સંતોષનો મતલબ એવો નથી
કે સાવ નવરાં બેઠા રહેવું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે,
નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે,
સમયનાં બંધનો સાથે અહીં આવ્યા,
નથી મોડા નથી વહેલા અમે વચ્ચે.
-દર્શક આચાર્ય
દરેક માણસની જિંદગી અલગ અને જુદી હોય છે. કોઈ માણસની લાઇફને તમે કોઇ ચોક્કસ વ્યાખ્યામાં ઢાળી ન શકો. દરેકની પોતાની વ્યાખ્યા હોય છે. દરેકની પોતાની માન્યતાઓ હોય છે. દરેકની પોતાની ઇચ્છાઓ હોય છે. દરેકના પોતાના સંઘર્ષ હોય છે અને દરેકના પોતાનાં સુખ અને દુ:ખ હોય છે. દરેક માણસ પોતાનું પેકેજ લઇને આવે છે. નાટકના એક કલાકારે કહ્યું કે, નસીબ એ બીજું કંઇ નથી પણ એક સ્ક્રિપ્ટ છે. ફેર માત્ર એટલો છે કે, નાટકની સ્ક્રિપ્ટ આપણને તૈયાર મળે છે, જિંદગીની સ્ક્રિપ્ટ તૈયાર મળતી નથી. બધું સ્ક્રિપ્ટ મુજબ જ ચાલે છે, આપણે એને ફોલો કરવાની હોય છે. આ સ્ક્રિપ્ટ તમને એવી તક પણ આપે છે કે, તું તારી રીતે જીવવા ઇચ્છતો હોય તો જીવી લે! હું તો મારે જે કામ કરવાનું છે એ કરીને જ રહીશ. તારે પાત્ર ભજવવાનું છે અને એ તું કેવી રીતે ભજવે છે એના પર જ તારી જિંદગીનો આધાર રહેવાનો છે. ક્યાં ચૂપ રહેવું, ક્યારે ડાયલોગ બોલવો અને ક્યારે સ્ટેજ પરથી સરકી જવું એની આવડત તારામાં હોવી જોઇએ. જિંદગી એવું નાટક છે જેનો નાયક પણ તું છે અને ડિરેક્ટર પણ તું છે. તને જીવતા ન આવડે તો એના માટે જવાબદાર પણ તું જ છે. તું કોઈને દોષ ન દઇ શકે. તારે તારું કર્મ કરવાનું જ છે. તારી જિંદગીનો કંઇક મતલબ છે. કોઇ ચોક્કસ હેતુથી તને સ્ટેજ પર મોકલવામાં આવ્યો છે. તને જે કામ સોંપ્યું છે એ તારે પરફોર્મ કરવાનું છે. તું સારું કરીશ તો લોકો તાળીઓ પાડશે અને તું ખરાબ કરીશ તો લોકો તને ગાળો પણ દેશે. તારો કિરદાર તું એવી રીતે ભજવ જે તને ગમે અને તને એની મજા આવે!
સંતોષ અને અસંતોષ વચ્ચે અટવાવાની પણ જરૂર નથી. પૂર્ણ સંતોષ પણ જરૂરી નથી અને સંપૂર્ણ અસંતોષ પણ યોગ્ય નથી. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઇ અંતિમ સુધી પહોંચવાની જરૂર નથી. સંતોષને આપણે વધુ પડતું મહત્ત્વ આપવા લાગ્યા છીએ. એક યુવાનની આ વાત છે. એનો જન્મ અતિશય ધનાઢ્ય પરિવારમાં થયો હતો. લાડકોડથી મોટો થયો હતો. જેમ જેમ મોટો થતો ગયો એમ એમ તેના પિતા તેને કહેવા લાગ્યા કે, મારા પછી તારે બધો કારોબાર સંભાળવાનો છે. પિતા વૃદ્ધ થયા. તેને એવું લાગ્યું કે, હવે મારી અવસ્થા થઈ. મારે બધું દીકરાને સોંપી દેવું જોઇએ. તેણે દીકરાને બોલાવ્યો. બધું સંભાળવા કહ્યું. દીકરાએ વિચિત્ર વાત કરી. તેણે કહ્યું કે, તમે નહીં હોવ ત્યારે હું આ કંઈ આગળ વધારવાનો જ નથી. બધું વેચી નાખીશ. આપણી પાસે જેટલું છે એનાથી મને સંતોષ છે. તમે એટલું મૂકીને જવાના છો કે, મારી આખી જિંદગી ખૂટવાનું નથી. પિતાએ આ વાત સાંભળીને આઘાત લાગ્યો. તેણે કહ્યું, સવાલ મિલકતનો છે જ નહીં, સવાલ તારી જિંદગીના પર્પઝનો છે. તું જે સંતોષની વાત કરે છે એ ખરા અર્થમાં તો આળસ છે. તારે કંઈ કરવું નથી. આપણને કુદરતે આપણા પૂરતું આપી દીધું હોય ત્યારે આપણી ફરજ એ બને છે કે, આપણે બીજા કોઇ માટે કંઈ કરીએ. આપણી ઇન્ડસ્ટ્રીમાં કેટલા લોકો કામ કરે છે? એ બધાનાં ઘર આપણી કંપની પર ચાલે છે. આપણે નહીં હોઇએ તો એ તો બીજે કામ કરીને પણ કમાઇ લેશે. સવાલ એ છે કે, આપણે શા માટે એમનાં ઘર ચલાવવા માટે નિમિત્ત ન બનીએ? કંઇ ન કરવું એ એક પ્રકારની ભાગેડુવૃત્તિ જ છે. ભાગીને પણ તું ક્યાં જવાનો છે? અંતે તો તારે તારા તરફ જ પાછું ફરવું પડવાનું છે. આપણે જ્યારે આપણી જ નજીક આવીએ ત્યારે આપણે આપણને જ ઘણા જવાબો આપવા પડતા હોય છે. સૌથી મોટો સવાલ તો એ જ હોય છે કે, તું તારી જિંદગી બરાબર જીવે છેને? તને જીવવાની મજા તો આવે છેને?
એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું, જીવવાનો સંતોષ એટલે શું? સંતે કહ્યું કે, જે છે એને માણવું અને જે નથી એના માટેના પ્રયાસોને પણ માણવા એટલે જિંદગીનો સંતોષ. જિંદગીમાં થોડોક અસંતોષ પણ જરૂરી છે. સંતે એક ચિત્રકારનું ઉદાહરણ આપ્યું. એ સરસ ચિત્રો બનાવતો હતો. દરેક લોકો તેના ચિત્રનાં વખાણ કરતા હતા. એક વખત એ ચિત્રકારને પૂછવામાં આવ્યું. તમે સુંદર ચિત્ર બનાવી લો પછી તમને સૌથી પહેલો વિચાર શું આવે છે? ચિત્રકારે કહ્યું કે, એ જ વિચાર આવે છે કે હું મારું હવે પછીનું ચિત્ર આના કરતાં વધુ સારું બનાવીશ. જે દિવસે મને સંતોષ થઇ જશે એ દિવસે મારી કલાનાં વળતાં પાણી થઇ જશે. માણસ જેટલું સારું કરે છે એનાથી વધુ સારું કરવાના સ્કોપ હોય જ છે. જિંદગી સરસ રીતે જિવાતી હોય એવું લાગે એ પછી પણ જિંદગી વધુ સારી રીતે જીવી શકવાની શક્યતાઓ હોય જ છે.
અસંતોષ ફરિયાદને જન્મ આપે છે. અસંતોષ બહાનાં શોધે છે. મારી પાસે આ નથી એટલે હું આ કરી શકતો નથી. જેને કંઇક કરી છૂટવું હોય છે એ કોઈ પણ હિસાબે ધાર્યું પરિણામ મેળવે જ છે. માણસની ઓળખ એની સફળતા અને એના પ્રયાસથી જ થાય છે. દરેક માણસ અંદરખાને તો એવું ઇચ્છતો જ હોય છે કે, મારી ઓળખ બને, લોકો મને માન આપે, લોકો મને સારી નજરે જુએ. મારે કંઇક કરી બતાવવું છે. દુનિયાને બતાવી દેવાની ભાવના પણ આગળ વધવા માટેનું એક જરૂરી પરિબળ જ છે. બધાને બતાવવું હોય છે કે હું સફળ છું, હું શ્રેષ્ઠ છું. એવું કંઇ એમને એમ નથી થવાતું, એના માટે મહેનત કરવી પડે છે. કોઇ ફરિયાદ કે અફસોસને અવકાશ જ નથી. નિષ્ફળતાનો પણ એક સંતોષ હોય છે. એક વ્યક્તિની આ વાત છે. તેણે સફળ થવા માટે ખૂબ મહેનત કરી હતી. અનેક પ્રયાસો કર્યાં હતા પણ તેનો મેળ જ ન પડ્યો. એણે જે ધાર્યું હતું એ કરી ન શક્યો. તેને પૂછવામાં આવ્યું કે, તમને કેવું લાગે છે? એણે કહ્યું કે, મને સંતોષ છે, એ વાતનો કે મેં પૂરી મહેનત અને ઈમાનદારીથી પ્રયાસો કર્યા હતા. મારા પ્રયાસો ક્યાંક કાચા રહી ગયા પણ મેં મારા પક્ષે કોઇ કમી છોડી નહોતી. દરેક વખતે ધારી સફળતા મળે એવું જરૂરી નથી, ન પણ મળે. મંઝિલે ન પહોંચાય તો કંઇ નહીં, સફરનો આનંદ માણ્યો હોય તો મંઝિલે ન પહોંચી શકાયાનો અફસોસ રહેતો નથી. જે કરીએ એ મજાથી કરીએ એ જ જિંદગીનું સત્ય છે!
છેલ્લો સીન :
માણસ થોડોક સમય નવરો બેસી શકે પણ કાયમ નવરો રહી શકતો નથી, એ કંઈક તો કરતો જ રહે છે. આપણે શું કરીએ છીએ અને કેવું કરીએ છીએ એના પરથી જ આપણી ઓળખ છતી થતી હોય છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 જૂન 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com