તમને ઘર ચોખ્ખું જ જોઇએ કે પછી ગમે તેવું ચાલે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને ઘર ચોખ્ખું જ જોઇએ
કે પછી ગમે તેવું ચાલે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

ઘર વિશે દરેકના પોતાના ખયાલો અને માન્યતાઓ હોય છે.
ઘણાના ઘર ખૂબ જ અવ્યવસ્થિત અને અસ્વચ્છ હોય છે તો
ઘણાને ઘર ચોખ્ખુંચણક જોઇએ છે! જો કોઇ એવું માનતું હોય કે
અવ્યવસ્થિત ઘર ખરાબ કે અયોગ્ય છે તો એ એની ભૂલ છે!


———–

ઘર વિશે દરેકના પોતાના ખયાલો, પોતાનાં સપનાંઓ અને પોતાની માન્યતાઓ હોય છે. ઘર કેવું હોવું જોઇએ એવું તમે પૂછો તો દરેકના જવાબ અલગ અલગ હશે. દરેકને પોતાનું ઘર પોતાની રીતે સજાવવું હોય છે. ઘર નાનું હોય કે મોટું એનાથી કોઇ ફેર પડતો નથી. દરેક માટે ઘરથી વિશેષ કશું હોતું નથી. ધરતીનો છેડો ઘર એમ જ નહીં કહેવાયું હોય! ગમે એવી સુંદર જગ્યાએ ગયા હોઇએ અને ભલેને ફાઇવ સ્ટાર હોટલમાં રહ્યા હોઇએ, પણ ઘરે આવીએ ત્યારે હાશ થાય છે. ઘર સાથે દરેક માણસને નજીકનો નાતો હોય છે. ઘરના ખૂણેખૂણા સાથે અનોખો સંબંધ હોય છે. દરેક માટે ઘર એ પોતાની સ્પેસ છે. પોતાની દુનિયા છે. આપણા ઘર વિશે આપણાં સપનાં હોય એ તો બરાબર છે, પણ આપણે કોઇના ઘર વિશે પણ ફટ દઇને અભિપ્રાય આપી દેતા હોઇએ છીએ. કોઇનું ઘર એટલું બધું ચોખ્ખું હોય છે, જે જોઇને આંખો પહોળી થઇ જાય. ક્યાંય તમને ધૂળ જોવા ન મળે, બધું એકદમ ચકચકિત હોય, દરેક વસ્તુ એની જગ્યાએ ખૂબ સરસ રીતે ગોઠવેલી હોય, આખું ઘર એવું હોય કે તમે ક્યાંયથી નાની અમથી ખામી સુધ્ધાં શોધી ન શકો. તેની સામે કેટલાંક ઘરમાં બધું દે ધનાધન હોય. આખા ઘરમાં અવ્યવસ્થા આંટો મારી ગઇ હોય. ગમે એ ગમે ત્યાં પડ્યું હોય. આપણને બે ઘડી એમ થઇ જાય કે, આ લોકોને આવા ઘરમાં કેમ ફાવતું હશે? કોઇ સાફસફાઇ ન હોય ત્યારે આપણે એવું પણ માની લેતા હોય છીએ કે, એક નંબરના આળસુ લોકો લાગે છે. આ વિશે હમણાં એક રસપ્રદ અભ્યાસ બહાર આવ્યો છે. આ અભ્યાસમાં એવું કહેવાયું છે કે, ઘર અવ્યવસ્થિત હોય કે ચોખ્ખું ન હોય તો એ ખરાબ છે અથવા તો એ ઘરના લોકોની માનસિકતા બરાબર નથી એવું માની લેવાની કોઇ જરૂર નથી. સાફસૂથરું, મસ્ત રીતે ગોઠવેલું ઘર જોઇને ભલે ઇમ્પ્રેસ થઇએ, પણ એવું માની લેવાની જરાયે જરૂર નથી કે એ ઘરના લોકો મેચ્યોર અને સક્સેસફુલ છે. સામા પક્ષે અવ્યવસ્થિત ઘર નાકામ, નિષ્ફળ, આળસ કે બીજા કશાનું પ્રતીક નથી.
ચોખ્ખાઇ રાખતા લોકો વધુ સમજુ, સારા અને બુદ્ધિશાળી હોય છે એ વાત પણ સાચી નથી. મિનિસોટા યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એકદમ ચોખ્ખીચણક અને બીજી અવ્યવસ્થિત ઓફિસોમાં કામ કરતા લોકોની રચનાત્મકતા માપવામાં આવી હતી. મજાની વાત એ છે કે, આલિશાન અને ખૂબ જ વ્યવસ્થિત ઓફિસમાં કામ કરનારા લોકો કરતાં પ્રમાણમાં ગંદી અને અવ્યવસ્થિત ઓફિસમાં કામ કરતા લોકોની ક્રિએટીવિટી વધુ જોવા મળી હતી. આ અભ્યાસ બાદ એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે, સફાઇ ન કરનાર વ્યક્તિ બેદરકાર કે નિષ્ફળ હોતી નથી. કેટલાક લોકોને તો ઓફિસ કેવી છે એનાથી પણ ખાસ કશો ફેર પડતો નથી. ઓફિસ કેવી છે એના કરતાં પણ વધુ તો કામ કરવાની મજા આવે એ જરૂરી છે. ફાઇવ સ્ટારને ટક્કર મારે એવી ઓફિસ હોય, પણ જો ત્યાં કામ કરવાની જ મજા ન આવતી હોય તો એવી ચોખ્ખી ઓફિસથી કોઇ અર્થ સરતો નથી.
ક્રિએટિવ લોકોના બીજા એક સાયકોલોજિકલ સ્ટડીમાં એવું બહાર આવ્યું હતું કે, જે લોકો કંઇક સર્જન કરે છે એને સફાઇ સાથે ખાસ કોઇ સંબંધ હોતો નથી. ક્રિએટિવ લોકોનું મગજ ટાઇમ મેનેજમેન્ટ કે પ્રાયોરિટીઝ નક્કી કરવામાં સામાન્ય માણસની જેમ કામ કરતું નથી. પહેલાં શું કરવું અથવા તો ક્યારે શું કરવું એની એને ખાસ ગતાગમ પડતી નથી. ક્રિએટિવ લોકોમાં આમેય થોડુંક ધૂનીપણું હોય છે. એનું ધ્યાન એની કલા, એના વિચારો અને એના કામમાં જ હોય છે. બાકી ગમે એવું હોય એને ખાસ કોઇ ફેર પડતો નથી. હા, કોઇ કરી આપે તો એને કંઇ પ્રોબ્લેમ હોતો નથી. કેટલાક કલાકારો તો એવા પણ હોય છે કે જો એના રૂમમાં કે એ જ્યાં પોતાનું સર્જન કરતા હોય એ જગ્યામાં જરાકેય ફેરફાર કરો તો એનું પોતાના કામમાં જ ધ્યાન પડતું નથી. એ પહેલેથી જ કહી દેતા હોય છે કે, મારું જ્યાં જેમ પડ્યું છે એમ જ રહેવા દેજો. એવા પણ લોકો હોય છે જેને વધુ પડતી ચોખ્ખાઇ ફાવતી નથી. એને અવ્યવસ્થિતમાં જ અનુકૂળતા રહેતી હોય છે. કેટલાંક ઘરમાં જે રીતે ચીજવસ્તુઓ આડીઅવળી પડી હોય છે એ જોઇને એવું લાગે કે, આને જે જોઇતું હોય તે કેમ મળતું હશે? અલબત્ત, તેના વિશે પણ અભ્યાસ એવું જ કહે છે કે, એ પોતાને જોઇએ એ આસાનીથી શોધી લે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે, ઘર આપણા માટે છે, આપણે ઘર માટે નથી, મન થાય એમ રહેવાનું. કેટલાક લોકો સવારે પથારી પણ સરખી કરતા હોતા નથી, ચાદર પણ ન સંકેલે. પતિ-પત્નીના કિસ્સામાં જો બંનેની મેન્ટાલિટી એકસરખી હોય તો કોઇ વાંધો આવતો નથી, બાકી જો એકને ચોખ્ખું ગમે અને બીજાને ગમે તેમ ચાલે એવું હોય તો પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધી જાય છે. આપણે ઘણાં ઘરોમાં એવું જોતા હોઇએ છીએ કે, ઘરની ચોખ્ખાઇ બાબતે ઝઘડા થતા હોય. આ સરખું મૂક તો! કેટલીક સ્ત્રીઓને જે જ્યાં હોય એ જ જગ્યાએ રાખવું હોય છે, જરાકેય આડુંઅવળું થાય તો એનું મગજ છટકે છે. એમાં એનો કોઇ વાંક નથી હોતો, એની માનસિકતા જ એવી થઇ ગઇ હોય છે.
માણસ ઘણી વખત સારી હોટલમાં જાય ત્યારે ઇમ્પ્રેસ થતો હોય છે. હોટલનો રૂમ એકદમ વ્યવસ્થિત હોય છે. આ અંગે પણ રિસર્ચ એવું કહે છે કે, હોટલમાં હોય એ હોટલમાં જ સારું લાગે, ઘરમાં નહીં. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇને એક ફાઇવસ્ટાર હોટલ બહુ ગમતી હતી. તેણે એવું નક્કી કર્યું કે, આ હોટલનો રૂમ છે એવો જ રૂમ મારે ઘરમાં બનાવવો છે. તેના આર્કિટેક્ટે ના પાડી કે ઘર એ ઘર છે, એના રૂમને હોટલ જેવો ન બનાવાય. એ માણસે તો પણ જીદ પકડીને હોટલ જેવો જ રૂમ બનાવડાવ્યો. થોડા જ સમયમાં એ માણસ થાકી ગયો હતો. ઘરની ચોક્કસ પ્રકારની આઇડેન્ટિટી હોય છે. દરેક માટે એ જુદી હોઈ શકે પણ એ હોય છે. ઘર ક્યારેય એકદમ પરફેક્ટ હોતું નથી, હોવું પણ ન જોઇએ, થોડુંક તો અવ્યવસ્થિત હોવાનું જ છે. એમાંયે જે ઘરમાં બાળકો છે એ ઘરની તો હાલત બોલાઇ જતી હોય છે. અલબત્ત, એ જ તો ઘરની મજા છે.
ઘરમાં કેટલી ચીજવસ્તુઓ છે એના કરતાં પણ વધુ મહત્ત્વ એ વાતનું છે કે, આપણે કેટલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જે વસ્તુ તમે નિયમિત વાપરતા હોવ એના કરતાં ન વપરાતી અથવા તો ઓછી વપરાતી ચીજવસ્તુઓ વધુ હોય છે. કેટલાક કિસ્સામાં તો કંઇક લાવીને રાખી દીધા પછી આપણે ભૂલી જતા હોઇએ છીએ કે, આપણી પાસે આ વસ્તુ છે. જે રોજ વપરાતી હોય એ ચીજવસ્તુઓ ઘસાવવાની અને બગડવાની પણ છે. તમે માર્ક કરજો, ઘરની કેટલીક ચીજોની આપણને એવી આદત પડી ગઇ હોય છે કે, સાવ ભંગાર હાલતમાં હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઇએ છીએ. નવી લેવી પરવડતી હોય તો પણ આપણે જૂની વસ્તુ વાપરતા હોઇએ છીએ. તેની સાથે એક કમ્ફર્ટ થઇ ગઇ હોય છે. અંતમાં એક યાદ રાખવા જેવી વાત એ છે કે, કોઇના ઘર વિશે સારો કે ખરાબ અભિપ્રાય ન આપી દો, આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું. ઘર સરખું ગોઠવેલું કે સાવ ચોખ્ખું ન હોય તો પણ એ ઘરમાં રહેતા લોકો વિશે નબળું માની કે ધારી લેવાની જરૂર નથી. દરેક માટે છેલ્લે તો પોતાનું ઘર સ્વર્ગ હોય છે. ઘર ગમે એવું હોય પણ એ ન ભૂલવું જોઇએ કે, ઘર લોકોથી બને છે. જીવતું ઘર પોતાના લોકોના પ્રેમ, લાગણી અને આત્મીયતાથી બને છે. જો એ નહીં હોય તો ઘર ગમે એવું હશે, જીવવાની મજા આવવાની નથી!


———

પેશ-એ-ખિદમત
શિકવા તો નહીં કરતા સનમ કોઇ સિતમ કા,
યે બાત અલગ દિલ મેરા નાદાન નહીં હૈ,
આંખોં સે મેરી કહતા હૈ આઇના યે હર બાર,
યે જિસ્મ મેરી રૂહ કી પહચાન નહીં હૈ.
– નબીલ સય્યદ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 05 ફેબ્રુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *