હદ અને અનહદ વચ્ચેનો
ભેદ તને સમજાય છે ખરો?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જરૂર એક દિવસ પહોંચવાના છાતીમાં,
પડેલા પીઠ ઉપર કૈંક ડામ છે એને,
સદાયે પૂછે `કશું કામ હોય તો કહેજે’,
ને પાછી હોય ખબર કે શું કામ છે એને!
– ભાવેશ ભટ્ટ
જિંદગીના દરેક તબક્કે દરેક બાબતમાં બેલેન્સ જાળવવું પડે છે. કુદરતે પણ માણસની કેટલીક મર્યાદાઓ બાંધી રાખી છે. માણસ સતત ખાઇ ન શકે કે સતત ભૂખ્યો પણ ન રહી શકે. માણસ સતત સૂઇ પણ ન શકે અને હંમેશાં માટે જાગતો પણ ન રહી શકે. ઊંઘ પૂરી થાય પછી તમે પડ્યા રહી શકો, પણ ઊંઘી ન શકો. કામની પણ એક મર્યાદા હોય છે. કામ ગમે એટલું ગમતું હોય તો પણ આપણે એ કામ સતત ન કરી શકીએ. કામની જેમ જ આરામની પણ એક મર્યાદા રાખવી પડે છે. તમે માર્ક કરજો, થોડાક દિવસ ફરવા જઇએ એ પછી એમ થાય છે કે, હવે કામે ચડીએ. ફરવા જવાનું પ્લાનિંગ કરતી વખતે જો વધુ દિવસો હશે તો આપણે જ કહીશું કે, આટલા બધા દિવસો ત્યાં કરીશું શું? આપણે બધા રૂટિન કામથી ક્યારેક કંટાળીએ છીએ અને એવું ઇચ્છીએ છીએ કે, હવે બ્રેક મળે તો સારું. બ્રેક લઇને પાછા રૂટિનમાં આવી જઇએ છીએ. તમને ખબર છે, માણસની જિંદગી આમ તો રૂટિનમાં જ જીવે છે. આપણે રોજ કરતા હોઇએ એ જ કામ કરવાનું હોય છે. કામની વચ્ચે આપણે બ્રેક લઇને રૂટિન તોડીએ છીએ, જેથી આપણને ચેન્જ ફીલ થાય. ચેન્જ પણ સતત ન જ ગમે. ફરી ફરીને કેટલું ફરો? પાર્ટી કરી કરીને કેટલી કરો? ગપ્પાં મારી મારીને કેટલાં મારો? એક તબક્કે આપણને જ એમ થાય છે કે, યાર હવે બહુ થયું. કામે ચડો. આપણું કામ જ આપણી ઓળખ બને છે, આપણો આરામ નહીં!
માણસને હદ અને અનહદનું ભાન હોવું જોઇએ. જેને મર્યાદાની ખબર નથી હોતી એ રસ્તો ભટકી જાય છે. એક યુવાન હતો. તે હંમેશાં બિઝી રહે. કામમાંથી ફુરસદ જ ન મળે. તેના પિતાએ તેને એક વખત કહ્યું કે, કામ કરવું એ સારી વાત છે, પણ માત્ર કામ જ જિંદગી નથી. કામ સાથે આરામ પણ જરૂરી છે. એ છોકરો કોઇ વાત સમજતો નહોતો. આખરે પિતા તેને એક સાધુ પાસે લઇ ગયા. સાધુને બધી વાત કરી. સાધુએ કહ્યું, હું સાધુ છું, મારું કામ સાધના અને પ્રાર્થના કરવાનું છે. હું શાંતિ માટે સાધના કરું છું અને સાધના કર્યા બાદ શાંતિ ફીલ પણ કરું છું. હું ચોવીસ કલાક સાધના ન કરી શકું. સાધનાને ફીલ કરવા માટે પણ મારે સાધનાને થોડી વાર છોડવી પડે. આપણે જે કંઇ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ એનું આપણને ભાન હોવું જોઇએ.
સતત કંઇ સારું નથી. માણસ સતત પ્રેમ પણ કરી ન શકે. એક પતિ-પત્ની હતાં. પતિ પત્નીનાં હંમેશાં વખાણ કરતો રહેતો. પત્નીને પણ પતિ પોતાનાં વખાણ કરે એ ગમતું હતું. એક તબક્કો એવો આવ્યો જ્યારે પત્ની સતત વખાણથી પણ કંટાળી ગઇ. તેણે પતિને કહ્યું, દરેકેદરેક વાતમાં વખાણ કરવાં જરૂરી નથી. કેટલુંક રોજિંદું હોય છે. તું એક વખત કહી દે કે, આ સારું છે એટલે એમાં આવી ગયું. ક્યારેક તો મને એવું લાગે છે કે, મને સારું લગાડવા તું મારાં વખાણ કરતો રહે છે. ક્યારેક મને પોતાને જ એવું થાય છે કે, તું મારાં ખોટાં વખાણ કરે છે. એટલાં વખાણ પણ ન કર કે વખાણ પરથી જ વિશ્વાસ ઊઠી જાય. આપણે ઘણી વખત વડીલોના મોઢે એવું સાંભળીએ છીએ કે, જે શોભતું હોય એ શોભે, સાવ પછી હાલી ન નીકળાય. એનો મતલબ જ એ છે કે, મર્યાદામાં રહો. જે કરવું પડે એ ચોક્કસ કરો, પણ એની લિમિટ આપણને ખબર હોવી જોઇએ.
એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ બધાને કંઇક ને કંઇક આપતી જ રહે. કોઇ કહે કે આ સરસ છે, તો તરત જ કહેશે કે, તું લઇ જા. કોઇ કહે કે, મને આ ગમે છે તો એ વસ્તુ તરત જ તેને આપી દેશે. ધીમે ધીમે થયું એવું કે, તેની નજીકના લોકો જ તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગ્યા. આખરે છોકરીના એક સ્વજને તેને કહ્યું કે, તું આપવામાં મર્યાદા રાખ. ઉદાર હોવું અને ઉડાઉ હોવું એમાં બહુ મોટો ફર્ક છે. આપણી પાસે હોય એટલે આપી દેવું એ વાત વાજબી નથી. જેને આપીએ છીએ એને એની જરૂર છે એ વાતથી માંડીને એ પણ વિચારવું પડે કે એ એને લાયક છે કે નહીં? બીજો એક કિસ્સો પણ સમજવા જેવો છે. એક છોકરો હતો. ખૂબ જ સારો માણસ. બધાનાં કામ કરી આપે. દરેકની પાછળ ઘસાય. ધીમે ધીમે તેની નજીકના લોકો તેનો ગેરફાયદો ઉઠાવવા લાગ્યા. એક સમયે તેના મિત્રએ કહ્યું, તું સારો છે એ સારી વાત છે, પણ એટલો પણ સારો ન થા કે લોકો તારો ઉપયોગ કરી જાય. સારા સાથે સારા થવામાં કશું ખોટું નથી, પણ ખરાબ સાથે સારા થવું એ મૂર્ખામી છે. કોની નજીક જવું અને કોનાથી ડિસ્ટન્સ રાખવું એની સમજ પણ જિંદગીમાં બહુ જરૂરી છે.
માત્ર દોસ્તી જ નહીં, દુશ્મનીમાં પણ એક મર્યાદા નક્કી કરવી પડતી હોય છે. ગમે એવો વાંધો હોય આપણે આપણી મર્યાદા ન ચૂકવી જોઇએ. એક યુવાનની આ વાત છે. તેના મિત્ર સાથે તેને વાંધો પડ્યો. એ યુવાને કહ્યું કે, હું તેની હાલત બગાડી નાખવાનો છું. એ યુવાન તેના જૂના મિત્રની રીતસરની પાછળ પડી ગયો. એને હેરાન કરવા માટે ન કરવું જોઇએ એ પણ કરવા લાગ્યો. આખરે તેના એક મિત્રએ કહ્યું કે, આ તું શું કરે છે? હદ અને અનહદનું તને ભાન હોવું જોઇએ. તું જે કરી રહ્યો છે એ વાજબી નથી. ક્યારેક કોઇને પાઠ ભણાવવાનું મન થાય કે પરચો બતાડવાનું મન થાય એવું બનવા જોગ છે, પણ એનીયે મર્યાદા હોવી જોઇએ. એક બીજી ઘટના પણ મમળાવવા જેવી છે. એક છોકરી હતી. તેની ફ્રેન્ડ સાથે તેને વાંધો પડ્યો. જેની સાથે વાંધો પડ્યો એ છોકરીને એક છોકરા સાથે પ્રેમસંબંધ હતો. જેને વાંધો હતો એ છોકરીને તેની બીજી એક ફ્રેન્ડે કહ્યું કે, તું સોશિયલ મીડિયા પર ખોટા નામે એના અફેર વિશે લખીને એને બદનામ કર. એને પાઠ ભણાવવો જ જોઇએ. આ વાત સાંભળીને એ છોકરીએ કહ્યું, ના મારાથી એવું ન થાય. હું કોઇની પર્સનલ લાઇફને લઇને કંઇ ન કરું. મને એની પડી છે કે, મને શું શોભે અને શું ન શોભે. બીજી વાત એ પણ છે કે, અમારા વચ્ચે જ્યારે સારા સંબંધો હતા ત્યારે તેણે મારા પર વિશ્વાસ મૂકીને મને ઘણી વાતો કરી હતી. એને હું જાહેરમાં ઉછાળી ન શકું. હું એટલી હલકી નથી કે કંઇ પણ કરું.
દરેક માણસનો પોતાનો ગ્રેસ હોય છે. આપણો ગ્રેસ આપણે મેઇન્ટેઇન કરવો પડે છે. કેટલાક લોકોની ઇમેજ જ એવી હોય છે કે, એ અમુક પ્રકારનું વર્તન ન જ કરે. કોઇ વાત કરે તો પણ આપણે એવું કહીએ છીએ કે, હું એને સારી રીતે ઓળખું છું, એ એવું ન જ કરે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણી ઇમેજ આપણા સર્કલમાં કેવી છે? ઘણા લોકો કંઇક કરતા પહેલાં એવું કહેતા હોય છે કે, જેને જેવું લાગવું હોય એવું લાગે, મને કોઇ ફેર પડતો નથી. માણસ ભલે એવું કહેતો હોય, પણ એ જે કરે એનાથી બીજાને ચોક્કસ ફેર પડતો હોય છે. લોકો ભરોસો મૂકતા પહેલાં સો વાર વિચાર કરે છે. સંબંધ પણ લોકો સમજી-વિચારીને જ રાખે છે. સાચા લોકો સાથે દરેકને સંબંધ રાખવા હોય છે. સંબંધ ન હોય તો પણ આપણને અમુક લોકો પ્રત્યે આદર હોય છે. એની વાત, એનું વર્તન આપણને પ્રભાવિત કરતું હોય છે. આપણે આપણા વિશે જ એ વિચારતું રહેવું પડે છે કે, મારા માટે કોઇને આદર છે ખરો? આપણું માન ન જળવાતું હોય એવા સંજોગોમાં ઘણી વખત આપણે જ જવાબદાર હોઇએ છીએ. આપણું સ્થાન કેવું રાખવું એ આપણે નક્કી કરવું પડતું હોય છે. કામો પણ એવાં જ કરવાં પડે છે જેથી લોકો આપણને માનની નજરે જુએ. કોઇ એમ કહે કે, એ સારો માણસ છે કે એ સારી વ્યક્તિ છે તો એ પૂરતું છે. દરેક વ્યક્તિ મહાન ન બની શકે, પણ દરેક વ્યક્તિ સારી તો ચોક્કસ બની જ શકે છે.
છેલ્લો સીન :
સંબંધોની પણ એક ડેડલાઇન હોય છે. દરેક માણસ એક તબક્કે નક્કી કરી લે છે કે, હવે ભલે છેડો ફાટી જાય. પ્રયાસોનો અંત આવે એ સાથે સંબંધનો પણ ધ એન્ડ આવી જતો હોય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 નવેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
