એની જિંદગીમાં ભયંકર
ઝંઝાવાતો ચાલી રહ્યા છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું,
વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું?
– રાજ લખતરવી
દુનિયાની દરેક વ્યક્તિની જિંદગીમાં ક્યારેક તો ઝંઝાવાત સર્જાયો જ હોય છે. આપણા બધાની જિંદગીમાં એવું થયું જ હોય છે જ્યારે આપણું ક્યાંય ધ્યાન ન પડે. આપણને સમજાય જ નહીં કે, આ શું થવા બેઠું છે! કેટલાક લોકોની જિંદગીમાં તો એક સંકટ પૂરું થયું ન હોય ત્યાં બીજી ઉપાધિઓ આવી જાય છે. મૂછે તાવ દઇને ફરતા લોકોની હાલત બિચારા જેવી થઇ જાય છે. જિંદગી માણસને ક્યારેક ચગાવે છે અને ક્યારેક સતાવે છે. જિંદગીની મજા જ એ છે. જિંદગીને એકસરખી રહેવાનું ફાવતું જ નથી. માણસ સંબંધો રાખે છે એનું સૌથી મોટું કારણ ચિંતા, ટેન્શન, ઉપાધિ, મુશ્કેલી, તકલીફ, સંકટ અને સમસ્યાઓ પણ હોય છે. જરૂર પડશે ત્યારે કામ લાગશે એવું વિચારીને માણસ સંબંધ સાચવે છે. કોઇ સાથે સંબંધ નહીં રાખીએ તો જરૂર હશે ત્યારે કોઇ ઊભું નહીં રહે. લોકો પ્રસંગોમાં પણ એટલે જ હાજરી આપે છે કે, આપણે ત્યાં કંઇક પ્રસંગ હોય તો લોકો આવે. સંબંધો પાછળ માણસની અનેક ગણતરીઓ હોય છે. મુશ્કેલી આવે ત્યારે મદદ પણ મળી રહે છે. કેટલાક સંજોગોમાં એવું ચોક્કસ થાય છે કે, આપણને જેની પાસે અપેક્ષા હોય એ મદદે આવતા નથી. આ માણસ કોઇ દિવસ કામ લાગવાનો નથી એવું જેના વિશે માનતા હોઇએ એ પણ નજીક આવીને કહે છે કે, કંઇ ચિંતા ન કરીશ, હું તારી સાથે છું. ક્યારેક તો કોઇક ઘટના ચમત્કાર જેવી લાગે છે. જિંદગીના સાચા અનુભવો ખરાબ સમયમાં જ થાય છે. માણસ મપાઇ જાય છે. કોણ નજીક છે અને કોણ દૂર છે એનું ભાન થઇ જાય છે. ખરાબ સમયનો આભાર માનવો જોઇએ, કારણ કે એ જ આપણને કોણ પોતાનાં છે અને કોણ પારકાં છે તેનો અહેસાસ કરાવે છે.
દરેક પાસે પોતાના ઝંઝાવાતોની કથા હોય છે. મારી સાથે આવું થયું હતું. મારી જગ્યાએ બીજો કોઇ હોય તો ક્યારનોય ભાંગી ગયો હોય. ઘણાને પડકારોનો સામનો કરતા જોઇને આપણને જ દાદ દેવાનું મન થઇ આવે. આપણા પડકારો જ આપણને સક્ષમ બનાવતા હોય છે. ઝંઝાવાત પસાર થઇ જાય પછી જ આપણને ખબર પડતી હોય છે કે, આપણામાં પણ દરેક મુશ્કેલી સામે ટકી રહેવાની તાકાત છે. જિંદગીમાં મુશ્કેલી આવે ત્યારે આપણે મદદ માટે આપણાં સ્વજનોને વિનંતી પણ કરતા હોઇએ છીએ. તમને જ્યારે જરૂર પડી ત્યારે તમારી પડખે કોણ ઊભું રહ્યું હતું? એનાથી પણ મહત્ત્વનો સવાલ એ છે કે, તમે ક્યારે કોઇને ખરી જરૂર હતી ત્યારે મદદ કરી હતી? કોનો ભરોસો તમે સાર્થક કર્યો હતો? દુનિયામાં એવા લોકોની કમી નથી, જે હંમેશાં પોતાના લોકોની પડખે રહે છે. કેટલાક લોકોને બોલાવવા પડતા નથી, એને ખબર પડે એટલે એ આપોઆપ આવી જાય છે. કેટલાક લોકો છટકી જવામાં પણ માહેર હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન હતો. તેનો એક મિત્ર હતો. એક વખત એ યુવાને તેની પત્નીને કહ્યું કે, મને મારો દોસ્ત ખૂબ યાદ આવે છે. તેની પત્નીએ કહ્યું, તો એને ફોન કરી લોને. પત્નીની વાત સાંભળીને પતિએ કહ્યું, રહેવા દેને, વળી મને એ કંઇક કામ સોંપી દેશે. આપણે ક્યાં ઓછી ઉપાધિ છે તે બીજાની ચિંતા માથે લઇએ? સાચો માણસ આવું કરતો નથી. એ સામેથી હાલચાલ મેળવતો રહે છે. બધું બરાબર છેને? કંઇ મુશ્કેલી નથીને? કંઇ હોય તો વિના સંકોચે કહેજે. એવા લોકો કહેવા ખાતર કહેતા હોતા નથી. જરૂર પડે ત્યારે ખરેખર હાજર હોય છે. તમારી જિંદગીમાં એવું કોણ છે? જે હોય તેને ખૂબ સાચવીને રાખજો. બધાના નસીબમાં આવા લોકો હોતા નથી. સાથોસાથ એ પણ વિચારજો કે, તમે કોઇના માટે એવા છો ખરા? તમારા પર કોઇને પૂરો ભરોસો છે ખરો કે, કોઇ નહીં હોય તો પણ આ તો મારી સાથે હશે જ!
માણસને સૌથી વધુ આઘાત ત્યારે લાગે છે જ્યારે પોતાના લોકો મોઢું ફેરવી લે છે. એવું બિલકુલ નથી હોતું કે, માણસને દરેક કિસ્સામાં મદદ જોઇતી જ હોય છે. માણસમાં પોતાની મુશ્કેલીનો સામનો કરવાની તાકાત હોય છે. અનેક લોકો એવા હોય છે જે ખરેખર મુશ્કેલીમાં હોય તો પણ કોઇને કહેતા નથી. મને મદદ કરો એવું એ કહી જ શકતા નથી. એકલા લડી લેવાની પણ તેની ત્રેવડ હોય છે. આમ છતાં કોઇ નજીક હોય તો માણસને સારું તો લાગે જ છે. આપણે કહીએ છીએ કે, તેં પૂછ્યું એ જ પૂરતું છે. મારે કંઇ જોઇતું નથી, તેં કહ્યું એમાં બધું આવી ગયું. કેટલાક કિસ્સામાં તો આપણને ખબર હોય છે કે, એને મદદની જરૂર છે તો પણ એ માંગતો નથી. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક ભાઇ મુશ્કેલીમાં મુકાયા હતા. એણે ક્યારેય કોઇને મદદ માટે કહ્યું નહોતું. આ વખતે પણ તેણે નક્કી કર્યું હતું કે, મારી લડાઇ છે, હું મારી રીતે જ લડીશ. તેના એક નજીકના વ્યક્તિને બહારથી ખબર પડી કે, મારા એ સ્વજન તકલીફમાં છે. એને થયું કે, હું સીધી મદદનું કહીશ તો એને ગમશે નહીં, એ સ્વીકારશે પણ નહીં. એણે એક આઇડિયા વાપર્યો. તેના એક નજીકના મિત્રને કહ્યું કે, મારા વતી આટલી મદદ તું એને કરી દેજે. તેણે એને નાણાં આપ્યાં અને સાથોસાથ એમ પણ કહ્યું કે, એટલું ધ્યાન રાખજે કે એને ખબર ન પડે કે, આ કામ મેં કર્યું છે. ક્યારેક સાચી વાત ખબર ન પડવા દેવામાં પણ સંબંધનું ગૌરવ હોય છે. કેટલાક કિસ્સામાં લોકો એવું જતાવતા હોય છે કે, તને જરૂર હતી ત્યારે હું ઊભો હતો. આવું કહેનારા તેણે જે કર્યું હોય છે એના ઉપર પાણી ફેરવતા હોય છે. આપણે કામ હોય તો પણ ઘણાના નામ પર ચોકડી મૂકી દેતા હોઇએ છીએ. એક યુવાનને એક કામ હતું. તેના મિત્રએ કહ્યું, તારા પેલા સગાને કહેને, એ તરત જ કરી આપશે. એના માટે તો આ ડાબા હાથનો ખેલ છે. આ વાત સાંભળીને એ યુવાને કહ્યું, એને કહીશ તો એ કરી તો આપશે, પણ પછી આખા ગામમાં ઢોલ પીટશે કે તેણે મને મદદ કરી હતી. જેણે સાચી મદદ કરવી હોય છે એ કોઇને અણસાર સુધ્ધાં આવવા દેતા નથી.
જિંદગીમાં ખરાબ અનુભવો દરેકને થયા હોય છે. કેટલીક વખત કોઇની મદદ માંગીએ અને ન મળે ત્યારે ગુસ્સો પણ આવે છે. કેટલીક વખત માણસને મદદ કરવી પણ હોય તો પણ એનાથી થઇ શકતી નથી. એક યુવાનની આ વાત છે. તેના એક મિત્રને મદદની જરૂર પડી. એ મિત્રએ તેને રિક્વેસ્ટ કરી. એ મિત્ર મદદ કરી શકે એમ નહોતો. તેને થયું કે, મારા મિત્રએ પહેલી વખત મારી પાસે મદદ માંગી છે, એને ના કેમ પાડવી? તેણે એના બીજા મિત્રને કહ્યું કે, મારે આટલી મદદની જરૂર છે. બીજા પાસેથી લઇને એણે પોતાના મિત્રને મદદ કરી. આપણને પણ ક્યારેક આવા અનુભવો થયા હોય છે. જરૂર હોય અને કોઇ મદદ કરે ત્યારે આપણે જ સવાલ કરીએ છીએ કે, તેં કેવી રીતે મેનેજ કર્યું? એનો જવાબ પણ એવો જ હોય છે કે, એ બધું તું છોડને, અત્યારે તારું ટેન્શન છે એને પૂરું કર. જિંદગી ગજબના અનુભવો કરાવતી હોય છે. સારા અનુભવથી ક્યારેક આંખો ભીની થઇ જાય છે. ક્યારેક ખરાબ અનુભવોથી મગજની નસો તંગ થઇ જાય છે. દુનિયામાં દરેક પ્રકારના માણસો છે. જિંદગી માટે એ પણ જરૂરી છે કે, સારા હોય, જરૂર પડ્યે પડખે ઊભા રહ્યા હોય એને યાદ રાખવાના. છેલ્લે મુંબઇના એક યુવાનની વાત. એ ખૂબ સંઘર્ષ કરીને આગળ આવ્યો હતો. એક મધ્યમવર્ગના ફેમિલીનું એ ખૂબ જ ધ્યાન રાખે. એક વખત તેના મિત્રએ પૂછ્યું, તારે અને એને શું સંબંધ છે? એ યુવાને કહ્યું, મારે એની સાથે ભૂખનો સંબંધ છે, આંતરડી ઠારવાનો સંબંધ છે. જ્યારે મારી પાસે કંઇ નહોતું ત્યારે એ મને રોજ પાંઉવડું ખવડાવતો હતો. એની પાસે પણ ખાસ કંઇ હતું નહીં, એ મને ભૂખ્યો જોઇ નહોતો શકતો. હું એને કેમ દુ:ખી જોઇ શકું? કેટલાંક ઋણ એવાં હોય છે જે ક્યારેય ચૂકવી શકાતાં નથી. હું આજે ટટ્ટાર ઊભો છું એનું કારણ એ છે કે એણે મને તૂટવા નથી દીધો. નગુણા એ જ હોય છે જે કંઇક બની જાય પછી આવા ઋણને ભૂલી જાય છે.
છેલ્લો સીન :
માણસને ઓળખવાનો પ્રયત્ન કરો કે ન કરો, સમય આવ્યે માણસ જેવો હોય એવો વર્તાઈ આવતો હોય છે. ફિતરત વહેલી કે મોડી બહાર આવી જ જાય છે. માણસ આખી જિંદગી નાટક ન કરી શકે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 26 ઓકટોબર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
