વ્હાઇટ ટોર્ચર : સફેદ રંગ માત્ર શાંતિનો નથી હોતો! – દૂરબીન

વ્હાઇટ ટોર્ચર : સફેદ રંગ

માત્ર શાંતિનો નથી હોતો!

 67

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

 ગુનેગારો પાસેથી ગુનાની કબૂલાત કરાવવા માટે

તદ્દન જુદા જ પ્રકારનું

‘વ્હાઇટ ટોર્ચર’ કરવામાં આવે છે

એવી એક વાત હમણાં બહાર આવી.

આપણે કેટલું ‘વ્હાઇટ ટોર્ચર’ કરીએ છીએ?

 

વિધવાઓ માટે સફેદ કપડાંનો દુરાગ્રહ

એક પ્રકારનું ‘વ્હાઇટ ટોર્ચર’ નથી

તો બીજું શું છે?

 

બે ઘડી વિચાર કરો કે આપણી આસપાસ માત્ર ને માત્ર સફેદ રંગનું જ બધું હોય તો આપણી હાલત શું થાય? સફેદ જ શા માટે બીજા કોઇ માત્ર એક રંગનું જ બધું હોય તો આપણી માનસિક હાલત ડામાડોળ થઇ જાય. સફેદને આમ તો શાંતિનો રંગ કહે છે પણ શાંતિએ એક હદથી વધુ સહન નથી થતી. શાંતિમાં પણ એક સન્નાટો હોય છે. અશાંતિ પછીની શાંતિ હજુય ગમે પણ સતત શાંતિ સહન કરવી સહેલી નથી. કેન્વાસ સફેદ હોય છે, રંગ જ વિસ્તરીને એને પેઇન્ટિંગ બનાવે છે. કોઇ માણસ બધું જ સફેદ કલરનું એટલે કે સફેદ શર્ટ, સફેદ પેન્ટ, સફેદ બેલ્ટ, સફેદ મોજાં, સફેદ બૂટ, સફેદ ઘડિયાળ પહેરે તો કદાચ ખરાબ ન લાગે પણ વિચિત્ર તો લાગે, લાગે અને લાગે જ. આપણે ત્યાં સફેદ રંગ માત્ર શાંતિનો નથી, શોકનો પણ છે. કોઇના અવસાન વખતે કે બેસણામાં બીજા કોઇ રંગનો ડ્રેસ પહેરીને જઇએ તો ઓડ લાગે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં શોકનો કલર બ્લેક છે. આપણે ત્યાં કદાચ શોકમાં શાંતિ હોય તો સારું એ વિચારી વ્હાઇટની ટ્રેડિશન શરૂ થઇ હશે. જોકે તેના કારણે શાંતિનો આ રંગ શોક અને ઉદાસીનો રંગ બની ગયો છે.

 

તમને ખબર છે ગુનેગારો પાસે ગુનાની કબૂલાત કરાવવા માટે ‘વ્હાઇટ ટોર્ચર’ કરવામાં આવે છે? સફેદ રંગનો એવો સૂનકાર ખડો કરવામાં આવે છે કે માણસનું મન સુન્ન થઇ જાય! જે લોકોને આવા ટોર્ચરનો અનુભવ છે એ લોકોનું કહેવું છે કે ‘વ્હાઇટ ટોર્ચર’ કરતાં તો માર મારી લે એ વધુ સારું છે. બધું જ સફેદ તમારું મગજ ફેરવી દે છે. જો લાંબો સમય આ ટોર્ચરિંગ કરવામાં આવે તો માણસ લોકોને ઓળખવાનું પણ ભૂલી જાય છે. ઇરાનમાં આ પ્રકારનું ટોર્ચર કરાતું હતું. અગાઉ બ્રિટન, અમેરિકા અને વેનેઝુએલામાં પણ ટોર્ચર માટે ‘વ્હાઇટ ટોર્ચર રૂમ્સ’ બનાવાયા હતા.

 

કેવા હોય છે આ વ્હાઇટ ટોર્ચર રૂમ? એવો રૂમ જ્યાં તમને સફેદ સિવાય બીજા કોઇ રંગનું ટપકું કે કોઇ ડાઘો પણ જોવા ન મળે. ચારેય દીવાલો વ્હાઇટ, નીચે ટાઇલ્સ પણ વ્હાઇટ, ઉપરની છત વ્હાઇટ, દરવાજો પણ સફેદ, બહારનું અજવાળું ન આવે, અંદરનો પ્રકાશ પણ વ્હાઇટ ટ્યુબલાઇટનો, કેદીનાં કપડાં પણ સફેદ, પાણીનો પ્યાલો પણ વ્હાઇટ, પાણીનો જગ વ્હાઇટ, બધે બધું જ સફેદ. એ તો ઠીક છે પણ જમવાનું પણ સફેદ! વ્હાઇટ ડિશમાં સફેદ ભાત અને દૂધ સિવાય બીજું કંઇ જ નહીં. આ સ્થિતિની કલ્પના જ કંપારી થઇ આવે એવી છે, તો જેણે આ ટોર્ચર ભોગવ્યું હશે એનું શું થતું હશે?

 

ઇરાનમાં રાજાશાહી સામે લખનાર અમીર ફખરાવર નામના પત્રકારને આઠ મહિના સુધી આ વ્હાઇટ ટોર્ચર રૂમમાં પૂરી રખાયો હતો. અમીરને જ્યારે છોડવામાં આવ્યો ત્યારે એ પાગલ જેવો થઇ ગયો હતો. એ તેનાં મા-બાપને પણ ઓળખી શકતો ન હતો. નોર્મલ થવા માટે તેણે સાયક્યિાટ્રિસ્ટની મદદ લેવી પડી હતી. અમીર કહે છે કે, હજું હું સફેદ રંગ જોઇને થથરી જાઉં છું. મને માર મરાયો ન હતો. બીજું કંઇ જ કરાયું ન હતું. ફક્ત વ્હાઇટ ટોર્ચર રૂમમાં પૂરી દેવાયો હતો. પહેલા તો મને હતું કે કંઇ બહુ વાંધો નહીં આવે પણ જેમ જેમ સમય જતો ગયો એમ એમ ‘સફેદ રાક્ષસ’ મારી સામે મોટો ને મોટો થતો ગયો અને હું શારીરિક અને માનસિક રીતે ઘસાવવા લાગ્યો. આવા તો બીજા ઘણા લોકોને અનુભવો થયા છે. ઇઝરાયલના ફિલ્મ ડિરેક્ટર ગુડ હાડ ઇમિલીયો સેન્કરે તો આના ઉપરથી ‘વ્હાઇટ’ નામની ફિલ્મ બનાવી છે, જેને બાર ઇન્ટરનેશનલ એવોર્ડ્ઝ મળ્યા છે.

 

બાય ધ વે, આપણી સોસાયટીમાં પણ એક પ્રકારનું ‘વ્હાઇટ ટોર્ચર’ ચાલતું હોય એવું નથી લાગતું? જે મહિલા વિધવા થાય એને સફેદ સૂનકારના હવાલે કરી દેવાય છે. વ્હાઇટ કપડાં સિવાય કશું પહેરવાનું નહીં, કોઇ શણગાર કરવાનો નહીં એ બધું ટોર્ચર નથી તો બીજું શું છે? નો ડાઉટ, સમાજમાં અને ઘણી જ્ઞાતિઓમાં સુધારા આવ્યા છે. પતિના અવસાન પછી અમુક નાખી દીધા જેવી પરંપરાઓને ફોલો કરવાની જબરજસ્તી થતી નથી. એવા પરિવાર પણ છે જે સામે ચાલીને વિધવા થયેલી સ્ત્રીને કહે છે કે, તારે સફેદ પહેરવાની કંઇ જરૂર નથી. તારું મન થાય એ પહેરજે-ઓઢજે. જોકે એવું કોઇ કરે તો સમાજમાં એવું બોલવાવાળા પણ હોય છે કે આને તો કોઇ દુ:ખ છે જ નહીં! આમ છતાં અમુક એવા પરિવારો છે જે એવું બિન્ધાસ્ત કહે છે કે જેને જે બોલવું હોય એ બોલે, તું ચિંતા ન કરતી, તને ગમે એવું જ કરજે. ઘણા પરિવારોમાં તો ચૂડી-ચાંદલો પણ છોડાવતાં નથી. આવા વિચારો જે ધરાવે છે એ વંદનને પાત્ર છે. હવે તો ત્યાં સુધી સુધારો આવ્યો છે કે સંતાનો અથવા તો પરિવારજનો જ વિધવા થયેલી સ્ત્રી એની જિંદગી સારી રીતે જીવી શકે એ માટે ફરીથી લગ્ન કરાવે છે.

 

જોકે આવા સુધારાવાદીઓની ટકાવારી હજુ પણ બહુ ઓછી છે. હજુ ઘણા સમાજમાં અને અમુક જ્ઞાતિઓમાં વિધવાઓ પર આવું ‘વ્હાઇટ ટોર્ચર’ થઇ રહ્યું છે. સફેદની અંદર સળગતી જિંદગીઓને મુક્તિ મળે એ માટે પણ થોડીક મૂવમેન્ટ થાય તો કેવું? સફેદ રંગ શાંતિ આપે પણ જો એ ધરાર ઠોકી બેસાડાય તો એ એક પ્રકારનો ‘અત્યાચાર’ જ છે. આપણે જાણે-અજાણે આવો અપરાધિક અત્યાચાર કરવામાં નિમિત્ત બની ન જઇએ એટલી દરકાર રાખીએ તો એ પણ નાનીસૂની વાત નહીં હોય!

 

 

પેશ-એ-ખિદમત

અંજામ યે હુઆ હૈ દિલ-એ-બે-કરાર કા,

થમતા નહીં હૈ પાઁવ હમારે ગુબાર કા,

ઉસ કો ખિજાઁ કે આને કા ક્યા રંજ ક્યા કલક,

રોતે કટા હો જિસ કો જમાના બહાર કા.

– જગત મોહનલાલ ખાં

(ગુબાર-ધૂળની ડમરી / રંજ-દુ:ખ / કલક-અફસોસ)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 22 જાન્યુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

22-1-17_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *