ચારેય બાજુથી ઘેરાઇ ગયા છીએ એવું લાગે ત્યારે શું કરવું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ચારેય બાજુથી ઘેરાઇ ગયા છીએ
એવું લાગે ત્યારે શું કરવું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

એક બે પડકાર હોય તો માણસ સજ્જતાથી તેનો સામનો કરી લે છે,
એકસાથે ઘણા પ્રોબ્લેમ સામે આવી જાય ત્યારે
માણસ મૂંઝાઇ જતો હોય છે. તેનો સામનો કરવાની પણ કેટલીક રીતો છે!


———–

સમસ્યાઓ અને મુશ્કેલીઓ ક્યારેક બટાલિયન મોઢે ત્રાટકે છે. માણસનું ધ્યાન ન પડે કે, આ બધું શું થઇ રહ્યું છે! હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, એકલદોકલ સમસ્યાઓ આવે તો માણસ હિંમતભેર તેનો સામનો કરી લે છે. એકસામટી અનેક આફતો આવે ત્યારે માણસ મૂંઝાઇ જતો હોય છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ થતું હોય છે કે, આફતો ખરેખર હોતી જ નથી. એક જ મુશ્કેલી બાદ માણસ જાતજાતના વિચારો કરે છે અને પોતાના જ વમળમાં ઘેરાઇ જાય છે. કાલ્પનિક ભયમાં એવા ફસાઇ જાય છે કે બહાર નીકળી જ શકતા નથી. આમ થશે તો? તેમ થશે તો? ખરેખર મુસીબત આવે એ પહેલાં જ તેની ચિંતામાં માણસ અડધો થઇ જાય છે.
બે ઘડી માની લો કે, માણસ ખરેખર એક કરતાં વધુ સમસ્યાઓથી ઘેરાઇ ગયો છે તો શું? આ વિશે હમણાં ટેનેસી યુનિવર્સિટીના વેલનેસ ઓફિસર ડોક્ટર જેસી ગોલ્ડે કહ્યું કે, સમસ્યાઓનો સામનો કરવાની દરેકની પોતાની કેપેસિટી હોય છે. એકસામટી અનેક મુશ્કેલીઓ આવે ત્યારે મગજ બહેર મારી જાય છે. વિચારોનો ધોધ વહે છે. મગજ બધી માહિતી એકસાથે પ્રોસેસ કરી શકતું નથી. આપણા બધાની સાથે એવું થયું હોય છે કે, જ્યારે વધુ પડતું ટેન્શન થઇ જાય ત્યારે મગજ કામ કરવાનું જ બંધ કરી દે છે! આપણે શું કરતા હતા અને શું કરવાનું છે એ પણ ભુલાઇ જાય છે. આવા સંજોગોમાં માણસે સતર્ક થઇ જવું જોઇએ. તેના માટે અનેક રીતો પણ આપવામાં આવી છે.
સૌથી પહેલું તો એ કે, ઓવરથિંકિંગ બંધ કરી દેવું જોઇએ. માણસ વધુ પડતા વિચારો કરીને સ્થિતિ હોય એના કરતાં પણ બિહામણી બનાવી દેતો હોય છે. ઓવરથિંકિંગ બંધ કરવા માટે પણ બે રીત અપનાવવા જેવી છે. એક તો જે સમસ્યા હોય એના વિશેના વિચારો ટાળો. વિચારોને ડાયવર્ટ કરો. પોતાને સારું લાગે એવા વિચારો કરો. આ ઉપરાંત બીજી રીત સેલ્ફ કાઉન્સેલિંગની છે. પોતાની જાતને જ કાઉન્સેલ કરો. થઇ થઇને શું થઇ જવાનું છે? જે થશે એ સારું જ થશે. હું ગભરાઇ જઇશ તો આ સમસ્યાનો સામનો કરવો વધુ અઘરો બની જશે. સેલ્ફ કાઉન્સેલિંગ માટે પણ એ જરૂરી છે કે, મન સ્વસ્થ હોય. મન જ જો મૂંઝાયેલું હશે તો બીજા કોઇ વિચારો જ નહીં આવે.
બીજી એક ટેક્નિક પણ અપનાવવા જેવી છે. જ્યારે મૂંઝારો થાય ત્યારે કંઇ જ ન કરો. શાંતિથી બેસો. વિચારોને પણ વિરામ આપો. શાંત અને ખુલ્લી જગ્યાએ જઇ આરામથી બેસો. આપણે ત્યાં યોગની જે સ્થિતિ છે એવી જ આ પદ્ધતિ છે. સાયકોલોજિસ્ટ તો એવું પણ કહે છે કે, તમને ગમતી હોય એ ગેમ રમો. સરવાળે આવું બધું કરવા પાછળનો ઉદ્દેશ ધ્યાન બીજે પરોવવાનો જ છે. જો તમે તમારા વિચારોને અટકાવી શકશો તો માનસિક વ્યથામાંથી વહેલા બહાર નીકળી શકશો. એક બીજી રીત એ પણ છે કે, ઠંડા પાણીએ નહાઇને શરીરનું ટેમ્પરેચર ઘટાડો. એનાથી સારું લાગશે. શાવર નીચે થોડો સમય ઊભા રહીને ઠંડક ફીલ કરો.
તમે માનો કે ન માનો પણ અત્યારના હાઇટેક સમયમાં ટેક્નોલોજી પણ માણસનું ટેન્શન વધારવાનું કામ કરે છે. ટેન્શનમાં હશો અને મોબાઇલ લઇને બેસશો તો ટેન્શન વધવાનું છે. સમસ્યાઓથી ઘેરાયેલા હોવ ત્યારે મોબાઇલથી બને એટલા દૂર રહો. કેટલાકને એવો ભય લાગવા માંડે છે કે, હમણાં કોઇક એવો મેસેજ આવશે જે સારો નહીં હોય. મોબાઇલ જોતાં જોતાં ઘણી વખત માણસ વિચારે ચડી જાય છે. એને એ પણ ખબર નથી હોતી કે, એ શું જુએ છે! આવી પરિસ્થિતિ ટાળવા માટે મોબાઇલથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. એક બે દિવસ મોબાઇલથી દૂર રહો તો કંઇ ખાટુંમોળું થઇ જવાનું નથી. માણસ હવે રોજ સવારે ઊઠીને પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. સવારથી જ એ મેસેજ કે એલર્ટ હોય એના વિચારોમાં ખોવાઇ જાય છે. સવાર જો ખરાબ પડી તો દિવસ ક્યાંથી સારો જવાનો છે? ઊઠીને ફ્રેશ થયા પછી જ મોબાઇલ હાથમાં લો. આ પ્રયોગ આમ તો દરેક વ્યક્તિએ કરવા જેવો છે. તમે આરામથી મોબાઇલ જોજો, બધા મેસેજ પર નજર ફેરવીને એટલો વિચાર કરજો કે, ક્યો મેસેજ ખરેખર કામનો હતો? આ મેસેજ ન વાંચ્યા હોત તો મારું શું અટકી જાત? કંઇ જ ફેર પડતો નથી. આપણે ટેક્નોલોજીના ભ્રમમાં પણ જીવતા હોઇએ છીએ. મોબાઇલ મચડ્યે રાખીને એવું માનવા લાગીએ છીએ કે, આપણે અપડેટ રહીએ છીએ. માણસે વર્તમાન પ્રવાહોથી ચોક્કસપણે અપડેટ રહેવું જોઇએ, પણ આપણે મોબાઇલ પર રીલ્સ જોઇને સમય વેડફીએ છીએ અને એવું માનીએ છીએ કે, મને જગતમાં શું ચાલે છે એની ખબર છે.
ટેન્શનથી મુક્ત થવાની સૌથી સરળ રીત એ છે કે, મિત્રોને મળો. મિત્રોની મદદ લો. મિત્ર સાથે માણસ કારણ વગરનાં ગપ્પાં મારે છે. જેનો કોઇ મતલબ ન હોય એવી વાતો કરે છે. અત્યારના સમયની મુશ્કેલી એ પણ છે કે, માણસ પોતાના અંગત મિત્રને પણ દિલની વાત કહેતા ડરી રહ્યો છે. હું નબળો લાગીશ તો? મને જજ કરશે તો? જાતજાતના વિચારો કરીને જે વાત કહેવાની હોય એ કહેતો નથી. મિત્રને સાચી વાત કરો કે, મને મૂંઝારો થાય છે, ટેન્શન લાગે છે, ડર લાગે છે, મારું ક્યાંય ધ્યાન પડતું નથી, મારે મદદની જરૂર છે. મિત્રને શરણે જવામાં પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, પોઝિટિવ હોય અને વાત સમજી શકે એવા દોસ્તને જ સાચી વાત કરવી. ઘણા મિત્રો જ નેગેટિવ હોય છે. એ આપણને હળવાશ થાય એના કરતાં આપણા ટેન્શનમાં વધારો થાય એવી જ વાતો કરે છે. તારા ધંધા જ એવા છે, તારે પહેલેથી વિચાર કરવો જોઇતો હતો, હાથે કરીને પગ પર કુહાડો મારો તો શું થાય? આવું કહેનારાથી દૂર રહેવું જોઇએ. સાચો મિત્ર એ છે જે, હિંમત આપે. કંઇ થવાનું નથી, ખોટી ચિંતા ન કર. જો એ મિત્ર સાચો હશે તો પરિસ્થિતિ સમજી જશે અને કોઇ કારણ વગર તમારી સાથે રહેશે જેથી તમને સારું લાગે!
દરેક માણસે એક વાત યાદ રાખવા જેવી છે કે, મુશ્કેલીઓ આવવાની છે. તકલીફ પડવાની છે. બધું ઇઝી નથી રહેવાનું. જિંદગી વિશે એવું જ કહેવાય છે કે, રોજ નવો પડકાર આવવાનો જ છે અને આપણે એ પડકાર ઝીલીને પાર ઊતરવાનું છે. મનને શાંત રાખો. ખોટા વિચારો ન કરો. કાલ્પનિક ભયથી બચો. આપણે ઘણી વખત કોઇ બાબતે વધુ પડતી ચિંતા કરતા હોઇએ છીએ. એ પતી જાય ત્યારે સમજાય છે કે, આપણે જેવું વિચારતા હતા એવું કંઇ થયું નહીં. ટેન્શનમાં રહેશો તો એક તબક્કે સ્વભાવ જ ટેન્શનમાં રહેવાનો થઇ જશે. ઘણા લોકોને માર્ક કરજો, કંઇ હોય નહીં તો પણ એ ટેન્શનમાં જ હોય છે! આપણે એને કહેવું પડે કે, રિલેક્સ રહે, કંઇ આભ ફાટી પડવાનું નથી. જેટલો સમય આપણે ટેન્શન, ચિંતા, ફિકર, ઉપાધીમાં રહીએ છીએ એટલો સમય આપણે વેડફતા હોઇએ છીએ. રિલેક્સ રહીએ તો પડકાર કે સમસ્યાનો સ્વસ્થતાપૂર્વક સામનો કરી શકાય છે. આપણે ટેન્શનમાં હોઇએ તો આપણી નજીકના લોકોને પણ તેની અસર આવે છે. સરવાળે આખા ઘરનું વાતાવરણ બગડતું હોય છે. ઊંડો શ્વાસ લઇને પોતાની જાતને કહો કે, બધું જ સારું છે અને કંઇ ખરાબ થવાનું નથી. આપણી માનસિક સ્વસ્થતા જાળવવાનું કામ આપણે જ કરવું પડે છે. જો ધ્યાન ન રહે તો આપણી જાત જ આપણા હાથમાંથી છટકી જાય છે. રિલેક્સ રહેવાની આદત કેળવવા જેવી છે. સારું ફીલ થશે તો સારું જીવી શકાશે.


—————-

પેશ-એ-ખિદમત
સારે દરિયા હૈ યહાં મૌજ મેં અપની અપની,
મેરે સહરા કો નહીં ઇન સે શિકાયત કોઇ,
જમ ગઇ ધૂલ મુલાકાતોં કે આઇનોં પર,
મુઝકો ઉસ કી ન ઉસે મેરી જરૂરત કોઇ.
– અસદ બદાયુની
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 માર્ચ 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *