તું તારા સંસ્કારો સાથે
બાંધછોડ કરવાનું છોડી દે!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
આપનું
નામ આપ જાણો છો? આપનું કામ આપ
જાણો છો?
આંખમાં
રંગ ઉડાડ્યો તો છે, એનું પરિણામ આપ જાણો છો?
– મનહર મોદી
માણસે પોતાની જિંદગીમાં અનેક વખતે
બાંધછોડ કરવી પડે છે. ઘણી વખત જતું કરી દેવું પડે છે. દરેક વખતે બાંયો ચડાવવાનો કોઈ મતલબ હોતો નથી. માણસે ઘણી વખત નક્કી કરવું પડે છે કે તેને યુદ્ધ કરીને
શાંતિ જોઈએ છે કે સમાધાન કરીને? સમજૂતીથી પતતું હોય તો સંઘર્ષ ન કરવો
જોઈએ. શાંતિ પણ આપણે કેવી રીતે મેળવીએ છીએ તેના ઉપરથી આપણું
શાણપણ નક્કી થતું હોય છે. ઘણી વખત શાંતિની પણ કિંમત ચૂકવવી પડે
છે. શાંતિ મેળવવાના ઉચાટ અને ઉતાવળમાં ઘણી વખત આપણે અશાંતિ
વહોરી લેતા હોઈએ છીએ. સંઘર્ષ પતે પછી સરવાળા માંડીએ ત્યારે
આપણને ભાન થતું હોય છે કે આપણે કેટલું બધું ગુમાવી દીધું છે!
સંબંધોમાં અનેક વખત આપણને એવું થયું
હોય છે કે, હવે તો છેડો ફાડી જ નાખવો છે. એક ઘા ને બે કટકા કરવા બહુ અઘરા નથી હોતાં. માત્ર એક પ્રહારની જ જરૂર હોય છે. બે કટકા થઈ જાય પછી એક કટકા સાથે જીવન જીવવું અને જીરવવું
આકરું હોય છે. કોઈ મહાન માણસે એક સરસ વાત કરી છે. જે ગાંઠ છૂટી શકે તેમ હોય તેને તોડી ન નાખવી. તોડાયેલા સંબંધો સાથે જોડાયેલા રહેવું શક્ય નથી. હાથ છૂટી ગયા પછી સંગાથની ઝંખના સંતાપ જ આપે છે.
એક પ્રેમી અને પ્રેમિકાની વાત છે. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. પ્રેમીને દરેક વાતે પ્રેમિકા યાદ આવતી હતી. પ્રેમીએ એક વખતે પ્રેમિકાને મેસેજ કર્યો કે, તું નથી તો જાણે કંઈ જ નથી. પ્રેમિકાએ જવાબમાં સામો સવાલ કર્યો. હું હતી ત્યારે પણ શું હતું? આપણે શાંતિથી તો રહેતા ન હતા. તને મારામાં વાંધા દેખાતા હતા અને હું તારામાં પ્રોબ્લેમ
શોધતી હતી. એકબીજા સામે ફરિયાદો કરવા માટે આપણી પાસે અઢળક કારણો
હતાં. પ્રેમ કરવા માટે આપણી પાસે કોઈ જ બહાનું ન હતું. માનો કે કોઈ બહાનું મળી જાય તો પણ આપણી પાસે એકબીજાને
સમજવાનો સમય જ ક્યાં હતો? હું હતી તો તને વાંધો હતો. હવે હું નથી તો પણ તને ફરિયાદ છે. આપણે બંને ક્યાંક તો ખોટા છીએ. કમનસીબી એ છે કે આપણે બંને આપણને સાચાં જ સમજીએ છીએ. ચલ, પહેલાં એ સ્વીકારીએ કે આપણે ક્યાંક
ખોટાં છીએ. એ ખબર પડશે તો જ આપણે ક્યારેક વિચારી શકીશું કે આપણે
ક્યાં ખોટાં છીએ! આપણું મિલન તો જ શક્ય છે જો આપણા બંનેની
થોડીક બાંધછોડ કરવાની તૈયારી હોય.
બાંધછોડ નથી કરી શકતો એ ભાગફોડ કરે
છે. આપણે ઘણા એવા લોકો જોયા છે કે જેનું મગજ જાય એટલે એ
જે હાથમાં આવ્યું તેનો ઘા કરે છે. મોબાઇલ પછાડીને તોડી નાખે છે. રિમોટના છુટ્ટા ઘા કરે છે. ટેબલ પર પડેલી વસ્તુઓ ફેંકવા લાગે છે અને ઘણું બધું ન કરવાનું કરે છે. આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે આખરે આપણે સાબિત
શું કરવા માગીએ છીએ? તમે જે કંઈ કરો એ શા માટે કરો છો? તમારું વર્તન તમને શોભે છે ખરું? તમને મળેલા સંસ્કારો સાથે તમે આવી રમત કરી શકો ખરા?
આપણી અંદર અનેક પ્રકારનાં વ્યક્તિત્વ
જીવતાં હોય છે. આપણી અંદર જ સંત છે અને આપણી અંદર જ એક શેતાન છે. એક ક્રિમિનલ પણ આપણી અંદર જીવતો હોય છે અને એક નાનકડો
ટેરરિસ્ટ પણ આપણી અંદર જ હોય છે. અનેક વખત આપણી અંદરનો શેતાન, ક્રિમિનલ અને ટેરરિસ્ટ ઉછાળા મારવા લાગે છે. ક્યારેક કોઈને મારવાનું મન થઈ આવે છે તો ક્યારેક કોઈને
લૂંટી લેવાની ઇચ્છા થઈ આવે છે. આપણને એવું ફીલ થાય છે કે દુનિયા સારા
માણસોની નથી. બદમાશ અને લુચ્ચા લોકોનો જ જમાનો છે. આપણે પણ શા માટે સીધા રહેવું જોઈએ? સારા માણસ બનીને આપણને શું ફાયદો થયો? આપણે પણ હવે બીજા લોકો જેવા જ થઈ જવું છે. જોકે, આપણે એવા થઈ શક્તા નથી. આપણને શું રોકતું હોય છે? આપણને જે રોકતા હોય છે એ આપણા સંસ્કારો હોય છે. આપણી જાત આપણને કહે છે કે, ના તારાથી આવું ન થાય. તું એવો માણસ નથી. તું પણ એવું કરીશ તો પછી તારામાં અને નઠારા લોકોમાં
ફરક શું?
આવું જ વિચારીને આપણે આપણી અંદર માથું
ઊંચકવા મથી રહેલા શેતાનને ટપલી મારી બેસાડી દઈએ છીએ. આપણી અંદરના ક્રિમિનલને કહીએ છીએ કે તારે ઊભા થવાનું નથી. તું સૂતેલો જ સારો છે. મને એવા સંસ્કારો મળ્યા છે કે તને જાગવા ન દેવો. તને ઊગતો જ ડામી દેવો. હું જેવો છું એવો સારો છું. મારે ખોટું કરીને કંઈ મેળવવું નથી. કોઈને મજબૂર કરીને મારે મહાન નથી થવું. કોઈનું પડાવી લઈને મારે ધનવાન નથી થવું. આવી રીતે મહાન અને ધનવાન થવા કરતાં હું સીધો સાદો માનવ
છું અે યોગ્ય છે.
બે મિત્રોની વાત છે. થોડુંક ખોટું કરે તો એક મિત્રને મોટો ફાયદો થાય તેમ
હતો. તેણે મિત્રને આની વાત કરી. મિત્રએ બધી વાત સાંભળીને કહ્યું કે, હા તું આવું કરીશ તો તને ચોક્કસ ફાયદો થશે. જોકે, મને એક વાત સમજાતી નથી કે તું તારા સંસ્કારો સાથે બાંધછોડ
શા માટે કરે છે? તને ખબર છે કે તું જે કરવાનું વિચારે છે એ યોગ્ય નથી
તો પછી શા માટે એવું કરે છે? તને એ વિચાર આવે છે કે તું એવું કરીશ
પછી તને તારી આખી જિંદગી એમ થશે કે, તેં યોગ્ય કર્યું ન હતું! અત્યારે તારી સમક્ષ લાલચ છે, ફાયદો છે, એ કદાચ તને મળી પણ જશે, પણ તું એના માટે શું ગુમાવીશ? તારે બીજાને છેતરતા પહેલાં તારી જાને છેતરવી પડશે. તને આ મંજૂર છે?
સંસ્કાર એટલે આપણને સમજતાં થઈએ ત્યારથી
જ સમજાવવામાં અને શિખવાડવામાં આવતી એવી વાત કે, આ સારું છે અને આ ખરાબ છે, આ યોગ્ય છે અને આ અયોગ્ય છે, આવું આપણને શોભે અને આવું આપણને ન શોભે. આપણે ઘણી વખત તેની સાથે બાંધછોડ કરી લેતાં હોઈએ છીએ. તમારાં સંતાનો શું કરે તો તમને ન ગમે? બસ, તમે એવું ન કરો. એટલો વિચાર કરો કે જો મારો દીકરો કે મારી દીકરી આવું
કરે તો મારાથી સહન થાય ખરું? જો જવાબ ‘ના’માં મળે તો એવું ન કરવું, કારણ કે આપણે પણ આપણાં મા-બાપનાં દીકરા કે દીકરી છીએ. જિંદગીમાં અનેક લાલચ આવવાની જ છે. ફાયદાઓ પણ દેખાવવાના જ છે. તમે આરામથી ખોટું કરી શકો એવી સ્થિતિ પણ સર્જાવાની છે. આવા સમયે જ તમારે સતર્ક રહેવાનું છે. મળી મળીને શું મળી જવાનું છે? તમારા સંસ્કારોના ભોગે તમારે એ મેળવવું છે? જે સંસ્કારો ગુમાવે છે એ પછી કંઈ ગુમાવતો નથી, કારણ કે એણે ઓલરેડી બધું જ ગુમાવી દીધું હોય છે. સારા અને સાચા માર્ગે જે આવે છે એ જ સાચું સુખ અને સારી
શાંતિ લાવતું હોય છે!
છેલ્લો સીન :
એક ખૂન માફ હોય તો તમે કોને મારી નાખો? જેનું નામ તમારી સામે આવે એને માફ કરી દો, તમે ઘણા ગુનાઓથી બચી જશો! – કેયુ.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *