તમે કેટલી દવા ખાવ છો અને કેટલી ફેંકી દો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે કેટલી દવા ખાવ છો
અને કેટલી ફેંકી દો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દવાના વેડફાટ સામે લોકો અને સરકાર સજાગ બનશે ખરાં?
દવા ખાવા અને ન ખાવા વિશે દરેકની જુદી જુદી માન્યતાઓ હોય છે!


———–

દવા વિશેની બે હકીકત એવી છે જેની સાથે લગભગ તમામ લોકો સંમત થશે. એક તો એ કે, દવા ખાવી કોઇને ગમતી નથી. બીજી હકીકત એ કે, દવા વગર કોઇને ચાલતું નથી. માંદા પડીએ ત્યારે આપણી પાસે દવા ખાવા સિવાય કોઇ ચોઇસ હોતી નથી. મેડિકલ સાયન્સે આજે કાબિલેદાદ પ્રગતિ કરી છે. દરેક બીમારીની દવા હાજર છે. હજુ પણ એવા સતત પ્રયાસો થઇ રહ્યા છે કે, અત્યારે છે એના કરતાં વધુ સારી અને અસરકારક દવા બને અને દવાની આડઅસરો જેમ બને તેમ ઓછી થાય. મેડિકલ માફિયાઓના કાળા ધંધા વિશે બહુ વાતો થતી રહી છે. આ બધા વચ્ચે એક તથ્ય એ પણ છે કે, માણસજાત માટે સરવાળે દવાઓ ઉપકારક જ સાબિત થઇ છે. લોકોના આયુષ્યમાં વધારો થયો હોય તો તેનો ઘણો બધો યશ મેડિકલ સાયન્સને જાય છે. અલબત્ત, આ વખતે દવા, દવા કંપનીઓ કે દવાઓના ઉત્પાદનની વાત નથી કરવી પણ વાત દવાના ઉપયોગની કરવી છે.
દવા વિશે દરેકની પોતાની માન્યતાઓ અને માનસિકતાઓ હોય છે. દવા ખાવા કે ન ખાવા વિશે દરેકના આગ્રહો અને પૂર્વગ્રહો હોય છે. કેટલાંક લોકો ડૉક્ટરની દરેકે દરેક સૂચનાનું રિલિજ્યસલી પાલન કરે છે. આમ તો એ જ રીત સાચી છે કે, ડૉક્ટર કહે એમ જ કરવું. પોતાનું ડહાપણ ન વાપરવું. પોતાના ડૉક્ટર ન બનવું અને ડૉક્ટર ગૂગલ પર તો નયા ભારનો ભરોસો ન કરવો. તબિયત નરમગરમ લાગે તો ડૉક્ટર પાસે જઇને એ કહે એમ કરવું અને એ જે દવા લખી આપે એ જ ખાવી. અમુક લોકો દવા ખાવાના દાંડ હોય છે. ઘરના લોકોએ યાદ અપાવવું પડે છે કે, દવા લીધી? કોઇ પૂછે નહીં તો એ દવા લે જ નહીં. કેટલાંક લોકોને તમે હાથમાં દવા અને પાણીનો ગ્લાસ આપો તો પણ એ દવા ખાવામાં ચાગલા થશે. તમારે એના મોઢામાં દવા મૂકવી પડે. જરાકેય ધ્યાન ચૂક્યું તો દવા ફેંકી દેવાવાળા લોકો પણ પડ્યા છે. ક્યારેક એને કહેવાનું મન થાય કે, અમારા માટે દવા ખાય છે? સાજું થવું હોય તો દવા લે નહીંતર તારી મરજી! અમુક લોકો દવા ખાવાની જરૂર ન હોય તો પણ દવા ફાકતા રહે છે. સહેજ અનઇઝી લાગે કે તરત જ પેરાસિટામોલ લઇ લેશે. થોડુંક પેઇન થતું હશે તો પેઇનકિલર લઇ લેશે. હાથે કરીને પોતાના શરીર સાથે ચેડાં કરનારની સંખ્યા સતત વધી રહી છે. બાય ધ વે, તમે આ બધામાંથી કયા પ્રકારના લોકોમાં આવો છો? સાચી વાત એ છે કે, ડૉક્ટરને પૂછ્યા વગર કોઇ દવા ન લેવી અને ડૉક્ટરની દરેક સૂચનાનું પાલન કરવું.
બીજી વાત દવાના કોર્સની છે. કેટલીક બીમારી એવી હોય છે કે, ભલે સારું થઇ ગયું એવું લાગતું હોય પણ એનો કોર્સ પૂરો જ કરવો જોઇએ. મોટા ભાગના લોકો થોડુંક સારું લાગે એટલે દવા લેવાનું બંધ કરી દે છે. પોતાની રીતે જ નક્કી કરી લે છે કે, હવે મારે દવાની કોઈ જરૂર નથી. એના કારણે થાય છે એ કે, દવા પડી રહે છે. તમારા ઘરમાં તપાસ કરશો તો એવી દવા મળી જ આવશે જેની એક્સપાયરી ડેટ ક્યારનીયે પૂરી થઈ ગઇ હોય. ઘણા કિસ્સામાં સારું થઇ જાય એટલે લોકો વધેલી દવા ફેંકી દે છે. ઘણાં શહેરોમાં એવી સંસ્થાઓ કામ કરી રહી છે કે, તમારી પાસે કામની ન હોય એવી દવા હોય તો અમને આપી જાવ, અમે જરૂરિયાતવાળા લોકોને આપીશું. દેશમાં એવા ઘણા ગરીબ લોકો છે જે દવા પણ ખરીદી શકતા નથી.
દવાઓના ઉપયોગ અને વેડફાટ મુદ્દે થોડા સમય અગાઉ આરોગ્ય મંત્રાલય દ્વારા એક સરવૅ કરવામાં આવ્યો હતો. આ સરવૅમાં 33 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ સરવૅનાં તારણો ચોંકાવનારાં હતાં. 36 ટકા લોકોએ એવું કહ્યું હતું કે, તેઓ દસ ટકા જેટલી દવા ફેંકી દે છે. 27 ટકા લોકો 10થી 30 ટકા દવા ફેંકી દે છે. 6 ટકા લોકો 50થી 70 ટકા દવા ફેંકી દે છે. આ અભ્યાસ દરમિયાન એક બીજી મહત્ત્વની વાત એ બહાર આવી કે, ઘણી વખત દવાની જરૂર ન હોય તો પણ વધારે દવા લેવી પડે છે. દાખલા તરીકે ડૉક્ટરે બે દિવસની દવા લખી આપી હોય અને ત્રણ ટાઇમ ટેબલેટ લેવાનું કહ્યું હોય તો છ ગોળી થાય. મેડિકલ સ્ટોરમાં તમારે દસ ગોળીની આખી સ્ટ્રીપ જ ખરીદવી પડે છે. અલબત્ત, કોઈ કોઈ મેડિકલ સ્ટોરમાં માગો એટલી ટેબલેટ સ્ટ્રીપ કાપીને આપવામાં આવે છે. અમુક વખતે દવા પેકેટમાં કે ડબીમાં હોય છે. જરૂર ન હોય તો પણ આખું પેકેટ કે ડબી ખરીદવી પડે છે. સવાલ તો એ પણ થાય કે, સ્ટ્રીપ દસની જ શા માટે? એનાથી ઓછી ગોળીઓની સ્ટ્રીપ બનાવે તો શું ફેર પડી જવાનો છે? કંઈ નહીં! દવાઓની આખી સ્ટ્રીપ જ ખરીદવાનું ફરજિયાત નથી. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એવું કહે છે કે, મેડિકલ સ્ટોરવાળાઓ ક્યારેય કોઇને વધુ દવા ખરીદવાનું દબાણ કરતા નથી. લોકો પોતાને સાજા થઈ ગયાનું માનીને દવા બંધ કરી દે અને પછી દવા ફેંકી દેવી પડે તો એમાં દવાવાળાઓનો વાંક કાઢવો વાજબી નથી. એક અંદાજ મુજબ આપણા દેશમાં દવાઓનું માર્કેટ રૂપિયા 1.8 લાખ કરોડનું છે. આ દવાઓમાંથી દોઢ ટકા જેટલી દવાઓ એક્સપાયરી ડેટના કારણે નકામી થઇ જાય છે. રૂપિયા 270 કરોડની દવાઓ એનો ઉપયોગ કરવાનો સમય પૂરો થઇ જાય એ કારણે નક્કામી થઇ જાય છે. મેડિકલ સ્ટોરવાળાઓ એક્સપાયરી ડેટવાળી દવાઓ કંપનીને પાછી મોકલી દે છે.
આપણે ત્યાં તો લોકોને દવાઓની એક્સપાયરી ડેટ જોવાની આદત પણ નથી. ખરીદી વખતે બહુ ઓછા લોકો દવા ક્યારે બની અને ક્યાં સુધીમાં વાપરી શકાય એ જોવાની દરકાર કરતા નથી. કેટલીક દવાઓ એવી હોય છે જે ઘરમાં લાંબા સમયથી પડી હોય છે. જરૂર પડે ત્યારે ઘણા લોકોને એ દવા યાદ આવે છે. એ સમયે એવું વિચારતા નથી કે, આ દવાનું આયુષ્ય પૂરું થઇ ગયું છે. થોડોક સમય થયો હોય તો લોકો પોતાની મેળે જ એવું વિચારી લે છે કે, એટલું તો ચાલે! દવા બાબતે આંખ આડા કાન કરવા જોખમી સાબિત થાય છે. સીધી અને સરળ વાત એ છે કે, કોઈ પણ દવા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર ન લ્યો ડૉક્ટરને દવા વિશે પૂછો કે સારું લાગે તો દવા બંધ કરી દઇએ? કોર્સ પૂરો કરવો જરૂરી છે? ઘણા લોકો પોતાની રિલેટિવ દવાની દુકાનમાં ફાર્માસિસ્ટ હોય કે કોઇ દવાખાનામાં કંપાઉન્ડર હોય તો એને પૂછીને એ જે કહે એ દવા લઈ લે છે. કેટલાંક લોકો ગૂગલમાં વાંચીને સેલ્ફ મેડિકેશન કરે છે. પેટમાં દુખતું હોય તો કઈ દવા લેવી એવું ગૂગલને નહીં પણ ડૉક્ટરને જ પૂછવું અને એ કહે એ મુજબ જ વર્તવું. ઓછી દવા ખાવાના કે આડેધડ દવા ખાવાના અનેક ગેરફાયદા છે. આ શરીરનો મામલો છે અને દવાની સીધી અસર શરીર પર થાય છે એટલે મનમાં આવે એવું કરવામાં સાજા થવાને બદલે વધુ માંદા ન પડી જવાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. ટૂંકી ને ટચ વાત એટલી કે, દવાની બાબતમાં આપણી બુદ્ધિ નહીં વાપરવાની અને ડૉક્ટરનું કહ્યું જ કરવું!
હા, એવું છે!
આજના સમયમાં મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધી ગયું છે. માણસને થતી લગભગ તમામ બીમારીઓ પર સંશોધનો થયાં છે અને તેની દવાઓ પણ બની છે. આમ છતાં હજુ એવી અનેક બીમારી છે જેના વિશે મેડિકલ સાયન્સ પણ કંઈ કરી શક્યું નથી. એ બીમારી કેમ થાય છે અને એને દૂર કેવી રીતે કરી શકાય એના વિશે પણ પૂરી જાણકારી નથી. કેટલીક બીમારીઓ બહુ ઓછી સંખ્યામાં થતી હોવાથી મેડિકલ એક્સપર્ટ્સ પણ તેના પર કામ કરવાને બદલે લોકોને વધુ ઉપયોગી સાબિત થાય એવી મેડિસિન્સ પર કામ કરવાનું વધુ પસંદ કરે છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 જૂન, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *