તમે ક્યારેય એકલા
ફરવા ગયા છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
સોલો ટ્રાવેલનો ટ્રેન્ડ ધીમે ધીમે વધી રહ્યો છે. એકલા હોઈએ ત્યારે
પોતાની સાથે સમય પસાર કરવા મળે છે. અલબત્ત, ઘણા
લોકોને કંપની વગર ફરવા તો શું ફિલ્મમાં જવાની મજા પણ આવતી નથી!
———–
ફરે એ ચરે અને બાંધ્યો ભૂખે મરે, આ કહેવત તો તમે સાંભળી જ હશે. ફરવાનો મહિમા ખૂબ ગવાયો છે. ફરવાથી એક્સપ્લોઝર મળે છે, દુનિયા કેવી છે એનો ખયાલ આવે છે અને સૌથી મોટી વાત તો એ કે રૂટિનથી બ્રેક મળે છે. ભારતીયો સારા પ્રવાસીઓ છે અને એમાંય ગુજરાતીઓ તો ફરવામાં અવ્વલ છે. ગુજરાતી વિશે એવું કહેવાતું રહ્યું છે કે, તમે વર્લ્ડના કોઈ પણ ટૂરિસ્ટ પ્લેસ પર જાઓ, તમને ત્યાં કોઈ ને કોઈ ગુજરાતી તો મળી જ આવશે. દિવાળી હવે માત્ર ઉજવવાનો તહેવાર રહ્યો નથી, ફરવાનો મોકો પણ થઇ ગયો છે. હવે ફરવાનાં પ્લાનિંગ મહિનાઓ પહેલાં થઇ જાય છે. મોટા ભાગે આપણે બધા કાં તો ફેમિલી સાથે અને કાં તો ફ્રેન્ડ્સ સાથે ફરવા જતા હોઇએ છીએ. કપલ માટે ફરવું એ એકબીજાને ઓળખવાની અને એકબીજાની વધુ નજીક જવાની ઘટના છે. ફરવું એ દરેક માણસની પ્રકૃતિમાં હોય જ છે. કોઇને નજીકમાં અને જાણીતી જગ્યાએ તો કોઇને દૂર અને અજાણી જગ્યાએ ફરવા જવાનું ગમતું હોય છે. દરેક વ્યક્તિનું એક ડ્રીમ ડેસ્ટિનેશન પણ હોય છે. બધાનાં મનમાં હોય છે કે, મેળ પડે તો એક વખત ત્યાં ફરવા જવું છે. તમને કોઇ પૂછે કે, તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું છે તો તમે કયા સ્થળનું નામ આપો? બીજો સવાલ, તમે કોની સાથે ફરવા જાવ? બીજા સવાલનો હવે થોડોક જુદો જવાબ મળવા લાગ્યો છે! કોની સાથે જવું ગમે એવું પૂછો તો કદાચ એવો જવાબ મળે કે, એકલા! કોઈ નહીં, હું એકલો કે એકલી. મારી મસ્તીમાં મસ્ત. બીજું કોઇ ન જોઇએ. મારું મન થાય ત્યાં રોકાઉં, મારું મન થાય ત્યાં ફરું. કોઇ રોકવાવાળું નહીં, કોઇ ટોકવાવાળું નહીં.
આપણા દેશ સહિત આખી દુનિયામાં સોલો ટ્રાવેલનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. અમેરિકામાં થોડા સમય અગાઉ સોલો ટ્રાવેલિંગ પર એક અભ્યાસ થયો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, વર્ષ 2011માં સોલો ટ્રાવેલર્સની સંખ્યા 6 ટકા જેટલી હતી. હવે એ વધીને 16 ટકા જેટલી થઇ ગઇ છે. એકલા ફરનારા વધતા જતા હોવાથી હોટલો અને ટૂર પ્લાનર્સ પણ હવે એકલા પ્રવાસીઓ માટે જુદી જુદી સ્કીમો તૈયાર કરી રહ્યા છે. ટૂર ઓર્ગેનાઇઝર્સ વિચારે છે કે, સોલો ટ્રાવેલર્સને શું જોઇએ છે? એકલા ફરવા જનારાઓના મૂડ અને માનસિકતાના પણ અભ્યાસ થઇ રહ્યા છે. એમાંયે ઇન્ડિયન્સ માટે ખાસ વ્યવસ્થાઓ થઇ રહી છે. એનું કારણ એ છે કે આગામી સમયમાં સૌથી વધુ ભારતીયો એકલા ટ્રાવેલ કરવાના છે!
સોલો ટ્રાવેલિંગ વિશે હમણાં જ થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, હવે પછીના સમયમાં અમેરિકન, બ્રિટિશર કે ઓસ્ટ્રેલિયન્સ કરતાં ઇન્ડિયન મોટી સંખ્યામાં એકલા ફરવા નીકળવાના છે. અમેરિકન એક્સપ્રેસનો 2024નો ગ્લોબલ ટ્રાવેલ ટ્રેન્ડસ રિપોર્ટ એવું કહે છે કે, 84 ટકા ઇન્ડિયન્સ એકલા ફરવા જવાનું પસંદ કરશે! આ આંકડો બીજા દેશોની સરખામણીમાં 16 ટકા વધુ છે. આ સરવૅ ભારત, અમેરિકા, બ્રિટન, મેક્સિકો, જાપાન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં કરવામાં આવ્યો હતો. ભારતીય ટૂરિસ્ટમાં બીજી એક રસપ્રદ વાત પણ બહાર આવી છે. 58 ટકા ઇન્ડિયન્સે એવું કહ્યું કે, મેળ પડે તો ઓચિંતા જ ફરવા નીકળી જવું અમને પસંદ છે. મતલબ કે, બહુ અગાઉથી નક્કી નહીં, મેળ પડે એટલે ઓચિંતા જ નીકળી પડવાનું. ઘણા લોકો એવું કરે પણ છે. મન થાય એટલે કાર લઇને નીકળી પડે છે, જ્યાં રાત પડી અને જ્યાં બુકિંગ મળે એ હોટલમાં રોકાઇ જવાનું. જ્યાં જેટલું મન થાય એટલું રોકાવાનું અને પછી આગળ નીકળી જવાનું. ભારતીયો ખર્ચ કરી જાણે છે એટલે ભારતીયોને આકર્ષવા માટે સૌથી વધુ પ્રયાસો થઈ રહ્યા છે.
બાય ધ વે, તમે ક્યારેય એકલા ફરવા ગયા છો? માનો કે નથી ગયા પણ તમને એકલા ફરવા જવાનો મોકો મળે તો તમે જાવ ખરા? મોટા ભાગના લોકોનો જવાબ હા હશે. એકલા ફરવા જવાનું મન તો બહુ થાય છે પણ મેળ પડવો જોઇએને? આપણે ત્યાં નાના હોઇએ ત્યારથી એકલા ક્યાંય જવાની આદત જ હોતી નથી. મોટા થઇ ગયા પછી પણ મા-બાપ રેઢા મૂકતા નથી. એમાંયે છોકરીઓની સ્થિતિ તો વધુ કફોડી હોય છે. મોટા ભાગની છોકરીઓ માટે આજની તારીખે એકલા ફરવા જવું એ એક સપનું જ છે. જોકે, હવે ધીમેધીમે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. સોલો ટ્રાવેલર્સે પોતાના રસપ્રદ અનુભવો શૅર કરતા રહે છે. એક યુવાને કહ્યું કે, એકલા ફરવામાં મજા એ છે કે, તમારે બીજા કોઇનું ધ્યાન રાખવું પડતું નથી. તમારી સાથે કોઇ હોય ત્યારે તમારે એની પસંદ, નાપસંદને ફોલો કરવી પડતી હોય છે. આપણને ન ગમતું હોય એવું પણ કરવું પડતું હોય છે. ફરવા ગયા હોય ત્યારે ઘણાને રિલેક્સ થઇને પડ્યા રહેવું હોય છે, તો ઘણાને બધું જોઇ લેવું હોય છે. કોઇને વહેલા ઊઠીને ફરવા જવું હોય છે તો કોઇને મોડે સુધી ઊંઘવું હોય છે. કોઇએ તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. જો એકલા ગયા હોઇએ તો આપણે આપણી મરજી પડે એમ હરીફરી શકીએ છીએ. એક છોકરીએ કહ્યું કે, એક વખત હું એવા ગ્રૂપમાં ગઇ હતી જેમાં બે વ્યક્તિ એવી હતી જે સતત વાતો જ કરતી હતી. એક મિનિટ પણ શાંત ન રહે. તમે એને કહી પણ ન શકો કે, મહેરબાની કરીને બંધ થાવને! થોડી શાંતિ રાખો.
એક પતિ-પત્ની છે. એ બંને સોલો ટ્રાવેલર છે. તેણે કહ્યું કે, અમારા બંનેની જોબ એવી છે કે એક સાથે રજાનો મેળ જ પડતો નહોતો. એક વખત અમે બંનેએ સાથે ફરવા જવાનું નક્કી કર્યું હતું. થયું એવું કે, ઇમરજન્સીના કારણે હસબન્ડની રજા છેલ્લી ઘડીએ કેન્સલ થઇ ગઇ. પતિએ પત્નીને કહ્યું કે, તું તો ફરી આવ, મારી રજા કેન્સલ થઇ છે. તારી રજા શા માટે બગાડે છે? પત્ની એકલી ફરવા ગઇ. હસબન્ડને મિસ કરતી હતી પણ તેને સોલો ટ્રીપમાં મજા પણ આવી. હસબન્ડને રજાનો મેળ પડ્યો ત્યારે એ પણ એકલો ફરવા ગયો. તેને પણ સારું લાગ્યું. બંનેએ કહ્યું કે, અમે સાથે ફરવા જઇએ છીએ પણ વર્ષમાં એકાદ વખત તો એકલા ફરવા જવું જ એવું અમે નક્કી કર્યું છે.
એકલા ફરવાનું બધાને ફાવે અને ગમે જ એવું જરૂરી નથી. ઘણાં કપલ તો એવાં પણ છે જેને કંપની વગર ફાવતું જ નથી. આપણે ત્યાં તો એવા કિસ્સાઓ પણ છે કે, હનીમૂનમાં પણ ફ્રેન્ડ અને તેની પત્ની સાથે ગયાં હોય. ફરવાની વાત તો દૂર રહી ઘણા લોકો ફિલ્મમાં પણ એકલા જતા નથી અને હોટલમાં એકલા જમવા કે નાસ્તો કરવા પણ જતાં નથી. એ લોકો એવું માને છે કે, મજા તો સહિયારી જ સારી. કોઈ હોય તો જ ફરવાની મજા આવે. ફરવાના કિસ્સાઓમાં છેલ્લે તો પસંદ અપની અપની જ હોય છે. અલબત્ત, ક્યારેક એકલા ફરવા પણ જવું જોઇએ, એટલું જાણવા ખાતર પણ કે આપણને એકલા ફરવામાં મજા આવે છે કે બધાની સાથે? સોલો ટ્રાવેલિંગમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું સાવ બંધ કરવાની વાત જ નથી, મેળ પડે ત્યારે પોતાની જાતને ફીલ કરવા માટે ક્યારેક એકલા જવું જોઇએ. અગાઉ ક્યારેય એકલા ફરવા ગયા ન હોવ તો પહેલાં કોઈ નજીકના સ્થળે એકલા જઇને ટ્રાય કરી જોવી. એક્સપર્ટ્સ એવી પણ સલાહ આપે છે કે, એકલા ફરવા જાવ એ પહેલાં તમે જ્યાં જતા હોવ ત્યાંની સેફ્ટી અને સુવિધા સહિતની તમામ બાબતો ચેક કરી લેવી જોઇએ. એકલા ફરવા જઇએ ત્યારે પોતાને ગમતું હોય એ જ કરવું એવું પણ કહેવામાં આવે છે. તમારું ધાર્યું કરશો તો જ સોલો ટ્રીપને હન્ડ્રેડ પર્સન્ટ એન્જોય કરી શકશો!
હા, એવું છે!
એકલા રહેવાની પણ આદત કેળવવી પડે છે. ઘણા લોકોને એકલા રહેતા ડર લાગે છે. એ પણ એક જાતનો ફોબિયા જ છે. એકલા રહેવું, ફરવું અને મન થાય એ રીતે જીવવું પણ દરેક માટે શક્ય બનતું નથી.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 એપ્રિલ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com