તમે મદદ કરી શકો પણ
કોઈનું નસીબ ન બદલી શકો

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી,
મારા વિશેની લાગણી, ભૂલી પડી હતી,
છૂટા પડ્યાની લાગણી, પૂરી થતી નથી,
ભૂલી જવાની વાત તો, તેં પણ કરી હતી.
– કૈલાસ પંડિત
જિંદગીમાં ક્યારેક સારું તો ક્યારેક ખરાબ બનતું રહે છે. જિંદગી ક્યારેક આઘાત તો ક્યારેક આશ્ચર્ય આપતી રહે છે. ક્યારેક આપણને જ વિચાર આવી જાય છે કે, આવું પણ મારા નસીબમાં લખ્યું હશેને? નસીબ, ભાગ્ય, લક અને ડેસ્ટિની વિશે ખૂબ વાતો થતી રહે છે. ડેસ્ટિની વિશે દરેકની પોતાની માન્યતાઓ હોય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થની વાતો પણ થતી રહે છે. કેટલાક લોકો આવી વાતોમાં વિશ્વાસ કરતા નથી. કેટલાક લોકો ત્યાં સુધીની વાતો કરે છે કે, જિંદગીમાં જે થાય છે એ અગાઉથી લખાઇ ગયેલું હોય છે. માણસે તો ફક્ત તેને ફોલો કરવાનું હોય છે. નસીબ વિશે દરેક માણસ જે માનતો હોય એ માનવાનો તેને અધિકાર છે. એક હકીકત એ છે કે, જિંદગીમાં એવું બનતું રહે છે જેની આપણને કલ્પના હોતી નથી. જિંદગી ક્યારે વળાંક લે એ નક્કી હોતું નથી. જિંદગી ક્યારેક માણસને આસમાનમાં લઇ જાય છે તો ક્યારેક ઊંડી ખાઇમાં ધકેલી દે છે. ક્યારેક આપણને એવું લાગે છે કે, બધું જ મારા કંટ્રોલમાં છે. ક્યારેક એવું થાય છે કે, આપણું કંઇ ચાલતું જ નથી. ખેલ કરનારા માણસ પાસે અમુક તબક્કે ખેલ જોવા સિવાય બીજો કોઇ રસ્તો હોતો નથી. દરેક વ્યક્તિએ એક તબક્કે તો એવું કહ્યું જ હોય છે કે, હવે જે થવાનું હોય એ થવા દો, કુદરતે ધાર્યું હશે એ થશે. અધ્યાત્મમાં તો એવું પણ કહેવાયું છે કે, જ્યારે તમને એવું લાગે કે હવે મારા હાથમાં કંઇ રહ્યું નથી ત્યારે બધાથી મુક્ત થઇ જાવ. ઉપરવાળા પર બધું છોડી દો. જિંદગી અને સમયને જ ઘણી વખત નક્કી કરવા દેવું પડે છે કે, તેણે આપણી સાથે શું કરવું છે. જે થાય છે એ સારા માટે થતું હશે એવું પણ ઘણા લોકોના મોઢે આપણે સાંભળતા હોઇએ છીએ. અમુક સમયે જે થતું હોય એ સહન થાય એમ ન હોય ત્યારે ઇશ્વરે ધાર્યું હશે એમ થશે એ આશ્વાસન અકસીર સાબિત થતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ અનુભવાતું હોય છે કે, એ બન્યું ત્યારે અઘરું લાગતું હતું, પણ હવે એમ થાય છે કે જે થયું એ સારું થયું.
એક યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું કે, જે થવાનું છે એ નક્કી છે તો પછી આટલા બધા કૂચે શા માટે મરવાનું? સંતે કહ્યું, બધું તમે નસીબ પર છોડી ન શકો. તમારે જે કરવાનું છે એ કરવું જ પડે છે. થાળી સામે પીરસી દેવામાં આવે પછી કોળિયો એની મેળે મોઢામાં નથી આવતો. આપણે ખાવું પડે છે. હીરો મેળવવા માટે ખાણમાંથી કાઢીને તેને તરાશવો પડે છે. નસીબને પણ ચમકાવવું પડે છે. એના માટે જરૂરી હોય એ પ્રયાસો કરવા જ પડે છે. તમે હાથ જોડીને બેસી રહી ન શકો. કંઇક ને કંઇક કરતા રહેવું એ પણ નસીબનો હિસ્સો જ છે. કર્મ જ છેવટે આપણને સફળતા કે નિષ્ફળતા તરફ દોરી જાય છે. જિંદગીમાં જરૂરી એ છે કે, જે કરવાનું છે એ કરતા રહો. પૂરા દિલથી અને પ્રામાણિકતાથી પોતાનું કર્તવ્ય બજાવતા રહો. ક્યાંય પહોંચવા માટે ચાલવું પડે છે. બેઠા રહો તો ક્યાંય પહોંચવાના નથી.
જિંદગીમાં ક્યારેક આપણને એવો સાથ કે સહાય મળી રહે છે, જે આપણને ચમત્કાર જેવો લાગે છે. કોઇ માર્ગ સૂઝતો ન હોય ત્યાં કંઇક એવું બને છે જે ગાડીને પાછી પાટા પર ચડાવી દે છે. કેટલીક વખત એવું પણ બને છે કે મદદ મળી જાય પછી પણ ધાર્યું હોય એવું થતું નથી. આપણને એમ લાગે કે હવે વાંધો નહીં આવે. લાખ મેળ પડ્યા પછી પણ જિંદગી અથડાતી રહે છે. આપણી જિંદગીમાં એવા લાકો પણ હોય છે જે આપણી મદદે હાજર હોય છે. એ લોકોના પ્રયાસો એવા જ હોય છે કે, આપણું બધું સમૂસુતરું થઇ જાય. આપણે પણ કેટલાક લોકોને મદદ કરતા હોઇએ છીએ. એની જિંદગી ફરીથી દોડવા લાગે એ માટે ફ્યુઅલ પૂરતા રહીએ છીએ. બધી મહેનત કરી હોય, પણ એક હદથી આપણે પણ કોઇની જિંદગીમાં બદલાવ લાવી શકતા નથી. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેનો મિત્ર મુશ્કેલીમાં હતો. એ તેને તમામ મદદ કરતો હતો. પોતાના મિત્ર માટે એ ઘણું કરતો હોવા છતાં મિત્રનું ગાડું ચાલતું નહોતું. એક વખત એણે પોતાના એક સ્વજનને કહ્યું કે, એના માટે હું મારાથી થાય એ બધું જ કરું છું પણ જે થવું જોઇએ એ થતું નથી. આ વાત સાંભળીને સ્વજને કહ્યું કે, તમે કોઇને મદદ કરી શકો, પણ કોઇનું નસીબ બદલી ન શકો. તમારી ફરજ એટલી જ છે કે, તમે એના માટે તમારાથી થાય એ કરો, બાકી એના નસીબ પર છોડી દો.
આપણી નજીકના લોકોની જિંદગીમાં ઘણી વખત એવું બનતું હોય છે જે આપણાથી સહન થતું નથી. આપણને એમ થાય છે કે, એની જિંદગીમાં આ શું થઇ રહ્યું છે? આપણે દર વખતે આપણા દુ:ખથી જ દુ:ખી નથી હોતા. આપણે ઘણી વખત આપણા લોકોના દુ:ખથી પણ દુ:ખી હોઇએ છીએ. આપણી વ્યક્તિ જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે આપણને બધી રીતે સુખ હોવા છતાં અસુખ વર્તાય છે. જીવ મૂંઝાય છે. ક્યાંય મજા નથી આવતી. ક્યારેક આપણે આપણી વ્યક્તિને પણ એના નસીબ પર છોડી દેવા પડતા હોય છે. આપણને એમ થાય છે કે, આનાથી વધુ હું કંઇ કરી શકું એમ નથી. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એની એક ફ્રેન્ડને ફેમિલી પ્રોબ્લેમ હતો. એ એના ઘરમાં જ ડિસ્ટર્બ હતી. એ તેને પોતાના પ્રોબ્લેમની વાત કરતી હતી. એક વખત તેના ફ્રેન્ડે કહ્યું કે, યાર હું આમાં શું કરી શકું? તેની મિત્રે કહ્યું કે, તું મારી વાત સાંભળે છે એ જ પૂરતું છે. વાત સાંભળવી અને સમય આપવો એ ઘણી વખત સૌથી મોટી મદદ હોય છે. માણસને દરેક વખતે આર્થિક મદદની જરૂર નથી હોતી, તેને બસ સાથ જોઈતો હોય છે. એક ધનવાન માણસ હતો. સંપત્તિની એની પાસે કોઇ કમી નહોતી. એના વિશે એના જ મિત્રવર્તુળમાં એવી માન્યતા હતી કે, એને શું પ્રોબ્લેમ છે. એ તો બધી રીતે સુખી છે. એક વખત એને પોતાની પર્સનલ લાઇફમાં પ્રોબ્લેમ ઊભો થયો હતો. કોઇ માનવા તૈયાર નહોતું. એક વખત તેણે પોતાના મિત્રને કહ્યું, શું મુશ્કેલી માત્ર આર્થિક જ હોય છે? આર્થિક મુશ્કેલી હોય તો માણસ ગમે તેમ કરીને પહોંચી વળે છે. તેણે કહ્યું કે, જેની પાસે રૂપિયા નથી એને માત્ર રૂપિયાનો જ પ્રોબ્લેમ હોય છે, પણ જેની પાસે રૂપિયા છે એને બીજા હજાર પ્રોબ્લેમ હોય છે. સંબંધોની સમસ્યાઓ એવી હોય છે જે સહન કરવી અઘરી હોય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જ્યારે આપણને ખુદને એવું થાય છે કે, આ મારું પેઇન છે અને મારે જ ભોગવવાનું છે. આવા સમયે પણ જો કોઇનો સાથ હોય તો પેઇનની પીડામાં ઘટાડો થાય છે. તમે કોઇની પીડાને જરાકેય ઓછી કરી શકો તો તમારો સંબંધ સાર્થક છે. એક યુવાન સાધુ પાસે ગયો. તેણે સાધુને સવાલ કર્યો કે, આજના સમયની સૌથી મોટી સમસ્યા કઇ છે? સાધુએ કહ્યું કે, માણસ માણસથી દૂર થતો જાય છે. આ સમસ્યા આજની નથી, દરેક યુગમાં માણસને એવું થતું રહ્યું છે કે, મને સમજવાવાળું કોઇ નથી. જેમ જેમ સમય જાય છે એમ એમ માણસ માણસથી વધુ ને વધુ દૂર થઇ રહ્યો છે. માણસની એકલતા વધી રહી છે. કોને મળવું, કોની સાથે વાત કરવી, કોને દિલની વાત કરવી એ નક્કી થતું નથી. તમારી પાસે જો એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો. હૂંફ, સાંત્વના, પ્રેમ, લાગણી અને આત્મીયતા દુર્લભ બનતી જાય છે. માણસને સમજવાવાળા માણસો ઘટી રહ્યા છે. તમને કોઇ સમજે છે? જો તમારી પાસે એવી વ્યક્તિ હોય તો એને જતનથી સાચવજો, એવા લોકો આપણા સારા નસીબની નિશાની હોય છે. સાથોસાથ એ પણ વિચારજો કે, હું કોઇના માટે એવો કે એવી છું કે કેમ?
છેલ્લો સીન :
સાચો માણસ એ છે જે ક્યારેય એવું વિચારતો નથી કે કોણે શું કરવું જોઇએ, એ હંમેશાં એ જ વિચારે છે કે, મારે શું કરવું જોઇએ? – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 12 ઓકટોબર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
