ઈકો ફ્રેન્ડલી ડેટિંગ : સંબંધોને આપો ગ્રીન અને ગુલાબી ટચ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઈકો ફ્રેન્ડલી ડેટિંગ : સંબંધોને આપો

ગ્રીન અને ગુલાબી ટચ!


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણા દેશ સહિત આખી દુનિયામાં ધીમેધીમે ઇકો ફ્રેન્ડલી ડેટિંગનો ક્રેઝ વધી રહ્યો છે.

ડેટિંગનો આ પ્રકાર ખૂબ જ રસપ્રદ છે! દિલને બાગ બાગ કરવા યે ખયાલ અચ્છા હૈ!


પ્રાકૃતિક વાતાવરણમાં પ્રેમીને મળો અને પર્યાવરણનું રક્ષણ થાય એવી વસ્તુઓ જ ગિફ્ટમાં આપો.

નેચર લવર યંગસ્ટર્સ હવે ગ્રીન ડેટિંગને પસંદ કરવા લાગ્યા છે.


ગ્રીન ડેટિંગ માટે જુદી જુદી વેબસાઇટ્સ પણ શરૂ થઇ છે અને ઇકો ફ્રેન્ડલી ગિફ્ટસ પણ ધડાધડ વેચાઇ રહી છે.

ગુલાબને બદલે હવે આખું કૂંડું આપવામાં આવે છે!


———–

ડેટિંગનું નામ પડે એટલે લોકોના અને ખાસ કરીને યંગસ્ટર્સના કાન સરવા થઇ જાય છે. ડિજિટલ દુનિયામાં સારામાં સારીથી માંડીને ગંદામાં ગંદી ડેટિંગ એપનો રાફડો ફાટ્યો છે. નોર્મલ ડેટિંગથી માંડીને બ્લાઇન્ડ ડેટિંગ સુધીના જાતજાતના ડેટિંગ ઓપ્શન અવેલેબલ છે. હવે તેમાં એક નવો ડેટિંગ કન્સેપ્ટ ઉમેરાયો છે. એ છે ઇકો ફ્રેન્ડલી ડેટિંગ! આ પ્રકારની મીઠી મીઠી મુલાકાતોને ગ્રીન ડેટિંગ પણ કહેવામાં આવે છે. જે છોકરા-છોકરીઓ નેચર લવર છે એ બધાં ઇકો ફ્રેન્ડલી ડેટિંગ પાછળ ગાંડા થયાં છે! એ સાથે એ ચર્ચા પણ શરૂ થઈ છે કે, આખરે આ ઇકો ફ્રેન્ડલી ડેટિંગ છે શું?
સાવ સરળ શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકાય કે, કુદરતના ખોળે પ્રેમની પળો માણવાનો લહાવો એટલે ઇકો ફ્રેન્ડલી ડેટિંગ. મજાની વાત એ છે કે લોકો પણ હવે પોતાના પાર્ટનર કે દોસ્ત તરીકે એવી વ્યક્તિને પસંદ કરે છે જે પ્રકૃતિને પ્રેમ કરતી હોય. એક ડેટિંગ સાઇટ પર થયેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, જે લોકો પોતાની પ્રોફાઇલમાં નેચર લવર કે એન્વાયરમેન્ટલિસ્ટ લખે છે એના પ્રત્યે લોકો વધુ આકર્ષાય છે. ખુલ્લી હવામાં ફરવું, પહાડ કે દરિયાના સૌંદર્યને માણવું, માઉન્ટેનિયરિંગ કરવું કે કોઇ પણ પ્રકારના એડવેન્ચર કરવા અને સાથોસાથ પ્રેમ કરવો કે દોસ્તી વધારવી ! ગ્રીન ડેટિંગ વિશે સાયકોલૉજિસ્ટોનું એવું કહેવું છે કે, પ્રેમમાં મહત્ત્વની વાત એ પણ હોય છે કે, તમે ક્યાં મળો છો? બંનેની પસંદગી એક સરખી હોય તો સંબંધ સોળે કળાએ ખીલે છે. આ વિશેના એકબે કિસ્સા પણ જાણવા જેવા છે. એક છોકરો અને છોકરી પ્રેમમાં પડ્યાં. ફોન પર વાતો થતી હતી. આખરે બંનેએ મળવાનું નક્કી કર્યું. છોકરી પાર્ટી કલ્ચરમાં મોટી થઇ હતી. છોકરીએ ડિસ્કોથેક હોય એવી હાઇફાઇ હોટલમાં મળવાનું નક્કી કર્યું. છોકરો પણ પૈસાવાળો હતો. તેને ફાઇવ સ્ટાર હોટલનો ખર્ચ આસાનીથી પરવડતો હતો પણ તેને હોટેલ અને ડિસ્કોનું વાતાવરણ પસંદ નહોતું. એને તો ખુલ્લામાં કોઇ ગાર્ડન કે ગ્રીનરી હોય એવી જગ્યાએ જવાનું જ મન થતું. છોકરીને એ પસંદ નહોતું. બંનેનું બ્રેકઅપ થોડા જ સમયમાં થઇ ગયું. તેની સામે એક બીજો કિસ્સો પણ રસપ્રદ છે. એક છોકરો અને છોકરી દોસ્ત હતાં. છોકરાને ખબર પડી કે, તેની ફ્રેન્ડ રોજ સવારે ખુલ્લા વિસ્તારમાં સાઇક્લિંગ કરવા જાય છે. છોકરો પણ બીજા સ્થળે સાઇક્લિંગ કરવા જતો હતો. તેણે છોકરીને પૂછ્યું કે, હું તારી સાથે સાઇક્લિંગમાં આવું? છોકરીએ હા પાડી. બંને રોજ સવારે સાથે સાઇક્લિંગ કરવા જતાં હતાં અને તેમાંથી જ બંનેને એકબીજા સાથે પ્રેમ થયો.
ઇકો ફ્રેન્ડલી ડેટિંગ દરમિયાન એવી જ ગિફ્ટની આપ-લે થાય છે જે પર્યાવરણને જરાયે નુકસાન કરતી ન હોય. રિયુઝેબલ કોફી મગ, સસ્ટેનેબલ બેગ, ઇનડોર પ્લાન્ટ્સ, બાયોડિગ્રેડેબલ કપ્સ અને પ્લેટ્સ અને નેચરલ કલર્સથી ડિઝાઇન થયેલા ડ્રેસીસ પ્રકૃતિપ્રેમી કપલ્સમાં ફેવરિટ છે. પ્રકૃતિપ્રેમીઓ કહે છે કે, ફૂલ ન આપો, કૂંડું જ આપો, દરરોજ નવું ફૂલ મળશે! દુનિયાનો નિયમ છે કે, કંઈ પણ નવું બને એટલે તરત જ તેને રિલેટેડ ચીજ વસ્તુઓ માર્કેટમાં આવી જાય છે. ઇકો ફ્રેન્ડલી અથવા તો ગ્રીન ડેટિંગ માટેની વેબસાઇટ્સ અને એપ્લિકેશનો પણ આવી ગઇ છે અને તેને રિલેટેડ ચીજ વસ્તુઓની વેબસાઇટ્સ પણ ખૂલી ગઈ છે.
પ્રેમીઓની વાત નિરાળી હોય છે. પ્રેમીઓ શું કરે એનું કંઈ નક્કી હોતું નથી. ઇકો ફ્રેન્ડલી ડેટિંગથી પ્રેમમાં પડેલા એક કપલની આ વાત છે. એ બંનેએ એવું નક્કી કર્યું હતું કે, આપણે જેટલી વખત મળીશું એટલી વખતે એક ઝાડ વાવીશું. આપણા પ્રેમની યાદગીરી પણ રહેશે અને લીલોતરી પણ છવાશે. એ બંને જ્યાં મળતાં હતાં ત્યાં નાનકડા જંગલ જેવું ઊભું થઇ ગયું હતું. એક રીતે જોવા જાવ તો આ વાત વખાણવા જેવી છે. લોકો પર્યાવરણના રક્ષણની વાતો કરે છે પણ કરવું જોઇએ એવુ કંઈ કરતા નથી. પોલ્યુશન, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વાતો કરનારાઓના પણ બે પ્રકાર છે. અમુક લોકો એવા છે જે એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને પાવર પ્રેઝન્ટેશન બનાવીને પર્યાવરણની ચિંતા કરે છે. એને પણ પર્યાવરણનું પેટમાં તો બળે જ છે પણ એની રીત થોડીક જુદી છે. બીજા જે જેન્યુઇન પર્યાવરણપ્રેમીઓ છે એ જમીન પર અને પ્રકૃતિની વચ્ચે રહીને કામ કરે છે. યંગસ્ટર્સમાં પણ મોટો વર્ગ એવો છે જેને આવતી કાલના વાતાવરણની ચિંતા છે, એ લોકો ઇકો ફ્રેન્ડલી ડેટિંગમાં માને છે.
ગ્રીન ડેટિંગ વિશે મોટી ઉંમરના લોકો વળી થોડીક મજેદાર વાતો પણ કરે છે. તેઓ કહે છે, અગાઉના સમયમાં અમે તો ખુલ્લાં અને ખાસ તો કોઈ જોઈ ન જાય એવાં સ્થળોએ જ મળવાનું પસંદ કરતાં હતાં. હોટેલ કે બીજી જાહેર જગ્યાઓએ જઇએ તો પકડાઇ જવાનો ડર લાગતો! નદીને કાંઠે કે તળાવની પાળે મળવાની એક અલગ જ મજા હતી. ઇકો ફ્રેન્ડલી ડેટિંગને ઘણા તો વળી ગતકડાં પણ કહે છે. એક છોકરા-છોકરીએ ડેટિંગ સાઇટ પર લખ્યું હતું કે, ડેટિંગ એ ડેટિંગ છે, ડેટિંગમાં તમે ક્યાં મળો છો એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે, શા માટે મળો છો અને મળીને પછી શું વાત કરો છો? ખરું ડેટિંગ એ છે કે બંને એકબીજામાં એવાં ખોવાઈ જાય કે, ક્યાં છે એનું પણ ભાન ન રહે! સામા પક્ષે એવો મત ધરાવનારા લોકો પણ છે કે, ઇકો ફ્રેન્ડલી ડેટિંગમાં ખોટું શું છે? પ્રકૃતિની ગોદમાં જેટલો સમય વિતાવાય એટલું સારું જ છે. આમેય લોકો હવે પ્રકૃતિથી દૂર થતાં જાય છે. મોબાઇલે જિંદગીને ડિજિટલ કરી નાખી છે. અમુકે તો સામે સવાલ પૂછ્યા હતા કે, તમે છેલ્લે ક્યારે આકાશમાં તારાઓ જોયા હતા? ચંદ્ર પણ માણસ રાતે ઘરે જતા હોય ત્યારે કાર કે બાઇકની સફર દરમિયાન નજરે પડી જાય એટલે જુએ છે! આકાશના બદલાતાં રંગ અને વાદળો વચ્ચેથી પસાર થતાં કિરણો માણવાનું માણસ ભૂલી ગયો છે. લોકોનાં ઘર અને ઓફિસ એવાં પેક થઇ ગયાં છે કે બહાર વરસાદ પડીને બંધ થઇ ગયો હોય તો પણ ખબર ન પડે! આવા સંજોગોમાં ઇકો ફ્રેન્ડલી બનવામાં કંઈ પ્રોબ્લેમ ન હોવો જોઇએ.
ઇકો ફ્રેન્ડલી ડેટિંગ વિશે સાંભળીને એક પ્રેમીયુગલે જસ્ટ ફોર ફન બહાર ખુલ્લામાં મળવાનું નક્કી કર્યું હતું. એકબે અનુભવ પછી બંનેએ ડેટિંગ સાઇટ પર એવું લખ્યું કે, અમે લોકો હોટેલમાં મળતાં, ફિલ્મ જોવા જતાં, મૉલમાં ચક્કર મારતાં પણ આખરે અમે ઘરની નજીક આવેલી ટેકરી પર ગયાં ત્યારે અમને અલગ જ એક્સપીરિયન્સ થયો હતો. તમે નેચરની નજીક જાવ ત્યારે તમારામાં કંઈક ઉમેરાતું હોય છે. તમારી લાગણીઓ થોડીક વધુ ઋજુ થતી હોય છે. પંખીઓનો કલરવ અને હવાની ઠંડક અનોખો અહેસાસ કરાવે છે. છેલ્લે એક ભાઇએ એવું લખ્યું હતું કે, આ ડેટિંગપ્રેમીઓ માટે કે પતિ-પત્ની માટે જ નથી, દરેક માણસે પ્રકૃતિની નજીક રહેવું જોઇએ. એક વખત જશો એટલે પ્રકૃતિ તમને બીજી વખત પોતાના તરફ ખેંચવાની જ છે, આપણે બસ પ્રકૃતિને પ્રેમ કરતાં હોવા જોઇએ!
હા, એવું છે!
એક અભ્યાસ એવું કહે છે કે જે વ્યક્તિ પ્રકૃતિને પ્રેમ કરે છે એની સંવેદનાઓ બીજા લોકોના પ્રમાણમાં વધુ સક્રિય હોય છે. કુદરતની નજીક રહેતા જેને આવડે છે એ માણસની સાથે પણ સારી રીતે રહી શકે છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 22 જૂન, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *