વર્ચ્યુઅલ રિલેશન્સમાં સેફ ડિસ્ટન્સ જરૂરી છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

વર્ચ્યુઅલ રિલેશન્સમાં
સેફ ડિસ્ટન્સ જરૂરી છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

માણસ દિવસે ને દિવસે વિચિત્ર થતો જાય છે,
સાથે હોય એનો ભરોસો નથી કરતો અને જેને કોઈ દિવસ જોયા
ન હોય એના પર આંખ મીંચીને ભરોસો કરવા લાગે છે!


———–

દુનિયામાં એક નવું ક્રાઇમ કલ્ચર શરૂ થયું છે. અત્યારના સમયમાં લોકો સૌથી વધુ સાઇબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. લોકો નાણાં ગુમાવે એ તો હજુયે સમજી શકાય એવી વાત છે પણ લોકો હવે સંબંધોથી માંડીને સ્વભાવ ગુમાવી રહ્યા છે. મોબાઇલના રવાડે ચડેલો માણસ સાઇકોલૉજિકલ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહ્યો છે. દરેકના સંબંધો દાવ પર લાગેલા છે. સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું છે કે, લોકો પોતાની સાથે રહેતા અને સાથે જીવતા લોકોનો ભરોસો કરતા નથી અને જેને કોઇ દિવસ જોયા નથી એના પર આંખો મીંચીને ભરોસો કરી લે છે. વર્ચ્યુઅલ વર્લ્ડના છેતરામણાં સંબંધોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હમણાંની એક ઘટના છે. એક છોકરી સોશિયલ મીડિયા પર એક છોકરાના સંપર્કમાં આવી. એ છોકરી પેલા છોકરાથી એવી અંજાઇ ગઇ કે, એ જેમ કહે એમ કરવા લાગી. છોકરીને હતું કે, એ મારી સાથે મેરેજ કરશે. પેલો છોકરો પણ હાએ હા કરતો હતો. છોકરાએ કહ્યું કે, હું અત્યારે સ્ટ્રગલ કરું છું. નાનીસરખી જોબ કરું છું અને સાથે આઇટીનું ભણું છું. આર્થિક તંગી પણ ભોગવું છું. આઇટી કમ્પ્લિટ કરી લઉં અને સારી જોબ મળી જાય એ પછી તારા ઘરે આવીને તારા પેરેન્ટ્સ પાસે શાનથી તારો હાથ માંગીશ. પોતાની નબળી સ્થિતિની વાત કરી એટલે છોકરીને તેના પર દયા આવી ગઇ. એ તેને રૂપિયા ટ્રાન્સફર કરવા લાગી. છોકરી સુખી-સંપન્ન પરિવારની હતી એટલે તેને રૂપિયાની કોઇ તકલીફ નહોતી. સમય જતો ગયો. એ છોકરો અચાનક ગુમ થઇ ગયો. એનું એકાઉન્ટ જ બંધ થઇ ગયું. બહુ તપાસ કરી ત્યારે ખબર પડી કે, એવો કોઇ યુવાન હતો જ નહીં. એ તો ફ્રોડ હતો. કોઇના ફોટાના આધારે એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. છોકરી ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. તેના પેરેન્ટ્સે સાઇકોલૉજિસ્ટની મદદ લીધી ત્યારે માંડમાંડ બહાર આવી. તેના પેરેન્ટ્સે કહ્યું કે, એ તો સારું થયું કે, માત્ર રૂપિયાથી વાત પતી ગઇ, બાકી અત્યારે તો ન થવાનું થઇ જાય છે. માત્ર છોકરીઓ સાથે જ આવું થાય છે એવું નથી. હવે છોકરાઓ પણ સલામત નથી. એક સાઇકોલૉજિસ્ટ પાસે આવેલો આ કિસ્સો છે. એક છોકરા સાથે એક ગે યુવાને છોકરી હોવાનું કહીને પરિચય કેળવ્યો હતો અને પછી તેનો પોતાની શારીરિક ભૂખ સંતોષવા ઉપયોગ કર્યો હતો.
સાઇકોલૉજિસ્ટ્સ કહે છે કે, વર્ચ્યુઅલ રિલેશન્સમાં સેફ ડિસ્ટન્સ રાખો. નિષ્ણાતો લોકોને બીજી પણ એક સલાહ આપે છે એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. તેઓ કહે છે કે, તમારા ઘરના લોકો, મિત્રો અને સંબંધીઓ સાથે નિકટતા કેળવો. એની સાથે વાત કરો. એની વાત સાંભળો. અત્યારે લોકો સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધો કેળવી લે છે એનું એક કારણ એ પણ છે કે, એમને ઘરના લોકો તરફથી પ્રેમ નથી મળતો. હવેના યંગસ્ટર્સની પોતાના પેરેન્ટ્સ અને સ્વજનો પાસેથી અપેક્ષાઓ વધી ગઇ છે. જો એનું ધાર્યું ન થાય તો એને તરત જ લાગી આવે છે. એવું માનવા લાગે છે કે, મને કોઇ પ્રેમ કરતું નથી. મારી કોઇને પડી નથી. બધા પોતાની દુનિયામાં પડ્યા છે. એવું વિચારીને એ પોતાની દુનિયા શોધવા નીકળી પડે છે અને છેતરપિંડીનો ભોગ બને છે. એક સમય હતો જ્યારે સંતાનો મા-બાપ સામે બોલતાં પહેલાં સો વાર વિચાર કરતાં હતાં. ફિલ્મ જોવા જવાની રજા માંગવી હોય તો પણ કેમ કહેવું એ મૂંઝવણ અનુભવતાં હતાં. હવે ઉલટું થઇ ગયું છે. એક છોકરાની આ વાત છે. એ ઓનલાઇન ગેઇમમાં હજારો રૂપિયા હારી ગયો. તેના પિતાને આ વાતની ખબર પડી. છોકરાને કંઇ કહેવાને બદલે વડીલોએ તેના પિતાને એવું કહ્યું કે, જોજે, દીકરાને કંઇ કહેતો નહીં, વળી ક્યાંક ન કરવાનું કરી ન બેસે! માતા-પિતાની સામે બોલનારાં સંતાનોની સંખ્યા સતત વધી રહી છે. હવે તો જે છોકરાંવ મા-બાપનું માનતાં હોય એની ગણના ડાહ્યા છોકરાઓમાં થવા લાગી છે, અગાઉના સમયમાં તો ન માનવાનો કોઇ સવાલ જ નહોતો. પિતાની એક વાર ના થઇ જાય પછી દીકરા કે દીકરીની હિંમત જ ન થતી કે પિતા સામે કોઈ દલીલ કરી શકે!
સમય બદલાયો છે. બાળકો અને યંગસ્ટર્સ પણ બદલાયાં છે. સોશિયલ મીડિયાથી કે સાઇબર વર્લ્ડથી તેને દૂર કરી ન શકો પણ એટલિસ્ટ સારા-નરસાનું નોલેજ તો આપી જ શકો. અત્યારની જનરેશન જરાયે મૂરખ નથી પણ એ ઝાકઝમાળ જોઈને અને ઊંચી ઊંચી વાતો સાંભળીને ભોળવાઇ જાય છે. ટીનેજર કે યંગસ્ટર્સની વાત ક્યાં કરવી, હવે તો મોટી ઉંમરના લોકો પણ સાઇબર સંબંધોમાં ફસાઇ જાય છે. એક સાઇબર એક્સપર્ટે કરેલી વાત સાંભળવા જેવી છે. એ કહે છે કે, યંગસ્ટર્સ તો બહુ શાર્પ છે. એ ઘડીકમાં ફસાશે નહીં, બધી જગ્યાએ ચેક કરશે એ પછી જ આગળ વધશે. મોટી ઉંમરના લોકો એક તો નવરાં હોય છે, ટાઇમ પાસ ક્યાં કરવો એ તેના માટે સવાલ હોય છે. કોઇ તેની સાથે વાતચીત કરતું હોતું નથી. એ લોકો જલદીથી શિકારીઓની ઝપેટમાં આવી જાય છે. યંગસ્ટર્સ સાથે કંઈ થાય તો એ કોઇ પણ જાતના ભય વગર સામનો કરે છે, મોટી ઉંમરના લોકો તો આબરુ જવાની બીકે મોઢું સીવીને બેસી રહે છે. એની સ્થિતિ ન કોઇને કહેવાય કે ન સહેવાય, એવી થઇ જાય છે.
વર્ચ્યુઅલ રિલેશન્સમાં સૌથી મોટો ખતરો ઇમોશનલ બ્રેકડાઉનનો છે. કોઇની સાથે લાગણીથી જોડાયા પછી જ્યારે તેની હકીકત બહાર આવે છે ત્યારે જબરજસ્ત આઘાત લાગે છે. લાગણી સાથેની રમત માણસની માનસિકતા પર સીધી અસર કરે છે. ઘણા કિસ્સામાં થાય છે એવું કે, વર્ચ્યુઅલ રિલેશન્સમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પોતાની નજીકના લોકોનો ભરોસો કરવાનું પણ છોડી દે છે. એ એવું માનવા લાગે છે કે, બધા જ બદમાશ છે. એક વખત ઠેંસ પહોંચે એ પછી એમાંથી બહાર નીકળવું અઘરું પડતું હોય છે, એટલે જ એવી સલાહ આપવામાં આવે છે કે, બને ત્યાં સુધી આભાસી સંબંધોથી દૂર રહેવું. કોઇને પૂરેપૂરા જાણ્યા વગર ભરોસો મૂકવાનું કામ જોખમી હોય છે. એનો મતલબ જરાયે એવો નથી કે, સોશિયલ મીડિયાને તિલાંજલિ આપી દેવી, ધ્યાન પ્રમાણભાનનું જ રાખવાનું હોય છે. વર્ચ્યુઅલ કરતાં વાસ્તવિક સંબંધને સજીવન રાખો. આપણે જ્યારે પોતાના લોકોથી દૂર જતા હોઇએ ત્યારે આપણે આપણા પોતાનાથી પણ થોડા થોડા દૂર થતા હોઇએ છીએ. ક્યારેક આપણને એકલા પડી ગયા હોય એવું લાગે છે, એનું કારણ એ જ હોય છે કે આપણે જ આપણા લોકોથી દૂર થઇ ગયા હોઇએ છીએ. હવેની જનરેશને સંબંધોને સમજવાની જરૂર છે. કોઈ અભ્યાસક્રમ સંબંધોનાં સમીકરણો શીખવાડતો નથી, એ તો આપણે આપણી જાતે જ શીખવો પડતો હોય છે. ઘણા લોકો ઠોકર ખાધા પછી સમજે છે કે, મેં જે કર્યું એ કરવા જેવું નહોતું. આવું ભાન થાય ત્યારે ઘણી વખત બહુ મોડું થઇ ગયું હોય છે. એના કરતાં સમજીવિચારીને આગળ વધવામાં જ શાણપણ હોય છે. દરેક માણસે રોજેરોજ પોતાને ઓબ્ઝર્વ કરતા રહેવું પડે છે કે, હું જે કરું છું એ બરાબર તો છેને? હું જે રસ્તે ચાલી રહ્યો છું એ સાચો તો છેને? ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ સંબંધો વધુ ને વધુ નાજુક થઇ રહ્યા છે. સંબંધોને સજ્જ રાખવા માટે સતર્ક તો રહેવું જ પડે!
હા, એવું છે!
વર્ચ્યુઅલ વર્લ્ડના કારણે માણસની વિચારવાની ક્ષમતા પણ ઘટતી જાય છે. માણસ શાંતિથી બેસી જ નથી શકતો તો શાંતિથી વિચાર ક્યાંથી કરી શકવાનો છે? બધા લોકો પોતાનું મન અને મગજ ફાલતુ વાતોમાં પરોવાયેલું રાખે છે. માણસને હવે નવરાશ પણ સદતી નથી. ઘડી-બે ઘડી ફ્રી થાય તો પણ મોબાઇલ હાથમાં લઈ લે છે! -કેયુ.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: