જે કંઈ કર એ
પૂરા દિલથી કર!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જાને કિસ બાત સે દુખા હૈ બહૂત, દિલ કઇ રોજ સે ખફા હૈ બહૂત,
તુમ જમાને કી બાત કરતે હો, મેરા મુઝ સે ભી ફાસલા હૈ બહૂત,
-આલોક મિશ્રા
આપણે જે કામ કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? ગમે છે એટલે કે કરવું પડે છે એટલે? તમને કોઇ એવો સવાલ કરે કે, તમે જે કામ કરો છો એ તમને ગમે છે, તો તમે શું જવાબ આપો? બહુ ઓછા લોકોના મોઢે આપણને એવું સાંભળવા મળે છે કે, આઈ લવ માય વર્ક! નોકરી છે, પગાર મળે છે, એટલે કરીએ છીએ, એવું વિચારનારાઓની કમી નથી. આપણને ગમતું હોય કે ન ગમતું હોય, કામ તો કરવું જ પડવાનું છે. સફળતાનો આધાર છેલ્લે તો એના પર છે કે, તમે તમારું કામ કેટલા દિલથી કરો છો. આપણે કહીએ છીએ કે, કોઇ કામ નાનું નથી. કામ કામ છે. જે માણસ નાનાં કામો પ્રત્યે બેદરકાર હોય છે એ મોટાં કામોમાં પણ વેઠ જ ઉતારતો હોય છે. પરફેક્શન એ માઇન્ડસેટ છે. કામ પ્રત્યે તમારો લગાવ કેવો છે? કામ પ્રત્યેનો એટિટ્યૂડ જ આપણને સફળ કે નિષ્ફળ બનાવે છે
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ જો કોઇ હોય તો એ છે કે, એ જે કંઈ કરે છે એ ધરાર કરતો હોય એ રીતે કરે છે. આપણે તો સંબંધોમાં પણ સો ટકા હોતા નથી. એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને ખૂબ સારા મિત્રો હતાં. થોડા સમયમાં છોકરીએ મળવાનું અને વાત કરવાનું ઓછું કરી દીધું. તેના દોસ્તે પૂછ્યું, કેમ શું થયું છે? કંઈ નારાજ છે? છોકરીએ કહ્યું કે, આપણે મળીએ છીએ ત્યારે તારું ધ્યાન જ ક્યાં હોય છે? કાં તો તું ફોન લઇને બેસે છે અને કાં તો બીજું કંઇક કરતો હોય છે. મારી વાતમાં તારું ઇન્વૉલ્વમેન્ટ જ નથી હોતું. મારી વાત તો ઠીક છે, તારું તો કોઈ વાતમાં પૂરેપૂરું ધ્યાન હોતું નથી. મારે તો તને એટલું જ કહેવું છે કે, જે કંઈ કર એ પૂરા દિલથી કર! તું તો દરેક કામમાં અધૂરો જ હોય છે.
કામ કરવાની વાત હોય ત્યારે આપણે કોન્સનટ્રેશનની વાત કરીએ છીએ. કામમાં તો ધ્યાન આપવાનું જ હોય છે, એ સિવાય પણ તમામ કામોમાં આપણું ધ્યાન કેટલું છે એ મહત્ત્વનું છે. એક સંત હતા. એ ધ્યાનમાં બેસતા. એક વખતની વાત છે. બાજુમાં કોઇ પ્રસંગ હોવાથી અવાજ આવતો હતો. સમય થયો એટલે સંત ધ્યાન કરવા બેઠા. સંતના શિષ્યએ કહ્યું કે, તમને બીજા અવાજથી ધ્યાનમાં ખલેલ નથી પહોંચતી? સંતે કહ્યું કે, ખલેલ ત્યારે જ પહોંચે જ્યારે તમારું ધ્યાન એમાં હોય! આપણું ધ્યાન જ્યાં હોય ત્યાં જ આપણે પહોંચી જતા હોઈએ છીએ. મારું ધ્યાન મારા ધ્યાનમાં જ છે એટલે મને કોઈ બેધ્યાન કરી શકે નહીં. આપણે જ્યાં હોઈએ અને જે કરતા હોઇએ ત્યાં આપણી હાજરી મહત્ત્વની છે. આપણે મંદિરમાં જઇએ છીએ ત્યારે પણ એવી જ રીતે જઇએ છીએ કે રોજનો નિયમ છે. તમે રોજ મંદિરે જતા હોવ પણ તમારું મન, તમારો જીવ અને તમારું ધ્યાન બીજે હોય તો એનો કોઇ અર્થ સરતો નથી.
જિંદગીનો સૌથી મોટો કોઈ મર્મ હોય તો એ છે કે, તમે વર્તમાનમાં કેટલા જીવી શકો છો? આપણે કાં તો ભૂતકાળમાં જીવતા હોઇએ છીએ અને કાં તો ભવિષ્યકાળમાં વિહરતા હોઇએ છીએ. તમે તમને આવતા વિચારો પર થોડુંક ધ્યાન આપજો. તમને શું વિચાર આવે છે? કેવા વિચાર આવે છે? આપણે મોટા ભાગે જે ઘટના બની ગઇ હોય છે એને વાગોળતા રહીએ છીએ. જે વીતી ગયું છે એમાંથી પણ આપણે સારી વાતો યાદ કરીએ છીએ કે ખરાબ વાતો? આપણે નેગેટિવ વાતોને વધુ મમળાવીએ છીએ. પેલાએ મારી સાથે આવું કર્યું અને પેલીએ મારે સાથે તેવું કર્યું. આપણામાં નેગેટિવિટી આવવાનું એક કારણ જિંદગીમાં બની ગયેલી નેગેટિવ ઘટનાઓને વાગોળતા રહેવાનું પણ છે. આપણે એમાંથી બહાર જ ન નીકળીએ તો એ ધીમે ધીમે આપણામાં ઘર કરી જાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ નાનો હતો ત્યારે તેના મિત્રો તેનું સતત અપમાન કરતા હતા. તારામાં કંઈ આવડત નથી. તારું કંઈ ભલું થવાનું નથી. ઘરમાંથી પણ તેને ક્યારેય કોઇ વાતનું એપ્રિસિએશન મળતું નહીં. ધીમે ધીમે એ યુવાન પોતે જ એવું માનવા લાગ્યો કે, હું તો સાવ નક્કામો છું. સાથોસાથ સારા હોશિયાર બનવા માટે તે મહેનત પણ કરતો. ગ્રેજ્યુએટ થયો પછી તેને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ નોકરી મળી ગઇ. બધું બરાબર ચાલતું હતું પણ તેના મગજમાંથી તેની સાથે બનેલી ઘટનાઓ હટતી જ નહોતી. તે સારું કમાતો હતો, સરસ રીતે ઘર ચલાવતો હતો, છતાં પણ માનતો તો એવું જ હતો કે, હું કોઇ કામનો નથી. તેના મેરેજ થયા. તેની પત્ની ડાહી અને સમજુ હતી. થોડા સમયમાં તે પતિની માનસિક હાલત સમજી ગઈ. એક દિવસે પત્નીએ પતિને કહ્યું કે, તમે તમારી જાતને નબળી ક્યાં સુધી માનશો? તમે જ વિચાર કરો, તમારામાં જો આવડત ન હોત તો તમને નોકરી મળી હોત ખરી? તમે ઘર સરસ રીતે ચલાવો છો, મારી સાથે સારી રીતે રહો છો, પરિવારમાં પણ તમારું માન છે, આ બધી વાતો એનો પુરાવો છે કે, તમે કામના છો, સારા છો ને હોશિયાર છો.
માણસમાં કોઇ ગ્રંથિઓ એમ જ નથી બંધાતી, મનમાં સતત કંઇક ને કંઇક ઘૂંટાતું રહેતું હોય છે. ઘૂંટાઇને ઘાટું થાય પછી એ હતાશા કે ડરમાં ફેરવાઇ જાય છે. એનું કારણ પણ સરવાળે એ જ હોય છે કે, આપણે વર્તમાનમાં જીવતા નથી અને જે કરીએ છીએ એ દિલથી કરતા નથી. એક છોકરીની આ વાત છે. તે જોબ કરતી હતી. જોબ કરવા આવે ત્યારે એ લઘરવઘર હાલતમાં જ હોય. ગમે એવાં કપડાં પહેરીને ઓફિસે આવી જાય. ઓફિસે આવ્યા પછી પણ ધરાર કામ કરવું પડતું હોય એ જ રીતે કામ કરતી. એક વખત એ સરસ રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઇને આવી. તેની સાથે કામ કરતી કલીગે કહ્યું કે, અરે વાહ, તું તો બહુ સુંદર લાગે છે. એ દિવસે એણે કામ પણ સરસ રીતે કર્યું. ઓફિસ પૂરી થઇ ત્યારે તેની કલીગે કહ્યું કે, ઓફિસે પણ સરસ રીતે તૈયાર થઇને આવને? એવું વિચારીને આવ કે મસ્ત તૈયાર થઇને જવું છે અને બેસ્ટ કામ કરવું છે! તું મન વગર જ ઓફિસે આવતી હોય એવું લાગે છે. આપણે ક્યારેય એ વિશે વિચારીએ છીએ કે, મારા કામમાં મને કેટલી મજા આવે છે? મજા નથી આવતી તો શા માટે નથી આવતી? મજા આવે એ માટે શું કરવું? આપણને કામનો થાક કે કંટાળો એટલે જ આવે છે, કારણ કે આપણે કામને બોજ સમજીએ છીએ. કામને જિંદગીનો ભાગ સમજતા નથી. ઓફિસે પહોંચીએ કે તરત જ એક ભાર માથે રાખી દઇએ છીએ. કામનું પ્રેશર રાખીએ છીએ. ઓફિસ પૂરી થાય ત્યારે થાકીને લોથ થઇ ગયા હોઇએ છીએ. ભારનો થાક તો લાગવાનો જ છે. જિંદગીને આપણે કામ અને આરામ, મજા અને ઉપાધિ, ગમતું અને ન ગમતુંમાં ડિવાઇડ કરી નાખી છે. આપણે કંઈ શરૂ કરીએ એ પહેલાં જ મગજમાં એક ફ્રેમ તૈયાર કરી લઇએ છીએ કે આ કામ છે, ટેન્શન છે, જેની શરૂઆત જ તણાવથી થતી હોય એ એન્જોય કેવી રીતે થઈ શકે? કામ કરવા બેસીએ ત્યારે તેને પહેલાં ગમતું કરવું પડતું હોય છે. દરેકને ગમતું કામ મળે એવું જરૂરી નથી. જે કામ છે એને ગમતું કરવાની આવડત હશે તો કામનો કંટાળો નહીં આવે અને વેઠ પણ નહીં ઊતરે. વેઠ ત્યારે જ ઊતરે જ્યારે આપણને કોઇ કામ ગમતું ન હોય. વેઠ ઊતરે એટલે ઠપકો કે નિષ્ફળતા મળે છે. સફળ થવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે જે કામ કરો છો એ પૂરા દિલથી, પૂરી મહેનતથી અને પૂરી ઇમાનદારીથી કરો, સફળતા સામે ચાલીને તમારી પાસે આવશે. સારું કામ કરનારની શોધ બધાને હોય જ છે, આપણે બસ એ સાબિત કરવાનું હોય છે કે, હું મારા કામમાં બેસ્ટ છું. બેસ્ટ ત્યારે જ બનશો જો તમે તમારા કામને પ્રેમ કરશો, તમારું કામ દિલથી કરશો!
છેલ્લો સીન :
જે પોતાના માર્ગ બનાવી જાણે છે એને કોઈ રાહ ચીંધે એની રાહ જોવી પડતી નથી! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 જૂન, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com