તને શરમ જેવું
કંઇ છે કે નહીં?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે,
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે,
ટકોરા મારવા દે શક્ય છે એનું ઊઘડવું પણ,
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે.
– હેમંત પૂણેકર
આપણે વિચાર આવે એ બધું કરી નાખતા નથી. આપણે એ પર વિચારીએ છીએ કે, આવું કરાય કે ન કરાય? આપણને આપણી ઇમેજની પડી હોય છે. શું કરવાથી આબરૂ વધે અને શું કરવાથી વગોવણી થાય એની આપણને સમજ હોય છે. અલબત્ત, આ બધું એને જ લાગુ પડે છે જેને શરમ જેવું કંઇ હોય છે. જેને કોઇનાથી કશો જ ફેર પડતો નથી એ માણસ મન ફાવે તેમ કરતો હોય છે. એના વિશે આપણે જ એવું કહેતા હોઈએ છીએ કે, એને શરમ જેવું કંઇ છે જ નહીં! જાહેરમાં મર્યાદા રાખનારા ઘણા લોકો ખાનગીમાં ન કરવા જેવાં કરતૂત કરતા રહે છે. જાહેરમાં કચરો ન ફેંકાય એ વાત ખબર હોવા છતાં કેટલાક લોકો આજુબાજુમાં જોઇને કોઇ જોતું ન હોય તો કચરો ફેંકી દે છે. જેને પોતાની શરમ નડે છે એ ક્યારેય એ વાતની ચિંતા નથી કરતા કે કોઇ જુએ છે કે નથી જોતું, એ તો પોતાને શોભે એવું જ કરે છે. માણસ જાહેરમાં જે કરતો નથી, એ ખાનગીમાં પણ ન કરે એ જ સાચા સંસ્કાર છે. પકડાઇ જવાની બીકે ઘણા લોકો ઘણું બધું કરતા હોતા નથી. દરેક માણસે પોતે નક્કી કરવું પડે છે કે, હું આ કરીશ અને આ નહીં કરું. સંસ્કાર એ બીજું કંઇ નથી, પણ આપણે આપણી જાતે જ દોરેલી મર્યાદાની રેખા છે. ગમે તે થાય, આપણે એ રેખા ઓળંગતા નથી.
એક યુવાનની આ વાત છે. એને વારંવાર ખરાબ વિચારો આવતા હતા. ક્યારેક કોઇનું કરી નાખવાનું મન થતું. ક્યારેક ચોરીના વિચારો પણ આવી જતા. એ સિવાય પણ મેળ પડે તો થાય એ ખોટું કરી લેવાનું પણ મન થતું. જોકે, એ એવું કરતો નહીં. જ્યારે પણ કંઇ ખોટું કરવાનો વિચાર આવે ત્યારે માતા, પિતા અને પરિવારના સંસ્કારો યાદ આવી જતા હતા. એ નક્કી કરતો કે મારાથી આવું ન કરાય, હું આવો નથી. એક વખત એ યુવાન એક સંતને મળ્યો. સંતને તેણે કહ્યું કે, મને આવા ખરાબ વિચારો આવે છે પણ હું એવું કરતો નથી. મને મારા સંસ્કાર રોકે છે. સંતે તેની વાત સાંભળીને કહ્યું કે, ખરાબ વિચારો આવવા છતાંયે તું કંઇ ખોટું કરતો નથી એ સારી વાત છે. જોકે, તારે તારા વિચારોથી પણ સંભાળવાનું છે. તું સતત નક્કામા, ખોટા અને ખરાબ વિચાર કરતો રહીશ તો ક્યારેક ન કરવાનું કરી બેસીશ. સાચી વાત એ છે કે, કંઇ ખોટું કરવાના વિચાર જ ન આવે. આપણે જે વિચારો કરીએ છીએ એ આપણા મનમાં જ રોપાતા હોય છે. જે રોપાય એ ક્યારેક ઊગી પણ નીકળતું હોય છે. દરેક વખતે આપણે તેને ઊગતા રોકી ન શકીએ. એને રોપાવા જ ન દઇએ એ મહત્ત્વનું છે. આ પણ ખેતી જેવું જ છે. જે વાવશું એ ઊગશે. બાવળ વાવો તો કેરી ન ઊગે. બધા સાથે ઘણી વખત એવું થયું હોય છે કે, જેના વિશે વિચાર કર્યો હોય એનું જ સપનું આવે. એનું કારણ એ જ હોય છે કે, આપણા મગજમાં એ વાત ચાલી હોય છે. મન અને મગજમાં ચાલતું બધું જ ભૂંસાતું કે ભૂલાતું નથી, કેટલુંક રહી જતું હોય છે. એને ખંખેરીને હટાવવું પડે છે. જો ન હટાવીએ તો એ ઘણી વખત આપણને અંદાજ ન હોય એ રીતે આપણા પર હાવી થઇ જતું હોય છે.
માત્ર આપણને જ નહીં, આપણા કારણે આપણા લોકોને પણ શરમમાં ન મુકાવું પડે એની કાળજી રાખવાની આપણી નૈતિક જવાબદારી રહેતી હોય છે. આપણાં સારાં કામોથી આપણા લોકોનું માથું ગર્વથી ઊંચું થઇ જતું હોય છે. ન કરવા જેવાં કામથી આપણા લોકોનું માથું શરમથી ઝૂકી જતું હોય છે. એક યુવાનની આ વાત છે. એના બધા મિત્રો બદમાશ હતા. કોઇ સારાં કામ કરે જ નહીં. પિતા તેને કહી કહીને થાકી ગયા કે, તું એ લોકોની દોસ્તી રહેવા દે, ક્યારેક ફસાઇ જઇશ. દીકરો હાએ હા કરતો, પણ છેલ્લે પોતાનું મન થાય એમ જ કરતો હતો. એક દિવસ ખબર પડી કે, પોલીસે દીકરાને તેના મિત્ર સાથે ડ્રગ્સના કેસમાં પકડ્યો છે. પિતા તેને જામીન પર છોડાવવા માટે તો ગયા, પણ સાથોસાથ એમ પણ કહ્યું કે, તેં અમને મોઢું બતાવવા જેવા નથી રાખ્યા. તને કંઇ શરમ જેવું છે કે નહીં?
શરમનું કોઇ મીટર નથી હોતું? શરમનું કોઇ પ્રમાણ પણ નથી હોતું. એ તો દરેક વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડતું હોય છે. તમે સારું કરતા હશો તો લોકો કદાચ તેની નોંધ નહીં લે, પણ જો તમે નાનકડું પણ ખોટું કરશો તો દુનિયા તમને વગોવવાની જ છે. ઘણા લોકો એવું પણ કહે છે કે, મને કોઇનાથી કંઇ ફેર પડતો નથી, જેને જે કહેવું હોય એ કહે. એક યુવાન હતો. તે મન થાય એમ જ કરતો હતો. એક વખત તેના વડીલે કહ્યું કે, તું જે કરે છે એ ખોટું છે. તને ખબર છે, લોકો તારા વિશે કેવી કેવી વાત કરે છે? એ યુવાને કહ્યું કે, કોઇનાથી મને કશો ફેર પડતો નથી. આ વાત સાંભળીને વડીલે કહ્યું, તને તારાથી તો ફેર પડે છેને? કોઇનાથી ફેર પડે કે ન પડે, આપણને આપણાથી ફેર પડવો જોઇએ. માની લઇએ કે, લોકોની ચિંતા કરવાની જરૂર નથી, પણ પોતાની ચિંતા તો કરવાની કે નહીં? દુનિયાના કેટલાક નિયમો હોય છે. બધા નિયમો લખેલા નથી હોતા. દુનિયાના નિયમોના ભંગની કોઇ સજા નથી હોતી, પણ ક્યારેક એ સજા ભોગવવી પડતી હોય છે. કોઇ ભરોસો ન કરે, કોઇ ઊભા ન રાખે, કોઇ આપણો ભાવ ન પૂછે અને કોઇને આપણાથી કશો જ ફેર ન પડે એની પણ એક વેદના હોય છે. મન ફાવે એમ કરીએ તો એ વેદના ભોગવવી પડે છે.
કેટલાક લોકો એવા હોય છે કે એના વગર ચાલે જ નહીં. આપણી ગેરહાજરી વર્તાય એ જ આપણી હયાતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તારા વગર તો નહીં જ ચાલે, તું તો જોઇશે જ એવું કોઇ એમ જ નથી કહેતું. ઘણાની છાપ જ એવી હોય છે કે, એ હોય તો રહેવા જ દેજો! દુનિયાને ઘણી વખત વગોવવામાં આવતી હોય છે. લોકો તો બોલવાના જ છે. હા, લોકો બોલવાના છે પણ લોકો દર વખતે ખોટું બોલતા નથી. દુનિયા દર વખતે ખોટી કે ખરાબ નથી હોતી, દુનિયા સાચી પણ હોય છે. દુનિયાનું સત્ય જ્યારે સામે આવે છે ત્યારે ક્યારેક એનો સામનો કરવો અઘરો પડી જાય છે. માણસ સૌથી પહેલાં તો પોતાની જાત સાથે સારો અને પ્રામાણિક હોવો જોઇએ. આપણે જેવા હોઇએ તેવા જ લોકો આપણને મળવાના છે. સંબંધોનાં વર્તુળો હોય છે. કેટલાંક વતુર્ળો એવાં હોય છે જેની નજીક આપણે જતા નથી. એ લોકોથી દૂર રહેવામાં જ માલ છે. દરેક માણસે સમયે સમયે પોતાનું વર્તુળ પણ ચેક કરતા રહેવું પડે છે. મારી આજુબાજુમાં છે એ કેવા લોકો છે? જો એ ભરોસાપાત્ર નહીં હોય તો એક સમયે કોઇ તમારો પણ ભરોસો નહીં કરે! બધા સંસ્કાર વારસામાં નથી મળતા, કેટલાક સંસ્કાર આપણે પોતે પણ કેળવવા પડતા હોય છે. આપણને કોઇ વાતની શરમ છે કે નહીં એ પણ લોકોને ખબર પડી જ જવાની છે. આપણા વિશે જ્યારે આપણા લોકો છાતી ઠોકીને એવું કહે કે, એ આવું કરે જ નહીં, એ જ આપણે મેળવેલી ખરી મૂડી છે. કેટલીક મૂડી એમ જ નથી મળતી, એના માટે પોતાની જાતને સાબિત અને સાર્થક કરવી પડતી હોય છે.
છેલ્લો સીન :
જેને સંયમમાં સમજ નથી પડતી એ માણસે હંમેશાં અપમાનનો ભોગ બનવું પડે છે. આપણું માન, સન્માન કે અપમાન છેલ્લે તો આપણા હાથમાં જ હોય છે. જેવો ભાવ એવો જ પ્રતિભાવ મળવાનો છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 09 ફેબ્રુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
