બ્રેકઅપથી કોને વધુ વેદના
થાય છે, છોકરાને કે છોકરીને?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આજના યંગસ્ટર્સ માટે સૌથી મોટી ચેલેન્જ ‘રિલેશનશિપ’
છે. કોઇ સાથે મન મળી જાય છે. થોડો સમય
બધું રંગીન લાગે છે. જ્યારે રિયાલિટીનું ભાન થાય છે
ત્યારે પોતાની જાતને સાચવવી અઘરી લાગે છે
બ્રેકઅપ થાય ત્યારે છોકરીને વધુ પીડા થાય છે, પણ
એ ઝડપથી બહાર આવી જાય છે. છોકરો ઘડીકમાં બહાર આવી
શકતો નથી. બંનેની પીડાના પ્રકાર જુદા જુદા હોય છે!
‘યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લિજે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’. મશહૂર શાયર જિગર મુરાદાબાદીનો આ શેર બહુ ફેમસ છે. આ જ ગઝલનો બીજો એક શેર એવો છે, ‘હમ ઇશ્ક કે મારોં કા ઇતના હી ફસાના હૈ, રોને કો નહીં કોઇ હસને કો જમાના હૈ’. પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ કરાતો નથી, પ્રેમ તો થઇ જાય છે. કોઇ વ્યક્તિ કોઇ ચોક્કસ કારણ વગર ગમવા લાગે છે. પ્રેમમાં કોઇ લોજિક હોતું નથી. કોઇપણ પ્રેમી કે પ્રેમિકાને પૂછો કે, તને એનામાં શું ગમે છે? તો એનો જવાબ કદાચ એવો જ હશે કે, બસ ગમે છે. પ્રેમીમાં સો પ્રોબ્લેમ હશે તો પણ એ એને સારો કે સારી જ લાગે છે. પ્રેમમાં માણસ આંધળો થઇ જાય છે, એવું પણ કહેવાતું રહ્યું છે. આ વાત સાવ સાચી છે. સાયન્ટિફિકલી પુરવાર થયું છે કે, માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તેને પોતાની વ્યક્તિમાં કોઇ ખામી દેખાતી નથી. પ્રેમી કે પ્રેમિકા કંઇક નાનકડું વર્તન કરશે તો પણ એ ભવ્ય લાગશે. માત્ર એક ફૂલ કે એક ચોકલેટ એવડી મોટી વાત લાગશે કે જાણે એણે મારા માટે શુંનું શું કરી નાખ્યું. પ્રેમની એ જ તો મજા છે.
પ્રેમમાં હોઇએ ત્યારે માણસ અને સ્વર્ગને હાથ વેંતનું જ છેટું હોય છે. માણસ એક અનોખા નશામાં હોય છે. આજના સમયની તકલીફ એ નથી કે પ્રેમ થતો નથી, મોટો પ્રોબ્લેમ એ છે કે, પ્રેમ ટકતો નથી. થોડાક સમયમાં પ્રેમનું તળિયું દેખાવા માંડે છે. મજાકમાં એવું પણ કહેવાય છે કે, હવે પ્રેમ ઓછો થાય છે અને બ્રેકઅપ વધુ થાય છે. રિલેશનશિપ જેટલી લાંબી હોય એટલું બ્રેકઅપ અઘરું સાબિત થાય છે. બ્રેકઅપ બહુ બૂરી બલા છે. છોકરો કે છોકરી શૂન્યમનસ્ક થઇ જાય છે. ક્યાંય ગમતું નથી, કંઇ ભાવતું નથી, ક્યાંય જીવ લાગતો નથી. જાણે બધું જ ખતમ થઇ ગયું હોય એવો અહેસાસ થાય છે. એક એવો માનસિક ધક્કો લાગે છે, જે માણસને ઊંડી ગર્તામાં ધકેલી દે છે. એમાંથી બહાર નીકળી શકાય છે, પણ બહુ તકલીફ પડે છે.
વેલ, હવે એક મહત્ત્વનો સવાલ. બ્રેકઅપ થાય એ પછી કોને વધુ પેઇન થાય છોકરાને કે છોકરીને? બિંગહમ્પટન યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા આ વિશે એક રસપ્રદ રિસર્ચ કરવામાં આવ્યું હતું. 96 દેશોના 5705 યંગસ્ટર્સ સાથે વાત કરીને પેઇનનું પ્રમાણ જાણવાનો પ્રયાસ થયો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, છોકરાની સરખામણીમાં છોકરીઓને બ્રેકઅપથી વધુ માનસિક અને શારીરિક અસર થાય છે. છોકરીઓને મોટો આંચકો અને આઘાત લાગે છે. ઇમોશનલી સ્કેટર્ડ થઇ જાય છે. એટલું જ નહીં, શારીરિક રીતે પણ નબળી પડે છે. છોકરાઓ એટલા ડિસ્ટર્બ થતા નથી. એનો અર્થ જરા પણ એવો નથી કે છોકરાઓ જડ હોય છે. એનું ઇમોશનલ લેવલ જુદું હોય છે.
ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે, બ્રેકઅપ થાય છે ત્યારે છોકરીઓને જોરદાર આંચકો લાગે છે, પણ પછી એ ઝડપથી એમાંથી બહાર આવી જાય છે. છોકરાઓને બ્રેકઅપ પછી તરત જ આઘાત ઓછો લાગે છે, પણ બ્રેકઅપના પેઇનમાંથી બહાર આવતા તેને લાંબો સમય લાગે છે. ઘણા કિસ્સાઓમાં તો આખી જિંદગી પોતાની પ્રેમિકાને ભૂલી શકતા નથી.
છોકરીઓ રડી લે છે. ફ્રેન્ડ્સને વાત કરીને હળવી થઇ જાય છે. જેન્ટ્સ એવું કરી શકતા નથી. એ મનમાં અને મનમાં પીડાતા રહે છે. બ્રેકઅપ થાય એટલે પેઇન તો થવાનું જ છે. કોઇ વ્યક્તિ દિલની નજીક આવી જાય પછી એ ફટ દઇને દૂર થઇ જતી નથી. મનોચિકિત્સકો આ વિશે એવી વાત કરે છે કે, તમે કોઇને પ્રેમ કરો એ પહેલાં તેને બરાબર જાણો. પ્રેમમાં ઉતાવળા ન થાવ. સાથોસાથ એવું પણ બનવા જોગ છે કે, પૂરતો સમય લઇને પ્રેમ કર્યો હોય તો પણ બ્રેકઅપ થઇ શકે છે. ઘણી વખત સચ્ચાઇ મોડી સમજાતી હોય છે. માણસ ઓળખાઇ જાય એ પછી તેની સાથે પેઇનફુલી કનેક્ટેડ રહેવા કરતાં દૂર થઇ જવું સારું. પ્રેમમાં માણસ પહેલા પહેલા સારો બનતો હોય છે, આ વાત છોકરા અને છોકરી બંનેને લાગુ પડે છે. ધીમે ધીમે સમજાય છે કે, આ વ્યક્તિ હું વિચારતી હતી એવી કે એવો નથી. એ પછી બ્રેકઅપની નોબત આવે છે.
એક સાઇકિયાટ્રિસ્ટે કહેલી આ વાત છે. યંગસ્ટર્સ સૌથી વધુ એ પૂછે છે કે, બ્રેકઅપમાંથી બહાર કેવી રીતે આવવું? એના માટે બેસ્ટ રસ્તો એ છે કે, તમારા વિચારોને ડાઇવર્ટ કરો. જો બ્રેકઅપના જ વિચાર કરશો તો એમાંથી બહાર નીકળવું અઘરું પડશે. કોનો વાંક હતો? કોણે શું કર્યું? એ વિચારવાનું પણ છોડી દો. બતાડી દેવાનું કે સામેની વ્યક્તિનો જીવ બળે એવું કરવાનું તો બિલકુલ વિચાર ન કરતા, કારણ કે એવું કરવા જશો તો પણ તમે એનાથી છુટકારો તો નહીં જ મેળવી શકો. એક વ્યક્તિના જવાથી જિંદગી અટકી જતી નથી. આપણી જિંદગીમાં જે લોકો આવે છે એ આપણને મળે જ, આપણે ઇચ્છતા અને વિચારતા હોઇએ એવી જ હોય એ પણ શક્ય નથી. માણસે પોતાના માટે પણ થોડુંક સ્વાર્થી થવું પડતું હોય છે. સ્પીડીલી મૂવ ઓન થઇ જવું જોઇએ, કારણ કે આગળ વધીએ તો જ જિંદગીમાં કંઇક નવું બને. જે નવું બને એ બનવા જોગ છે કે વધુ સારું હોય. પેઇન થાય છે? રડવું હોય એટલું રડી લો, પછી એને હસી કાઢો. જિંદગીને કહો કે, તું સુંદર છે. લાઇફ ઇઝ બ્યૂટીફૂલ.
પેશ-એ-ખિદમત
સર ઝુકાઓગે તો પત્થર દેવતા હો જાએગા,
ઇતના મત ચાહો ઉસે વો બેવફા હો જાએગા,
કિતની સચ્ચાઇ સે મુજસે જિંદગી ને કહ દિયા,
તૂ નહીં મેરા તો કોઇ દૂસરા હો જાએગા.
– બશીર બદ્ર
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 11 ઓગસ્ટ 2019, રવિવાર)