મને મારી રીતે મજામાં રહેતા આવડી ગયું છે – કૃષ્ણકાંત ઉનડકટ

મને મારી રીતે મજામાં

રહેતા આવડી ગયું છે

-કૃષ્ણકાંત ઉનડકટ

કહું છું ક્યાં કે આઘેરા કોઇ રસ્તા સુધી આવો,

ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો,

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,

હું બંને આંખો મીંચી દઉં તમે સપના સુધી આવો.

-આદિલ મન્સૂરી

સુખ, ખુશી, આનંદ અને મજા માટે આપણે બધા સતત મથતાં રહીએ છીએ. એમ છતાંયે મજા તો આવતી જ નથી. કંઇક મિસિંગ લાગે છે. ખુશી આવે તો પણ લાંબી ટકતી નથી. ક્યારેક તો એ નક્કી નથી થતું કે, શું પરમેનન્ટ છે, આનંદ કે ઉદાસી? ઉદાસીને ટાળવા ખુશી શોધવાની છે કે ખુશીને ઉદાસીથી બચાવવાની છે? સુખ કેમ સહજ નથી? સુખી કે ખુશ રહેવા માટે આટલી બધી મથામણ કેમ કેરવી પડે છે? આપણે બધાની અપેક્ષાઓ જ સંતોષતા રહેવાનું? કોઇને ખરાબ ન લાગે, બધાને મજા આવે, કોઇ દુ:ખી ન થાય, બધા ખુશ રહે એનું જ ધ્યાન રાખવાનું? ગમતા લોકોને ગમે એવું જ બધું કરવાનું? ન ગમતા લોકોને પણ ટેકલ કરવાના! થાક લાગે છે ક્યારેક. સવાલ થાય છે કે, મારી કોને પરવા છે? કોને એવી કેર છે કે, હું મજામાં છું કે નહીં? બધા પોતાની પીડાનું પોટલું લઇને મારી પાસે આવે છે અને એ પોટલું મારી માથે ઠાલવી દે છે. હું એને સમજાવું છું. આશ્વાસન આપું છું. સાંત્ત્વના આપું છું. ક્યારેક તો એવું થાયને કે, મારા નસીબમાં રફૂ અને રેણ કરવાનું જ લખ્યું છે? સાંધવાનું, જોડવાનું, મનાવવાનું અને ભેગા કરવાનું કામ મારે જ કરવાનું?

હવે તો એવું મન થાય છે કે, મારે હવે શેમાંયે પડવું નથી. જેને જે કરવું હોય એ કરે. મને કશો જ ફેર પડતો નથી. મેં કંઇ બધાને ખુશ રાખવાનો ઠેકો થોડો લીધો છે? મારી પણ મારી લાઇફ છે. બધા માટે બધું કરું છું તો સામે મને થોડીક તો અપેક્ષા હોયને? ગમે એવો મજબૂત માણસ પણ ક્યારેક તૂટતો હોય છે. દરેકને એવી ઇચ્છા થતી જ હોય છે કે, મને પણ કોઇ પેમ્પર કરે. મારું પણ કોઇ ધ્યાન રાખે. મને પણ કોઇ પૂછે કે, તું ઓકે છેને? બધું બરાબર છેને? એક છોકરીની આ વાત છે. ખૂબ જ ડાહી. બધાનું ધ્યાન રાખે. કોઇના દિલને જરાકેય ઠેંસ ન પહોંચે એની તકેદારી રાખે. બધા એના સારાપણાંનો ફાયદો ઉઠાવે. કંઇ પણ કામ હોય તો એને જ કહી દે. એ બધાનું કામ કરે પણ ખરી. એની લાઇફમાં એક છોકરો આવ્યો. બંને વચ્ચે પ્રેમ થયો. એક વખત તેના પ્રેમીએ સવાલ કર્યો. તને મારામાં શું ગમે છે? છોકરીએ કહ્યું કે, તું બહુ અપેક્ષાઓ નથી રાખતો. મને એમ નથી કહેતો કે, તું આમ કર અને આમ ન કર. તારી પાસે હોવ છું ત્યારે મને એવું લાગે છે કે, હું મારી નજીક છું. તારી સાથે કોઇ ભાર નથી લાગતો. સાચું કહું, બધાને રાજી રાખી રાખીને થાકી ગઇ છું. તારી સાથે હોવ ત્યારે હું રાજી હોવ છું. આ વાત સાંભળીને તેના પ્રેમીએ કહ્યું કે, પણ મને તારી સામે એક ફરિયાદ છે. છોકરીને આશ્ચર્ય થયું અને એવો વિચાર આવી ગયો કે, શું આને પણ મારી પાસે અપેક્ષાઓ જ છે? પ્રેમીએ કહ્યું કે, તું કંઇક તો કહે કે તારી ખુશી શેમાં છે? તને શું ગમે છે? છોકરીની આંખો ભીની થઇ ગઇ. તેણે કહ્યું કે, એ તો ક્યારેય ક્યાં કોઇએ પૂછ્યું જ છે? સાચું કહું ક્યારેક તો મને જ એ સમજાતું નથી કે, મને શેમાં મજા આવે છે?  

તમને ખબર છે કે તમને શેમાં મજા આવે છે? તમે તમને ગમતું હોય એ કરી શકો છો? દરેકને મજામાં રહેવાનો અને સુખી થવાનો અધિકાર છે. જો આપણે મજામાં ન રહી શકતા હોય તો એનું કારણ અને મારણ બંને શોધવું જોઇએ. બધા માટે બધું કરો, એમાં કશું ખોટું નથી. એક વાત યાદ રાખો કે તમે બધાને રાજી રાખવા માટે નથી. તમને કોણ રાજી રાખે છે? કોણ એવું ઇચ્છે છે કે, તમારા ચહેરા પર હાસ્ય છલકતું રહે? તમને કોણ પૂછે છે કે, તું જમી કે તું જમ્યો? તમારો ઉદાસ ચહરો જોઇને કોને ખબર પડી જાય છે કે, આને કંઇક થયું છે? તમારા અવાજમાં આવેલા બદલાવને સાંભળીને કોણ એવું પૂછે છે કે, શું થયું છે? કેમ તારો અવાજ ઢીલો છે? આવી જેને ખબર પડતી હોય એના માટે બધું જ કરો. સંબંધમાં પણ મૂરખ બનવું ન જોઇએ. વાત સ્વાર્થી બનવાની નથી પણ સેન્સીબલ રહેવાની છે. તમારો જનમ આખી દુનિયાને રાજી રાખવા માટે નથી થયો. તમે ઇચ્છશો તો પણ બધાને રાજી રાખી શકવાના નથી. આપણે જેને રાજી રાખવા મથતા હોઇએ એને જ આપણી સામે વાંધાઓ પડતા હોય છે. વધુ પડતા સારા હોવાના પરિણામો પણ સારા હોતા નથી. સંબંધો માપના સારા. માપના એટલે કેવા? આમ તો એવું કહેવાય છે કે, સંબંધોમાં માપવાનું ન હોય પણ પામવાનું હોય. સાચી વાત. ધ્યાન એટલું જ રાખવાનું કે જે તમને પામતા હોય અને જ્યાંથી કંઇક પામવાનું હોય ત્યાં કંઇ માપવાનું નહીં. જેને પ્રેમ છે એના માટે કંઇ પણ કરો. નફરત કરનારાને સારું લગાડવું એ વાજબી નથી. કોઇ ધૂત્કારે તો પણ સારા થવા જવું એ મૂર્ખાઇ છે. સારા સાથે સારા રહો, સારા ન હોય એની સાથે ખરાબ ન થાવ પણ તેની સાથે સારા થવાનો પ્રયાસ ન કરો. એવું કરવા જશો તો તમારે જ પસ્તાવવાનો વારો આવશે. એક છોકરી તેના ફ્રેન્ડ સાથે ડિસ્ટનસ રાખવા માંડી. તેની બહેનપણીએ પૂછ્યું કે, તું કેમ હવે એનામાં કોઇ ઇન્ટરેસ્ટ લેતી નથી. છોકરીએ કહ્યું, કેમ કે મને એવું લાગે છે કે, એને મારામાં કોઇ ઇન્ટરેસ્ટ નથી. કોઇને રસ્તો બદલવો હોય ત્યારે આપણે પણ બીજે રસ્તે વળી જવું જોઇએ. ધરાર પાછળ જવાનો કોઇ અર્થ નથી હોતો.

દરેકની સુખની વ્યાખ્યા અલગ હોય છે. દરેકની મજામાં રહેવાની રીત જુદી હોય છે. ઘણાને બીજાને મજામાં રાખવામાં જ મજા આવે છે. બીજા માટે એ તૂટી મરે છે. એ પછી ક્યારેક એને એવી અપેક્ષાઓ પણ જાગે છે કે, હું જેવું બધા માટે કરું છું એવું જ બધા મારા માટે પણ કરે. એવું થતું નથી. એક છોકરાની આ વાત છે. તે ગ્રૂપને ભેગું કરતો અને બધાને મોજ મજા કરાવતો. ધીમે ધીમે તેને એક વાત સમજાઇ કે, મારા મિત્રોમાંથી તો કોઇ ક્યારેય મને બોલાવતું નથી, હું શા માટે આટલો હેરાન થાવ છું? તેણે મિત્રોને બોલાવવાનું બંધ કર્યું. એક વખત તેના મિત્રએ પૂછ્યું કે, તું કેમ હમણાં કોઇ પ્લાન કરતો નથી. મિત્રે કહ્યું કે, હવે મને મારી રીતે મજામાં રહેતા આવડી ગયું છે. મારે હવે કોઇની જરૂર નથી. માણસ એકલો મજામાં રહી શકે? નિજાનંદમાં કેટલો સમય રહી શકાય? હા, માણસ પોતાની રીતે મજામાં રહી શકતો હોય છે પણ સાચી ખુશી તો પોતાની વ્યક્તિ સાથે જ આવવાની છે. સાચી વાત એ છે કે, કશાથી ભાગવાની જરૂર હોતી નથી. માણસે અમુક નિર્ણયો પોતાની જાતને પૂછીને કરવાના હોય છે. સંબંધો સુખનું કારણ હોય છે એમાં ના નહીં પણ સંબંધો દુ:ખનું પણ કારણ બને છે, એટલે જ સંબંધોમાં પણ પસંદગી કરવી પડતી હોય છે.      

છેલ્લો સીન :

જે હાથથી સતત અકળામણ અનુભવાતી હોય એ હાથ છોડવાનો નિર્ણય પણ ક્યારેક કરવો પડતો હોય છે. એવા જ હાથ હાથમાં રાખો જેનાથી હૂંફ વર્તાય. હાથ મચકોડવા માટે પણ ઘણા લોકો હાથ મિલાવતા હોય છે.                          –કેયુ.

(‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 21 નવેમ્બર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મને મારી રીતે મજામાં રહેતા આવડી ગયું છે – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: