તહેવારો આપણામાં થોડીક જિંદગીનો ઉમેરો કરે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તહેવારો આપણામાં થોડીક
જિંદગીનો ઉમેરો કરે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


નાનું-મોટું કોઈ એવું પદ નથી,
આપણા સામર્થ્યને કોઈ હદ નથી,
એટલી વ્યસ્તતા શા કામની,
જીવવાની પણ અગર ફુરસદ નથી.
– કિરણસિંહ ચૌહાણ



તહેવારનો માહોલ છે. દરેક પર ફેસ્ટિવલ મૂડ બરાબરનો હાવી છે. આવતી કાલે દિવાળી છે. રંગ અને પ્રકાશનું પર્વ આપણામાં કંઈક ઉમેરતું રહે છે. દરેક તહેવાર આપણામાં થોડીક જિંદગી ઉમેરે છે. એમાંયે દિવાળીની વાત તો નિરાળી જ છે. દિવાળી અને નવા વર્ષનો તહેવાર આપણને રિફ્રેશ અથવા તો રિબૂટ કરે છે. તહેવારો રોજિંદી ઘટમાળમાંથી એક બ્રેક આપે છે. બે ઘડી વિચાર કરો કે, તહેવારોનું અસ્તિત્ત્વ જ ન હોત તો શું થાત? જેણે પણ તહેવારોની શરૂઆત કરી હશે એ લોકો ખરેખર જ્ઞાની લોકો હશે. આપણા તહેવારો તો વળી ધર્મ અને પવિત્ર ઘટનાઓ સાથે જોડાયેલા છે. દરેક તહેવારની પોતાની કથા છે. દરેક કથાનો ગજબનો મર્મ છે. આ મર્મને જો થોડોકેય અપનાવીએ તો જિંદગી વધુ જીવવા જેવી લાગે. તહેવારો વ્યક્તિને પરિવાર સાથે જોડે છે. આ પર્વે બધા ભેગા થાય છે. દુન્યવી ઝંઝટમાંથી મુક્ત થઇને પોતાના લોકો સાથે સમય વિતાવે છે. દરેક માણસની યાદો દિવાળી સાથે જોડાયેલી હોય છે. વડીલોના મોઢે એવું સાંભળવા મળે છે કે, અગાઉની દિવાળી જુદી હતી. હવે બધું બદલાઈ ગયું છે. પહેલાં તો દિવાળીની તૈયારીઓ નોરતાંના સમયથી શરૂ થઇ જતી. કપડાં સીવડાવવાનો આનંદ હતો. અગાઉના સમયમાં તો નવાં કપડાં દિવાળીએ કે કોઇ પ્રસંગ હોય ત્યારે જ સીવડાવવામાં આવતાં હતાં. હવે તો ફટ દઇને રેડીમેઇડ કપડાં લોકો ખરીદે લે છે. મોલમાં ચક્કર મારવા જાય અને શોપિંગ કરતા આવે. અગાઉ ગ્રિટિંગ કાર્ડ લખવામાં આવતાં. લોકો પોતાનાં નામ સરનામા સાથેનાં કાર્ડ પ્રિન્ટ કરાવતા હતા, હવે વોટ્સએપ પર મેસેજ મોકલી દે છે. બદલાવ આવતો જ રહેવાનો છે. બનવા જોગ છે કે, આજના સમયના લોકો ભવિષ્યની પેઢીને એમ પણ કહે કે, અમારા જમાનામાં તો મોબાઇલ પર મેસેજ મોકલીને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવતી હતી. કદાચ એ સમયે કંઇક જુદું જ હશે. દિવાળી આપણી સંસ્કૃતિ અને પરંપરામાં આવતા બદલાવનો પણ અનુભવ કરાવે છે. દિવાળીની ઉજવણીની રીતો ભલે બદલાતી હોય, પણ તેની પાછળની ભાવનાઓ એવી ને એવી અકબંધ છે. રંગોળી પૂરતી વખતે કે દીવા પ્રગટાવતી વખતે થતી ફીલિંગ ક્યારેય બદલાવાની નથી. નવા વર્ષે વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવવાની પરંપરા એવી ને એવી અકબંધ રહેવાની છે. તહેવારો આપણી અંદર જીવતા હોય છે. એ આપણી સંવેદનાઓને સજીવન રાખે છે. તહેવારો બહાનું આપે છે, પોતાને અને પોતાના લોકોને પ્રેમ કરવાનું. નાનાઓને વહાલ કરવાનો અને વડીલોને આદર આપવાનો અવસર તહેવારો પૂરા પાડે છે.
દિવાળી વખતે એક વિચાર આવ્યા વગર ન રહે કે, ગયું વર્ષ કેવું ગયું? તમને કોઇ એવો સવાલ કરે કે, ગયું વર્ષ કેવું રહ્યું તો તમે શું જવાબ આપો? ગયા વર્ષમાં કેટલાક સારા બનાવો પણ બન્યા હશે, કંઇક ન ગમે એવું પણ થયું જ હશે. થોડુંક આશ્ચર્ય થાય એવું પણ થયું હશે તો કેટલુંક આઘાત લાગે એવું પણ બન્યું જ હશે. સમયની સૌથી મોટી ખૂબી એ જ છે કે, એ ક્યારેય સરખો રહેતો નથી. રૂપ અને રંગ બદલતા રહેવાની સમયને આદત છે. સમય વિશે એટલું યાદ રાખવાની જરૂર હોય છે કે, સમય સતત વહેતો રહે છે. સમય વિશે એક બીજો નજરિયો પણ પેશ કરવામાં આવે છે. ભલે એવું કહેવાતું હોય કે, સમય વહેતો રહે છે, પણ સાચી વાત એ છે કે, આપણે વહેતા રહીએ છીએ. આપણે પસાર થતા રહીએ છીએ. આ નદી જેવી જ વાત છે. આપણે કહીએ છીએ કે, નદી વહેતી રહે છે. હકીકતમાં નદી નહીં, પાણી વહેતું હોય છે. નદી અને કિનારો તો જ્યાં હોય ત્યાં જ હોય છે. માણસનો સમય ખૂટે છે, સમયનો સમય ક્યારેય ખૂટ્યો નથી કે ખૂટવાનો પણ નથી. સેલ પૂરો થાય અને ઘડિયાળ અટકે એટલે સમય અટકી જવાનો નથી. ઘડિયાળની શોધ નહોતી થઇ ત્યારે પણ સમય ચાલતો હતો અને સમય કાયમ ચાલતો રહેવાનો છે. આપણા સમય દરમિયાન આપણે કેટલું જીવ્યા એ સૌથી વધુ મહત્ત્વનું છે. એક યુવાન એક વખત સાધુ પાસે ગયો. એ પોતાની કરિયર બનાવવા માટે ખૂબ મહેનત કરતો હતો. તેણે સાધુને પૂછ્યું, આટલું બધું કરીને પણ છેલ્લે તો મરી જ જવાનું છેને? સાધુએ કહ્યું, ના, આપણે જે કરતા હોઇએ એ કરીને મરી જવાનું નથી, પણ જીવી જવાનું છે. સારું જીવી જાણવું એ જ સાચી જિંદગી છે. ગયા વર્ષમાં તમે કેટલું જીવ્યા એવું કોઇ પૂછે તો તમે 365 દિવસમાંથી કેટલો સમય કહો? એક ફિલોસોફર હતો. તેણે કહ્યું કે, માણસ 80 કે 100 વર્ષ જીવે એ એનું ખરું આયુષ્ય નથી. સાચું આયુષ્ય તો માણસ એની જિંદગીમાં ખુશીથી જીવ્યો એ જ હોય છે. સ્થિતિ એ થતી જાય છે કે, માણસ આખા દિવસમાં જેટલો સમય જીવે છે એના કરતાં વધુ સમય તો મરેલો હોય છે. માણસને ધીમે ધીમે આનંદને બદલે ઉપાધિ કરવાની આદત પડતી જાય છે. કોઇ ચિંતા ન હોય તો પણ માણસ હાથે કરીને ટેન્શન પેદા કરે છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે આખરે તેમને જિંદગી પાસેથી જોઇએ છે શું? દિવાળીનો તહેવાર એ વિચારવાનો પણ મોકો આપે છે કે, મારે જિંદગી પાસેથી જોઇએ છે શું? શું હું મારી જિંદગી સારી રીતે જીવું છું ખરો? આજના દિવસે થોડીક ક્ષણો શાંતિથી બેસીને વિચારજો કે, મારી લાઇફ રાઇટ ટ્રેક પર તો છેને? મારા સંબંધો સ્વસ્થ અને સક્ષમ છેને?
દિવાળીને જિંદગીની જેમ જ અનુભવો સાથે પણ જોડવામાં આવે છે. તારા કરતાં મેં વધુ દિવાળી જોઇ છે. ઉંમર વધવાની સાથે સમજ આવી જાય એવું જરૂરી નથી. દિવાળી વધુ જોઇ હોય એટલે સમજુ થઇ જવાતું હોત તો આજે સિત્તેર એંસી વર્ષના તમામ લોકો જ્ઞાની હોત. જિંદગીમાં જે કંઇ બને છે એમાંથી આપણે કેટલું શીખીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે. ગયા વર્ષમાં આપણે નવું શું શીખ્યા? જે અનુભવો થયા તેમાંથી આપણે શું બોધપાઠ મેળવ્યો? ગયા વર્ષના ઘટનાક્રમ પર જરાક નજર ફેરવી જોજો. શું યાદ રાખવા જેવું છે અને શું ભૂલી જવા જેવું છે? ઘણું એવું પણ બન્યું હશે જે સતત ડંખ આપતું રહે. કોઇએ દગો કર્યો હશે, કોઇએ બદમાશી કરી હશે, કોઇ સાથ છોડી ગયું હશે, કોઇ ઘટના એવી પણ હશે જે જિંદગીભર ન ભૂલી શકાય. વિચાર એટલો જ કરવાની જરૂર હોય છે કે, જે ઘટનાઓ ચાલી ગઇ છે એને યાદ રાખવાનો કોઇ મતલબ છે ખરો? જે વાત, જે વિચાર, જે સ્મરણ અને જે સમય વેદના આપે એને ભુલાવી દેવામાં જ માલ હોય છે. આપણો સમય બગાડવા માટે નથી. આપણો સમય જીવવા માટે છે. નવું વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે એટલું નક્કી કરો કે, હું જિંદગીની તમામ ક્ષણો પૂરેપૂરી જીવીશ. જિંદગીમાં જે સારી ઘટના બને છે એને જ યાદ રાખીશ, જે ઘટનાઓ ભૂલવા જેવી હશે એને ભૂલી જઇશ.
આજના સમયમાં સૌથી વધુ જો કંઇ દાવ પર લાગેલું હોય તો એ સંબંધ છે. દરેકને પોતાના લોકો સાથે કોઇ ને કોઇ ઇશ્યૂ છે. એવું બિલકુલ નથી કે, અગાઉના સમયમાં બધાના સંબંધો સારા જ હતા. પ્રોબ્લેમ અગાઉ પણ થતા જ હતા. ફેર એટલો હતો કે, અગાઉ લોકો પોતાના વિવાદો અને સંઘર્ષો સરળતાથી નિપટાવી લેતા. સંબંધ ખાતર જવા દેવું પડે તો જવા દઇને પણ સંબંધ સાચવી લેતા હતા. જીદ કે ઇગો વચ્ચે આવવા ન દેતા. સંપત્તિ ગમે તેટલી હશે પણ જો સાથે હસવા, બોલવા અને જીવવાવાળું કોઇ નહીં હોય તો જિંદગી અઘરી લાગવાની છે. દિવાળી આપણને આપણા સુષુપ્ત થઇ ગયેલા સંબંધોને ફરીથી સજીવન કરવાની તક આપે છે. આ વખતના શુભ પર્વે આપણે આપણને જ એવું પ્રોમિસ આપીએ કે, હું મારી જિંદગી સારી રીતે જીવીશ. જિંદગીને ભારે થવા નહીં દઉં. મનમાં કોઇ ભાર નહીં રાખું. હસવાનું થોડુંક વધારી દઇશ. મારા લોકોની નજીક રહીશ. આગામી વર્ષ અને આખી જિંદગીની તમામ ક્ષણો સોળે કળાએ જીવાય એવી શુભકામનાઓ સાથે શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન.
છેલ્લો સીન :
જિંદગી દરરોજ આપણને કંઇ ને કંઇ શીખવતી રહે છે. આપણે શું શીખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. ન શીખવા જેવું શીખીએ તો જિંદગી પણ જીવવાની મજા ન આવે એવી થઇ જાય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 ઓકટોબર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *