સોશિયલ મીડિયાનું કોમેન્ટ કલ્ચર
અને લોકોની માનસિકતા
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સોશિયલ મીડિયા પર અપલોડ થતું કન્ટેન્ટ જ નહીં,
કન્ટેન્ટ પર થયેલી કોમેન્ટ પણ રસપ્રદ હોય છે.
અમુક લોકોને દરેક વાતમાં વાંધા જ પડતા હોય છે!
———–
સોશિયલ મીડિયાનો જમાનો છે. કંઈ પણ બને એટલે તરત જ એ ઘટના અને તેનાં રિએક્શન સોશિયલ મીડિયા પર જોવા મળે છે. લોકો જે કંઈ અપલોડ કરે છે એમાં ઘણું બધું તો ખરેખર ખૂબ જ રસપ્રદ હોય છે. વાત ભલે એકબે લાઇનમાં કહેવાઇ હોય પણ ક્રિએટિવિટી જોઇને એવું જ બોલાઇ જાય કે, વાહ શું વાત છે! લોકોને આવા વિચાર ક્યાંથી આવતા હશે? કેટલાંક મિમ્સ અને રીલ્સ પણ કાબિલેદાદ હોય છે. સોશિયલ મીડિયા પર લોકો માત્ર અપલોડ જ નથી કરતા, સૌથી વધુ તો લાઇક્સ અને કોમેન્ટ્સ જ થાય છે. કોમેન્ટ્સનું અલગ જ કલ્ચર ડેવલપ થયું છે. આ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, માણસ જે કોમેન્ટ લખે છે એના પરથી એનો સ્વભાવ, એની પ્રકૃતિ અને એનું વ્યક્તિત્વ છતું થાય છે. તમે માર્ક કરજો અમુક લોકો બાળોતિયાંના બળેલા હોય છે. એને દરેક બાબતમાં વાંધા જ પડે છે. ગમે એટલું સારું કોઇએ લખ્યું હોય તો પણ એ એવું જ લખશે કે, એવું થોડું હોય? તમારે તો બસ વાતો કરવી છે. નારાજગી, ઉશ્કેરાટ, ગુસ્સો અને વિરોધ જ કરવો હોય એ કોઇ ને કોઇ વાંધો શોધી જ લેશે. લેવાવાળા તો નેગેટિવ કોમેન્ટ્સને પણ પોઝિટિવલી લે છે. તેઓ કહેશે, એ એનો અભિપ્રાય છે. તમને એ સાચો લાગતો હોય કે ખોટો, સારો લાગતો હોય કે ખરાબ, એ એની જગ્યાએ છે. દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી છે. એક રીતે જોવા જઇએ તો સોશિયલ મીડિયાની મજા જ એ છે કે, અહીં જુદી જુદી પ્રકૃતિના લોકો મોજૂદ છે.
વૅલ, તમે જ્યારે કોમેન્ટ કરો છો ત્યારે એનો ભાવાર્થ કેવો હોય છે? ચર્ચા કે દલીલ હોઈ શકે પણ એ કેવી હોય છે? આપણો જે અભિપ્રાય હોય છે એની પાછળ કયું તત્ત્વ કામ કરતું હોય છે? આપણે જે લખીએ છીએ કે વિચારીએ છીએ એ આપણા બેકઅપ માઇન્ડમાં ચાલતું જ હોય છે. કેટલાંક પૂર્વગ્રહો આપણામાં ઘર કરી ગયા હોય છે. દરેક વ્યક્તિમાં કોઇ ને કોઇ પૂર્વગ્રહ હોય જ છે. કેટલાંક લોકો એવું કહે છે કે, આપણે તો સોશિયલ મીડિયા પર કંઇ મૂકતા જ નથી, કોઇને લાઇક પણ નહીં કરવાની અને કોઇ કોમેન્ટ પણ નહીં કરવાની! આ પણ એક પ્રકારની માનસિકતા જ છે. ઘણા લોકો એવા હોય છે જે દરેકમાં માત્ર લાઇક જ કરશે, કોમેન્ટ કરશે જ નહીં. કેટલાંકને એવો છૂપો ભય પણ હોય છે કે, આપણે કંઇક લખીશું અને કોઇ તેનો ખોટો અર્થ કાઢશે તો? આપણે કોઇ કંઇ લખે છે કે મૂકે છે એનો કેવો અર્થ કાઢીએ છીએ? આપણું રિએક્શન કેવું હોય છે? આપણે તો કોઇ કેવાં કપડાં પહેરે છે એના વિશે પણ કહી દેતા હોઇએ છીએ કે, આવા ફોટા મૂકતા એને શરમ નહીં આવતી હોય? એના જ ફેમિલીવાળા જુએ તો કેવું લાગે? કોઇ કંઇ લખે ત્યારે પણ એવો વિચાર આવી જાય કે, આવું થોડું લખાય? કોઇનો કંઇ વિચાર જ નહીં કરવાનો?
સોશિયલ મીડિયામાં ઘણી વખત તો એકાદી કોમેન્ટમાં જ રમખાણ મચી જાય છે. ઘણા લોકોને કોમેન્ટ સામે પણ વાંધો પડે છે. કોમેન્ટની અંદર કોમેન્ટ્સનો રાફડો ફાટે છે. અમુક લોકો એવું કહે છે કે, મને કોઇના સ્ટેટ્સમાં રસ નથી પણ બધાની કોમેન્ટમાં બહુ રસ પડે છે. હું તો દરેકની કોમેન્ટ ધ્યાનથી વાંચું છું. એના કારણે લોકો કેવું કેવું વિચારી શકે છે એનો ખયાલ આવે છે. દરેકની પોતાની વિચારવાની પણ એક મર્યાદા હોય છે. બીજા લોકો જુદી રીતે વિચારતા હોય છે. કોઇનો વિચાર કે માન્યતા જુદાં હોય તો એને સ્વીકારવાં જોઇએ. આપણે માનતા હોઇએ એવું જ બધા માને એવું જરૂરી નથી. સોશિયલ મીડિયા પર તમે એવો આગ્રહ રાખી ન શકો કે, તમે જે લખો એને સારો રિસ્પોન્સ જ મળે.
સોશિયલ મીડિયા પરના ટ્રોલર્સની આ વાત નથી, આ વાત તો તમારા, મારા અને આપણા સહુની છે. આપણે કોમેન્ટ કરીએ ત્યારે કંઇક વિચાર તો આપણા મનમાં ચાલતા જ હોય છે. કોમેન્ટમાં વાટકી વ્યવહાર પણ ચાલતો હોય છે. એ મારી પોસ્ટમાં કોમેન્ટ કરે છે એટલે મારે પણ કરવી જોઇએ. ઘણા કિસ્સામાં ઊંધું પણ થાય છે. એ ક્યાં મારી કોઇ પોસ્ટમાં કોમેન્ટ કરે છે? એ ન કરે તો હું શા માટે કરું? સેલિબ્રિટીઝના કિસ્સામાં વળી જુદી માનસિકતા ચાલતી હોય છે. જેને સેંકડો અને હજારો લાઇક મળતી હોય એના વિશે ઘણા એવું વિચારે છે કે, આપણી એક લાઇકથી શું ફેર પડવાનો છે? એવો પણ સવાલ થાય કે, આટલી બધી કમેન્ટ્સ એ સેલિબ્રિટી વાંચતી હશે? આપણી કોમેન્ટ જો એ ન વાંચતા હોય તો કોમેન્ટ કરવાનો મતલબ શું? ઘણા તો વળી એટલે કોમેન્ટ કરતા હોય છે કે, બીજા લોકો તો જોવાના છેને? આપણી નોંધ તો લેવાય! કમેન્ટમાં પોતાની જાહેરાતો મૂકી દેનારા પણ કંઇ ઓછા નથી. એ વેરી ગૂડ, વાહ, અભિનંદન જેવા શબ્દો લખીને સાથે પોતે કોણ છે એ પણ લખી નાખશે.
કોમેન્ટના કારણે ઝઘડા કે મનદુ:ખ થયા હોવાના અનેક કિસ્સા છે. હમણાંની જ એક સાવ સાચી વાત છે. એક છોકરીએ એક પોસ્ટ અપલોડ કરી હતી. તેની એકબે ફ્રેન્ડે એમાં એને ન ગમે એવી કોમેન્ટ કરી. એ છોકરીએ એની કોમેન્ટ તો હાઇડ કરી જ દીધી પણ એ બંનેને બ્લોક પણ કરી નાખી. પર્સનલમાં તતડાવી પણ ખરા કે તારાથી એમ લખાય જ કેવી રીતે? ઘણા એવી આશા પણ રાખતા હોય છે કે, આપણે કંઇ પોસ્ટ કરીએ એટલે અમુક લોકોએ તો લાઇક અને કોમેન્ટ કરવા જ જોઇએ. કોણે કોણે શું કર્યું એની નોંધ પણ રાખવામાં આવતી હોય છે. પોતાની પોસ્ટમાં જે કોમેન્ટ થતી હોય એનું તો ધ્યાન રખાતું હોય છે, બીજાની પોસ્ટમાં પણ કોણે શું લખ્યું છે એના પર પણ નજર રહેતી હોય છે. કેટલાંક કિસ્સામાં તો એની ચર્ચા પણ થાય છે. તેં પેલાની કે પેલીને કોમેન્ટ વાંચી? જબરું લખ્યું છેને કંઇ!
સોશિયલ મીડિયા વિશે એક સરસ વાત પણ કહેવાઇ છે. સોશિયલ મીડિયા એ ગામનો ચોરો જ છે. અગાઉના સમયમાં ગામના ચોરે બેસીને બધા વાતો કરતા હતા. એમાં કૂથલી અને ખટપટ પણ થતી. હવે એ બધું સોશિયલ મીડિયા પર થઇ રહ્યું છે. એમાં તમે કોઇને રોકી ન શકો, ટોકવા હોય તો ટોકી ચોક્કસ શકો. કોઇના માટે કંઇ લખીએ તો સાંભળવાની તૈયારી અને ત્રેવડ પણ રાખવી જોઇએ. જો ટીકા સહન ન થતી હોય તો એનાથી દૂર જ રહેવું. યાદ રાખવા જેવી વાત એ છે કે, આપણે પોસ્ટમાં કે કોઇની કોમેન્ટમાં શું લખીએ છીએ એનાથી આપણી ઇમેજ બનતી હોય છે. ભલે એવું કહેવાતું હોય કે કોઇએ કોઇને જજ ન કરવા જોઇએ, પણ લોકો જજ કરતા જ હોય છે. આપણે પણ ક્યાં કોઇના ફોટા જોઇને કે લખાણો વાંચીને એને જજ નથી કરતા? જેની સાથે કંઇ લાગતુંવળગતું ન હોય એને પણ આપણે જજ કરીએ છીએ તો આપણને જેને જાણીએ છીએ એ લોકો તો આપણને જજ કરવાના જ છીએ. ઘણા લોકો બધી વાતને બહુ સીરિયસલી લેતા હોય છે અને ડિસ્ટર્બ પણ થતા હોય છે. કોઇની નેગેટિવ કમેન્ટ એના મગજમાંથી નીકળતી જ નથી. સોશિયલ મીડિયાને વધુ પડતી ગંભીરતાથી પણ લેવા જેવું નથી. વિવાદોમાં પડવામાં મજા આવતી હોય તો વાત જુદી છે, બાકી બહુ સાવચેતી રાખીને રહેવાનું હોય છે. સોશિયલ મીડિયાથી સમય અને શક્તિ તો બગડે જ છે, મગજ ન બગડે એની કાળજી રાખવી જરૂરી છે!
———
પેશ-એ-ખિદમત
તમામ ઉમ્ર જલે ઔર રોશની રોશની નહીં કી,
યે જિંદગી હૈ તો ફીર હમને જિંદગી નહીં કી,
સિતમ તો યે હૈ કિ મેરે ખિલાફ બોલતે હૈ,
વો લોગ જિન સે કભી મૈંને બાત ભી નહીં કી.
-નદીમ ભાભા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 જૂન, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com