નથી. માંદા પડીએ ત્યારે નછૂટકે બેસવું પડતું હોય છે. એ સમયને જે મોજથી અથવા તો લાઈટલી લઈ શકે છે એ જ જલદી રિકવર થાય છે.
પેશ-એ-ખિદમત
ઉનકે દેખે સે જો આ જાતી હૈ મુંહ પે રૌનક,
વો સમજતે હૈં કિ બીમાર કા હાલ અચ્છા હૈ.
– મિર્ઝા ગાલિબ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 01 સપ્ટેમ્બર 2019, રવિવાર)
kkantu@gmail.com
ખરેખર અદભુત લેખ..
બીમાર માણસ ને પણ જો વંચાવીએ તો બીમારી માંથી ઉભો થઇ જાય !!
So sweet. Thank you.