આપણે એકલા સારા હોઇએ
એટલું પૂરતું થોડું છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઇ બારી બહારનાં દૃશ્યો નિહાળે છે,
કોઇ એ દૃશ્યો વિશે કરતું રહે અટકળ,
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?
-જાતુષ જોશી
સારા બનવાનો, સારા હોવાનો અને સારા રહેવાનો મહિમા બહુ ગવાયો છે. આપ ભલા તો જગ ભલા. આપણે સારા તો બધું સારું. ખરેખર આવું હોય છે ખરું? આપણે ગમે એટલા સારા હોઈએ, પણ જો દુષ્ટ, બદમાશ, લુચ્ચા, નાલાયક અને સહન ન થાય એવા લોકો સાથે પનારો પડી જાય તો? આપણને એમ થાય કે, કયા ભવમાં પાપ કર્યાં હશે કે મારી જિંદગીમાં આનો પ્રવેશ થયો! વારસામાં પણ કેટલાક એવા સંબંધો મળે છે જે સહન થઇ શકતા નથી. લોહીના સંબંધોમાં જ લોહી રેડાયું હોય એવી ઘટનાઓ આપણે જોઇ હોય છે. સ્વાર્થ, મિલકત, વારસો અને આધિપત્ય માટે માણસ ઘણી વખત કોઇ પણ હદ સુધી જાય છે. આપણને એમ થાય કે, કોઇ માણસ પોતાના લોકો સાથે આવું કેવી રીતે કરી શકે? સારા માણસને એવા જ વિચાર આવતા હોય છે કે, બધા સારા હોય તો કેવું સારું? કોઇ કોઇની સાથે ઝઘડે નહીં, કોઇ કોઇને હેરાન કરે નહીં, બધા એકબીજા સાથે શાંતિ અને પ્રેમથી રહે તો કેવું સારું! અલબત્ત, એવું હોતું નથી. એવું ક્યારેય હોવાનું પણ નથી. માણસજાતનો ઇતિહાસ જોઇ જજો, રાક્ષસો અને ક્રૂર લોકો પહેલાં પણ હતા. દાનવ હતા એટલે તો દેવની કદર થઇ? શું સારું છે એ જાણવા અને સમજવા માટે જે ખરાબ છે એનું હોવું પણ જરૂરી છે. જેલ એ વાતના પુરાવા છે કે, પ્રાણીઓની જેમ માણસોને પણ પૂરવા પડે છે. જેમ આદમખોર પ્રાણીઓને પકડીને પ્રાણીસંગ્રહાલયોમાં રાખવામાં આવે છે એવી જ રીતે સમાજને શાંતિથી જીવવા ન દેનારા લોકોને જેલમાં ધકેલવા પડે છે. મહેલને સલામત રાખવા જેલ જરૂરી છે. દુનિયામાં આપણે સારા હોઇએ એટલું પૂરતું નથી, ખરાબથી બચતા અને દૂર રહેતા પણ આપણને આવડવું જોઇએ. ક્યારેક કોઇ કારણોસર પનારો પડી જાય તો છુટકારો પણ મેળવવો પડતો હોય છે.
દરેક માણસને પોતાનું સુખ અને પોતાની શાંતિ શોધવાનો અધિકાર છે. જિંદગી જંપ માટે છે, જંગ માટે નહીં. જિંદગીના મેદાનમાં ક્યારેક જીતવા કરતાં ખસી જવું વધુ બહેતર હોય છે. લડવામાં પણ છેલ્લે તો આપણી શક્તિ જ વેડફાવાની છે. એક છોકરીની આ વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. મેરેજ પછી ખબર પડી કે, તેનો પતિ તો વિચિત્ર માણસ છે. તેની સાથે જીવી શકાય એવું લાગતું નહોતું. આખરે તેણે જુદા પડી જવાનું નક્કી કર્યું. છોકરીની મિત્રએ કહ્યું કે, તેણે તારી જિંદગી બરબાદ કરી છે. તું પણ એને છોડતી નહીં. એને પણ બતાવી દેજે. એ છોકરીએ કહ્યું કે, એની સાથે રહીને મેં અત્યાર સુધી તો મારો સમય અને મારી શક્તિ બગાડી છે. હવે મારે વધારે કંઇ બગાડવું નથી. આપણી તકદીર બગાડવી ન હોય તો દુષ્ટ લોકોને પણ એના નસીબ પર છોડી દેવા જોઇએ. ઘણી વખત કિનારો કરી લેવામાં માલ હોય છે. સામા પૂરે તરવાની બહુ વાતો થાય છે, પણ ઘણી વખત સમય વર્તીને પૂર જે દિશામાં હોય એ દિશામાં તરીને સેફ સ્થળે પહોંચી જવાનું હોય છે. પૂર ઓસરે પછી ક્યાં જ્યાં જવું હોય ત્યાં નથી જઇ શકાતું? કુદરતે શક્તિ સદ્ઉપયોગ માટે આપી છે, નક્કામા અને વાહિયાત લોકો પાછળ વેડફવા માટે નહીં!
જિંદગીનું એક સત્ય એ પણ છે કે, આપણે કંઇ બદલી શકતા નથી. ન સમયને, ન સંજોગને, ન સ્થિતિને કે ન વ્યક્તિને. આપણે માત્ર ને માત્ર પોતાને બદલી શકીએ છીએ. આપણે જો આપણી જાતને બદલીએ તો બધું જ બદલી જાય છે. બધું હાથમાં કે કંટ્રોલમાં રાખવાની કોશિશ પણ ન કરવી જોઇએ. જતા હોય એને રોકવાના પ્રયાસો વ્યર્થ હોય છે. જે જવાના છે એ જવાના જ છે. આપણે ઘણી વખત ફાંફાં મારતા હોઇએ છીએ. બધું સારું કરી દેવા માટે, પરિસ્થિતિ સુધારવા માટે અને બધું સમુંનમું કરવા માટે. બગડેલું હોય એને સુધારવાના પ્રયાસ કરવા જોઇએ એમાં ના નહીં, પણ બધું કરી લીધા પછી જ્યારે એવું લાગે કે, આ સંબંધમાં હવે કંઇ રહ્યું નથી ત્યારે મુક્તિ જ બહેતર હોય છે. એક ડોક્ટર હતા. તેમણે કહ્યું કે, અમારે ઘણા કિસ્સામાં માણસોનાં અંગ કાપવાં પડે છે. આવું અમે ત્યારે જ કરીએ છીએ જ્યારે દવા કે આપરેશનથી સારું થઇ શકે એમ ન હોય. સંબંધમાં પણ દરેક વખતે દવા કે આપરેશન કામ લાગતા નથી!
સારા હોય એણે સારા રહેવા માટે પણ ખરાબથી દૂર થઇ જવું પડતું હોય છે. એક છોકરાની આ વાત છે. એ ખૂબ જ સારો અને ભલો હતો. કોઇનું બૂરું ન કરે, ન કોઇનું ખરાબ વિચારે. તેના મેરેજ થયા. તેની પત્ની બહુ ગણતરીબાજ હતી. તેણે ધીમે ધીમે પાઠ ભણાવવાના શરૂ કર્યા. આટલા બધા સારા રહેવામાં માલ નથી, દુનિયા તમને કાચેકાચા ખાઇ જશે, બધા તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ધીમે ધીમે એ પણ તેની પત્ની જેવો થઇ ગયો. એક વખત તેના મિત્રએ કહ્યું, તું તો આવો નહોતો, આવું કેમ વિચારવા લાગ્યો? આખરે એ યુવાનને વાત સમજાઇ. તેણે કહ્યું કે, સાચી વાત છે. મારી પત્નીના કારણે હું આવો થઇ ગયો. યુવાને કહ્યું કે, તું એના જેવો થઇ ગયો, એ કેમ તારા જેવી સારી ન થઇ? ઘણી વખત આપણે કેવા રહેવું એ આપણે નક્કી કરવાનું હોય છે. જિંદગીમાં રસ્તા પર નજર રાખવી પડતી હોય છે. જો જરાકેય નજર ચૂકી તો ભટકી જવાય છે. ક્યારેક અટકી જવાય એનો વાંધો નથી, ભટકી ન જવાય એનું ધ્યાન રાખવું પડતું હોય છે. અટકી ગયા પછી પણ તમે હશો તમારા જ રસ્તે, જો ભટકી ગયા તો ક્યાં પહોંચી જવાશે તેની ખબર રહેતી નથી.
સારા છો તો સારા રહો. બીજા બધા સારા હોય એવી અપેક્ષા પણ ન રાખો. બીજાને એક હદથી વધુ સારા બનાવવાના પ્રયાસ પણ ન કરો. એનું કારણ એ છે કે, જેને સારા થવું જ નહીં હોય એનામાં તમે જરાયે બદલાવ લાવી શકશો નહીં. બીજા શું કરે છે એની પણ બહુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. આપણે શું કરવું છે એ જ નક્કી કરવાનું હોય છે. આજના સમયનો સૌથી મોટો પડકાર જો કોઇ હોય તો એ આપણું સારાપણું ટકાવી રાખવાનો છે. આપણી આજુબાજુમાં આપણને બગાડી શકે, બદલાવી શકે અને પોતાના સકંજામાં લઇ શકે એવાં પરિબળો સતત વધતાં જ જાય છે. આજના સમયમાં એ માણસ સંત જ છે, જેને પોતાની શાંતિ અને પોતાના સુખની સમજ છે. સારા રહેવા માટે મહેનત કરવી પડે એવો અત્યારનો સમય છે, એટલે જ આપણે આપણા જેવા રહેવા માટે સતર્ક રહેવું પડે એમ છે!
છેલ્લો સીન :
સારા માણસને સારો રહેવા દેવો હોય તો એની સાથે આપણે પણ સારા રહેવું પડે છે. માણસનું વર્તન છેલ્લે એવું જ થઇ જતું હોય છે જેવું વર્તન આપણે તેની સાથે કરીએ! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 સપ્ટેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com