કોઈને મારી ફિકર નથી, મારી
પાછળ રોવાવાળું કોઈ નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ,
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે,
ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું,
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે.
– હેમંત પૂણેકર
જિંદગીમાં એક સમય એવો આવતો હોય છે જ્યારે માણસને એકલું લાગે છે. મને કોઇ સમજવાવાળું નથી. મારી કોઇને ચિંતા નથી. કોઇને મારો વિચાર જ નથી આવતો. બધા પોતાની મસ્તીમાં છે, મારી કોઇને પડી જ નથી. અમુક સમયે એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેનાથી લોકો પરનો ભરોસો જ ઊઠી જાય. આપણી નજીકની વ્યક્તિ જ્યારે દિલ દુભાવે ત્યારે એવો વિચાર આવી જાય કે, પોતાના જ જો આવું કરી શકતા હોય તો પછી પારકા વિશે તો શું કહેવું? ભરોસો તૂટે ત્યારે દિલ પર તિરાડો પડતી હોય છે. શું નુકસાન ગયું એનાથી કોઇ ફેર પડતો હોતો નથી, પણ કોણે કર્યું તેનાથી બહુ મોટો ફેર પડતો હોય છે. જિંદગીમાં સંબંધોના પણ તબક્કાઓ આવતા હોય છે. ક્યારેક ઘણા બધા લોકો નજીક હોય છે. આપણને એમ લાગે કે, સંબંધોની બાબતમાં હું બહુ સુખી છું. એક અવાજ મારીએ ત્યાં દસ લોકો હાજર થઇ જતા હોય છે. જિંદગીમાં ક્યારેક સંબંધોનો દુકાળ પડી ગયો હોય એવું લાગે છે. ફોન કરવાનો વિચાર આવે ત્યારે એ સવાલ થાય છે કે કોને કરવો? કોઇ સાથે વાત કરવાનું મન નથી થતું. સમય હોય અને કોઇને મળવા જવાનું મન થાય ત્યારે પણ વિચાર આવી જાય છે કે, કોની પાસે જવું? એને ગમશે કે નહીં? એનો રિસ્પોન્સ જો સારો નહીં હોય તો મજા નહીં આવે. લોકો પણ કામ સિવાય ક્યાં મળે છે? મળવાની વાત તો દૂરની છે, લોકો કામ સિવાય ફોન પણ નથી કરતા. જેની સાથે દરરોજ વાત થતી હોય, જેની સાથે વાત કર્યા વગર અધૂરું લાગતું હોય એ પણ અચાનક દૂર થઇ જાય છે. સોશિયલ મીડિયા પર ક્યારેક કેટલાક ચહેરા સામે આવી જાય છે. પીપલ યુ મે નો એવું લખીને તસવીર સામે આવે ત્યારે ઘણી વાર એવો વિચાર આવી જાય છે કે, એની તો હું છઠ્ઠી જાણું છું. કેટલાકને જોઇને જ કાળ ચડે છે. સવાલ એ છે કે, એનાથી સામેવાળાને શું ફરે પડે છે? કંઇ જ નહીં, આપણે જ અપસેટ થતા હોઇએ છીએ. આપણે એ વિચાર પણ કરવો જોઇએ કે, હું જે વિચારો કરું છું એની મારા પર શું અસર થાય છે?
જિંદગીમાં ક્યારેક દુ:ખી થવાય એવા બનાવ બનવાના જ છે. દગો, ફટકો, બેવફાઇ જેવું ક્યારેક થવાનું જ છે. એવું થાય ત્યારે પીડા પણ થવાની જ છે. એવી ઘટનાનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક ઘા એવા હોય છે જેને ખમવા પડતા હોય છે. એકાદ ખરાબ અનુભવ થાય એનાથી બધાને ખરાબ માની લેવાની કંઇ જરૂર હોતી નથી. આપણી સાથે કંઇ બને ત્યારે એ પણ ચેક કરી લેવું કે, જે થયું એના માટે હું તો જવાબદાર નથીને? આપણને ઘણી વખત આપણી ભૂલ દેખાતી હોતી નથી. એક યુવાનની આ વાત છે. તેને બધા જ સ્વાર્થી લાગતા હતા. એક વખત તે એક સંતને મળ્યો. સંતને તેણે કહ્યું કે, મારી કોઇને ચિંતા નથી. હું ક્યાં છું, શું કરું છું, જીવું છું કે મરી ગયો એની કોઇને પરવા નથી. મારી પાછળ રોવાવાળું કોઇ નથી. સંતે બધી વાત સાંભળીને કહ્યું કે, જો ખરેખર તારી કોઇને પરવા ન હોય અને કોઇ તારા માટે રોવાવાળું ન હોય તો સમજજે કે તારામાં જ કંઇક પ્રોબ્લેમ છે. સંતે એક માણસનું ઉદાહરણ આપ્યું. એ માણસ એકલો રહેતો હતો. બધા સાથે ખૂબ સારી રીતે રહેતો. એનું કોઇ સગુંવહાલું નહોતું. એ માણસ ક્યારેય એવી ફરિયાદ ન કરતો કે, મારું કોઇ નથી. તે હંમેશાં એમ જ કહેતો કે, બધા જ મારા છે. તમને દોસ્તી કે પ્રેમ કરતા કોણ રોકે છે? માણસની વાત તો છોડો, પ્રાણીઓને પ્રેમ કરો તો એ પણ તમારા થઇ જાય છે. એ માણસ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે બધા જ લોકો એકઠા થઇ ગયા હતા. દરેકની આંખો ભીની હતી. તેનો એક કૂતરો હતો એ પણ રડતો હતો. જો એ એકલા માણસ પાછળ રડવાવાળા આટલા બધા હોય તો તારે તો લોહીના સંબંધવાળાં સગાં જ ઘણાં છે. એવું બિલકુલ બનવા જોગ છે કે, માણસને એકાદ-બે માણસ સાથે ન બને, માણસને જો બધા જ સાથે ન બનતું હોય તો એ પ્રોબ્લેમ સામેવાળાનો નહીં પણ મોટાભાગે પોતાનો હોય છે.
દુનિયામાં લોહીના સંબંધ અને લાગણીના સંબંધોમાંથી કોણ ચડે એવી વાતો બહુ થતી રહી છે. સાચી વાત એ છે કે, સંબંધો સંબંધો હોય છે, એમાં કોણ ચડે અને કોણ ઊતરે એની ગણતરીઓ હોતી નથી. દરેક સંબંધ જુદી જુદી કક્ષાએ જીવાતો હોય છે. કેટલાક સંબંધો લોહીના સંબંધોને પણ અતિક્રમી જતા હોય છે. એ ત્યારે જ શક્ય બનતું હોય છે જ્યારે કોઇની નજીક જવાની આપણી તૈયારી હોય. માણસમાં સ્વીકાર હોવો જોઇએ. પોતાના હોય ત્યાં સ્વીકાર આવી પણ જતો હોય છે. અરેન્જ મેરજ કરનાર એક કપલની આ વાત છે. બંને બહુ પ્રેમથી રહેતાં હતાં. એમનાં લગ્નને દસ વર્ષ થયાં ત્યારે બંને વાત કરતાં હતાં. કેવું છે, આપણે જિંદગીના બે દાયકા સુધી એકબીજાને ઓળખતાં પણ નહોતાં. આ દસ વર્ષમાં એવું લાગવા માંડ્યું જાણે આપણે જનમોજનમના સાથી છીએ. આખરે આ કયો જાદુ હોય છે? એ પ્રેમ અને સ્વીકાર જ હોય છે. માણસ જ્યારે કોઇ વ્યક્તિ પોતાની લાગવા માંડે એ સાથે એક અલૌકિક સંબંધની શરૂઆત થાય છે. પ્રેમથી રહેનારા દરેક કપલે એક વખત તો પોતાની વ્યક્તિને એમ કહ્યું જ હોય છે કે, તું મને વહેલો કેમ ન મળ્યો? તું મને વહેલી કેમ ન મળી?
દરેક પ્રેમ કે દરેક લગ્ન ભલે સફળ ન થતાં હોય જ્યારે તેની શરૂઆત થઇ હોય ત્યારે તો સારી જિંદગીનાં સપનાં જ જોવાયાં હોય છે. જુદા પડવાનું આવે તો પણ હવે લોકો પ્રેમથી જુદા પડી જાણે છે. એક કપલની આ વાત છે. બંનેએ લવમરેજ કર્યા હતા. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ બાદમાં બંનેને સમજાયું કે, આપણે એકબીજા માટે નથી બન્યાં. બંનેને એકબીજા સામે ઇશ્યૂઝ હતા, પણ તેઓ ક્યારેય લડતા ઝઘડતા નહીં. એક તબક્કે બંનેને એવું લાગ્યું કે, હવે સાથે રહેવાનો કોઇ અર્થ નથી લાગતો ત્યારે બંનેએ વાત કરી અને જુદા પડવાનું નક્કી કર્યું. જુદા પડતી વખતે પણ બંનેએ એકબીજાને કહ્યું કે, ક્યારેય પણ કંઇ જરૂર હોય તો મને યાદ કરજે, હું તારા માટે હંમેશા હાજર હોઇશ. આપણે એકબીજાની સારી વાતો જ યાદ રાખીશું. જોઇ લેવાની કે બતાવી દેવાની વાતોનો પણ કોઇ મતલબ હોતો નથી. સંબંધોમાં તમે કેવી રીતે મળો છો એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે, તમે કેવી રીતે જુદા પડો છો. જુદા પડવાનું અઘરું ચોક્કસ છે. જેની સાથે જિંદગી જીવવાનાં અને પ્રેમથી રહેવાનાં સપનાં જોયાં હોય એનો સાથ છૂટે ત્યારે આકરું તો લાગવાનું જ છે. કપરા સમયમાં જ આપણે કેવી રીતે વર્તીએ છીએ એના પરથી આપણી ઓળખ છતી થતી હોય છે.
જિંદગીમાં એ વાત પણ યાદ રાખવાની હોય છે કે, જેને જવું હોય એને જવા પણ દેવાના. કોઇને ધરાર પકડી રાખવાથી એ વ્યક્તિ આપણી થઇ જવાની નથી. આપણને એનાથી ગમે એટલો પ્રેમ હોય, પણ એને જ જો આપણા પ્રેમથી કોઇ ફેર પડતો ન હોય તો પછી સાથે રહેવાનો કે સંબંધ રાખવાનો કોઇ અર્થ સરવાનો નથી. કેટલાક સંબંધો અલ્પ આયુષ્ય લઇને જ આવ્યા હોય છે. સંબંધો તૂટે એવા સમયમાં પણ સ્વસ્થતા કેળવવી પડે છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેની સગાઇ થઇ હતી. સગાઇ પછી બંને મળતાં હતાં. બંને વચ્ચે આત્મીયતા પણ સર્જાઇ હતી. આ દરમિયાન છોકરીના પરિવારને ખબર પડી કે, છોકરાની ચાલચલગત સારી નથી. તેણે દીકરીને વાત કરી અને સગાઇ તોડી નાખવા સમજાવી. દીકરીને આ વાતથી આઘાત લાગ્યો. લાગણીનો તંતુ બંધાઇ ગયો હતો, પણ મા-બાપે જે વાત કરી એ પણ સાચી હતી. દીકરીએ હા પાડી. મા-બાપને થયું કે, આ વાતથી દીકરી ડિસ્ટર્બ થશે. મા-બાપ તેનું વધુ ધ્યાન રાખવા માંડ્યાં. આખરે દીકરીએ કહ્યું, પ્લીઝ મને થોડો સમય એકલી છોડી દો. હું મારી મેળે ઓકે થઇ જઇશ. તમે મારી વધુ ચિંતા ન કરો. મને આ પેઇનમાંથી પસાર થઇ જવા દો. જિંદગીમાં ક્યારેક એવાં પેઇન આવતાં જ હોય છે જેમાંથી પસાર થવા સિવાય બીજો કોઇ માર્ગ જ આપણી પાસે નથી હોતો. આ સંજોગોમાં પણ સ્વસ્થ થઇને એ સ્થિતિમાંથી બહાર નીકળી જવાનું હોય છે. સંબંધો તૂટે અને હાથ છૂટે ત્યારે આપણી કસોટી થતી હોય છે, આપણે જ તેમાં પાસ થવું પડતું હોય છે. જેટલી સ્વસ્થતા હશે એટલા જ વહેલા બહાર નીકળી શકાશે. તૂટી ગયેલા સંબંધ પાછળ રડતા રહેવું પણ શક્તિને વેડફવા જેવું જ હોય છે.
છેલ્લો સીન :
સારા વિચારો ન હોય એને સારાં સપનાં પણ આવતાં નથી. સરવાળે આપણે કોઇના માટે વિચારતા હોઇએ એવું જ આપણી સાથે થતું હોય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 નવેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
