EMOTIONAL HOSTAGE
આવા લોકોથી વહેલી તકે
છુટકારો મેળવી લેવો જોઈએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સાચો સંબંધ એ છે જે સુખ આપે, જેની સાથે શાંતિનો અનુભવ થાય.
પીડા અને વેદના આપતા સંબંધો જીવવું મુશ્કેલ કરી દે છે.
અમુક સંબંધોથી જેમ બને એમ વહેલી તકે મુક્તિ મેળવી લેવામાં જ માલ હોય છે
———–
સંબંધો જિંદગી માટે ખૂબ જ જરૂરી છે એમાં ના નહીં, પણ એ સંબંધો સારા હોવા જોઇએ. કેટલાક સંબંધો એવા હોય છે જે આપણી જિંદગી સુધારવાના બદલે બગાડી નાખે છે. આજના સમયના સંબંધો ખૂબ વિચાર માંગી લે એવા છે. ટોક્સિક રિલેશનશિપમાં ફસાયેલા અનેક લોકો માનસિક તણાવ ભોગવી રહ્યા છે. ટોક્સિક રિલેશનશિપ સાથે આજકાલ દુનિયામાં ઇમોશનલ હોસ્ટેજનો ઇશ્યૂ પણ સતત વધી રહ્યો છે. આપણે ઇમોશનલ બ્લેકમેલિંગની વાતો ખૂબ સાંભળી છે. આપણને ક્યારેક એનો અનુભવ પણ થયો હોય છે. સંબંધના નામે કે સંબંધના દાવે કોઇ આપણી પાસે એનું ધાર્યું કામ કરાવી જાય છે. અલબત્ત, એ સંબંધમાં સત્ત્વ તો હોય જ છે. ક્યારેક એ સંબંધનો ફાયદો ઉઠાવીને એકાદી વખત ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે. ઇમોશનલ હોસ્ટેજ તો એવી વસ્તુ છે જેમાં માણસ આપણને છોડતો પણ નથી અને શાંતિથી રહેવા પણ દેતો નથી. આપણે જેની સાથે રહેતા હોઇએ અથવા તો જેની નજીક હોઇએ એના સ્વભાવ, વાણી, વર્તનને સારી રીતે સમજવા જોઇએ. દરેક માણસની એક ચોક્કસ ફિતરત હોય છે. જે ખરા અર્થમાં સારો માણસ હોય એ ક્યારેય ખરાબ થઇ શકવાનો નથી. જેની મથરાવટી જ ખોરા ટોપરા જેવી હોય એ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરી શકે છે.
સંબંધો સાચવવાની દુહાઇઓ ખૂબ આપવામાં આવે છે. સંબંધો સુખનું કારણ છે. સારા સંબંધો જિંદગીને જીવવા જેવી બનાવે છે. આ બધું સાચું પણ કેટલાક સંબંધો જિંદગીની વાટ લગાડી દે છે. ઇમોશનલ હોસ્ટેજ શું છે એ વિશે નિષ્ણાતો કહે છે કે, કેટલાક લોકો આપણને પ્રેમ અને લાગણીના નામે બંધક બનાવીને રાખે છે. એ આપણને તકલીફ થાય એવું વર્તન કરે છે અને સાથોસાથ એવું પણ કહે છે કે, તારા વગર મને ચાલતું નથી. એ હેરાન પણ કરે છે અને મુક્ત પણ કરતા નથી. આપણે એવા કેટલાય લોકોને જોતા હોઇએ છીએ જે પેઇનફુલી કનેક્ટેડ હોય છે. પતિ રોજ મારતો હોય તો પણ પત્ની તેનું કહ્યું કરે રાખે છે. પ્રેમી જોહુકમી કરતો હોય તો પણ પ્રેમિકા એની દરેક વાત માને છે. આપણને એમ થાય કે, આ વ્યક્તિ શા માટે સહન કરે છે? સાચી વાત એ હોય છે કે, એવા લોકો પોતાની વ્યક્તિને ઇમોશનલ હોસ્ટેજ બનાવીને રાખતા હોય છે. કેટલાક લોકો સામેની વ્યક્તિને સમજ્યા વગર સહન કરતા રહે છે. ટોક્સિક પીપલ આપણને પ્રેમ પણ કરતા હોતા નથી અને આપણને છોડતા પણ હોતા નથી. માત્ર પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકાની જ આ વાત નથી, અનેક સંબંધો એવા હોય છે જેમાં માણસ આપણને છોડતો જ નથી. આપણે એનાથી પીછો છોડાવવો હોય છે પણ એ છોડે તોને? આપણે અવોઇડ કરતા હોઇએ તો પણ એ સંબંધ કે લાગણીના નામે સતત ચીપકેલા રહે છે. એવા લોકોથી મુક્તિ મેળવવા ક્યારેક હાર્શ થવું પડે છે. સખત બન્યા વગર એવા લોકોથી મુક્તિ મળતી નથી. કેટલાક લોકોને ઝાટકો મારીને દૂર હડસેલો ત્યારે જ એ સમજે છે.
જે લોકો ઇમોશનલ હોસ્ટેજ બનાવીને રાખે છે એને પ્રેમ હોતો નથી. એની પોતાની જરૂરિયાતો પૂરી કરવી હોય છે. એનો સંબંધ પોતાના સ્વાર્થ પૂરતો જ હોય છે. આવા લોકો પોતાની લાઇફમાં સ્ટક થઇ ગયા હોય છે. એ આગળ વધી શકતા નથી. જેનામાં કંઇક કરી લેવાની આવડત કે તાકાત હોય છે એ બીજા પર ડિપેન્ડન્ટ રહેતા નથી. આવા લોકોને પોતાની જાત પર જ ભરોસો હોતો નથી. ઇમોશનલ હોસ્ટેજ બનાવનારાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, એ પોતે તો આગળ નથી વધતા, એની સાથે હોય એને પણ આગળ વધવા દેતા નથી. આપણી સાથે જે વ્યક્તિ હોય એના વિશે એ ચેક કરતા રહેવું પડે છે કે એની હાજરીથી મને સારું લાગે છે? એ મને સમજે છે? એને મારી ચિંતા છે? એની સાથે મને મજા આવે છે? ઇમોશનલ હોસ્ટેજમાં રાખવાવાળા લોકો આપણી કેર તો નથી જ કરતા, ઊલટું આપણે તેની સાથે રહીને શોષાતા હોઇએ છીએ. ઘણા લોકો નિભાવવા ખાતર નિભાવતા હોય છે. કેટલાક લોકો એવી આશાએ સંબંધ નિભાવ્યે જાય છે કે, એક દિવસે બધું સારું થઇ જશે. એનામાં બદલાવ આવશે. જે રગેરગથી બદમાશ હોય એનામાં ક્યારેય બદલાવ આવતો નથી. આપણામાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. એ લોકોને બદલવું હોતું જ નથી. એનું નક્કી જ હોય છે કે મારે મારું ધાર્યું જ કરવું છે. બીજાનું વિચારવાની એ લોકો તસ્દી જ નથી લેતા. આમેય પોતાનું વિચારવામાંથી નવરા પડે તો એ બીજાનું વિચારેને?
ઘણા લોકો પ્રેમ અને વફાદારીના નામે એટલી હદે વળગી રહેલા હોય છે કે, એમાંથી છૂટી જ નથી શકતા. પ્રેમ અને વફાદારી બંને પક્ષે હોવી જોઇએ. એક પક્ષે હોય તો ન ચાલે. એ ભલે ગમે તે કરે, મારાથી એવું ન થાય. આવું માનવાવાળા જુદા પણ થઇ શકતા નથી. માણસે એક બે વખત સંબંધો સાચવવાનો પ્રયાસ કરવા જોઇએ, પણ જ્યારે એવું લાગે કે હવે આનામાં કંઇ ફેર પડવાનો નથી ત્યારે જુદા પડવાનું નક્કી કરી લેવું જોઇએ. જુદા પડવાનું ગિલ્ટ પણ ન રાખવું જોઇએ. આપણે જ્યારે કોઇનાથી જુદા પડીએ ત્યારે એના પ્રત્યે ક્રૂર બનતા નથી, પણ આપણા પોતાના પ્રત્યે કૂણા બનતા હોઇએ છીએ. આખરે સેલ્ફ રિસ્પેક્ટ જેવી પણ કોઇ ચીજ હોય છે. સારા ચોક્કસ બનો પણ એની સાથે જ સારા રહો જે આપણા સારાપણાને ડિઝર્વ કરતા હોય. ખરાબ સાથે સારા રહેવું એ મૂર્ખામી છે. એનાથી છુટકારો મેળવવો એ જ ડહાપણ છે.
યોગ્ય લાગે કે ન લાગે, પણ માણસે માણસને માપતા રહેવું પડે છે. એ મને ખુશી વધુ આપે છે કે પીડા? એ મને વધુ હસાવે છે કે વધુ રડાવે છે? ક્યારેક ઝઘડા, માથાકૂટ, મનદુ:ખ થાય તો ઠીક છે, પણ સતત જો એ વ્યક્તિ હર્ટ જ કરતી હોય તો તેના વિશે ચોક્કસ નિર્ણય કરવો પડે છે. આપણે ઘણી વખત આપણી પરવા કર્યા વગર સામેની વ્યક્તિની ચિંતા કરતા હોઇએ છીએ. એનું શું થશે? એનું કોણ ધ્યાન રાખશે? એ કેવી રીતે રહેશે? આવું એના માટે જ વિચારો જે તમારા માટે પણ આવું જ વિચારે છે. સંબંધોમાં સ્વાર્થી બનવાની વાત નથી, સમજુ બનવાની વાત છે.
પ્રેમ, લાગણી, હૂંફ દરેક માણસને જોઇએ છે. ખોરાક અને પાણીનું જિંદગીમાં જેટલું મહત્ત્વ છે એટલું જ ઇમ્પોર્ટન્સ લવ અને કેરનું છે. માણસને જોઇતું હોય છે કે, કોઇ એની કેર કરે, કોઇ એને પેમ્પર કરે, જરૂર હોય ત્યારે ધ્યાન રાખે અને ગમે એવા સંજોગો હોય નબળા પડવા ન દે. આવું ન થાય ત્યારે વિશ્વાસ ડગી જાય છે. અપેક્ષાઓ ન રાખવી જોઇએ એવી વાતો ભલે થતી હોય, પણ પ્રેમ હોય ત્યાં અપેક્ષાઓ રહેવાની જ છે. પોતાની વ્યક્તિ પાસે અપેક્ષા ન હોય તો કોની પાસે હોય? બધી અપેક્ષાઓ પૂરી ન થાય પણ અમુક તો થવી જોઇએ કે નહીં? સંબંધોની અપેક્ષાઓમાં પ્રેમ અને લાગણી જ હોય છે. આ એવી બાબતો છે જેમાં કોઇ ખર્ચ નથી, માત્ર દાનત અને ઇરાદાની જ વાત છે. બધું જ હોય પણ જો પ્રેમ ન હોય કે દરકાર ન હોય ત્યારે એ સંબંધ વિશે વિચારવું પડે. માણસને સમજ્યા વગર એક ઝાટકે સંબંધો તોડી નાખવાના હોતા નથી. આમ તો કોઇ સંબંધ એક જ વખતમાં તૂટતો પણ હોતો નથી. માણસ સંબંધ બચાવવા જ ઇચ્છતો હોય છે. પૂરતી તક પણ આપતો હોય છે. એક તબક્કે સમજી લેવું પડે કે, આ તલમાં જરાયે તેલ નથી. પ્રેમ વધુ કે ઓછો હોઈ શકે, એમાં વાંધો પણ ન હોઈ શકે. પ્રેમને બદલે પીડા જ મળે ત્યારે માણસે યોગ્ય નિર્ણય કરી લેવો જોઇએ. સંબંધો સાત્ત્વિક હોવા જોઇએ, ટોક્સિક રિલેશન કે ઇમોશનલ હોસ્ટેજ સરવાળે જિંદગીને ગૂંગળાવે છે. જે પ્રેમ કરે છે એના માટે બધું કરી છૂટો, પણ જેને માત્ર પોતાની જ પડી હોય ત્યારે આપણે પણ આપણો વિચાર કરીએ તો એમાં જરાયે ખોટું નથી.
—————-
પેશ-એ-ખિદમત
વો મેરે હાલ પે રોયા ભી મુસ્કુરાયા ભી,
અજીબ શખ્સ હૈ અપના ભી હૈ પરાયા ભી,
યે ઇંતિજાર સહર કા થા યા તુમ્હારા થા,
દીયા જલાયા ભી મૈંને બુઝાયા ભી.
– આનિશ મુઇન
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 ઓકટોબર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
