પેરેન્ટિંગના પડકાર : શું છે
સિક્સ પોકેટ સિન્ડ્રોમ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માતા-પિતા માટે પેરેન્ટિંગ દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે. બાળકો
જિદ્દી અને તોફાની થઈ રહ્યાં છે. આખરે આનું કારણ શું છે?
માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં અત્યારે
સિક્સ પોકેટ સિન્ડ્રોમ ચર્ચામાં છે
———–
પેરેન્ટિંગ દિવસે ને દિવસે વધુ ને વધુ પડકારજનક બનતું જાય છે. બાળકોનો ઉછેર ખાવાના ખેલ રહ્યા નથી. બહુ ઓછાં મા-બાપના મોઢે હવે એવું સાંભળવા મળે છે કે, મારો દીકરો કે દીકરી બહુ જ ડાહ્યાં છે. માનો કે એવું કોઇ કહે ત્યારે એવો પ્રતિભાવ મળે છે કે, તમે નસીબદાર છો, બાકી અત્યારનાં છોકરાંવ તો તોબા છે! ગમે તે કરો, કંઇ સમજતાં જ નથી. એવા ઉપાડા લે છે કે વાત જવા દો. થોડીક વાર પણ શાંત બેસતાં નથી. એક સર્વ સામાન્ય ફરિયાદ એ છે કે, મોબાઇલ ન આપો ત્યાં સુધી બાળકો જમતાં જ નથી. મા-બાપ વિશે એવી ફરિયાદો થતી આવી છે કે, પોતાને કંઇક કામ હોય ત્યારે છોકરાઓને શાંત રાખવા હાથમાં મોબાઇલ પકડાવી દે છે. આ મુદ્દે એક માતાએ એવું કહ્યું કે, મોબાઇલ પકડાવી ન દઇએ તો શું કરીએ? કામ તો કરવું કે નહીં? અમને પણ ખબર છે કે, બાળકો માટે મોબાઇલ સારો નથી, પણ બીજો કોઇ વિકલ્પ પણ અમારી પાસે ક્યાં છે? એક મિનિટ ધ્યાન બીજે ગયું તો બધુંયે ખેદાનમેદાન કરી નાખે છે.
કૌન બનેગા કરોડપતિમાં દસ વર્ષના ગુજરાતના એક છોકરાએ અમિતાભ બચ્ચન સાથે જે રીતે તોછડી ભાષામાં વાત કરી તેની ચર્ચા આખા દેશમાં ખૂબ થઇ હતી. મોટાભાગના લોકોએ કહ્યું કે, એનાં માતા-પિતાએ જે રીતે ઉછેર કરવો જોઇએ એ રીતે કર્યો નથી. દરેકે પોતપોતાની રીતે દલીલો કરી. વાત સાઇકોલોજી સુધી પહોંચી કે, આખરે કોઇ બાળક આવું વર્તન કરે એની પાછળ કયાં કારણો જવાબદાર હોઈ શકે? એમાં પણ જુદી જુદી થિયરીઓ આપવામાં આવી. કેટલાક લોકોએ એ બાળકના કોન્ફિડન્સનાં વખાણ પણ કર્યાં. અમિતાભ બચ્ચન જેવી પર્સનાલિટી સામે ભલભલા પાણી પાણી થઇ જાય છે, કેટલાય લોકો અત્યંત ભાવુક પણ થઇ જાય છે. એ બાળક અમિતાભના પ્રભાવમાં જરાયે નહોતો આવ્યો. એ તો કંઇ જીત્યો નહીં એટલે તેની ટીકા કરવામાં આવે છે, બાકી જો એ કરોડપતિ બની ગયો હોત તો લોકો જ તેના બેમોઢે વખાણ કરતા હોત. કોઇ બેકગ્રાઉન્ડ જાણ્યા વિના એ બાળક કે તેનાં પેરેન્ટ્સને દોષ દેવો વાજબી નથી. સવાલ માત્ર આ બાળકનો નથી. વાત ઓવરઓલ પેરેન્ટિંગની છે કે, આખરે બાળકોમાં કેમ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે? નમ્રતા અને આદર કેમ ગુમ થતાં જાય છે. હવે તો કોઇ બાળક નમસ્કાર કરે કે આદરપૂર્વક હલો કરે ત્યારે પણ લોકોને નવાઇ લાગે છે. અરે વાહ! આજના જમાનામાં પણ આવા છોકરાઓ છે ખરા એવું કહે છે. બીજી વાત એ પણ છે કે, બધાં જ બાળકો કંઇ તોછડા કે અયોગ્ય વર્તન કરે એવાં નથી હોતાં. સારાં બાળકોની પણ કમી નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે, સારાં સંતાનોને પણ સાચવવાં નાનુંસૂનું કામ નથી. સતત એ વાતનું ટેન્શન રહે છે કે, આ ક્યાંક ઊંધા રવાડે ન ચડી જાય. કેટલાંક પેરેન્ટ્સ પોતાના સંતાનનું એટલું બધું ધ્યાન રાખે છે કે, ખુદ છોકરું અકળાઇ જાય છે. બાળકને એની રીતે રહેવા કે જીવવા નથી દેવાતું ત્યારે બાળક પણ અકળાઇ જાય છે.
પેરેન્ટિંગના કિસ્સામાં આજકાલ સિક્સ પોકેટ સિન્ડ્રોમની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. સિક્સ પોકેટ સિન્ડ્રોમની શરૂઆત ચીનથી થઇ હતી, પણ હવે એ આપણે ત્યાં પણ જોવા મળે છે. નવી જનરેશનના યંગસ્ટર્સ હવે એક જ બાળક પસંદ કરે છે. હવેના સમયમાં એકથી વધુ બાળક પરવડે એમ પણ ક્યાં છે? બાળકના ખર્ચા મોટા કરતાં પણ વધુ થવા લાગ્યા છે. હવે જ્યારે પતિ-પત્નીને એક જ બાળક હોય ત્યારે સિક્સ પોકેટ સિન્ડ્રોમ કામ કરવા લાગે છે. બાળકનાં માતા-પિતા તો હોય જ છે, ઉપરાંત દાદા-દાદી અને નાના-નાની પણ બાળકને લાડકું રાખવાના કામમાં લાગી જાય છે. છ છ જણા એકસામટા બાળકને પેમ્પર કરતા રહે છે. હવેના સમયમાં બધા કમાય છે એટલે છએ છનાં પોકેટ ભરેલાં છે. બાળક પાછળ ખર્ચ કરવામાં કોઇ વિચાર કરતા નથી. બાળક છ છ લોકો દ્વારા મળતા ભાવના કારણે પોતાને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમજવા લાગે છે.
હવેનાં પેરેન્ટ્સ પણ એવું જ ઇચ્છે કે, મારા બાળકને જરા સરખી પણ તકલીફ ન પડે. એમાં વળી દાદા-દાદી અને નાના-નાની બાળકની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. બાળકને કોઇ વસ્તુની ના જ નથી પાડતાં. માંગો તે હાજર જ નહીં, બાળક ન માંગે તો પણ એને જોઇતી ચીજ હાજર થઇ જાય છે. અગાઉના સમયમાં આવું નહોતું. એક રમકડું કે બીજી કોઇ ચીજવસ્તુ જોઇતી હોય તો મા-બાપને પટાવવાં પડતાં, કન્વીન્સ કરવાં પડતાં. કેટલીય વખત ડિમાન્ડ કરે એ પછી બાળકને જોઇતી ચીજ મળતી હતી. પ્રવાસમાં કે ફિલ્મમાં જવા માટે મા-બાપની રજા માંગવામાં પણ વિચાર કરવો પડતો હતો. મા-બાપ ધમકાવીને બેસાડી દેતાં. કેટલાં પિક્ચર જોવાં છે? હજુ હમણાં તો ગયા હતા? આપણે દોસ્તારો કે બહેનપણીઓના રવાડે નથી ચડવાનું. કેટકેટલુંયે સાંભળવા મળતું. પિતા પાસે રજા માંગવા દોસ્તાર કે બહેનપણીની મદદ લેવી પડતી. તું કહેજેને, તો રજા મળી જશે. બાળકની બધી જરૂરિયાતો પણ પૂરી ન થતી. નવાં કપડાં અને બીજી વસ્તુઓ દિવાળી પર કે કોઇ પ્રસંગ હોય ત્યારે જ મળતાં. મા-બાપ એટલાં ખમતીધર પણ નહોતાં કે સંતાનોની બધી ડિમાન્ડ તરત જ પૂરી કરે. ખમતીધર હોય એને પણ એટલી સમજ પડતી હતી કે, બાળક માંગે એટલે કંઇ આપી ન દેવાય. એ તો છોકરું છે, આપણે તો સમજીએ છીએને! બધી ડિમાન્ડ પૂરી થતી હોય ત્યારે બાળક એવું માનવા લાગે છે કે, આપણે માંગીએ એટલે મળી જવું જોઇએ. આજના સમયમાં જ્યારે બાળકને માંગ્યું મળતું નથી કે તેનું ધાર્યું થતું નથી ત્યારે તેને લાગી આવે છે. મા-બાપ ના પણ પાડે એવી એને ખબર જ નથી.
બાળકોની તમામ જરૂરિયાતો પૂરી કરવાની કોઇ જરૂર હોતી નથી. જેટલું જરૂરી હોય એટલું જ કરો. ઓવર પેમ્પરિંગ બાળકોને બગાડી શકે છે. બાળક પર અમુક જવાબદારીઓ પણ નાખો. એને કામની અને રૂપિયાની કિંમત સમજાવી જોઇએ. મા-બાપ કેટલી મહેનત કરીને ઘર ચલાવે છે એનું ભાન પણ એને પડવું જોઇએ. બાળકને ફૂલની જેમ જ રાખશો તો કરમાઇ જવાનું જોખમ વધવાનું જ છે. બાળકોને નિષ્ફળતાની પણ સમજ આપવી જોઇએ. હવેનાં પેરેન્ટ્સ પોતાનું બાળક બધી જ વાતમાં હોશિયાર હોય એવું ઇચ્છે છે. બાળકને બધી જ ખબર પડે અને એ હંમેશાં ટોપ પર જ હોય એવું બિલકુલ જરૂરી નથી. કેટલાક કિસ્સામાં તો ઊંધું થઇ રહ્યું છે. બાળક પોતાની સ્કૂલમાં કે બીજા પર્ફોર્મન્સમાં નિષ્ફળ જાય ત્યારે માતા-પિતા ડિપ્રેશનમાં આવી જાય છે. આ મોટો થઇને કે મોટી થઇને શું કરશે? એને તો કંઇ આવડતું જ નથી. પોતાના બાળકની બીજાં બાળકો સાથે સરખામણી કરવા જેવી ભૂલ બીજી કોઇ નથી. માર્ક્સ ઓછા મળે કે કોઇ કમ્પિટિશનમાં નંબર ન આવે ત્યારે સંતાનમાં કંઇ હીર નથી એવું માનવી એ સૌથી મોટી મૂર્ખામી છે. કોઇ પણ સંજોગોમાં બાળકને જજ ન કરો. એને એની રીતે જીવવા દો. તેના પર સતત નજર ન રાખો. હેલિકોપ્ટર પેરેન્ટિંગથી બચો. બાળકને થોડીક તકલીફ પણ પડવા દો. એને ઘરનું કામ પણ શીખવાડો. જરૂર પડે ત્યારે ખિજાવામાં પણ વાંધો ન હોવો જોઇએ.
હવેના સમયમાં મા-બાપ બાળકોને ખિજાતા પણ ડરી રહ્યાં છે. કંઇક કહીશું અને ન કરવાનું કરી બેસશે તો? આપણે તો એ એકનો એક કે એકની એક છે. એનાથી વધારે શું હોય? એના માટે તો આખો દિવસ ઢસરડા કરીએ છીએ. એ સુખી તો આપણે રાજી, એવું વિચારીને મા-બાપ બાળકને કંઇ કહેતાં નથી. બાળકને એના કારણે ફાવતું મળી જાય છે. કેટલાક કિસ્સામાં બાળક ઇમોશનલ બ્લેકમેલ કરતા પણ શીખી જાય છે. બાળકને મોટું કરવામાં ચેલેન્જીસ તો રહેવાની જ છે. સમય બદલાયો છે, હવે પેરેન્ટિંગ નવેસરથી શીખવું પડે એમ છે. તેના માટે એ સૌથી વધુ જરૂરી છે કે, બાળકની પાછળ ન લાગી જાવ, એને એની રીતે જીવવા દો અને થોડુંક હેરાન પણ થવા દો. તેની ચેલેન્જીસ તેને ફેસ કરવા દો. બાળકને એવી રીતે તૈયાર કરો કે, એની જિંદગીમાં પડકાર કે સંઘર્ષ આવે ત્યારે એ તેનો સામનો કરી શકે અને દરેક પરિસ્થિતિમાં ટકી રહે. બાળક વતી બધા નિર્ણયો પણ ન કરી લો. એ કરી શકે એવા નિર્ણયો અને એવાં કામો એને કરવા દો. બાળકને એ પણ સમજાવવું પડે છે કે, બધું આપણું ધાર્યું ન થાય. સારા પેરેન્ટિંગ માટે સજ્જ થવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. બાળકને સમજીને તેની સાથે કામ પાર પાડવું એ જ આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે.
—————-
પેશ-એ-ખિદમત
કિસી ના-દીદા ઘડી કે લિયે તય્યાર થા મૈં,
ઐસી ચૂપ થી કિ કોઇ બાત થી હોને વાલી,
ઝિંદગી ઔર હી હોતી હૈ બસર કરને કો,
તેરી મેરી હૈ ફકત બોઝ કો ઢોને વાલી.
– જાવેદ શાહીન
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 નવેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
