ચેક કરજો, તમને બરાબર સંભળાય તો છેને? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ચેક કરજો, તમને બરાબર
સંભળાય તો છેને?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

સુપ્રસિદ્ધ સિંગર અલકા યાજ્ઞિકે પોતાને કંઈ સંભળાતું નથી
એવું કહીને પોતાને થયેલી રૅર બીમારી વિશેની વાત કરી.
આપણે ક્યારેય ચેક કરતા નથી કે, આપણી શ્રવણશક્તિ
હન્ડ્રેડ પર્સન્ટ કામ કરે છે કે નહીં? મોટા ભાગના લોકો ઓછું સાંભળે છે!


———–

તમને બરાબર સંભળાય તો છેને? તમને કોઈ આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? કદાચ એવું જ કહો કે, સંભળાય છે ત્યારે તો તારો આ સવાલ સાંભળું છું! હું કંઈ બહેરો થોડો છું કે બહેરી થોડી છું? સાંભળવાની વાત આવે એટલે આપણે ધ્યાન દઈને જોઇએ છીએ કે, મારી શ્રવણેન્દ્રિય તો ઓકે છેને? થોડા સમય પહેલાં થયેલો એક સરવૅ એવું કહે છે કે, માણસ સૌથી વધારે બેદરકાર તેમની સાંભળવાની શક્તિ માટે રહે છે. માણસને સંભળાતું હોય એટલે એ માની લે છે કે, બધું બરાબર છે. કોઇને એ સવાલ નથી થતો કે, મારા કાન હન્ડ્રેડ પર્સન્ટ કામ કરે છે કે નહીં? કાન 70 કે 80 ટકા કામ કરતા હોય તો પણ સંભળાવવાનું તો છે જ પણ એ સંપૂર્ણ હોતું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં જેને બહેરાશ આવે છે એને બહુ મોડી ખબર પડે છે કે, મારા કાનમાં કંઇક પ્રોબ્લેમ છે! ઘરના કોઇ લોકો બોલાવે અને જવાબ ન આપે ત્યારે ઘરના લોકોને સવાલ થાય છે કે, તમને સાંભળવામાં કંઇ પ્રોબ્લેમ થાય છે? પોતાને સંભળાતું નથી એ સ્વીકારવા પણ ઘણા લોકો તૈયાર હોતા નથી! સાવ ન સંભળાય ત્યારે તો હજુયે ખબર પડે છે પણ થોડુંક ઓછું સંભળાતું હોય તો ખબર જ નથી પડતી! ગાડું ગબડતું રહે છે એટલે લોકો તેને ગણકારતા પણ નથી.
આપણા દેશની સુપ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિકે હમણાં એવું જાહેર કર્યું કે, મને બહેરાશ આવી ગઇ છે. અલકા યાજ્ઞિક સેન્સરી ન્યૂરલ હીયરિંગ લોસનો શિકાર બની છે. અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, એક દિવસ હું વિમાનમાંથી ઊતરી અને મને લાગ્યું કે મને કંઈ સંભળાતું નથી. અલકા યાજ્ઞિકે લોકોને ઇયર ફોન અને ડીજેથી દૂર રહેવાની પણ સલાહ આપી. અલકા યાજ્ઞિકની પોસ્ટ પર અનેક સેલિબ્રિટીએ કમેન્ટ કરીને અલકા યાજ્ઞિકને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ પાઠવી અને લોકોને પણ પોતાના કાનનું એટલે કે સાંભળવાની શક્તિનું ધ્યાન રાખવા કહ્યું.
આજના સમયમાં યંગસ્ટર્સ મોટા ભાગે કાનમાં ઇયર પ્લગ ભરાવીને જ ફરતા હોય છે. ઇયર બડના કવર પર લખેલું હોય છે કે, ફુલ વૉલ્યૂમથી મ્યુઝિક સાંભળવું કાન માટે નુકસાનકારક સાબિત થાય છે. યંગસ્ટર્સ કોઇ ચેતવણી ગણકારતા નથી. અનેક યુવાનો બાઇક પર જતા હોય ત્યારે પણ હેડ ફોનથી મ્યુઝિક સાંભળવામાં મસ્ત હોય છે. તેને પાછળથી આવતા વાહનનું હોર્ન સંભળાતું નથી અને અકસ્માત સર્જાય છે. ટ્રાવેલિંગ વખતે માર્ક કરજો, મોટા ભાગના લોકોની આંખો મોબાઇલમાં હશે અને કાનમાં ઇયર પ્લગ હશે. એવું લાગે જાણે એને બીજા કશામાં કોઇ દિલચશ્પી જ નથી. હેડ ફોનના વધુ પડતા ઉપયોગના કારણે લોકોમાં બહેરાશનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઇયર ફોનમાંથી નીકળતા ચુંબકીય તરંગો કાનને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ઇયર ફોનમાં બેક્ટેરિયા પણ હોય છે જે કાન પર હુમલો કરી શકે છે. લોકો પોતાની સાંભળવાની શક્તિ માટે જાગ્રત થાય અને જે લોકો સાંભળી શકતા નથી એની જરૂરી સારવાર થાય એ માટે ડબલ્યૂએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં હીયરિંગ ડે ઊજવવામાં આવે છે. ડબલ્યૂએચઓની એક વિગતમાં એવું કહેવાયું છે કે, વર્ષ 2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ખામી સર્જાશે. આંકડામાં એવું કહેવાયું કે, 250 કરોડ લોકોને સાંભળવાની તકલીફ પેદા થશે. અત્યારે પણ સ્થિતિ બહુ સારી તો નથી જ, અત્યારે દર પાંચમાંથી એક વ્યક્તિને સાંભળવામાં પ્રોબ્લેમ છે.
આપણા દેશમાં બહેરા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 2018માં એક અભ્યાસ થયો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, ભારતમાં બહેરાશનું પ્રમાણ 6.3 ટકા જેટલું છે. કાનની બીમારીઓ થવાનાં અનેક કારણો છે. સંક્રમણ, જન્મજાત ખામીથી માંડીને ધ્વનિ પ્રદૂષણના કારણે લોકો સાંભળવાની શક્તિ ગુમાવી રહ્યા છે. તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે, આપણી આસપાસ કોઈ ને કોઈ અવાજ સતત આવતા જ રહે છે. બીજું કંઈ ન હોય તો એરકન્ડિશનર કે પંખાનો અવાજ તો ચાલુ જ હોય છે. ઘરમાં ફ્રિઝ, વોશિંગ મશીન અને બીજાં ઉપકરણો પણ સતત ચાલતાં રહે છે. રોડ પરથી પસાર થતાં વાહનો અને કારખાનાંમાં ચાલતાં મશીનો ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ક્યારેક ક્યાંક બહાર, અત્યંત શાંત જગ્યાએ જઇએ ત્યારે આપણને એ વાતનો અહેસાસ થાય છે કે, અહીં કેટલી શાંતિ છે! માણસની સાંભળવાની ક્ષમતા 80થી 85 ડેસિબલ હોય છે. આપણે ત્યાં દરેક પ્રસંગમાં ડીજે વગાડવાની પરંપરા શરૂ થઇ ગઇ છે. ડીજે આપણા કાનની કેપેસિટી કરતાં વધુ અવાજ કરે છે. કારમાં પણ ઘણાં ફુલ વૉલ્યૂમ રાખે છે. મજા આવે એ વાત સાચી પણ એ મજા ક્યારે સજા થઇ જાય એ નક્કી હોતું નથી.
આપણે જે સાંભળીએ છીએ તે પૈકીના કેટલાંક અવાજ મનને પ્રફુલ્લિત કરી દે તેવા હોય છે. ઝરણાંનો મધુર ધ્વનિ અને પંખીનો કલરવ એક અનોખો આનંદ આપે છે. કમનસીબી એ છે કે, મનને શાંતિ આપે એવા ધ્વનિઓથી આપણે દૂર થઈ રહ્યા છીએ અને કૃત્રિમ અવાજો વચ્ચે ઘેરાતા જઇએ છીએ. સતત આપણા હાથમાં રહેતા ફોનમાં કોઇ ને કોઇ બીપર સતત વાગતું રહે છે. સાંભળવા વિશે બીજી એક વાત પણ સમજવા જેવી છે. તમે બોલવાનું બંધ કરીને મૌન ધારણ કરી શકો પણ તમે સાંભળવાનું સંપૂર્ણપણે બંધ કરી શકતા નથી. કાનમાં રૂનાં પૂમડાં ભરાવો તો પણ કોઇ ને કોઇ અવાજ તો આવતો જ રહે છે. સૌથી મોટો ખતરો હેડ ફોન, ઇયર ફોન, ઇયર પ્લગ અથવા જે નામ આપો તે, કાનમાં સતત ભરાવી રાખવાના કારણે પેદા થયો છે. સતત અવાજ વચ્ચે ઘેરાયેલા રહેવાથી માનસિક સંતુલનને પણ મોટી અસર થાય છે. માણસ બીજું બધું સાંભળતો રહે છે પણ કોઇની વાત ધ્યાનથી સાંભળતો નથી. જે સાંભળવાનું હોય એ સાંભળો અને જે નથી સાંભળવાનું એનાથી દૂર રહો.
દરેકને કોઇ ને કોઇ મ્યુઝિક ગમતું હોય છે. પોતાનો શોખ પૂરો કરવામાં કશું ખોટું નથી પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર તો રહે જ છે. કાનમાં હેડ ફોન ભરાવીને કંઈ ન સાંભળો. માનો કે કોઇને ડિસ્ટર્બન્સ થાય એમ હોય અને ઇયર પ્લગ લગાવવા પડે એમ જ હોય તો પણ વૉલ્યૂમ ધીમું રાખો જેથી કાનના પડદાને કોઇ નુકસાન ન થાય. સતત એટલે કે કલાકો સુધી કંઇ ન સાંભળતા રહો, કાનને પણ થોડોક આરામ આપવો જોઇએ. આપણે કાનથી જે સાંભળીએ છીએ તેની સીધી અસર આપણા દિલ અને દિમાગમાં થાય છે. કોઇ કંઇ બોલે એ આપણને લાગી આવે છે. એનો સીધો અર્થ એ જ છે કે, શબ્દો આપણને વાગે છે. આપણે કંઇ સાંભળીએ કે તરત જ આપણું શરીર રિએક્ટ કરે છે. ક્યારેક ઓચિંતાની કોઇ ચિચિયારી સંભળાય ત્યારે આપણી નસો તણાઇ જાય છે. ઘરમાં પણ કોઇ ટિપૉય અથવા તો કંઈ બીજી વસ્તુ ઢસડીને ખેંચે ત્યારે આવતા અવાજથી આપણું મગજ છટકે છે. વાહનમાં જતા હોઇએ ત્યારે બીજું વાહન સતત હોર્ન વગાડે તો પણ આપણે ઇરિટેટ થઇ જઇએ છીએ. આ બધી વાત સાબિત કરે છે કે, અવાજની સીધી અસર આપણને થાય છે. અમુક અવાજોનું તો આપણે કંઇ કરી શકતા નથી પણ જે આપણા હાથમાં હોય એનું ધ્યાન રાખીએ તો પણ પૂરતું છે. જરાકેય એવું લાગે કે સાંભળવામાં કંઇ પ્રોબ્લેમ છે તો તરત જ સારા ઇએનટી સ્પેશિયાલિસ્ટને બતાવી દેવું જેથી બહેરાશથી દૂર રહી શકાય. સમયની સાથે આપણા બધાના કાન વધુ ને વધુ સેન્સેટિવ થઇ રહ્યા છે એટલે એ મુદ્દે સમયસર સીરિયસ થઈ જવાનો સમય પાકી ગયો છે!


———

પેશ-એ-ખિદમત
દાગ ચહેરે કા યૂં હી છોડ દિયા જાતા હૈ,
આઇના જિદ મેં મગર તોડ દિયા જાતા હૈ,
કોઇ કિરદાર અદા કરતા હૈ કીમત ઇસ કી,
જબ કહાની કો નયા મોડ દિયા જાતા હૈ.
-અઝહર નવાઝ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 જૂન, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *