સાવધાન રહેજો, સોશિયલ મીડિયા
ક્યાંક સંબંધોને ભરખી ન જાય

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ પુરુષો અને સ્ત્રીઓને
એકબીજા સામે ઉશ્કેરતું હોવાની વાતે હોબાળો મચ્યો છે.
હવેના સમયમાં લોકોએ કોઈ વાત માનતા પહેલાં
એના વિશે સો વાર વિચાર કરવો પડે એવું છે!
———–
માણસ વર્ચ્યુઅલ વર્લ્ડમાં રાચવા લાગ્યો છે. મોટાભાગના લોકો એવરેજ ચારથી પાંચ કલાક મોબાઇલ વાપરે છે. લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે અને સંવાદ ઘટી રહ્યો છે. અનેક લોકો અત્યારે રિલેશનશિપ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. લોકો સામે હોય છે પણ સાથે નથી હોતા. જે દૂર હોય છે એને માણસ વધુ ઇમ્પોર્ટન્સ આપવા લાગ્યો છે અને જે નજીક હોય એના પ્રત્યે બેદરકાર રહે છે. આમ તો આ વાત હવે જરાયે નવી રહી નથી. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી આવી વાતો બહાર આવતી રહે છે. મનોચિકિત્સકોથી માંડીને સમાજશાસ્ત્રીઓ લોકોને ચેતવતા રહે છે કે, તમારા સંબંધો સક્ષમ રહે એ માટે સજાગ રહો. આ બધામાં હવે એક નવા જોખમનો ઉમેરો થયો છે. એ છે સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે સોશિયલ મીડિયા લોકોની સામે એવું એવું લાવી રહ્યું છે જેના કારણે લોકોનું મગજ ચકરાવે ચડી જાય.
સોશિયલ મીડિયાના નામે નવો ઊહાપોહ એ છે કે, તેનું અલ્ગોરિધમ સ્ત્રીઓ અને પુરુષોને એકબીજા સામે ઉશ્કેરી રહ્યું છે. આ વાત કેટલી સાચી અને કેટલી ખોટી એ વિશે વાદવિવાદ ચાલી રહ્યા છે. અલબત્ત, તેની સામે સાવચેત થવાની જરૂર તો છે જ. સોશિયલ મીડિયાને એ વાત તો ખબર જ છે કે, યૂઝર છોકરો છે કે છોકરી. અલ્ગોરિધમના કારણે છોકરાઓ સામે એવી જ પોસ્ટ આવે છે જેમાં છોકરીઓ વિશે શંકાઓ જ પેદા થાય. બીજી તરફ સ્ત્રીઓ સામે એવી પોસ્ટ આવે છે જેમાં પુરુષોની બુરાઇ કરવામાં આવી હોય. આપણી સામે સતત કંઇક આવે એટલે આપણે વિચારતા તો થઇ જ જઇએ છીએ કે, મારા કિસ્સામાં તો આવું નથીને? મારી પત્ની કે પ્રેમિકા તો મને વફાદાર છેને? સ્ત્રીઓને પણ એક જ સરખી પોસ્ટ જોઇને એવો વિચાર આવવા લાગે છે કે, મારો હસબન્ડ કે પ્રેમી તો આવું કરતો નહીં હોયને? ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમ સામે સૌથી વધુ સવાલો ઊઠી રહ્યા છે. અલબત્ત, હવે આવું ન થાય એ માટે ઇન્સ્ટાગ્રામ જ નવું ફીચર લાવી રહ્યું છે જેનાથી યૂઝર્સ પોતાની પસંદગી સેટ કરી શકે. જોકે, નવાં નવાં આવી રહેવા ફીચર્સમાં દરેક યૂઝર્સને સમજ નથી પડતી. લોકો તો જે ચાલતું હોય એ ચાલવા દે છે.
આપણે એક વાર જોઇએ, એક વાર સર્ચ કરીએ, કોઇ પોસ્ટ લાઇક કરીએ, કોઇ પર કમેન્ટ કરીએ એ પછી એ જ વિષયની અને એ જ પ્રકારની પોસ્ટ સતત આપણી સામે આવતી રહે છે. સર્ચ ગૂગલમાં કર્યું હોય તો પણ એની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ કે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજરે પડતી રહે છે. ઘણી વખત તો આપણે કોઇની સાથે વાત કર્યા બાદ સોશિયલ મીડિયા જોઇએ ત્યારે જેના વિશે વાત કરતા હોય એની જ પોસ્ટ જોવા મળે છે. આપણે જે વાત કરીએ છીએ એ પણ મોબાઇલ સાંભળી લે છે. આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે થાય છે એ તો હવે બધા જાણે છે. આ વિશે આઇટી નિષ્ણાતો એવું કહે છે કે, એ તો તમે જુઓ એ તમારી સામે આવવાનું જ છે. તમારે શું જોવું એ તમારે નક્કી કરવાનું છે.
બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે, જે જુઓ તે, પણ એમાંથી કેટલું સાચું માનવું અને કેટલું ખોટું, કેટલું અપનાવવું અને કેટલું ઇગ્નોર કરવું એ તમારે નક્કી કરવાનું છે. એકની લાઇફમાં કંઇક બન્યું હોય એટલે બધાની જિંદગીમાં એવું થાય એવું જરૂરી નથી. દરેક વાત સાચી માની લેવાની કંઇ જરૂર નથી. સોશિયલ મીડિયામાં જે કંઇ જુઓ છો એની સરખામણી તમારી જિંદગી સાથે ન કરો. સંબંધો પર શ્રદ્ધા રાખો. અલ્ગોરિધમની વાત તો એની જગ્યાએ છે, સોશિયલ મીડિયાની જે બીજી વાતો છે એના વિશે પણ કાળજી રાખો. હવે ઘણું બધું કન્ટેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રિએટ થાય છે. વાસ્તવિક જિંદગીમાં શક્ય ન હોય એવું પણ કેટલુંય બતાવવામાં આવે છે. એક સરવે એવું કહે છે કે, બાળકોના એઆઇ જનરેટેડ ફોટોઝ જોઇને કેટલાંય મા-બાપ એવું વિચારવા લાગ્યાં છે કે, મારો દીકરો કે મારી દીકરી પણ આવી હોય. પોતાના લાઇફ પાર્ટનર વિશે પણ યંગ જનરેશન જાતજાતના ભ્રમમાં રાચવા લાગે છે. બધાને સોશિયલ મીડિયામાં દેખાતી જિંદગી જીવવાનું મન થવા લાગ્યું છે. સોશિયલ મીડિયા એક જ બાજુ બતાવે છે, જિંદગીને ઘણાં બધાં પરિબળો અસર કરે છે.
સોશિયલ મીડિયા પર ફ્લર્ટિંગ કે રિવિલિંગ પોસ્ટ જોવાની ઘણા લોકોને આદત પડી ગઇ છે. આવી પોસ્ટ માણસમાં શંકા, અસુરક્ષા અને અસંતોષ પેદા કરે છે. મારો લાઇફ પાર્ટનર આવું કરતો નથીને એવો વિચાર આવી જાય છે. સોશિયલ મીડિયા પર છોકરીઓનાં નખરાં જોઇને એમ થાય છે કે, મારી પત્નીમાં આવી કોઇ આવડત નથી. પોતાની વ્યક્તિમાં જે ખૂબીઓ હોય છે એ આપણે જોતા નથી અને સોશિયલ મીડિયા પર જે જોયું હોય એવું તેની પાસેથી ઇચ્છવા લાગીએ છીએ. કન્ટેન્ટ જનરેટ કરવાવાળા માત્ર એ પોસ્ટ કે રીલ પૂરતું જ એવું કરતા હોય છે. એને ગંભીરતાથી લેવામાં પૂરેપૂરું જોખમ રહે છે. કેટલીક પોસ્ટ પાછળ સમય અને શક્તિ વેડફીને આપણે માઇક્રો-ચીટિંગનો ભોગ બનતા રહીએ છીએ. છેતરપિંડી માત્ર આર્થિક જ નથી હોતી, આપણો સમય ખાઇ જાય એ પણ એક પ્રકારનુ ચીટિંગ જ છે. સોશિયલ મીડિયા એવી જાળ છે જેમાં માણસ ક્યારે ફસાઇ જાય છે એની માણસને સમજ જ નથી પડતી.
સોશિયલ મીડિયા પાછળ ખર્ચાતા સમય વિશે પણ લોકોએ વિચારવાની જરૂર છે. આપણે એવું માનતા હોઇએ છીએ કે, રીલ્સ જોવાથી આપણને કંઇક શીખવા કે જાણવા મળે છે, એ પણ મોટો ભ્રમ છે. રીલ્સ જોયા પછી તરત જ ભુલાઇ જાય છે. એમાંયે નક્કામી અને મગજ બગાડે એવી રીલ્સની સંખ્યા વધુ પડતી છે. જાણે અજાણે બીભત્સ અને દ્વિઅર્થી મીનિંગવાળી રીલ્સ જોઇ લઇએ તો પછી એવી જ રીલ્સ સામે આવે રાખે છે. આપણે જેને ફોલો ન કરતા હોઇએ એની રીલ્સ પણ આપણને જોવા મળે છે. આ એક મોટું ષડ્યંત્ર છે. આપણે સોશિયલ મીડિયાને જેટલો સમય આપીએ છીએ એટલો સમય આપણે આપણાં સ્વજનોને આપીએ છીએ ખરા? દરેકના મોઢે એવી ફરિયાદો સાંભળવા મળે છે કે, સમય જ નથી મળતો. જે લોકો આવી ફરિયાદો કરે છે એણે એટલો વિચાર કરવાની જરૂર છે કે, આખરે સમય જાય છે ક્યાં? કેટલો સમય આપણે વેડફીએ છીએ?
સોશિયલ મીડિયાના કારણે અનેક લોકો એવું માનવા લાગ્યા છે કે, આપણી આજુબાજુમાં જે ચાલી રહ્યું છે એનાથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયા પર રહેવું જરૂરી છે. કોણ શું કરે છે એની પણ ખબર પડે છે. આ વાત સાવ ખોટી ન ગણીએ તો પણ એ તો વિચારવું જ જોઇએ કે ન જાણવા જેવું આપણે કેટલું જાણીએ છીએ? લોકોને હવે પોતાની વ્યક્તિ કેવી માનસિક સ્થિતમાંથી પસાર થઇ રહી છે એની પણ ખબર હોતી નથી. સંવેદનાઓ ક્ષુબ્ધ થવા લાગી છે. સોશિયલ મીડિયા સાવ નાખી દીધા જેવું ન ગણીએ તો પણ તેની પાછળ જે સમય બરબાદ થાય છે એના વિશે તો વિચાર કરવો પડે એમ છે જ. તમે ક્યારેય એ ચેક કરો છો કે, તમારો સ્ક્રીન ટાઇમ કેટલો છે? આ સમય તમે બીજે ક્યાંક, કોઇ સારા કામ માટે, પોતાનો શોખ પૂરો કરવા માટે કે પરિવારજનો સાથે વિતાવવા માટે કરી શક્યા હોત. લોકો મોબાઇલના કારણે પ્રકૃતિથી પણ દૂર થતા જાય છે. ફરવા ગયા હોય ત્યારે પણ લોકો પ્રકૃતિનો નજારો માણવાને બદલે ફોન લઇને બેઠા હોય છે. મોબાઇલના કારણે લોકો આંખમાં આંખ મિલાવીને વાત કરવાનું પણ ભૂલતા જાય છે. ઘરમાં પતિ-પત્ની બેઠાં હોય અને બેમાંથી એક કંઇ પૂછે ત્યારે સામે જોયા વગર જ જવાબ આપી દે છે. એનું ધ્યાન મોબાઇલમાં જ હોય છે. એક તબક્કે એવું લાગવા માંડે છે કે, મારી વ્યક્તિને મારામાં રસ જ નથી. અત્યારના સમયમાં સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર મોબાઇલથી છે. સાવચેત રહેજો, જો ધ્યાન નહીં રાખો તો મોબાઇલ અને સોશિયલ મીડિયા ક્યારે સંબંધો ભરખી જશે તેની ખબર પણ નહીં પડે.
—————-
પેશ-એ-ખિદમત
હર ઇક ને કહા ક્યૂં તુઝે આરામ ન આયા,
સુનતે રહે હમ લબ પે તેરા નામ ન આયા,
મત પૂછ કિ હમ જબ્ત કી કિસ રાહ સે ગુજરે,
યે દેખ કિ તુઝ પર કોઇ ઇલ્જામ ન આયા.
– મુસ્તફા જૈદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 ઓકટોબર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
