સપ્તાહના સાત વારમાંથી તમને કયો વાર નથી ગમતો ? સોમવાર? – દૂરબીન

સપ્તાહના સાત વારમાંથી તમને

કયો વાર નથી ગમતો ? સોમવાર?

52

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોમવારે માણસ સૌથી વધુ ટેન્શનમાં હોય છે,

વીકએન્ડ પછી ગાડીને પાછી પાટે ચડાવવામાં થોડા વક્ત તો લગતા હૈ

દરેક વારનો પોતાનો ચાર્મ છે,

રવિવાર આપણો લાડકો વાર છે પણ

એ દિવસ જો સારો ન જાય તો માણસ ડિસ્ટર્બ થઇ જાય છે.

બે ઘડી વિચાર કરો કે જો રવિવાર ન હોત તો શું થાત? કોઇ આવી વાત કરે તો એવું કહેવાનું પણ મન થઇ જાય કે ભાઇ, આવો ખરાબ વિચાર શા માટે કરવો જોઇએ? આપણે તો એવું પણ વિચારી નથી શકતા કે ભાઇ રવિવાર ન હોત તો રજાનો કોઇ બીજો વાર હોત. મુસ્લિમ કન્ટ્રીઝમાં તો જુમ્મે કે દિન એટલે કે શુક્રવારે જ રજા હોય છે ને! આમ જોવા જઇએ તો દિવસ તો બધા સરખા જ હોય છે, સવાર દરરોજની જેમ જ પડે છે અને ઘડિયાળ એ જ ગતિએ ચાલતી હોય છે, છતાં દરેક વારની પોતાની આઇડેન્ટિટી હોય છે. રવિવારનું તો નામ પડે એટલે થાય કે આહાહા… શું મસ્ત દિવસ છે! મન થાય ત્યારે ઊઠવાનું અને પછી પણ આખો દિવસ આપણો. આ એક દિવસ તો હોય છે જેની આપણે રાહ જોતાં હોય છીએ.

મશહૂર શાયર નીદા ફાઝલીએ લખ્યું છે, સાતોં દિન ભગવાન કે ક્યા મંગલ ક્યાં પીર, જિસ દિન સોયે દેર તક, ભૂખા રહે ફકીર. જો કે આ તો ફકીર લોકોની વાત થઇ, આપણે ફકીર નથી. આપણામાં તો એવું વિચારવાવાળા છે કે જો એક રજા મળતી ન હોત તો આપણે ફકીર થઇ જાત! એક વાતે તો તમે પણ સંમત થશો જ કે સાતેય વાર સરખા તો નથી જ હોતા. શનિવાર આવે એટલે માણસના ચહેરા પર એમ ને એમ રોનક આવી જાય છે. કાલે રજા છે એની ખુશી અપરંપાર હોય છે. સેટર ડે નાઇટ મોસ્ટ હેપનિંગ હોય છે.

જો કે રવિવાર સામે પણ ઘણાને વાંધો હોય છે. આખા અઠવાડિયામાં કંઇપણ વધારાનું કામ હોય તો એવું કહીને પેન્ડિંગ રાખી દેવામાં આવે છે કે સન્ડેના કરીશું. પરિણામ એ આવે છે કે રવિવાર જામ-પેક થઇ જાય છે. રાત પડે ત્યારે રિલેકસ થવાને બદલે થાકીને ઠુસ્સ થઇ ગયા હોઇએ છીએ. વર્કિંગ લેડિઝ માટે તો જો કામવાળી બાઇ કે રામો રવિવારે રજા રાખે તો એવું બોલાઇ જાય છે કે આ લોકોને તો કોઇની જરાયે દયાય આવતી નથી, માંડ એક દિવસ મળતો હોય એમાં જ એ ગ્રહણ ટાણે સાપ કાઢે. ઘણા લોકો એટલે જ કહે છે કે સન્ડે બગડ્યો એનું આખું વીક બગડ્યું. એ લોકો આપણે ત્યાં નસીબદારની કેટેગરીમાં આવે છે જેને શનિ-રવિ એમ બે દિવસની રજા મળે છે. ખેર, એક વાત તો પાક્કી છે કે આખા અઠવાડિયામાં સન્ડે આપણા સહુનો મોસ્ટ ફિવરિટ ડે હોય છે.

હવે એક બીજો સવાલ. તમને સાત દિવસમાંથી કયો વાર નથી ગમતો? આ વિશે થયેલા સર્વે તો એવું જ કહે છે કે સોમવાર એ સૌથી અઘરો વાર છે. ‘ગો ગોવા ગોન’ ફિલ્મનું અમિતાભ ભટ્ટાચાર્યે લખેલું પેલું ગીત સાંભળ્યું છે ને.. ખૂન ચૂસને તું આયા ખૂન ચૂસને, બ્લડી ખૂની મન્ડે ક્યું આયા ખૂન ચૂસને… સોમવારે કામ પર જવાનું સૌથી વધુ અઘરું લાગે છે. તમને ખબર છે, એક સર્વે એવું કહે છે કે પચાસ ટકા લોકો સોમવારે ઓફિસે લેઇટ પહોંચે છે. એટલું જ નહીં, સોમવારે કર્મચારીઓ માત્ર સાડા ત્રણ કલાક જ સરખી રીતે કામ કરે છે. રવિવારે શું કર્યું એની વાતો સાથે સોમવાર બહુ કંટાળાજનક છે એવી વાતો પણ થતી રહે છે. 45થી 54 વર્ષના લોકો મન્ડે સિન્ડ્રોમથી પીડાતા રહે છે. સોમવારે સૌથી વધુ લોકો આપઘાત કરે છે. હાર્ટએટેકના ચાન્સીસ સોમવારે 20 ટકા વધી જાય છે.

સોમવાર વિશે બીજું એક રસપ્રદ તથ્ય પણ બહાર આવ્યું છે. સોમવારે લોકો સૌથી વધુ ઓનલાઇન શોપિંગ કરે છે. આની પાછળનું એક કારણ એ પણ હોવાનું મનાય છે કે સોમવારે કામમાં કંટાળો આવતો હોય છે એટલે કંઇક મજા આવે એવું કરવા માટે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે. આમ તો દરેક વાર વિશે કોઇ ને કોઇ સર્વે થયા જ છે પણ લોકોને જો સૌથી વધુ જો કોઇમાં રસ પડ્યો હોય તો એ સોમવાર જ છે.

ઓફિસમાં સૌથી વધુ ટેન્શનવાળો દિવસ સોમવાર નહીં પણ મંગળવાર હોવાનું મનાય છે, તેનું એક કારણ એ છે કે સોમવારે બોસ લોકો કામ સોંપી દે છે અને તેની ટીમના લોકોને મંગળવારે એ કામ પૂરું કરવાનું સૌથી વધુ પ્રેશર હોય છે. બોસ પણ સોમવારે તાજામાજા થઇને મેદાનમાં આવી ગયા હોય છે અને તેને એ પણ ખબર હોય છે કે તેની ટીમના લોકોની ગાડી કેવી રીતે પાછી પાટા ઉપર ચડાવવી. અમુક લોકો એવા પણ હોય છે જેને સોમવારે ઓફિસે આવીને હાશ થાય છે. ખાસ કરીને મહિલા કર્મચારીઓને ઘણીવખત ઘર કરતાં ઓફિસમાં શાંતિ લાગે છે. રવિવારે ઘરમાં બધાનું ધ્યાન રાખવામાં લેડિઝનો દમ નીકળી જાય છે. ઓફિસમાં કમસે કમ બેસીને કામ તો કરી શકાય છે. એમાં પણ જો સિનિયર હોય તો ઓફિસમાં તેનો પડ્યો બોલ ઝિલાય છે. ઘરમાં એટલું બધું કામ હોય છે કે તે ઓફિસે આવે ત્યારે એને એમ થાય છે કે હાશ બેસવા તો મળ્યું!

વાત કામની હોય કે પછી મૂડની, એક હકીકત એ પણ છે કે છેલ્લે તો એ વ્યકિત ઉપર જ આધાર રહે છે કે કોઇ દિવસ, કોઇ વાર, કોઇ પરિસ્થિતિ કે કોઇ સંજોગોની તેના પર શું અસર થાય છે. એમ તો એવું પણ કહેવાય છે કે વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે, કામ વખતે કામ કરો અને મજા વખતે મજા કરો પણ એવું થતું નથી, મજા કર્યા પછી કામ કરવામાં કંઇ વાંધો હોતો નથી પણ માઇન્ડનો મોડ ચેન્જ થવામાં જે સમય લાગતો હોય છે એ તો લાગવાનો જ. કોઇને થોડી વાર લાગે તો કોઇને વધુ. વહેલું કે મોડું માઇન્ડ સેટ થઇ જ જતું હોય છે. બાકી આપણને બધાને એ પણ ખબર હોય છે કે કામ કર્યા વગર થોડું ચાલવાનું છે!

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 02 ઓકટોબર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com

2-10-16_rasrang_26-5 in.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *