વધુ પડતો ગુસ્સો આવતો હોય તો શાંતિથી આટલું વિચારજો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

વધુ પડતો ગુસ્સો આવતો હોય
તો શાંતિથી આટલું વિચારજો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

લોકોનાં મગજ નાની નાની વાતમાં છટકવા લાગ્યાં છે.
ગુસ્સો, ક્રોધ સરવાળે આપણું પોતાનું જ પતન નોતરે છે.
કારણ વગર વધુ ગુસ્સો આવતો હોય તો સાવધાન થઇ જવાની જરૂર છે.


———–

ગુસ્સો આમ તો માણસની સહજ સંવેદના છે. દરેક માણસને ક્યારેક તો ગુસ્સો આવ્યો જ હોય છે. ગુસ્સો આવે એમાં કશું ખોટું નથી, પણ ગુસ્સો શા માટે આવે છે એ સૌથી વધુ મહત્ત્વનું છે. ગુસ્સો દરેક જીવને આવે છે. આપણે દરેક પશુઓને પણ ગુસ્સો કરતાં જોયાં હોય છે. માણસજાતની શરૂઆત થઇ ત્યારથી ગુસ્સાનું અસ્તિત્ત્વ છે. ગુસ્સો અગાઉ પણ લોકોને આવતો જ હતો, પણ હવે તેનું પ્રમાણ વધી ગયું છે. ક્રોધ અંગેના એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, હવે માણસને નાની નાની વાતમાં ગુસ્સો આવવા લાગ્યો છે. કોઇ કારણ ન હોય તો પણ લોકોનાં મગજ છટકે છે. કાર લઇને જતા હોય, સિગ્નલ બંધ હોય, સિગ્નલ ખૂલે અને જો આગળ ઊભેલું વાહન જરાયે આગળ ન વધે તો તરત જ મગજ તણાવવા લાગે છે. કેટલાક તો ગુસ્સાના માર્યા હોર્ન પર હાથ દબાવીને બેસી જાય છે. લિફ્ટ આવવામાં વાર લાગે તો પણ મગજ જાય છે. દસમા માળેથી લિફ્ટમાં બેઠા હોય અને જો દરેક માળે લિફ્ટ ઊભી રહે તો પણ માણસ ઇરિટેટ થઇ જાય છે. મોબાઇલમાં કંઇ ડાઉનલોડ થવામાં વાર લાગે તો પણ માણસને ગુસ્સો આવી જાય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે, જો આવું જ ચાલ્યું તો માણસનો સ્વભાવ જ ચીડિયો થઇ જશે. કોઇને વતાવી જ નહીં શકાય. માણસ માણસ સાથે જ વાત કરતા ડરવા લાગશે! આજે પણ ઘણા લોકોને જોઇને એવો વિચાર આવી જાય છે કે, આની સાથે વાત કરવી કે નહીં? ક્યાંક એનું છટકી તો નહીં જાયને!
વધારે પડતો ગુસ્સો આવતો હોય તો તેનું પ્રમાણ ઘટાડવા માટે જાતજાતની કસરત, યોગા વગેરેની સલાહ આપવામાં આવે છે. એના માટે સૌથી પહેલાં તો આપણને આપણા ગુસ્સાનું ભાન હોવું જોઇએ. માણસ ગુસ્સામાં ન કરવાનું કરી બેસે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. એવું જરાયે નથી કે, માણસને ખબર નથી પડતી કે ગુસ્સાથી શું નુકસાન થાય છે. એને ખબર હોય જ છે, પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે કંઇ સમજ રહેતી નથી. ક્ષણિક આવેગના કારણે ગંભીર ગુનાઓ થઇ ગયાના કિસ્સાઓ પણ બને છે. અમેરિકાના એક સાયકોલોજિસ્ટે આ વિશે કહ્યું છે કે, દરેક માણસે પોતાનું વર્તન ચેક કરતા રહેવું જોઇએ. તમને કેવો ગુસ્સો આવે છે? શા માટે ગુસ્સો આવે છે? જે કારણે ગુસ્સો આવ્યો એ કારણ ગુસ્સે થવા માટે પૂરતું હતું? વાજબી ગુસ્સો આવે તો એમાં કશું ખોટું નથી. અમુક વખતે જાણી જોઇને ગુસ્સે થવું પડે છે. આપણને ખબર હોય છે કે, જો થોડાક ઊંચા અવાજે અથવા તો કરડાકીથી વાત નહીં કરીએ તો એને સમજ જ નહીં પડે! કરડીએ નહીં પણ ફૂંફાડો તો રાખવો જ જોઇએ એવું એમ જ તો નહીં કહેવાતું હોયને! આવા સંજોગોમાં પણ એ વાતનું ધ્યાન રાખવું કે, ગુસ્સો આપણા પર હાવી થઇ જવો ન જોઇએ. કેટલાક લોકો ગુસ્સામાં પોતાની જાતને જ ઇજા પહોંચાડી દેતા હોય છે. સાયકોલોજીમાં ગુસ્સાના અનેક પ્રકાર પાડવામાં આવ્યા છે. આપણને આપણા ગુસ્સાની સમજ હોય તો પૂરતું છે.
દરેકની લાઇફમાં એવા બનાવો બનતા હોય છે કે, અમુક સમયે મગજ ફાટફાટ થવા લાગે, પણ કંઇ કરી શકાય એમ ન હોય! અમુક પરિસ્થિતિ તમારે સહન કરવી પડતી હોય છે અને અમુક પરિસ્થિતિ ટેકલ કરવી પડતી હોય છે. આપણે ઘણાના મોઢે એવું સાંભળીએ છીએ કે, ગુસ્સો તો એવો આવતો હતો કે એને મોઢામોઢ ચોપડાવી દઉં પણ હું ચૂપ રહ્યો. ગુસ્સો ન કરવા અને ગુસ્સો દબાવવામાં હાથી ઘોડાનો ફેર છે. કેટલાક લોકો ગુસ્સો દબાવી રાખે છે. ગુસ્સો દબાવવાનાં ખતરનાક પરિણામો આવે છે. ગુસ્સો દબાવવાથી અનેક માનિસક ક્ષતિઓ પહોંચવાનો ખતરો રહે છે. ગુસ્સો પી જવાની વાતો ભલે થતી હોય, પણ ગુસ્સો પીવાતો નથી, પીએ તો પણ એ આપણી અંદર જ ઊતરે છે. કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે, ગુસ્સો દબાવવા કરતાં તો ગુસ્સો કાઢી નાખવો સારો છે. ખોટી રીતે ગુસ્સો કાઢવાનાં પણ ખરાબ પરિણામો આવે છે. જ્યારે આપણી કરિયર, આપણું ભવિષ્ય, આપણું હિત અને આપણો ફાયદો બીજાના હાથમાં હોય ત્યારે આપણે એની સાથે ગુસ્સો કરી શકતા નથી. કચકચાવીને ઝીંકી દેવાનું મન થાય તો પણ આપણે કંઇ બોલતા નથી. આપણને ખબર હોય છે કે, આની સામે ગુસ્સો કરશું તો એ ભૂલશે નહીં અને આપણું અહિત કરશે. આવી પરિસ્થિતિને મગજ બગાડ્યા વગર શાંતિથી ટેકલ કરી લેવાની. સાંભળી લેવું પડે એમ હોય તો પણ મગજમાં નહીં લેવાનું. જો વાત સાચી હોય તો એમાંથી શીખ લેવાની અને વાત ખોટી હોય અને આપણો કંઇ વાંક ન હોય તો પછી મગજમાં નહીં લેવાનું!
ગુસ્સાથી બચવા માટે એક બીજી સલાહ પણ આપવામાં આવે છે. જે વસ્તુ તમારા હાથમાં ન હોય એના કારણે ગુસ્સો ન કરો. જિંદગીમાં એવી ઘણી ઘટના બનતી હોય છે જ્યારે આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. હાઇવે પર કારમાં જતા હોઇએ અને કોઇ કારણોસર ટ્રાફિક જામ હોય તો કેટલાક લોકોનો પારો આસમાને ચડી જાય છે. હવે ટ્રાફિક જામ છે એમાં તમારો કંઇ વાંક નથી, બીજું એ કે ટ્રાફિક ખુલ્લો ન થાય ત્યાં સુધી તમે કંઇ કરી પણ શકવાના નથી. આવા સંજોગોમાં ગુસ્સે થવાથી કે મગજની નસો તાણવાથી કંઇ વળવાનું નથી. ઊલટું એવું કરવાથી આપણને જ નુકસાન થતું હોય છે.
માણસે ખરેખર જો કંઇ અચીવ કરવું હોય, કોઇ ક્રિએટિવ કામ કરવું હોય તો મન શાંત હોવું જરૂરી છે. ગુસ્સાનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે કે, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે માણસનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે, એને સારા-નરસાનું ભાન રહેતું નથી. આવા સંજોગોમાં કામમાં તો ક્યાંથી ધ્યાન પડવાનું છે? ગુસ્સો માણસનું ફોક્સ જ બદલાવી નાખે છે. ગુસ્સો ઘણી વખત ભૂખ, ઇજા, થાક, કંટાળા અને ચિંતાના કારણે પણ આવી જાય છે. આપણને કકડીને ભૂખ લાગી હોય, હોટલમાં ઓર્ડર આપ્યો હોય અને ફૂડ આવવામાં મોડું થાય તો પણ મગજ છટકવા લાગે છે. આપણે ટેન્શનમાં હોઇએ અને કોઇ મસ્તી કરે તો પણ ક્યારેક ગુસ્સો આવી જાય છે. આપણાથી કહેવાઇ જાય છે કે, તું રે’વા દેને, અહીંયાં ક્યાંય ધ્યાન પડતું નથી અને તને મજાક સૂઝે છે! ઘણી વખત આપણે કોઇનો ગુસ્સો કોઇના પર ઉતારતા હોઇએ છીએ. ઘરના લોકોનો કોઇ વાંક ન હોય તો પણ તેનો ભોગ લેવાતો હોય છે. જેને વારંવાર અને કારણ વગર ગુસ્સે થવાની આદત હોય છે તેના સંબંધોમાં પણ ઓટ આવી જાય છે. આપણે એવાં ઘણાંયે કપલ જોયાં હોય છે કે બેમાંથી એકનો સ્વાભાવ ગુસ્સાવાળો હોય છે. બીજી વ્યક્તિએ સહન જ કરવું પડતું હોય છે. આવા કિસ્સામાં માણસ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તો કરી લે છે, પણ એક સમય આવે છે જ્યારે આપણી વ્યક્તિ જ આપણી સામે આવી જાય છે. સંબંધ દાવ પર લાગી જાય છે. ક્યારેક કોઇ ખોટા કારણોસર પોતાની વ્યક્તિ પર ગુસ્સો આવી ગયો હોય તો પણ ગુસ્સો ઓસરે પછી તેને સોરી કહી દેવું જોઇએ. સોરી કહીને બીજી વખત એવું ન થાય તેની પણ કાળજી રાખવી પડતી હોય છે. ઘણા લોકો વારંવાર ગુસ્સે થાય છે અને વારંવાર સોરી પણ કહી દે છે. તને તો ખબર છેને કે મને ગુસ્સો આવી જાય છે? એવો સામો સવાલ કરે છે. આ રીત પણ ખોટી છે. ગુસ્સો ન આવે એ સ્થિતિ જ સારી છે. ગુસ્સો બીજાને બચાવવા નહીં પણ આપણી જાતને બચાવવા માટે ન કરવો જોઇએ. આપણા ગુસ્સાથી બીજાને ફેર પડવાનો હશે તો પડશે, તેનાથી આપણું તો નુકસાન જાય જ છે! પોતાનું નુકસાન કરવાની તૈયારી હોય તો જ ગુસ્સો કરજો!


———

પેશ-એ-ખિદમત
ક્યૂં કિસી સે વફા કરે કોઇ,
દિલ ન માને તો ક્યા કરે કોઇ,
હંસ ભી લેતા હૂં ઉપરી દિલ સે,
જી ન બહલે તો ક્યા કરે કોઇ.
– યગાના ચંગેઝી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 ફેબ્રુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *