જિંદગી રાહ નથી જોતી, જીવવામાં મોડું ન કરો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી રાહ નથી જોતી,

જીવવામાં મોડું ન કરો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

અમેરિકાના મહાન બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટનું

હમણાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું. કોબેના મોતના

દસ દિવસ પહેલાં તેની પત્ની વેનેસાએ જે વાત કરી એમાં

જિંદગી જીવવાનું મોટું રહસ્ય છુપાયેલું છે

જિંદગી દગાખોર છે. રોજેરોજ જિંદગીને પૂરેપૂરી જીવો.

પ્લાનિંગ અધૂરાં રહી જતાં હોય છે.

નાની-નાની ઘટનાઓને એન્જોય કરો

આપણે બધા વાસ્તવિકતા કરતાં કલ્પનાઓ અને સપનાંઓમાં વધુ જીવીએ છીએ. આમ થશે પછી આમ કરીશું. આટલું થઇ જાય પછી મોજ કરીશું. આપણે પ્લાનિંગો કરતા રહીએ છીએ. સુખની રાહ જોતા રહીએ છીએ. પ્રેમની વાતો વાંચી કે સાંભળીને આપણે વાહ પોકારીએ છીએ. કોઇ સરસ રીતે જીવતું હોય તો કહીએ છીએ કે, જિંદગી તો એ જીવે છે. આપણે પણ સુખેથી જીવવું છે. મજા કરવી છે. લાઇફને માણવી છે. લાઇફની આપણને બધાની સારી એવી સમજ છે, પણ એ સમજનો અમલ થતો નથી. જિંદગી આપણી ઇચ્છાઓ મુજબ જીવાતી નથી. કેમ નથી જીવાતી એનાં કારણો અથવા તો બહાનાં પણ આપણી પાસે હાથવગાં હોય છે.

જિંદગી દગાખોર છે. આપણી જિંદગી આપણને જ ક્યારે ફટકો મારે એની કંઇ જ ખબર નથી. જે થવાનું છે એને આપણે રોકી શકવાના નથી. દુનિયાની જેટલી ફિલોસોફી છે તેમાં એક વાત કોમન છે. વર્તમાનમાં જીવો. જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ. જિંદગીની દરેક ક્ષણને એન્જોય કરો એવું કહેવાતું રહે છે. આપણે કેટલી ક્ષણોને ખરેખર માણીએ છીએ? ટેન્શન, પ્રેશર, એંગ્ઝાઇટી, સ્ટ્રેસ આપણને રોજેરોજ થોડાં થોડાં કોરી ખાય છે. આપણે એવું વિચારતા રહીએ છીએ કે, મેળ ખાય તો ફરવા જવું છે. કંઇક ગમતું કરવું છે. આરામથી સૂવું છે. કામ તો રહેવાનું જ છે. કામ કરવું પણ જોઇએ. બસ, જિંદગીના ભોગે નહીં. આપણે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતા હતા એ દિવસે એટલે કે 26મી જાન્યુઆરીએ અમેરિકામાં થયેલી એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મહાન બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટનું મૃત્યુ થયું. 41 વર્ષના કોબે બ્રાયન્ટ સાથે તેની 13 વર્ષની દીકરી જીનીએ પણ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. કોબેની પત્ની વેનેસાએ પતિના મોતના દસ દિવસ પહેલાં જ એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, 85 વર્ષનાં કોઇ દંપતીને હું સરસ રીતે જીવતા જોઉં છું ત્યારે મને એવું થાય છે કે અમે 85 વર્ષના થશું ત્યારે આટલો જ પ્રેમ કરીશું. વેનેસાને ક્યાં ખબર હતી કે દસ દિવસમાં હું એકલી પડી જવાની છું.

આપણે બધા બહુ ગણતરીઓ કરી કરીને જીવવા લાગ્યા છીએ. પોતાની વ્યક્તિ સાથે વાતો કરવા માટે પણ આપણે સમય શોધીએ છીએ. કોઇ સુખ, કોઇ મજા, કોઇ સ્નેહને મુલતવી ન રાખો. ખબર નહીં, સમય ક્યારે આપણને હાથતાળી આપી જાય. આ વાતનો જરાયે એવો મતલબ નથી કે, કામ પડતું મૂકવું કે પ્લાનિંગો ન કરવા. સવાલ જિંદગી જીવતા રહેવાનો છે. જિંદગી રોજેરોજ થોડી જીવાવી જોઇએ. તમે જિંદગી મિલેગી ના દોબારા ફિલ્મ જોઇ હતી? હૃતિક રોશન નાણાં કમાવવા પાછળ પાગલ હતો. ફ્રેન્ડ્સ સાથે બેચલર પાર્ટી કરવા નીકળ્યા પછી પણ એ કામને છોડતો નહોતો. કેટરિના કૈફ જ્યારે તેને વધુ પડતા કામ વિશે સવાલ કરે છે ત્યારે હૃતિક એને કહે છે કે, ચાલીસ વર્ષ સુધી કમાઇ લઉં પછી મોજથી જીવીશ. એ સમયે કેટરિના તેને ક્વેશ્ચન કરે છે કે, કોણે કહ્યું કે તું ચાલીસ વર્ષ જીવીશ જ? આવા ફિલ્મી સંવાદોને આપણે વખાણીએ છીએ, પણ મલ્ટિપ્લેક્સની બહાર આવતાંની સાથે ભૂલી જઇએ છીએ. આ જ ફિલ્મમાં કેટરિના કૈફ બાઇક લઇને કારની પાછળ જાય છે. હૃતિકને કિસ કરીને કહે છે કે, મુઝે અફસોસ કરના નહીં આતા! કોઇ અફસોસ ન રહે એ રીતે જીવતા કેટલા લોકોને આવડતું હોય છે? 

તમાશા ફિલ્મનો પહેલો સીન યાદ છે? દીપિકા એક પહાડ ઉપર બેઠી હોય છે. રણબીર કપૂર આવીને તેને કહે છે કે, ચાલ ઝડપથી, હજુ ઘણું જોવાનું બાકી છે. એ વખતે દીપિકા કહે છે કે, બધું તો જોઇ જ નથી શકવાના, અહીં મજા આવે છે તો અહીં જ બેસ. આપણે આપણી નજર સામે એવા કેટલાય કિસ્સાઓ જોયા છે જેમાં જિંદગીની ઘટના અધૂરી જ રહી ગઇ હોય. વાત મોતની કે મોતથી ડરવાની નથી, વાત જિંદગી જીવી જાણવાની છે. જિંદગી નાની-નાની ખુશીઓની બનેલી છે. પ્રેમ કરવા માટે કંઇ કલાકોની જરૂર નથી, પ્રેમ તો અમુક પળોમાં પણ સોળે કળાએ ખીલી જતો હોય છે.

અમદાવાદના જ એક કપલની આ સાવ સાચી વાત છે. પતિ અને પત્ની બંને વેલ એજ્યુકેટેડ છે. બંને સારી પોસ્ટ પર જોબ કરે છે. સાંજ પડે બંને ઘરે આવે ત્યારથી એ એવાં મસ્ત રીતે જીવે છે કે કોઇને પણ કહેવાનું મન થઇ આવે કે, વાહ ક્યા બાત હૈ. ઘરમાં આવ્યા પછી બંને મસ્તીમાં જ હોય. મજા કરવાની કે હસવાની એકેય તક ન છોડે. બંને એકબીજામાં ખોવાયેલાં જ હોય. એ બંનેએ કહ્યું કે, આખો દિવસ કામ કરીને ઘરે આવીએ પછી અમે અમારો સમય અમારી રીતે એન્જોય કરીએ છીએ. માથે ભાર રાખવો કે ન રાખવો એ તો આપણે નક્કી કરવાનું હોય છે. આપણને આપણી રીતે જીવતા કોઇ રોકે છે? કામ, ટાર્ગેટ, ગોલ, એચીવમેન્ટ એ બધું તો રહેવાનું જ છે, અમે તો એક ગોલ એ નક્કી કર્યો છે કે ગમે તે થાય, આપણે મજાથી જીવવાનું, ગમતું હોય એ કરવાનું, પ્રેમ અને મજા કરવાની એકેય ક્ષણ જવા ન દેવાની. સાચું કહેજો, તમે તમારી ઇચ્છા મુજબ જીવો છો? ન જીવતા હોવ તો હજુ કંઇ મોડું થયું નથી. જિંદગી પ્રત્યેનો નજરિયો જ જરાક બદલવાનો હોય છે. બહુ ઇઝી છે, ટ્રાય તો કરી જુઓ! 

પેશ-એ-ખિદમત

દાસ્તાનેં હી સુનાની હૈં તો ફિર ઇતના તો હો,

સુનને વાલા શૌક સે યે કહ ઉઠે ફિર ક્યા હુઆ,

વો કિસી કો યાદ કરકે મુસ્કુરાયા થા ઉધર,

ઔર મૈં નાદાન યે સમઝા કિ વો મેરા હુઆ.

– ઇકબાલ અશહર

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 09 ફેબ્રુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગી રાહ નથી જોતી, જીવવામાં મોડું ન કરો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

  1. SAHEB E SEEN YEH JAVANI HAI DEEWANI NO CHE TAMASHA NO NAI….. I THINK :~) BUT I GET YOUR POINT INFACT MOVIE CONVEY THIS MSG IF WE UNDERSTAND

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *