તું ન હોત તો
મારું શું થાત?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શક્ય હો તો, કર કદી આવી કમાલ,
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ,
આમ તો દરવાજા ઊઘડશે નહીં,
તારે શાયદ તોડવી પડશે દીવાલ.
-દીપક બારડોલીકર
માણસ પાસે બધું જ હોય, પણ જો જીવવાની મજા આવે એવી વ્યક્તિ ન હોય તો જિંદગીનો કોઇ મતલબ રહેતો નથી. માણસને કોઇ એવું જોઇતું હોય છે, જેને એ પોતાનું કહી શકે. આ મારી વ્યક્તિ છે. આ મારો મુકામ છે. આ મારી મંજિલ છે અને આ જ મારું સર્વસ્વ છે. દરેકની લાઇફમાં કોઇક એવું હોય છે, જે એની જિંદગીનો સેન્ટર પોઇન્ટ હોય છે. આપણું અસ્તિત્ત્વ એના ફરતે ઘૂમતું હોય છે. આપણે દરેકેદરેક વાત એની સાથે શેર કરીએ છીએ. એને મજા આવે, એને ગમે, એને ખુશી થાય એ માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇએ છીએ. આખી દુનિયામાં આટલા બધા માણસો છે, તેમાંથી આપણને એક જ વ્યક્તિ એવી કેમ લાગે છે કે, એના વગર કંઇ છે જ નહીં? એ ન હોય તો બધું જ ખાલી લાગે છે. ઘરની વ્યક્તિ બહાર જાય ત્યારે એ એકલી નથી જતી, આખું ઘર લઇને જતી હોય છે. તું ન હોય તો આખું ઘર કરડવા દોડે છે. ઘર નાનું હોય કે મોટું, સાદું હોય કે ભવ્ય, એ આખરે તો માણસોથી બનતું હોય છે. હૂંફ વર્તાય અને હાશ થાય એ જ સાચું ઘર. ઘરમાં એવું ત્યારે જ થાય જ્યારે ઘરમાં જીવતા લોકો ધબકતા હોય! એકબીજાની પરવા હોય, ચિંતા હોય અને સૌથી વધુ તો પ્રેમ હોય. જ્યાં પ્રેમ નથી ત્યાં સન્નાટો જ હોય છે!
તમારી જિંદગીમાં એવું કોણ છે જે તમને જીવ જેવું વહાલું છે? હવે જરાક વિચાર કરો, એ ન હોય તો શું થાય? એ છે એની આપણને કેટલી કદર છે? ઘણી વખત આપણે એવું માની લેતા હોઇએ છીએ કે, એ તો છે જ ને? આપણને પ્રેમ હોય જ છે, પણ આપણે ઘણી વખત આપણી વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. એક સાવ સાચો કિસ્સો છે. એક કપલે લવમેરેજ કર્યા હતા. બંને બહુ સરસ રીતે રહેતાં હતાં. સમય જતાં એક બાળકનો જન્મ થયો. ધીમે ધીમે પત્ની સંતાન અને ઘરના કામમાં અને પતિ બિઝનેસમાં બિઝી થઇ ગયો. ત્રણેય જીવતાં હતાં સરસ રીતે, પણ જિંદગી રૂટિન થઇ ગઇ હતી. વારેતહેવારે ફરવા જઇ આવે, મજા પણ કરે, એકબીજાનું ધ્યાન રાખે, બાકી બધું જેમ ચાલતું હોય એમ જ ચાલે. એક દિવસ પત્ની કાર લઇને બહાર ગઇ ત્યારે તેને અકસ્માત નડ્યો. પત્નીનું મોત થયું. પતિને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તે પાગલ જેવો થઇ ગયો. તેનાથી સહન થતું નહોતું. પતિએ કહ્યું કે, હું તો એમ જ માનતો હતો કે એ આખી જિંદગી મારી સાથે જ છે. આ રીતે ચાલી જશે એની તો મને કલ્પના જ નહોતી. આપણી જિંદગીમાં પણ એવું થવાની પૂરી શક્યતાઓ હોય છે, જેની આપણને કલ્પના પણ ન હોય. કલ્પના ન હોય એવી ઘટના જ્યારે વાસ્તવિકતા બની જાય ત્યારે જીવવું અને જીરવવું અઘરું પડી જતું હોય છે. જે આપણા માટે જીવતું હોય એના માટે અને એની સાથે સતત જીવતા રહેવું એ જ જિંદગીનો ખરો અર્થ હોય છે. માણસનો પ્રોબ્લેમ એ હોય છે કે, મોટાભાગે એને ત્યારે સમજાતું હોય છે જ્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. અફસોસ કરવા સિવાય પછી બીજો કોઇ રસ્તો હોતો નથી.
ક્યારેય કોઇ વાતનો અફસોસ ન થાય એ રીતે જિંદગી જીવવી એ બહુ મોટી કળા છે. પચાસેક વર્ષના એક ભાઇ હતા. સદાયે મસ્ત રહે. તેના મિત્રએ તેને એક વખત પૂછ્યું, તું આવી રીતે કેમ રહી શકે છે? તેણે કહ્યું કે, હું એ જ રીતે જીવું છું કે આ જ ક્ષણે કંઇ પણ થાય તો પણ મને કોઇ અફસોસ ન રહે. આપણે બહુ બધું મુલતવી રાખતા હોઈએ છીએ. હું કંઇ પેન્ડિંગ રાખતો જ નથી. મારી વ્યક્તિ સાથે ભરપૂર જીવું છું. રોજ રાતે એ જ વિચારું છું કે, આજે હું પૂરેપૂરો જીવ્યો છું ખરો? મારી વ્યક્તિની મેં પૂરી કેર કરી છે કે નહીં? મારી વ્યક્તિ ક્યારેક ન ગમે એવું કરે તો પણ હું માઠું લગાડતો નથી. સંબંધમાં સાચી વસ્તુ એ જ છે કે, દિલ દુભાવનારાને ખબર પડે કે મારાથી ખોટું થયું છે! આપણે કંઇ કહેવું જ ન પડે. પ્રેમ એટલો કરવાનો કે, આપણી વ્યક્તિને જ એવું લાગે કે મારી ભૂલ થઇ. આપણે કોઇને કહીએ કે, આ તારી ભૂલ છે તો એ કોઇ દિવસ નહીં સ્વીકારે કે એનાથી ભૂલ થઇ છે. માણસ તો જ પોતાની ભૂલ સ્વીકારશે જો તેને અહેસાસ થશે. પ્રેમ સિવાય આવો અહેસાસ બીજું કોઇ કરાવી ન શકે.
જે આપણને પ્રેમ કરતા હોય એની સાથે છેતરપિંડી, ચાલાકી, બેવફાઇ કે બદમાશી કરવા જેવું ખરાબ કૃત્ય બીજું કશું નથી. આપણને વફાદાર હોય એવી વ્યક્તિ માટે આપણી વફાદારી પણ એવી જ રહેવી જોઇએ. પ્રેમ કરે એવી વ્યક્તિ મળવી એ સારા નસીબની વાત છે. તમે તમારી વ્યક્તિને ક્યારેય કહ્યું છે કે, તું છે તો બધું જ છે! તું ન હોત તો મારું શું થાત? ઘણી વખત આવું બધું કોઇ ઠોકર પછી સમજાતું હોય છે. એક યુવાનની આ વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. પત્ની ખૂબ જ સારી હતી. જોકે, પતિ પત્નીને ખબર ન પડે એ રીતે બીજી છોકરીઓ સાથે સંબંધ રાખતો હતો. પત્ની ક્યારેય પતિ પર શંકા ન કરે એટલે પતિને પકડાઇ જવાનો ડર પણ લાગતો નહોતો. પત્ની એટલી સારી હતી કે, પતિ કહે એ બધી જ વાત સાચી માની લે. પતિ પાસે અઢળક સંપત્તિ હતી. મોજમજા કરવા માટે જ છોકરીઓ તેની સાથે સંબંધ રાખતી. એક વખત એવું થયું કે, એ યુવાનની કારનો એક્સિડન્ટ થયો. એ કોમામાં સરી ગયો. પત્નીએ એટલું બધું ધ્યાન રાખ્યું કે, એક દિવસે એ યુવાન ભાનમાં આવ્યો. એ પછી પણ બેઠો થયો ત્યાં સુધી પત્નીએ કેર કરી. એની જિંદગીનો ઉદ્દેશ જ એ થઇ ગયો હતો કે, મારે મારા હસબન્ડને બેઠો કરવો છે! યુવાનની સાથે જે છોકરીઓને સંબંધ હતા એ બધીને એમ થયું કે, હવે આ બચવાનો નથી. કોઇએ તેની ખબર પૂછવાની પણ પરવા ન કરી. એક વખત ડોક્ટરે કહ્યું કે, તમે ભાનમાં આવ્યા છો એની પાછળ તમારી પત્નીની કાળજી કારણભૂત છે. પતિ બોલી ન શક્યો, પણ મનોમન તેણે કહ્યું કે, સાચો ભાનમાં તો હું હવે આવ્યો છું! આપણે ઘણી વખત જાગતી અવસ્થામાં પણ ભાન ભૂલતા હોઇએ છીએ. ન કરવાનું કરી બેસતા હોઇએ છીએ. એ યુવાને એક વખત પત્નીને પાસે બેસાડીને કહ્યું, તું ન હોત તો મારું શું થાત? પત્નીએ હાથ પકડીને હળવાશથી કહ્યું, હું છું ને! કંઇ ચિંતા ન કર. પતિને માત્ર એટલો વિચાર આવી ગયો કે, એ તો છે, એ તો હતી જ, હું હતો ખરો? જિંદગીમાં કેટલીક વ્યક્તિ એવી હોય છે જે આપણા માટે જીવતી હોય છે. જેના વિચારો અને જેની પ્રાર્થનાઓમાં આપણે જ હોઇએ છીએ. એ પણ આપણા વિચારો, આપણી પ્રાર્થનાઓ અને આપણી સંવેદનાઓમાં રહેવા જોઇએ. દુનિયામાં કેટલાયે એવા લોકો છે, જેની પાસે સંપત્તિની કોઇ કમી નથી, એ લોકો પણ સાંજ પડ્યે કોઇની સાથે વાત કરવા માટે ફાંફાં મારતા હોય છે. સાથે બેસીને વાત કરે એવી વ્યક્તિ તમારી પાસે છે? કોઇ તમારી રાહ જુએ છે? કોઇને એ વાતની પરવા છે કે, તમે જમ્યા છો કે નહીં? કોઇ એવું પૂછવાવાળું છે કે, તું ઓકે છે ને? જો એવું કોઇ હોય તો તમે નસીબદાર છો. એ વ્યક્તિને સાચવી રાખજો, કારણ કે આખી દુનિયામાં કોઇ સાથે નહીં હોય તો પણ એ તો સાથે જ હશે. કોઇ આપણા માટે કીમતી હોય છે તેમ આપણે પણ કોઇના માટે અમૂલ્ય હોઇએ છીએ. આપણે પણ કોઇના પ્રેમમાં ખરા ઉતરવાનું હોય છે. પ્રેમ, લાગણી, સ્નેહ અને સંબંધનું એક સત્ય એ છે કે, છેલ્લે તો જેવું એને જેટલું આપશો એટલું જ મળવાનું છે!
છેલ્લો સીન :
સંબંધનો સૌથી મોટો આધાર માણસની માણસ પરની શ્રદ્ધા છે. શ્રદ્ધા ખૂટે ત્યારે શંકાની શરૂઆત થાય છે. શંકા સંબંધનું સત્ત્વ હણી નાખે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 માર્ચ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
