શું દુનિયા ધીમે ધીમે ફરીથી જૂની પરંપરાઓ અપનાવી લેશે? : દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું દુનિયા ધીમે ધીમે ફરીથી

જૂની પરંપરાઓ અપનાવી લેશે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દેશ અને દુનિયામાં થયેલા અનેક અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે,

જૂની સંસ્કૃતિ, પરંપરાઓ અને લાઇફ સ્ટાઇલ આજની સો-કોલ્ડ હાઇફાઇ સોસાયટી

કરતા અનેકગણી સારી હતી. આપણે સારી વાતો, રીતો અને રિવાજો ભુલ્યા એટલે વધુ દુ:ખી અને હેરાન થઇ રહ્યા છીએ!


———–

આપણા બધાની જિંદગીમાં દરરોજ કેટલો ફર્ક આવે છે? આપણને અણસાર પણ ન આવે એ રીતે આપણી લાઇફ સાથે રોજે રોજ ઘણું બધું જોડાતું હોય છે. દેશ અને દુનિયામાં દરરોજ કંઇકને કંઇક નવું આવતુ જ રહે છે. ઇલેક્ટ્રોનિક્સ વર્લ્ડમાં રોજ નવા નવા ગેઝેટસ ઠલવાતા રહે છે. કાર અને બીજા વાહનોના નવા નવા મોડેલ સતત આવતા જ રહે છે. નાની મોટી ચીજ વસ્તુઓની તો ભરમાર છે. એક સમય હતો જ્યારે વિદેશથી કોઇ આવવાનું હોય તો આપણે એની પાસે કંઇક ને કંઇક મંગાવતા હતા. હવે આપણે ના પાડીએ છીએ અને એવું કહીએ છીએ કે અહીં બધું મળે છે. દુનિયાના કોઇ પણ ખૂણામાં બનતી વસ્તુ હવે દરેક દેશમાં મળવા લાગી છે. સાધનો અને સુવિધાઓ એટલા બધા છે કે વાત જવા દો! આ વિશે દુનિયામાં એક નવી ચર્ચા જાગી છે. જો સાધનો અને સગવડમાં આટલો બધો વધારો થયો છે તો પછી સુખમાં કેમ વધારો થતો નથી? બધું વધી રહ્યું છે તો સુખ પણ વધવું જોઇએને? એવું તો થતું નથી. ઉલટું માણસ દિવસે ને દિવસે વધુ ને વધુ દુ:ખી થઇ રહ્યો છે.

દુનિયાના લોકોને હવે એવું લાગવા માંડ્યું છે કે, આપણે સુખ અને શાંતિના રસ્તેથી ભટકી ગયા છીએ. આપણા કરતા આપણા દાદા-પરદાદા વધુ સુખી અને ખુશ હતા. એ સમયે સાધનો ઓછા હતા, વાહનોના કમી હતી, અનેક અગવડો હતી છતાં લોકો મોજમાં રહેતા હતા. હવે કોઇ ચીજની કમી ન હોય તો પણ માણસ સુખ-શાંતિથી રહી શકતો નથી. આ કારણે થવા એવું લાગ્યું છે કે, લોકો જૂની સંસ્કૃતિ, જૂની પરંપરાઓ, જૂના રિવાજો, જૂની પદ્ધતિઓ અને જૂની માન્યતાઓ તરફ પાછા ફરવાનું વિચારવા લાગ્યા છે. બેક ટુ બેઝિક્સ પર અત્યારે દુનિયામાં ડિબેટ ચાલી રહી છે. જુદા જુદા સરવે અને અભ્યાસો પણ એવું કહે છે કે, અગાઉ હતું એ સારું હતું. અત્યારે છે એટલી એંગ્ઝાઇટી, ઉત્ત્પાત કે હાયવોય નહોતા. હવે તો નાના નાના બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બનવા લાગ્યા છે. મોટા ભાગના લોકો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાઇ રહ્યા છે. અગાઉ કોઇનું એવું નિદાન થતું કે તમને ડાયાબિટીસ છે તો બધાને આઘાતનો આંચકો લાગતો હતો. હવે એવી ખબર પડે ત્યારે લોકોના મોઢે એવું સાંભળવા મળે છે કે, અડધી દુનિયાને સુગર છે! અંદરખાને  બધા એ વાત જાણે છે કે, આપણે ધંધા જ એવા કરીએ છીએ કે બીમારીનો ભોગ બનીએ. લાઇફ સ્ટાઇલ જ જિંદગી બગાડી નાખે એવી થઇ ગઇ છે. મોડે સુધી કાં તો ફોન લઇને બેસીએ છીએ અને કાં તો વેબ સીરિઝ જોયે રાખીએ છીએ. સુવાનો ટાઇમ મોડો થતો જાય છે. એક સમયે બાર વાગ્યા સુધી જાગવું એ ખરાબ સંસ્કાર ગણાતા. વડીલો પણ એવું કહેતા કે, શું બાર બાર વાગ્યા સુધી ભાટકો છો! હવે બાર તો સાવ કોમન થઇ ગયા છે! બધાને બસ મજા કરી લેવી છે. એ મજા પાછળ શરીરની કેવી હાલત થઇ રહી છે એ કોઇ વિચારતું નથી.

પ્રવાહો જે રીતે પલટાઇ રહ્યા છે એ જોઇને લોકોને જૂનો સમય યાદ આવવા લાગ્યો છે. નવા વર્ષ 2024નું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે ત્યારે ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ કંપની ડબલ્યૂજીએસએન અને ઇન્સ્ટાગ્રામે સંયુક્તપણે એક સરવે કર્યો હતો. આ સરવેના રસપ્રદ રિઝલ્ટસ હમણાં બહાર આવ્યા છે. આપણા દેશ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં એવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો કે, આગામી વર્ષમાં અને પછી તમારી આખી જિંદગીમાં તમે શું ઇચ્છો છો? તમે શેના પર ફોકસ કરશો? ફૂડથી માંડીને લાઇફ સ્ટાઇલ રિલેટેડ સવાલો આ સરવેમાં પૂછવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જેન-ઝી એટલે કે એવી જનરેશન જેનો જન્મ વર્ષ 1996થી 2010 વચ્ચે થયો છે તેણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જવાબો આપ્યા હતા. જેન-ઝીએ કહ્યું કે, અમે આયુર્વેદ, શાકાહાર અને કરિયર પર વધુ ફોકસ કરીશું. 44 ટકાએ એવું કહ્યું કે, અમે અમારું કામ જાતે કરવાનું પસંદ કરીશું. મતલબ કે, અમારા કામ માટે કોઇના પર આધાર નહીં રાખીએ. આ ઉપરાંત યુવાનો માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે એવું પણ સરવેમાં બહાર આવ્યું છે.

આખા જગતે કોરાનોના કપરો કાળ જોયો છે અને સહન પણ કર્યો છે. કોરોના પછી લોકોની લાઇફ સ્ટાઇલમાં ઘણું પરિવર્તન આવ્યું છે. જિંદગીને જોવાનો નજરિયો બદલ્યો છે. અમેરિકા સહિત અનેક દેશોમાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે, લોકો હવે મોટા શહેરને બદલે નાના સેન્ટર અથવા તો ગામડાંમાં રહેવા જઇ રહ્યા છે. એ વાત જુદી છે કે, બધા એવું કરી શકતા નથી. કામ ધંધો હોય એટલે ગમે કે ન ગમે નાછૂટકે મોટા શહેરમાં રહેવું પડતું હોય છે. આ મુદ્દે પણ ઘણાએ એવું કહ્યું હતું કે, ચોઇસ મળે તો અમે ચોક્કસ નાના શહેરમાં ચાલ્યા જઇએ. આપણે ત્યાં પણ મોટા શહેરમાં નોકરી કે ધંધાર્થે આવેલા લોકોને પૂછશો તો એવું જ કહેશે કે વતનની મજા જ કંઇક જુદી હોય છે.

જૂની પરંપરા અને સંસ્કૃતિ તરફ પાછા ફરવા વિશે મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓ એવું કહે છે કે, પરિવર્તન કોઇ સંજોગોમાં રોકી શકાતું નથી. એ તો ચાલવાનું જ છે. નવું સાવ છોડી નથી શકાતું અને જૂનું હન્ડ્રેડ પર્સન્ટ અપનાવી શકાતું નથી. એવું પણ નથી કે જૂનું હતું એ બધું બેસ્ટ અને ગ્રેટ હતું. ઘણું સારું હતું તો ઘણું છોડવા જેવું પણ હતું. અત્યારના સમયની વાત કરીએ તો, જૂના સમયમાં જે સારું હતું અને અત્યારે જે સારું છે એનું બેલેન્સ કરીને જિંદગી જીવવાની જરૂર છે. નવી શોધો, નવા સંશોધનો, નવા સાધનો અને નવી લાઇફ સ્ટાઇલમાં ઘણું બધું અપનાવવા જેવું છે. તમે પ્રાચીન સમયથી જે ચાલ્યા આવે છે એ યોગ અપનાવો, એ સારું જ છે. જૂનું ફૂડ અને ટ્રેડિશનલ સ્વીટના પણ ઘણા ફાયદાઓ છે. આપણે આંખો મીંચીની પીઝા, પાસ્તા, બર્ગર અને બીજા ફાસ્ટ ફૂડ અપનાવવા લાગ્યા છીએ. ક્યારેક ખાઇએ એમાં વાંધો નથી પણ રેગ્યુલરમાં તો કેટલીક જૂના સમયની એટલે કે બાપ-દાદાના વખતની પરંપરાઓ જાળવી રાખવાની જરૂર છે. કેટલાંક એક્સપર્ટસ તો એવું પણ કહે છે કે, દુનિયા અત્યારે ભલેને આડેઘડ કે મન ફાવે એમ ચાલતી હોય પણ વહેલા કે મોડા બધાએ થોડુંક પાછું વળીને જોવું પડશે અને જૂનામાંથી જે સારું હતું એ અપનાવવું જ પડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દરેકને જિંદગીનો અર્થ સમજાવવો જોઇએ. જિંદગી જીવાતી હોય એવું લાગવું જોઇએ. ઉત્ત્પાત અને અજંપો ઘટવા જોઇએ. શાંતિનો અહેસાસ થવો જોઇએ. અત્યારે મોટા ભાગના લોકોના ચહેરા પર ઉચાટ જોવા મળે છે. લોકોને પોતાની પાસે જે છે એનાથી સંતોષ જ નથી. દરેકને સફળ થવાની અને આગળ આવવાની ઇચ્છા હોય  સમજી શકાય એવી વાત છે. સફળતા માટે પ્રયાસો પણ કરવા જોઇએ પણ એના માટે ઉધામા મચાવવાની કોઇ જરૂર નથી. મન શાંત હશે તો જે ધાર્યું હશે એ આસાનીથી થઇ શકશે. અત્યારે તો હાલત એવી છે કે, મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે લોકો કોઇ વાત પર ફોકસ જ નથી કરી શકતા. દરેક કામમાં બેધ્યાન રહેનારાઓની સંખ્યા સતત વધતી જાય છે એટલે જ આપણે થોડાક બદલવું પડશે. મનોચિકિત્સકો એટલે જ કહે છે કે, જિંદગી જીવવાની મજા નથી આવતી? જો એવું લાગતું હોય તો એના કારણો શોધો અને એના ઉકેલ મેળવો. દરેકે એક વાત યાદ રાખવા જેવી છે કે, જિંદગી જીવવા માટે છે, હાયવોય કરવા માટે નહીં!

હા, એવું છે!                                        
દુનિયાના અનેક દેશોમાં અત્યારે પોતાની જૂની સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો શરૂ થયા છે. નિષ્ણાતો કહે છે કે, સમયની સાથે પરિવર્તનો આવે એ સ્વાભાવિક છે પણ એટલા બદલી ન જાવ કે તમારી સાચી ઓળખ જ ખતમ થઇ જાય!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *