નોકરી મેળવવામાં આપણા ભણેશરીઓ
કેમ ઠોઠસાબિત થાય છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
આપણા દેશમાં એમબીએ થયેલા સાત ટકા યુવક-યુવતીઓ જ નોકરીને
લાયક હોય છે. એન્જિનિયરિંગ અને ડોક્ટરી કરનાર યંગસ્ટર્સનું પણ કંઈક આવું જ છે. પ્રોબ્લેમ
ક્યાં છે
? આપણા યંગસ્ટર્સમાં કે પછી આપણા સ્ટડીમાં? કે પછી વાંક બંનેનો છે?
દર વર્ષે લાખો છોકરા-છોકરીઓ કોલેજમાંથી બહાર આવે છે અને શિક્ષિત
બેરોજગારોની સંખ્યામાં વધારો થતો રહે છે. સામાન્ય ક્લાર્ક અથવા તો ત્રીજા કે ચોથા વર્ગની
નોકરી માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યંગસ્ટર્સ અરજીઓ કરે છે. હમણાં જ એક સમાચાર
હતા કે, પોલીસ કોન્સ્ટેબલની જગ્યા
માટે આટલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા! આવું કેમ થાય છે? એ લોકો કેમ એટલા ‘લાયક’ સાબિત થતાં નથી કે એમને કોઈ
સારી નોકરી નથી મળતી? ઘણી વખત તો આપણાથી એ નક્કી
થઈ શકતું નથી કે પ્રોબ્લેમ અત્યારની યંગ જનરેશનમાં છે કે પછી આપણી ખોખલી એજ્યુકેશન
સિસ્ટમમાં? આપણા દેશની સરકારે ખરેખર એ
વિચારવાની જરૂર છે કે જે ભણેલા લોકો છે એ નોકરી લેવા જાય ત્યારે કેમ ગેરલાયક ઠરે છે?
તમે કોઈ પણ ખાનગી કંપનીમાં તપાસ કરજો. મોટાભાગે તમને એવું સાંભળવા
મળશે કે અમને માણસો જોઈએ છે, પણ સારા માણસો મળતા નથી. ડિગ્રી
હોય છે, પણ બીજી કોઈ ગતાગમ પડતી નથી.
કોલેજ કે યુનિવર્સિટીના ટોપર્સ પણ નોકરી માટે ફાંફાં મારતા હોય છે. એક મલ્ટિનેશનલ કંપનીના
ચીફ એચઆર મેનેજરે કહેલી આ વાત છે કે નવા લોકોને ભરતી કરીને એને એકડેએકથી બધું શીખવવા
કરતાં અમને હરીફ કંપનીમાંથી કોઈને તોડી લાવવા વધુ સરળ પડે છે. કમ સે કમ એ નીવડેલા તો
હોય છે. નવા લોકોને વ્યાખ્યા પૂછો તો એ કહી દે છે, પણ ગ્રાઉન્ડ પર જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે એ હાંફી રહે
છે.
હમણાં જ અસોચેમ દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટમાં
એવું કહેવાયું છે કે આપણા દેશમાં દર વર્ષે બહાર પડતા મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ
ગ્રેજ્યુએટમાંથી માત્ર સાત ટકા, આઈ રિપીટ, ઓનલી સેવન પર્સન્ટ યંગસ્ટર્સ જ જોબને લાયક હોય છે! આ જ વાતની
બીજી બાજુથી જોઈએ તો એમ કહી શકાય કે સત્તાણુ ટકા યંગસ્ટર્સ જોબ માટે ગેરલાયક ઠરે છે!
રખેને એવું માનતાં કે આઈઆઈએમના બધા જ સ્ટુડન્ટને બેસ્ટ જોબ મળી
જાય છે! આ સર્વેમાં મેનેજમેન્ટની પ્રીમિયમ ગ્રેડ ઇન્સ્ટિટ્યૂટના ડિગ્રી હોલ્ડર્સનો
પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આઈઆઈએમમાંથી જે સ્ટુડન્ટ્સને સૌથી સારી જોબ મળે અને સૌથી
ઊંચું પે-પેકેજ મળે તેની ચર્ચા ગાઈ-વગાડીને થાય છે, પણ જેને નોકરી નથી મળતી એના વિશે ક્યારેય ચર્ચાઓ થતી નથી. જે
યુવાનો ખરેખર હોશિયાર છે તેનો જ મેળ પડતો હોય છે, બાકીના લોકોએ સામાન્ય જોબ કરીને ગાડું ગબડાવવું પડતું હોય છે.
આપણા દેશમાં બી-સ્કૂલ્સનો તો રાફડો ફાટ્યો છે. એક શહેરમાં તમને
ઢગલાબંધ બિઝનેસ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ મળી આવશે. તગડું કમિશન લઈને એ લોકો એડમિશન
આપે છે. આ સંસ્થાઓમાં ભણાવાય છે કે એ સૌથી મોટો સવાલ છે. ઘણા સ્ટુડન્ટ્સ અને તેમનાં
મા-બાપને કેવું ભણાવાય છે તેનાથી મતલબ પણ નથી હોતો. એ તો એવું જ માની લે છે કે ડિગ્રી
હાથમાં આવે એટલે બેડો પાર! જોકે, આ ડિગ્રી લઈને જ્યારે દીકરો
કે દીકરી નોકરી મેળવા જાય છે ત્યારે તેને રિઆલિટીનું ભાન થાય છે. માનો કે થોડાક લોકોને
નોકરી મળી પણ ગઈ તોયે એ પર્ફોર્મ કરી શકતા નથી અને ટકી શકતા નથી.
આપણા દેશમાં 5500 બી-સ્કૂલ્સ છે. તેમાંથી ખરેખર કેટલી ભણવાલાયક
છે એ સવાલ છે. છેલ્લા થોડા સમયમાં મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ જેવાં મોટાં શહેરોની અંદાજે 220 બી-સ્ફૂલ બંધ થઈ છે.
બી-સ્ફૂલમાંથી બહાર આવતા અનેક યંગસ્ટર્સને દસ-પંદર હજારની નોકરી માંડ મળે છે. અસોચેમે
ચિંતા વ્યક્ત કરી છે કે દેશના વિકાસ માટે આ સ્થિતિ સારી નથી. કોમ્પિટન્ટ કર્મચારીઓ
તૈયાર કરવા એ બહુ મોટું ટાસ્ક છે. એને ગંભીરતાથી લેવું જોઈએ.
માત્ર મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સની જ આવી સ્થિતિ છે એવું પણ નથી.
એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ્સની હાલત પણ આવી જ છે. એસ્પાયરિંગ માઇન્ડ્સ નેશનલ એમ્પ્લોયિબિલિટી
રિપોર્ટ ઉપર નજર ફેરવીએ તો પણ આંચકો લાગે એવું છે. આ રિપોર્ટમાં એવું સ્પષ્ટ લખાયું
છે કે, દેશમાં દર વર્ષે બહાર પડતાં
એન્જિનિયર્સમાંથી 80 ટકા ઇજનેરો નોકરી માટે લાયક હોતા નથી. ગયા વર્ષે એટલે કે 2015માં
દેશની 540 એન્જિનિયરિંગ કોલેજીસના દોઢ લાખ ગ્રેજ્યુએટ્સનો અભ્યાસ કરી આ તારણ કાઢવામાં
આવ્યું હતું.
મેડિકલ ક્ષેત્ર એટલે કે ડોક્ટર્સની સ્થિતિ પણ એટલી બધી સારી
નથી. જોકે, તેની સ્થિતિ એન્જિનિયરિંગ
અને મેનેજમેન્ટ કરતાં સારી છે. આમ છતાં 60 ટકા ડોક્ટર્સની લાયકાત સામે પ્રશ્નાર્થ ચિહ્્ન
લાગેલાં છે. તમારી આજુબાજુમાં નજર કરજો, બધા ડોક્ટર્સની પ્રેક્ટિસ કંઈ ધમધોકાર ચાલતી હોતી નથી. અમુક
જ અને જે ખરેખર જાણકાર અને હોશિયાર છે એના નામના જ સિક્કા પડતા હોય છે. આ સિવાય બીજાં
અનેક ક્ષેત્રો એવાં છે જેના ગ્રેજ્યુએટ્સ કંઈ ઉકાળી શકે એવા હોતા નથી. એ લોકો કરતાં
તો કડિયા કામ, લુહારી કામ અને સુથારી કામ
કરનારા લોકો વધુ કમાતા હોય છે, કારણ કે એનામાં આગવી સ્કિલ્સ
હોય છે. એ લોકોની મહેનત અને ઇન્વોલમેન્ટ દાદ માગી લે તેવું હોય છે.
આખરે સવાલ એ થાય કે, કોલેજ પૂરી કરીને બહાર આવતા યંગસ્ટર્સ નબળા કેમ રહી જાય છે? હા, ઘણા સ્ટુડન્ટ્સ પૂરી મહેનત
અને લગનથી સ્ટડી કરતા નથી, પણ માત્ર દોષ સ્ટુડન્ટ્સનો
જ હોતો નથી. એને એવું વાતાવરણ જ કોલેજીસમાં મળતું નથી. એક વાત એવી પણ છે કે આપણે ત્યાં
જે ફેકલ્ટીઝ ભણાવે છે એ પોતે જ નબળા છે! કૂવામાં હોય તો હવેડામાં આવેને! ખાનગી કોલેજના
સંચાલકોને સસ્તા પડે એવા ટીચર્સ જોઈએ છે, માહેર પ્રોફેસર્સ કે ફેકલ્ટી નહીં! આપણે ત્યાં થિયરોટિકલ સ્ટડી
વધુ છે અને પ્રેક્ટિકલ ઓછું છે. આ અને આવાં બીજાં અનેક કારણો નબળા ગ્રેજ્યુએટ્સ માટે
જવાબદાર છે. આપણી પાસે વેલ ટ્રેઇન્ડ અને રિઅલ સેન્સમાં એજ્યુકેડેટ મેનપાવર્સ નહીં હોય
તો સુપરપાવર કન્ટ્રી બનવાનું સપનું ઘડીકમાં સાકાર થવાનું નથી.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 08 મે 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
Email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *