જિંદગી જેટલી વહેલી
સમજાય એટલું સારું છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
જિંદગીનો એક પ્રોબ્લેમ એ છે કે, જિંદગી થોડીક સમજાય
ત્યાં સુધીમાં તો અડધી જિંદગી પૂરી થઇ ગઇ હોય છે.
જિંદગી વિશે સ્ટીવ જોબ્સ અને રાકેશ ઝુનઝુનવાલા જે કહી ગયા છે
એ વાત સમજવા જેવી છે. શાંતિ, સ્વસ્થતા અને સંબંધો
સજીવન હોય એ ખૂબ જરૂરી છે!
———–
તમારી જિંદગી વિશે તમે શું માનો છો? તમને તમારી જિંદગીથી સંતોષ છે? તમને જિંદગી જીવવાની મજા આવે છે? તમને કોઇ આવા સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આપણી એક જિંદગીના અનેક પડાવો હોય છે. દસ વર્ષે બાળકને જિંદગી જુદી લાગતી હોય છે. વીસ વર્ષે આંખોમાં અનેક સપનાંઓ અંજાયેલાં હોય છે. ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ. બર્થ ડે ઊજવાતા રહે છે અને જિંદગી ઘટતી રહે છે. જિંદગીની સૌથી મોટી સમસ્યા જો કોઇ હોય તો એ છે કે, જિંદગી સરખી સમજાય ત્યાં તો એ અડધી પૂરી થઇ ગઇ હોય છે. માણસ છેક સુધી જિંદગીને સેટલ કરવા મથતો જ રહે છે. જરાક એવું લાગે કે, હવે જવાબદારીમાંથી મુક્ત થયા છીએ ત્યાં વળી કંઇક નવું સામે આવીને ઊભું રહી જાય છે. આપણે નસીબ, લક, તકદીર, ડેસ્ટિની જેવી વાતો કરીને ક્યારેક સાંત્વના તો ક્યારેક સહાનુભૂતિ મેળવતા રહીએ છીએ. દરેક માણસે દરેક પરિસ્થિતિમાં પોતાનાથી થઇ શકે એટલું બેસ્ટ કરવાના પ્રયાસો કર્યા હોય છે. ખૂબ મહેનત કર્યા પછી જ્યારે એવો વિચાર આવે છે કે, મારે જે જોઇતું હતું એ મને મળ્યું છે ખરું? જિંદગીના સવાલો સહેલા હોતા નથી અને જવાબો તો તેનાથી પણ અઘરા હોય છે.
સૌથી સુખી માણસ એ છે જેના મનમાં કોઇ ભાર નથી. મોટા ભાગના લોકો કોઇ અફસોસ સાથે જીવતા હોય છે. કોઇને પોતાની વ્યક્તિ સાથે ઇશ્યૂ છે, તો કોઇને પોતાનાં સંતાનો સાથે જ બનતું નથી. કોઇને મિત્ર હેરાન કરી ગયા છે, તો કોઇ સાથે દગો ફટકો થયો છે. રિલેશનશિપ ક્રાઇસિસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. માણસ આર્થિક ફટકો સહન કરી શકે છે, પણ માનસિક આઘાત પચાવી શકતો નથી. સૌથી મોટી વેદના પોતાના લોકો જ આપતા હોય છે. માણસ પોતે ધારતો હોય અને ઇચ્છતો હોય એમ જીવી શકતો નથી. એના કારણે ફરિયાદો જન્મે છે, પરિણામે જિંદગી વેડફાતી રહે છે.
જિંદગી દરેક તબક્કે કંઇક શીખવતી હોય છે. આપણે કેટલું શીખીએ છીએ તે મહત્ત્વનું હોય છે. દુનિયામાં જેટલા મહાન માણસો થઇ ગયા છે એમણે જતી જિંદગીએ એવી જ વાત કરી છે કે, જિંદગીમાં ધનદોલત, સુખ સાહ્યબી અને સાધનો જરૂરી છે, પણ એ બધાં કરતાંયે વધુ મહત્ત્વનું કંઇ હોય તો એ છે પ્રેમ, સંબંધ અને સ્વાસ્થ્ય. જે લોકોને આ ત્રણ તત્ત્વો વહેલાં સમજાઈ જાય છે એ લોકો જિંદગી સારી રીતે જીવી શકે છે. ઘણા લોકોને જિંદગી પૂરી થઇ જાય ત્યાં સુધી આવું બધું સમજાતું જ નથી. સમજ, ડહાપણ, આવડત, બુદ્ધિ અને જ્ઞાન સરવાળે એ જ સાબિત કરે છે કે, આપણને કેવું જીવતા આવડે છે? જિંદગી વિશે બે સફળ વ્યક્તિઓ એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને રાકેશ ઝુનઝુનવાલાએ જે વાત કરી છે એ સમજવા જેવી છે. સ્ટીવ જોબ્સને પેન્ક્રિયાઝ કેન્સર ડિટેક્ટ થયું હતું. ડોક્ટરે તેમને કહી દીધું હતું કે, હવે તમારી પાસે માંડ પાંચ-છ મહિના છે. સ્ટિવ જોબ્સે કહ્યું, આ મરવા માટેની તૈયારીનો સમય હતો. મારે ફેમિલીને કહી દેવાનું હતું કે, હવે હું જઇ રહ્યો છું. જે કંઇ વ્યવસ્થાઓ કરવાની હોય એ પૂરી કરવાની હતી. હું એક એવી બીમારીનો ભોગ બન્યો હતો જે લાઇલાજ હતી. તમે ગમે તે હોવ અને તમારી પાસે ગમે તેટલું હોય એનાથી કોઇ જ ફેર પડતો નથી એ વાત મને ત્યારે બરાબર સમજાઇ ગઇ હતી. મારી સારવાર દરમિયાન પેન્ક્રિયાઝના કેન્સરનું સ્ટેજ અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવાના હતા. લેબોરેટરીમાં જે ડોક્ટર ચેક કરતા હતા તેની આંખોમાં ત્યારે આંસુ હતાં. જ્યારે એને ખબર પડી કે, કેન્સર ઓપરેટ થઇ શકે એમ છે અને તબિયત સુધરી શકે એમ છે. ઓપરેશન થયું અને હું સારો થયો. બીમારીના સમય દરમિયાન મને સમજાયું કે, મોત ગમે ત્યારે આવી શકે છે એટલે રોજ એવી રીતે જ જીવવાનું કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે. અઘરા સમયે જે તમારી સાથે હોય છે એ તમારા લોકો જ હોય છે, બાકીનું બધું જ ગૌણ થઇ જાય છે. જિંદગીની પ્રાયોરિટીઝ શું છે એના વિશે વિચાર કરીને જ આગળ વધવું જોઇએ. દરેક વ્યક્તિએ સમયને ઓળખવો જોઇએ, કારણ કે જિંદગીમાં એ સતત ઘટતો જતો હોય છે.
હવે રાકેશ ઝુનઝુનવાલાએ જે કહ્યું છે તેના પર નજર કરી લઇએ. 40 હજાર કરોડની નેટવર્થ થઇ ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને કેવું લાગે છે? તેમણે સરસ વાત કરી હતી કે, કેટલી સંપત્તિ છે એ મહત્ત્વનું છે જ નહીં, ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કેવી રીતે જીવો છો! મારી પાસે અત્યારે જે સંપત્તિ છે એના દસ ટકા જેટલી જ હોત તો પણ હું અત્યારે જીવું છું એમ જ જીવતો હોત. હું રહું છું એ જ ઘરમાં રહેતો હોત. રાકેશ ઝુનઝુનવાલાને સિગાર અને દારૂની આદત હતી. તેણે કહ્યું કે, મારે એમાં ધ્યાન રાખવાની જરૂર હતી. આદતો પડતા પડી જાય છે, પણ એ તમને બહુ હેરાન કરે છે. સ્વાસ્થ્ય સૌથી મોટી મૂડી છે એ સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હોય છે. હું એનો પણ અફસોસ કરતો નથી. જિંદગી જીવવામાં માનું છું. રાકેશ ઝુનઝુનવાલાના નામે કેટલીય વાતો સોશિયલ મીડિયા પર ફરતી રહે છે. કેટલીક એવી વાતો છે, જે તેમણે કરી નથી પણ તેમના નામે ફરે છે. તેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા જીવનસાથી, તમારા પરિવારજનો અને તમારા મિત્રોને પ્રેમ કરો, એ જ તમારી જિંદગીને જીવવા જેવી બનાવે છે.
જિંદગીમાં સફળતાનો ડાઉટ જરૂરી છે. એ વાત પણ સાચી છે કે, તમે કંઇક હોવ તો જ લોકો તમારો ભાવ પૂછે છે. ધ્યાન રાખવા જેવી વાત એ પણ છે કે, કંઇક બની ગયા પછી શું? આપણે ટોચ ઉપર હોઇએ અને એકલા હોઇએ તો એનો કોઇ અર્થ રહેતો નથી. એવા ઘણા સફળ અને ધનાઢ્ય લોકો છે જે એકલતાથી પીડાય છે. જેની સાથે વાત કરવાવાળું કોઇ નથી. કેવી રીતે ટાઇમ પાસ કરવો એ એમના માટે સૌથી મોટો ઇશ્યૂ છે. જિંદગીનો કોઇ પણ તબક્કો હોય તમારી સાથે જેને પોતાનું કહી શકાય એવું કોઇ હોય તો એ પૂરતું છે. કોઇનો સાથ હશે તો સંઘર્ષ પણ સરળ રહેશે. જેટલી સફળ વ્યક્તિ છે એની જિંદગી પર પણ નજર નાખી જોજો, લગભગ તમામે એવું કહ્યું છે કે, મારા ફેમિલીના સાથે મારા માટે આ શક્ય બનાવ્યું છે. મૂલ્યો, સિદ્ધાંત અને સંસ્કાર એ જ છે જે આપણને આપણી અને આપણા લોકોની નજીક લઇ જાય. લોકો ધીમે ધીમે એકલા પડી રહ્યા છે, રિઅલ વર્લ્ડને બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં રાચવા લાગ્યા છે. જે નજીક છે એ દૂર ન થઇ જાય એની કાળજી રાખવાનો આ સમય છે. બાકી બધું મળી રહેશે, પણ પોતાની વ્યક્તિ અને થોડાક મિત્રો નહીં હોય તો જતી જિંદગીએ બધું વ્યર્થ લાગશે. માત્ર કામ, કરિયર, સફળતા, પોપ્યુલારિટી અને સ્ટેટસ સારી જિંદગી માટે જરૂરી નથી, એ બધું તો એન્જોય કરી શકાશે જો આપણી પાસે આપણા લોકો અને આપણા મિત્રો હશે. પોતાના લોકોને સમય અને સાથ આપો. કોઇનો હાથ હાથમાં હોય એ જરૂરી છે અને પાછળ વળીને જોઇએ ત્યારે થોડાક એવા ચહેરા પણ હોવા જોઇએ જે હોંકારો દેવા હાજર હોય!
———
પેશ-એ-ખિદમત
ભૂલા ભી દે ઉસે જો બાત હો ગઇ પ્યારે,
નયે ચરાગ જલા રાત હો ગઇ પ્યારે,
ન તેરી યાદ ન દુનિયા કા ગમ ન અપના ખયાલ,
અજીબ સુરત-એ-હાલાત હો ગઇ પ્યારે.
– હબીબ જાલિબ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 સપ્ટેમ્બર, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com