બધી જ વાત બધાને કરવાની કંઇ જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધી જ વાત બધાને

કરવાની કંઇ જરૂર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઉડ ગઇ યૂં વફા જમાને સેં, કભી ગોયા કિસી મેં થી હી નહીં,

જાન ક્યા દૂં કિ જાનતા હૂં મેં, તુમ ને યે ચીજ લે કે દી હી નહીં.

-દાગ દેહલવી

આપણા બધાની જિંદગીમાં કંઇકને કંઇ ચાલતું જ હોય છે. ક્યારેક ખુશી અને ક્યારેક ગમ, ક્યારેક હકીકત અને ક્યારેક ભ્રમ, ક્યારેક આંસુ અને ક્યારેક હાસ્ય, ક્યારેક અપ અને ક્યારેક ડાઉન, ક્યારેક સફળતા અને ક્યારેક નિષ્ફળતા, ક્યારેક મિલન અને ક્યારેક વિરહ, ક્યારેક આનંદ અને ક્યારેક આઘાત, આપણે બધા જીવતા હોઇએ છીએ. જિંદગી સીધી લીટીમાં ક્યારેય ચાલતી નથી. જિંદગીની ફિતરત ટેઢીમેડી છે. એ જ તો જિંદગીની મજા છે. જો વિરહ ન હોત તો જિંદગીની મજા આવત ખરી? ગરમી છે એટલે વરસાદનું મૂલ્ય છે. સતત વરસાદ પડતો હોય તો માણસ અકળાઇ જાય છે. જિંદગી માટે બધું જ જરૂરી છે. સતત સુખ પણ માણસને અકળાવે છે. જેણે ક્યારેય દુ:ખ નથી જોયું એના જેવો દુ:ખી માણસ કોઇ નહીં હોય. આપણી ફેવરિટ ડીસ ગમે તે હોય પણ રોજ આપણને એ જ આપવામાં આવે તો અબખે પડી જાય છે. માણસને ચેન્જ જોઇએ છે. પરિવર્તન છે તો રોમાંચ છે. બદલાવ છે તો વિવિધતા છે. સવાલ એ હોય છે કે, જિંદગીમાં આવતા પરિવર્તનોને આપણે કેવી રીતે લઇએ છીએ? તેનો સ્વીકાર કરીએ છીએ કે પછી તેના નામના રોદણાં રડીએ છીએ? જિંદગીમાં જે બને છે તેની સામે આપણે કેવું રિએક્ટ કરીએ છીએ?

તમે માર્ક કરજો, કેટલાંક લોકોની જિંદગીમાં નાની સરખી ઘટના બનશે તો પણ એ તરત જ તેનો ઢંઢેરો પીટવા લાગશે. આખી દુનિયાને કહેશે કે, જુઓ મારી સાથે શું થયું છે? કેટલાંક લોકો વળી સાવ ચૂપ હોય છે. જિંદગીમાં ગમે એવી મોટી ઘટના બને તો પણ તેના ચહેરાની એક લકીર પણ બદલાતી નથી. આપણે કહીએ છીએ કે, તું પણ ગજબ છે, આટલું બધું બની ગયું છતાં તે વાત ન કરી? એક યુવાન હતો. તેની લાઇફમાં કંઇક બને એટલે એને એવો વિચાર આવતો કે, આ વાત કોઇને કરું કે નહીં? એ પોતાની જાતને જ સવાલ કરતો કે, કોઇને કહેવાથી શું ફેર પડવાનો છે? પરિસ્થિતિ બદલવાની તો નથી જ! જો કંઇ ફેર પડવાનો નથી તો કોઇને કહેવાનો મતલબ શું છે? વાત કહેવી કે ન કહેવી, એ મુદ્દે તે સતત અવઢવમાં રહેતો. એક વખત તે એક ફિલોસોફરને મળ્યો. તેણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. કોઇને પોતાની વાત કરવી જોઇએ કે નહીં? ફિલોસોફરે કહ્યું કે, વાત તો બિલકુલ કરવી જોઇએ. માત્ર થોડુંક ધ્યાન રાખવાનું. કઇ વાત કહેવી અને કઇ વાત ન કહેવી? કોને વાત કહેવી અને કોને ન કહેવી? બધી વાત બધાને કહેવાની કંઇ જરૂર હોતી નથી. માણસે સંબંધોમાં પણ સિલેક્ટિવ રહેવું પડતું હોય છે. હવે સંબંધો પણ રંગ બદલતા રહે છે. સંબંધો ક્યારેક એકદમ ઘટ્ટ લાગે છે, તો ક્યારેક સાવ પાતળા પડી જાય છે. જિંદગીમાં ઉતાર ચડાવ આવે એનો વાંધો ન હોય પણ સંબંધમાં જ્યારે અપ-ડાઉન્સ આવતા રહે છે ત્યારે સંબંધો પર પણ શંકા જવા લાગે છે. સવાલ થાય છે કે, કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો? એક યુવાને કહ્યું કે, હું કોઇનો ભરોસો કરતો નથી, કારણ કે મેં ઘણાનો ભરોસો કરી જોયો છે. ભરોસો જ્યારે તૂટે ત્યારે ભરોસા પરથી ભરોસો ઉઠી જાય છે. શ્રદ્ધા ન હોય એવા સંબંધમાં કોઇ સત્ત્વ રહેતું નથી. સંબંધમાં સ્નેહ ઓછો હશે તો ચાલશે પણ શ્રદ્ધા છલોછલ હોવી જોઇએ. બે બહેનપણી હતી. બંને સાવ જુદી. એકને દિવસ ગમે તો બીજીને રાત, એકને ઘોંઘાટ ગમે તો બીજીને ખામોશી, એક ગામ ગજાવે એવી એકસ્ટ્રોવર્ટ અને બીજી કામ સિવાય કોઇને મોઢું ન બતાવે એટલી ઇન્ટ્રોવર્ટ, બંને સાવ જુદી હોવા છતાં એક-બીજીની ખાસમખાસ દોસ્ત હતી. એક વખત તેની બીજી એક ફ્રેન્ડે પૂછ્યું, તમે બંને સાવ અલગ છો તો પણ તમારી આટલી મજબૂત ફ્રેન્ડશીપનું કારણ શું છે? એ છોકરીએ કહ્યું કે, એને મેં જે વાત કરી છે એ એના સુધી જ રહી છે. એ એવી વ્યક્તિ છે જેના પર તમે આંખો મીંચીને ભરોસો મૂકી શકો. આપણે આંખો મીંચીને કોઇના પર ત્યારે જ ભરોસો મૂકી શકીએ જ્યારે એને આપણે આખેઆખો ઓળખતા હોઇએ. જ્યાં ઠોકર વાગવાનો ભય નથી હોતો ત્યાં બંધ આંખોએ બધું દેખાતું હોય છે. પ્રાર્થના વખતે એમ જ તો કંઇ આંખો બંધ નહીં કરાતી હોયને?

તમારી જિંદગીમાં એવું કોઇ છે જેને તમારા વિશેની તમામે તમામ વાત ખબર છે? એવી વ્યક્તિ હોય તો તમારા જેવું લકી બીજું કોઇ નથી. હવે એવા માણસો દુર્લભ બનતા જાય છે. એક યુવાન હતો. તેને પાંચ-છ ફ્રેન્ડ હતા. એ બધા વિશે એમ કહેતો કે, આ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એક વખત તેના મિત્રએ પૂછ્યું, આટલા બધા મિત્રોમાં બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ? એ યુવાને જવાબ આપ્યો કે, હવે એવા દોસ્ત જ ક્યાં છે જેને બધું જ કહી શકાય? જો પેલો છેને, એને મારી પર્સનલ લાઇફની બધી ખબર છે, બીજો મિત્ર છે એની સાથે હું માત્ર ઓફિસની વાત જ શરે કરું છું, ત્રીજો દોસ્ત છે એની સાથે માત્રને માત્ર ગપ્પા મારું છું, મેં અલગ અલગ મુશ્કેલીઓ માટે અલગ અલગ મુકામ રાખ્યા છે! હવે એક મોસમ કોઇને માફક આવતી નથી. ટાઢ માટે તાપણાની અને વરસાદ માટે છત્રીની જરૂર પડે છે, એમ માણસોમાં પણ ચોઇસ રાખવી પડે છે. અમુક પ્રસંગે અમુકને જ યાદ કરવાના! રડવાની મજા બધા સાથે ન આવે! કોઇ ખાસ જોઇએ. હવે કોઇ આંસુ લૂછે નહીં તો કંઇ નહીં, એ આંસુ બીજા પાસે છતાં ન કરી તો પણ પૂરતું છે! હવે તો કોઇની પાસે રડતા પણ બીક લાગે છે કે એ બધાને કહી દેશે તો કે એ તો મારી પાસે હિબકે હિબકે રડતો હતો! હવે હિબકા કે ધ્રૂસ્કા પણ નથી ભરાતા એટલે જ ડૂસકા વધી ગયા છે! ડૂમા બાઝી જાય છે અને એ ડૂમાને જાતે જ ઓગાળવા પડે છે. ખૂણા શોધવા પડે છે અને આંખો પર ગોગલ્સ ચડાવી દેવા પડે છે. આંખો ક્યાંક ચાડી ફૂંકી ન દે! સંબંધોમાં પણ હવે કોઇ સ્ટાન્ડર્ડ ક્યાં બચ્યું છે? જિંદગી જ ડબલ સ્ટાન્ડર્ડ થઇ ગઇ હોય ત્યાં સંબંધો સાત્ત્વિક ક્યાંથી રહેવાના? સોશિયલ મીડિયામાં જે દેખાય છે એની પાછળનો ચહેરો છુપો રહે છે. ફોટો પાડવા પૂરતું હસી લેવાય છે, નજીક આવી જવાય છે અને પછી તરત જ ડિસ્ટન્સ વધી જાય છે. અપલોડ થયેલી તસવીર તો ફક્ત ક્લિક થઇ હોય એ એક જ ક્ષણ બતાવે છે, એની પાછળની જે કથા હોય છે એની વ્યથા ક્યાં કોઇને ખબર હોય છે? સપનાની કરચો આંખમાં સળવળતી રહે છે અને મનમાં ધરબાયેલું કેટલુંય કોઇને કહી ન શકાય અને સહી પણ ન શકાય એવો વલોપાત સર્જતું રહે છે.

તમારી કોઇ વાત એવી છે જે ક્યારેક કોઇને કહેવાઇ નથી? દિલના એક છાના ખૂણે સચવાયેલી કે ધરબાયેલી પડી છે. એ વાત તમને પેઇન આપે છે કે પ્લેઝર? કોઇને કહી દેવાનું મન થાય છે? મન નથી થતું તો શા માટે નથી થતું? કોઇ વિશ્વાસપાત્ર મળ્યું નથી? મળ્યું હતું એણે ભરોસો તોડ્યો હતો? જિંદગીના ઘણા પ્રશ્નો એવા હોય છે જેના જવાબો મેળવવાનું પણ મન નથી થતું. જવાબો ક્યારેક સવાલો કરતા પણ વધુ પીડા આપતા હોય છે! છેલ્લે એક સવાલ, તમે એવા છો જેના પર કોઇ આંખ મીંચીને ભરોસો મૂકી શકે? જો તમે એવા હોવ તો તમે સારા માણસ છો. સારા માણસોની સંખ્યા બહુ નાની છે!   

છેલ્લો સીન :

માણસ પણ શ્રદ્ધાના કેન્દ્ર જેવો હોય છે. દરેક માણસ એક હરતું ફરતું સ્થાનક છે. ઘણાને માથું ટેકવવું હોય છે, બસ ભરોસો બેસવો જોઇએ. ભરોસો મૂકી શકાય એવા માણસ નથી રહ્યા એટલે જ આપણે ઘણું બધું ભગવાનના ભરોસે કરવું પડે છે!            -કેયુ.    

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 06 માર્ચ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: