ભૂલ, આઘાત અને ભૂતકાળમાંથી
બહાર ન નીકળ્યા તો ગયા સમજો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જિંદગીમાં કંઇક તો એવું બનવાનું જ છે જે પીડા, વેદના અને
આઘાત આપે. અમુક ઘટનાઓ અઘરી જ હોય છે.
માનસિક સ્વસ્થ રહેવું હોય તો એ બધામાંથી પસાર થઇને
મૂવ ઓન થઇ જવું પડે છે.
———–
જાપાનમાં એક સરસ મજાની વાત કહેવામાં આવે છે. તમે જો ભૂલથી કોઇ ખોટી ટ્રેનમાં ચડી ગયા હોવ તો પહેલું સ્ટેશન આવે ત્યાં તમારે ઊતરી જવું જોઇએ. તમે જેટલા મોડા ઊતરશો, પાછું ફરવું એટલું જ અઘરું પડશે. આ હકીકત માત્ર ટ્રેનને જ લાગુ નથી પડતી, જિંદગીને પણ એટલી જ લાગુ પડે છે. આપણે ઘણી વખત વીતી ગયેલી કોઇ ઘટનામાંથી બહાર જ નથી નીકળતા અને ઘૂંટાયા રાખીએ છીએ. દુનિયાભરના માનસિક દર્દીઓ પર હમણાં એક અભ્યાસ થયો હતો. ડિપ્રેશન અને બીજા મેન્ટલ પ્રોબ્લેમનું સૌથી મોટું કારણ શું છે એ વિશેના આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, લોકો જે ભૂલવા જેવું હોય એ ભૂલતા નથી એટલે હતાશામાં સરી જાય છે. કોઇ માણસ જો એવું માનતો હોય કે, તેની જિંદગીમાં બધું જ સીધી લીટીમાં ચાલશે તો એના જેવું મૂરખ બીજું કોઇ નથી. જિંદગીમાં ખરાબ અનુભવો થવાના જ છે. ક્યારેક દગા ફટકાનો ભોગ પણ બનવાના જ છીએ. ક્યારેક કોઇક છેતરી જવાનું જ છે. ક્યારેક કોઇ છોડી પણ જવાનું છે.
માણસે જિંદગીમાં દરેક પ્રકારના પ્રોબ્લેમ અને પડકાર માટે તૈયાર રહેવું જોઇએ. આપણે કોઇ દિવસ કલ્પના પણ કરી ન હોય એવું ગમે ત્યારે બની શકે છે. માણસ માટે સૌથી વધુ ચેલેન્જિંગ કોઇ સ્થિતિ હોય તો એ સંબંધમાં પછડાટ છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, આપણે જેના માટે બધું જ કરી છૂટવા તૈયાર હોઇએ એ જ વ્યક્તિ જ્યારે છેહ આપે ત્યારે માણસને દુનિયા પરથી શ્રદ્ધા ઊઠી જાય છે. માત્ર પ્રેમસંબંધમાં જ આવું થાય એવું જરૂરી નથી. કોઇ પણ સંબંધમાં આવું થઇ શકે છે. મિત્રો વચ્ચે, ભાઇઓ વચ્ચે, ભાઇ-બહેન વચ્ચે અથવા તો કોઇ પણ સંબંધમાં ક્યારેક આપણને ગળે ન ઊતરે એવું બને છે. મા-બાપ દરેક માટે સર્વોપરી હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં એમના તરફથી પણ એવું થાય છે જેવું આપણે ધાર્યું હોતું નથી. સંતાનો પણ ક્યારેક આપણું અસ્તિત્ત્વ હલાવી દે એવાં કરતૂત કરતાં હોય છે. કોઇ એવું ઇચ્છતું હોતું નથી કે, તેના સંબંધોમાં ક્યારેય ઓટ આવે, પણ ક્યારેક સંબંધમાં પણ સુકારો લાગતો હોય છે. સંબંધ ક્યારેય એક પક્ષી હોતો નથી, એ દ્વીપક્ષી જ હોય છે. બંને બાજુ લાગણી હોવી જોઇએ. એવું ક્યારેય નથી બનવાનું કે, આપણે જેને પ્રેમ કરતા હોઇએ એ પણ આપણને એટલો જ પ્રેમ કરે. સંબંધમાં એકનો પ્રેમ વધુ કે ઓછો રહેવાનો જ છે. પ્રેમ, લાગણી કે સ્નેહ ઓછો વધુ હોય ત્યાં સુધી હજુયે વાંધો નથી આવતો, પણ એક બાજુથી જ્યારે પ્રેમ ઓસરી જાય ત્યારે બીજી વ્યક્તિ આઘાતમાં સરી જતી હોય છે.
રિલેશનશિપ ક્રાઇસિસ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. દરેક માણસ સંબંધોના સવાલો સામે ઝઝૂમી રહ્યો છે. જેને રિલેશન્સમાં ખરેખર કોઇ પ્રોબ્લેમ નથી એ પણ જ્યારે કોઇના કિસ્સા સાંભળે છે ત્યારે એને એમ થાય છે કે, મારી સાથે તો આવું નહીં થાયને? પોતાની સાથે એવું ન થાય એની ચિંતામાં પણ ઘણા લોકો શંકાશીલ થઇ જતા હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવતીની ફ્રેન્ડ સાથે તેના પતિએ ચીટિંગ કર્યું. ફ્રેન્ડનો પતિ બીજી સ્ત્રી સાથે સંબંધમાં હતો. આ વાતની જ્યારે યુવતીની ફ્રેન્ડને ખબર પડી ત્યારે એ ધ્રૂજી ગઇ. તેને ડર લાગવા માંડ્યો કે, મારો હસબન્ડ તો આવું નહીં કરેને? એ પતિ પર વોચ રાખવા માંડી. પતિને ખબર ન પડે એમ એનો ફોન ચેક કરવા લાગી. પતિ સારો માણસ હતો. પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. પત્ની પોતાના પર નજર રાખે છે એ વાતની જ્યારે એને ખબર પડી ત્યારે તેને આઘાત લાગ્યો. હું જેને આટલો બધો પ્રેમ કરું છું એ જ મારા પર શંકા કરે છે? ધીમે ધીમે એને એ વાત સમજાઇ કે, પત્નીની ઇનસિક્યોરિટી એની પાસે આવું બધું કરાવી રહી છે. તેણે પત્ની સાથે શાંતિથી વાત કરીને કહ્યું કે, તું જેવું વિચારે છે એવું કંઇ છે નહીં અને ક્યારેય હશે પણ નહીં. તું ખોટી ચિંતા ન કર. હું તને બહુ પ્રેમ કરું છું. મારા માટે તું જ સર્વસ્વ છે. પતિની આવી વાત પછી પણ પત્નીની શંકા કાયમ રહી. પતિને જ્યારે ખબર પડી કે, પત્ની સ્પાયએપથી મારા ફોન પર વોચ રાખે છે અને જીપીએસની મદદથી હું ક્યાં જાઉં છું એના પર પણ નજર રાખે છે ત્યારે એને સમજાઇ ગયું કે, હવે આ મારા હાથની વાત રહી નથી. પત્નીના ભ્રમો ભાંગવા માટે પતિ આખરે પત્નીને સાઇકોલોજિસ્ટ પાસે લઇ ગયો અને ટ્રીટમેન્ટ કરાવી. માણસની અત્યારની એક સમસ્યા એ પણ છે કે, એને કોઇ પર શ્રદ્ધા નથી. કોઇ કંઇ કરે તો એને તરત જ એવો વિચાર આવી જાય છે કે, એણે આવું કેમ કર્યું? એવું કરવા પાછળ એની દાનત શું હશે? માણસ જે કંઇ કરે છે એ કોઇ સ્વાર્થ, બદદાનત કે ખોટા ઇરાદાથી જ કરે એવું બિલકુલ નથી હોતું. માણસ કોઇ સ્વાર્થ વગર પણ ઘણી વખત કંઇક કરતો હોય છે. કોઇ વ્યક્તિ સારી લાગે, કોઇ વ્યક્તિ જરૂરતમંદ લાગે, કોઇ વ્યક્તિ વ્હાલી લાગે ત્યારે માણસ લાગણીથી પ્રેરાઇને ઘણું બધું કરતો હોય છે. દરેક વાતમાં શંકા કરવી એ સંબંધનું પતન નોતરવાનું કૃત્ય છે.
બ્રેકઅપ કે ડિવોર્સના કિસ્સાઓમાં પણ હાથ છૂટ્યા પછી હાથ ખંખેરવા પડતા હોય છે. ક્યારેક એવું બનતું હોય છે કે, આપણે જ પસંદ કરેલી વ્યક્તિમાં થાપ ખાઇ જવાય. જિંદગીમાં ક્યારેક જાણે તો ક્યારેક અજાણે અયોગ્ય વ્યક્તિ આવી જતી હોય છે. આવા સંબંધમાં રિબાતા રહેવા કરતાં બહેતર એ હોય છે કે, એનાથી છુટકારો મેળવી લઇએ. ક્યારેક એવું પણ થતું હોય છે કે, આપણો કોઇ વાંક ન હોય તો પણ આપણે બ્રેકઅપ કે ડિવોર્સનો સામનો કરવો પડતો હોય છે. આવું બધું થાય ત્યારે વેદના થવાની જ છે. આપણે માણસ છીએ, દરેક ઘટનાની સારીનરસી અસરો થાય એ સ્વાભાવિક છે. પેઇન થવાનું જ છે, પણ પેઇન ભોગવીને વહેલી તકે એમાંથી મુક્ત થઇ જવાનું હોય છે.
સંબંધ સિવાય હતાશાનું બીજું સૌથી મોટું કારણ નિષ્ફળતા છે. ક્યારેક એક્ઝામમાં, ક્યારેક બિઝનેસમાં, ક્યારેક જોબમાં તો ક્યારેક બીજા કોઇ કિસ્સામાં નિષ્ફળતા મળવાની જ છે. એવા સમયે પોતાની જાતને તૂટવા દેવાની હોતી નથી. મગજ જો સ્વસ્થ હશે અને માનસિકતા જો દૃઢ હશે તો બધું ફરી પાછું સરખું થઇ જવાનું છે. અપડાઉન એ જિંદગીની ફિતરત છે. આપણે ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, દગા, ફટકા, નિષ્ફળતા, કાવાદાવા અને પ્રપંચ વિશે ક્યારેક કોઇને કંઇ શીખવવામાં નથી આવતું. સંતાનને દરેક સ્થિતિ સામે સ્વસ્થ રહેતા શીખવાડવું એ પણ એક સંસ્કાર જ છે. પેરેન્ટિંગમાં જ એ પાઠ ઉમેરવાની જરૂર છે કે, સંતાનને સમજાવવામાં આવે કે ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડવાનો જ છે. દરેક પેરેન્ટ્સ હવે એવું ઇચ્છવા લાગ્યા છે કે, મારા સંતાનને ક્યારેય કોઇ પ્રોબ્લેમ ન થાય, એને બધી સુવિધાઓ મળે. સંતાન માટે બધું કરો એમાં વાંધો નથી, પણ તેને એક વાત પણ સમજાવતા રહો કે, ધારેલું ન થાય કે ગમતું ન મળે ત્યારે કેવી રીતે ટકી રહેવું?
ખોટી ટ્રેન પકડાઇ જાય તો એમાં બેઠું ન રહેવાય, જેમ બને એમ ઝડપથી ઊતરી જવાય. બેઠા રહીએ તો ક્યાંયના ન રહીએ. ભૂતકાળને ભૂલીને જે આગળ વધે છે એ જ ધારેલા મુકામ સુધી પહોંચી શકે છે. જિંદગીની અમુક ઘટનાઓને ભૂલવી અને ભૂંસવી પડે છે. કશું જ કાયમી નથી. બધું જ બદલતું રહે છે. ક્યારેક પરિસ્થિતિ બદલે છે તો ક્યારેક માણસ પણ બદલી જાય છે. આઘાત લાગવાનો છે, પીડા થવાની છે, પ્રશ્નો પણ ઊઠવાના છે, પણ એક તબક્કે એમાંથી બહાર નીકળીને મૂવ થઇ જવું પડે છે. જેટલી ઝડપ થાય એટલો વહેલો છુટકારો મળે છે. બાય ધ વે, તમે ખોટી ટ્રેનમાં તો નથીને? જો હોવ તો, અત્યારે જ ઊતરી જાવ! નવી અને સારી જિંદગી તરફ લઇ જતી ટ્રેન તૈયાર જ છે!
—————-
પેશ-એ-ખિદમત
વો શખ્સ જિસને ખુદ અપના લહૂ પિયા હોગા,
જિયા તો હોગા મગર કિસ તરહ જિયા હોગા,
તુમ્હારે શહર મેં આને કી જિસકો હસરત થી,
તુમ્હારે શહર મેં આકર વો રો પડા હોગા.
-અબ્દુર્રહીમ નશ્તર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 માર્ચ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
