ખરાબ ન થયું એ સારું થયું ન ગણાય? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખરાબ ન થયું એ

સારું થયું ન ગણાય?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

વારાફરતે વારામાંથી નીકળવું છે, મારે આ જન્મારામાંથી નીકળવું છે,

જન્મોથી હું એની અંદર જકડાયો છું, ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે,

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું, મારે તારા-મારામાંથી નીકળવું છે,

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજે, ભીતરના અંધારામાંથી નીકળવું છે.

-હરજીવન દાફડા

આપણી જિંદગીમાં દરરોજ કોઈ ને કોઈ ઘટના બનતી રહે છે. આપણે એ ઘટના પર સારી કે ખરાબનું લેબલ મારી દઈએ છીએ. દરેક ઘટનાને આપણે આપણી રીતે મૂલવતા રહીએ છીએ. કોઈ ખરાબ ઘટના ભવિષ્યમાં સારી પણ લાગવા માંડતી હોય છે. એ ઘટના ન બની હોત તો આ ઘટના ન ઘટી હોત. આપણે કોઈ ઘટનાને માત્ર એક ઘટના તરીકે સ્વીકારી જ નથી શકતા. સીધા જ એમાં ફાયદા-ગેરફાયદાનું વિચારીએ છીએ. નાની-નાની ઘટનાઓથી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આપણને બધું જ આપણી અનુકૂળતા મુજબનું જોઈએ છે.

એક યુવાન બાઇક લઈને જતો હતો. પહોંચવાની ઉતાવળ હતી. બાઇકમાં પંક્ચર પડ્યું. એનો મૂડ ખરાબ થઈ ગયો. આપણે કોઈ ખરાબ ઘટના બને એ સ્વીકારવી તો પડતી જ હોય છે. એમાં આપણું કંઈ ચાલવાનું જ હોતું નથી. આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર આપણાં સુખ-દુ:ખનો આધાર રહેતો હોય છે. ડિસ્ટર્બ થઈને આપણો મૂડ અને મગજ જ ખરાબ કરતા હોઈએ છીએ. એ યુવાન પંક્ચર કરાવવાવાળા પાસે ગયો. પંક્ચર કરવાવાળો પંક્ચર કરતો હતો ત્યારે આ યુવાન બળાપો ઠાલવતો હતો. ખરા સમયે જ આવું બધું થાય છે. નવરાં હોઈએ ત્યારે કંઈ ન થાય. ઉતાવળ હોય ત્યારે જ અડચણ આવતી હોય છે. પંક્ચરને અત્યારે જ પડવાનું હતું. પંક્ચરવાળાએ બધી વાત સાંભળીને કહ્યું કે, ભગવાનનો આભાર માનો કે પંક્ચર પડ્યું. યુવાને કહ્યું કે, એમાં આભાર માનવા જેવું શું છે? પંક્ચર કરનારે કહ્યું કે, ટાયરની જે હાલત છે એ જોતાં તો એવું જ લાગે છે કે, ટાયર ફાટ્યું હોત! તમે વિચાર કરો કે, તમે સ્પીડમાં જતા હોત અને ટાયર ફાટ્યું હોત તો શું થાત? અચાનક બાઇક ફંગોળાત અને એક્સિડન્ટ થઈ જાત! આ તો માત્ર પંક્ચર જ પડ્યું છે! તમે બચી ગયા છો!

આપણી માનસિકતા પણ કેવી હોય છે? જો વધુ ખરાબ થવાનું હતું એ ખબર પડે તો આપણે ઓછું ખરાબ થયું એને પણ સારું માનવા લાગીએ છીએ! બીજા એક યુવાનની વાત છે. એ બાઇક પર જતો હતો. સ્લીપ થયો. પગમાં વાગ્યું. સોજો ચડી ગયો. સખત પેઇન થતું હતું. તેને થયું કે, ફ્રેક્ચર થયું લાગે છે. પંદર દિવસનો ખાટલો આવશે. દવાખાને ગયો. ડૉક્ટરે એક્સ-રે લીધો. તેને કહ્યું કે, ફ્રેક્ચર નથી! યુવાનને હાશ થઈ! થેંક ગોડ, ફ્રેક્ચર તો નથી! આપણે આપણી સાથે બનતી ઘટનાઓને કેમ વધુ ગંભીર ઘટનાઓ સાથે જ સરખાવતા હોઈએ છીએ? કદાચ એટલા માટે કે આપણને તેનાથી આશ્વાસન મળતું હોય છે! અગેઇન, આપણે ઘટનાને ઘટના તરીકે તો જોતા હોતા જ નથી! જિંદગી છે. ઘટનાઓ બનવાની છે. એ સારી પણ હોવાની અને ખરાબ પણ હોવાની.

એક છોકરી સંત પાસે ગઈ. તેણે સંતને પૂછ્યું, આપણી જિંદગીમાં સારી અને નરસી ઘટનાઓ બનતી રહે છે, એમાં શું ધ્યાન રાખવાનું? સંતે કહ્યું, જે ઘટના આપણને સારી લાગે એને લંબાવવાની અને જે ઘટના ખરાબ લાગે એને ટૂંકાવવાની! સારી ઘટનાને સ્ટ્રેચ કરો. ખરાબ ઘટનાને સંકોચો. કંઈક સારું થાય તો એ સમયને લંબાવો. થોડોક વધુ આનંદ લેવાનો પ્રયાસ કરો. ખુશી અને આનંદનો નશો ઘડીકમાં ઊતરવા ન દો. આપણે શું કરીએ છીએ? સારી ઘટનાઓને ઝડપથી ભૂલી જઈએ છીએ. ખરાબ ઘટનાને પંપાળ્યા રાખીએ છીએ. હકીકતે ઊંધું કરવાની જરૂર હોય છે. ખરાબ ઘટના ઝડપથી મગજમાંથી નીકળતી નથી. સારીને કેમ તમે જવા દો છો?

આપણે ઇચ્છીએ એવું જ ક્યારેય થવાનું નથી. ઘણું બધું ન ગમે એવું પણ થવાનું છે. એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે ફિલોસોફરને કહ્યું કે, કંઈક સારું થાય એના માટે પ્રાર્થના કરો ને! ફિલોસોફરે પૂછ્યું, કેમ શું થયું? યુવાને કહ્યું કે, લાઇફમાં કોઈ ને કોઈ ઇસ્યૂ ચાલતા રહે છે. એક માંડ પતે ત્યાં બીજો પ્રોબ્લેમ ઊભો જ હોય છે. એમાં હમણાં પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ. એમને ચક્કર આવ્યાં અને પડી ગયા. દવાખાને લઈ ગયા. બધા રિપોર્ટ્સ કરાવ્યા. અમને ડર હતો કે કંઈક ગંભીર હશે. જોકે, બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. આવું બધું જ ચાલ્યા રાખે છે. ફિલોસોફર હસવા લાગ્યા! યુવાને પૂછ્યું, કેમ હસો છો? ફિલોસોફરે પૂછ્યું. પપ્પાના બધા રિપોર્ટ્સ નોર્લમ આવ્યા ને? યુવાને કહ્યું. હા, તદ્દન નોર્મલ. ફિલોસોફરે કહ્યું, એનો મતલબ એ જ થયો ને કે કંઈ ખરાબ ન થયું! હવે ખરાબ ન થયું એ સારું થયું ન ગણાય? પપ્પા પડી ગયા એને તું મુસીબત ગણે છે, પણ રિપોર્ટ નોર્મલ આવ્યા એને તું મગજમાં લેતો નથી! જિંદગીમાં ઘણું સારું થતું હોય છે, એને આપણે સારું માનતા જ નથી. કોઈ ઘટનાને આપણે કઈ રીતે સમજીએ છીએ એ પણ ઘણી વખત આપણા સુખ કે દુ:ખનું કારણ બનતી હોય છે!

જિંદગીની ઘટનાઓમાંથી અમુક ભૂલી જવા જેવી હોય છે. ડિલીટ મારવા જેવી ઘટનાઓ ઉપર ચોકડી મૂકતા આવડવું જોઈએ. સ્મરણો પણ સુખ અને દુ:ખ માટે જવાબદાર હોય છે. અમુક ખરાબ યાદોને ખંખેરવી પડે છે. ઘણા લોકો આઝાદ થયા પછી પણ મુક્ત થઈ શકતા નથી. વહી ગયેલા પાણીને પકડી રાખવાનો પ્રયાસ વ્યર્થ હોય છે. જિંદગીની અમુક ઘટના અફસોસ થાય એવી પણ હોય છે. કેટલો અફસોસ કરવો અને ક્યાં સુધી અફસોસ કરવો એ આપણા હાથની વાત હોય છે. બે મિત્રોની આ વાત છે. બંને એક કંપનીમાં જોબ કરે. એનો બોસ માથાભારે હતો. નાની-નાની વાતમાં બંનેને હેરાન કરે. દરરોજ ખિજાયા વગર એને ચાલતું જ નહીં. બંને મિત્રો આ જોબથી કંટાળી ગયા હતા. થયું એવું કે, બંનેને એકસાથે બીજે જોબ મળી. આ જોબથી છુટકારો મળશે એનો આનંદ બંનેના ચહેરા પર ઝળકતો હતો. જોબનો છેલ્લો દિવસ હતો. જુદા પડતી વખતે બંને થોડી વાર સાથે બેઠા. એક મિત્રએ કહ્યું, આ બોસને હું આખી જિંદગી ભૂલવાનો નથી! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે, હું તો આજનો દિવસ પૂરો થાય એટલે તરત જ એને ભૂલી જવાનો છું. આવો કોઈ માણસ મારી જિંદગીમાં આવ્યો હતો એ પણ યાદ રાખવાનો નથી. તું એને યાદ કરીને શું કરીશ? તારી પાસે બીજું કંઈ યાદ રાખવા જેવું નથી? આપણે જિંદગીમાં કેટલું બધું ઘૂંટતા રહીએ છીએ? જે ઘૂંટતા રહે છે એ જ ઘૂંટાયા રાખતા હોય છે. જિંદગી તમને એ તક તો આપતી જ હોય છે કે તમે તમારી પસંદગીનું યાદ રાખો અને ન ગમતું ભૂલી જાવ. સમજદારી એ બીજું કંઈ નથી, પણ તમે શું અને કેવું વાગોળતા રહો છો એની આવડત જ છે.

જિંદગીમાં સારા નરસા લોકો આવતા જ રહેવાના છે. અમુક સંબંધો બંધાય ત્યારે સારા લાગતા હોય છે. ધીમે ધીમે અસલિયત સામે આવતી જાય છે. માણસની પરખ પણ ક્યાં ઘડીકમાં થતી હોય છે? દોસ્તી અને પ્રેમમાં પણ આવું થતું જ રહેવાનું છે. આપણને જુદા પડતા પણ ક્યાં સરખું આવડતું હોય છે? માણસ નવી સ્થિતિ કે નવી વ્યક્તિ સાથે એટેચ નથી થઈ શકતો એનું એક કારણ એ પણ હોય છે કે એ જૂના સમય અને જૂની સ્થિતિથી ડિટેચ થતો હોતો નથી. એક છોકરો અને એક છોકરી લગ્ન માટે મળ્યાં. બંનેના એક વખત ડિવોર્સ થઈ ગયા હતા. એક વખત પછડાટ ખાધા પછી માણસ બીજા પ્રયાસમાં ડરતો રહે છે. એ બંનેએ વાતો કરી. છોકરાએ છોકરીને કહ્યું કે, તારે કંઈ પૂછવું છે? છોકરીએ કહ્યું, એક વાત પૂછવી છે! તું તારા અગાઉના સંબંધથી હન્ડ્રેડ પર્સન્ટ ડિટેચ થઈ ગયો છે ને? કોઈ ભાર, કોઈ અફસોસ કે કોઈ ફરિયાદ તો નથી ને? છોકરાએ કહ્યું, ના નથી. હું મુક્ત થઈ ગયો છું. એક નવા પ્રયાસ તરફ આગળ વધુ છું.

છોકરીએ પછી કહ્યું કે, મારે એક વાત કરવી છે. આપણે મળ્યા એ પહેલાં હું તારા પહેલાં લગ્ન જેની સાથે થયાં હતાં એ છોકરીને મળી હતી! છોકરાએ પૂછ્યું, તારે શું જાણવું હતું? મને પણ પૂછી શકી હોત! છોકરીએ કહ્યું, મારે તારી પાસેથી નહીં, એની પાસેથી જાણવું હતું! છોકરીએ કહ્યું, મારે એ જાણવું હતું કે, તમે છૂટાં કેવી રીતે પડ્યાં? એ છોકરીએ મને કહ્યું કે, અમે બહુ ગ્રેસફુલ્લી છૂટાં પડ્યાં છીએ. અમને બંનેને ખબર પડી ગઈ હતી કે આપણે એકબીજા સાથે રહી શકીએ એમ નથી. અમે વાત કરી. છૂટા પડવાનું નક્કી કર્યું. એકબીજાથી દૂર જતી વખતે બંનેએ એકબીજાને શુભકામનાઓ પાઠવી. છોકરાએ પૂછ્યું, આવું જાણવાની તને કેમ ઇચ્છા થઈ હતી? છોકરીએ કહ્યું કે, મેં જેની સાથે લગ્ન કર્યાં હતાં એણે મને શાંતિથી જવા દીધી ન હતી. બહુ હેરાન કરી. મને ત્યારે એક વાત સમજાઈ કે, જે વ્યક્તિને છૂટા પડતા ન આવડતું હોય એ વ્યક્તિ સારી રીતે મળી શકતી નથી. માણસનો ગ્રેસ એ કેવી રીતે મળે છે એનાથી નહીં, પણ કેવી રીતે છૂટા પડે છે એનાથી મપાતો હોય છે.

જિંદગીમાંથી આપણે સારું-નરસું તારવતા રહીએ છીએ. એ પછી કોને સાચવી રાખીએ છીએ? એક લેડીએ કહ્યું હતું કે, દૂધ ફાટી જાયને તો એમાંથી પનીર બનાવી લેવાનું! ફાટેલા દૂધને ભૂલી પનીરને એન્જોય કરવાનું! જિંદગીમાં એટલું બધું પણ ખરાબ થયું હોતું નથી કે, આપણે દુ:ખી જ થતા રહીએ. ભરાઈ ગયેલી પાટીમાં લખાયેલું ભૂંસીએને તો જ નવું લખી શકાય! વાંચવું ગમે એવું ન હોય એને ભૂંસીને પાટી કોરી કરી દો. નવું લખવા જેવું જિંદગીમાં કંઈ ઓછું નથી હોતું!

છેલ્લો સીન :

જિંદગી સારી અને નરસી ઘટનાઓનો સરવાળો છે. તમને બાદબાકી કરતા આવડવું જોઈએ. શું બાદ કરવાનું છે એ શીખી લેવાનું હોય છે!                                -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *