ડર લાગે છે કે ક્યાંક કો’કને કંઈ ખોટું લાગી ન જાય! -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ડર લાગે છે કે ક્યાંક કો’કને
કંઈ ખોટું લાગી ન જાય!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


યૂં હી નહીં મશહૂર-એ-જમાના મેરા કાતિલ,
ઉસ શખ્સ કો ઇસ ફન મેં મહારત ભી બહુત થી,
જાલિમ થા વો ઔર જુલ્મ કી આદત ભી બહુત થી,
મજબૂર થે હમ ઉસ સે મોહબ્બત ભી બહુત થી.
-કલીમ આજિજ


સંબંધ વિશે આમ તો એવું કહેવાય છે કે, સાચો સંબંધ હોય એ કોઈ પણ સંજોગોમાં ટકી રહે છે. અલબત્ત, એવા સાચા સંબંધો બહુ ઓછા હોય છે. આપણે ઘણી વખત જેને સાચો સંબંધ માનતા હોઇએ છીએ એ બોદો અને તકલાદી પુરવાર થતો હોય છે. સંબંધની બુનિયાદ ક્યારે હલવા લાગે એનું નક્કી હોતું નથી. સંબંધોમાં પણ સારું લગાડવું પડતું હોય છે અને ખરાબ ન લાગી જાય એનું ધ્યાન રાખવું પડતું હોય છે. આપણે ઘણા લોકો વિશે એવું કહેતા હોઇએ છીએ કે, મહેરબાની કરીને એને એકને સાચવી લેજે, નહીંતર વળી એને ખોટું લાગી જશે! કેટલાંક લોકો વાતે વાતે નારાજ થઇ જાય છે. આપણે કોઇ જૂની વાત કરીએ તો એવું કહેશે કે, મને તો આ વાતની ખબર જ નથી! અમને નહીં કહેવાનું? અમને તારી વાત બીજા પાસેથી ખબર પડશે? આપણે કહીએ કે, ભાઈસાબ રહી ગયું. તને ન કહેવાનો કે તારાથી કોઇ વાત છુપાવવાનો મારો કોઇ ઇરાદો નહોતો. તું પ્લીઝ ખરાબ ન લગાડ! એ એટલું બધું ખરાબ લગાડે છે કે ક્યારેક આપણને જ એનાથી ખરાબ લાગી જાય. કેટલી વાર સોરી કહેવાનું? કોઇ હદ હોય કે નહીં? હવે તું કહે તો તારા પગ પકડીને માફી માંગું પણ એક વાતનો કેડો છોડ! કોઇ પ્રસંગ હોય ત્યારે સૌથી મોટું ટેન્શન એ જ વાતનું હોય છે કે, કોઇને માઠું ન લાગી જાય. નજીકના હોય એને પણ ઇમ્પોર્ટન્સ જોઇતું હોય છે. આપણને ઇમ્પોર્ટન્સ આપવામાં પણ કંઇ વાંધો હોતો નથી. ક્યારેક સ્લીપ ઓફ માઇન્ડ થઇ જાય અને કંઇક રહી જાય ત્યારે મોટા ઇશ્યૂ ક્રિએટ થતા હોય છે.
હમણાં એક મેરેજ હતા. પિયર પક્ષે જ એક-બે વડીલો એવા હતા જે બેઠાં બેઠાં પ્રોબ્લેમ જ શોધે. જેના ઘરે મેરેજ હતા એણે એ વડીલની સેવામાં એક એક વ્યક્તિ રાખી દીધી હતી. તેને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે, તમારે દર દસ મિનિટે એ વડીલને પૂછતા રહેવાનું કે, આપના માટે શું લઇ આવું? બધું બરોબર છેને? કંઇ સેવા હોય તો કહેજો! આટલી વ્યવસ્થા કરી હતી તો પણ તેને વાંધા પડતા હતા. દીકરીના પિતાએ કહ્યું કે, આના કરતાં તો સામેવાળા વધુ સારા છે. એ આપણને કહે છે કે, કોઇ ચિંતા કરતા નહીં. કંઇ હશે તો અમે વિના સંકોચે કહી દઈશું. દરેક પરિવારમાં એવા એક-બે લોકો હોય જ છે જેને કાચના વાસણની જેમ સાચવવા પડે છે. ધ્યાન ન રાખીએ તો ઘડીકમાં એનો મગજ જાય છે અને બધાની મજા બગાડી નાખે છે. આવા લોકોનો કોઇ ઇલાજ નથી હોતો. એનું બને એટલું ધ્યાન રાખવાનું. ઘણા વિશે આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, એનું તું ગમે એટલું ધ્યાન રાખીશને તો પણ એ છેલ્લે તો મોઢું મચકોડીને જ બેસશે. આપણને એમ થાય કે, આને આપણને હેરાન કરવામાં જ મજા આવતી લાગે છે!
સંબંધમાં જો સત્ત્વ હશે તો એ કોઈ પણ સંજોગોમાં ટકી રહેવાનો છે. ઘણા સંબંધો સોના જેવા હોય છે. જેમ સમય જાય એમ એનું મૂલ્ય વધે. ઘણા સંબંધો લોખંડ જેવા હોય છે, ગમે એટલું ધ્યાન રાખો તો પણ એમાં કાટ લાગી જાય છે. બે મિત્રોની આ સાવ સાચી વાત છે. એક મુદ્દે બંને વચ્ચે બોલવાનું થયું. બંનેએ પોતપોતાને જે સાચી લાગી એવી દલીલો કરી. એક મિત્ર થોડુંક વધુ પડતું બોલી ગયો હતો. વાત પૂરી થયા પછી એ મિત્રને થયું કે, મારાથી ખરેખર વધુ પડતું બોલાઇ ગયું છે. બીજા દિવસે તેણે પોતાના મિત્રને સોરીનો મેસેજ કર્યો. તેણે કબૂલ્યું કે, મેં જે રીતે કહ્યું હતું એ કહેવું જોઇતું નહોતું. તને ખરાબ લાગ્યું હોય તો સોરી. તેના મિત્રએ જવાબમાં લખ્યું, પહેલી વાત તો એ કે, તારું જરાયે ખોટું લાગ્યું નથી. આપણા સંબંધો સોરી અને થેંક યુથી ઉપર ઊઠેલા છે. એ મિત્રએ પછી લખ્યું કે, માનો કે તેં વધારે પડતું કહ્યું હોત તો પણ હું તારું ખરાબ લગાડત નહીં. એનું કારણ એ છે કે, મેં મારા અંગત લોકોનું એક લિસ્ટ બનાવ્યું છે. એ લિસ્ટમાં બહુ થોડા લોકોનાં નામ છે. આ લિસ્ટ એટલા માટે બનાવ્યું છે કે, આ લોકો માટે કંઈ પણ કરી છૂટવાનું, એનું ખરાબ નહીં લગાડવાનું, એનું દિલ નહીં દુભાવવાનું! ખરેખર જેને આપણા પોતાના ગણી શકાય એવા લોકો કેટલા હોય છે? બહુ ઓછા! આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, જે સૌથી વધુ નજીક હોય છે એની સાથે જ આપણને વાંધા પડે છે. એને જ આપણે માફ નથી કરતા. આપણી ભૂલ હોય તો પણ એની માફી નથી માંગતા. ખરાબ લગાડીને બેસી જઇએ છીએ!
સંબંધોમાં ક્યારેક તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની જ છે. આપણને અંદાજ ન હોય એમ ક્યારેક કંઇક આપણાથી થઇ જાય છે. આપણો ઇરાદો નથી હોતો પણ આપણાથી હર્ટ થઇ જાય છે. બે સંબંધીઓની આ વાત છે. બંનેને એકબીજા સાથે બહુ સારું બને. એક વખત એકને ત્યાં સારો પ્રસંગ હતો. સ્વાભાવિક રીતે જ એમના સંબંધી ત્યાં હોવાના જ છે. જેને ત્યાં પ્રસંગ હતો એ પોતાના કામમાં બિઝી હતો. એને ખબર જ નહોતી કે, એનો સંબંધી શું કરે છે. પ્રસંગ પતી ગયો. એ પછી એ સંબંધીએ કહ્યું કે, તારું મારા તરફ ધ્યાન જ નહોતું. મને એવું લાગ્યું કે, મારું કોઇ ઇમ્પોર્ટન્સ જ નથી. સંબંધીની આ વાત સાંભળીને પેલા ભાઇને આંચકો લાગ્યો. તેણે કહ્યું કે, હું તો તને હર્ટ કરવાનું સપનામાં પણ વિચારી ન શકું. આમ છતાં તને જો એવું લાગ્યું હોય તો હું દિલથી સોરી કહું છું. એ પછી તેણે એક સરસ વાત કરી. તેણે કહ્યું કે, તેં ખુલ્લાદિલે સાચી વાત કરી દીધી એ મને ખૂબ ગમ્યું. બાકી તો ઘણા લોકો મનમાં રાખીને બેઠા રહે છે અને સામેની વ્યક્તિને ખબર જ નથી પડતી કે, આને વાંધો ક્યાં પડ્યો છે? બે બહેનપણી હતી. બંને વચ્ચે ખાસમખાસ દોસ્તી. અચાનક એક ફ્રેન્ડ ઓછું બોલવા લાગી. ફોન કરે તો ન ઉપાડે. મેસેજનો જવાબ ન આપે. તેની ફ્રેન્ડે કહ્યું કે, પ્લીઝ, તું મને કહીશ કે તને થયું છે શું? મને તો કંઈ ખબર જ નથી કે તું કઇ વાતે નારાજ છે? સંબંધમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, કંઈ મનમાં ન રાખો. ખરાબ લાગ્યું છે તો કહી દો, ઝઘડી લો પણ અંતે માની પણ જાવ. સંબંધમાં ઝઘડવાનો પણ અધિકાર હોવો જોઇએ. જો એવું હોય તો જ દોસ્ત કે સાચો સંબંધી સાચી વાત કરી શકે. ઘણા લોકો આપણા મોઢે આકરું બોલતા હોય છે પણ સરવાળે એ લોકો આપણા હિતેચ્છુ હોય છે. જે સતત સારું જ લગાડે છે એ સંબંધ ઘણી વાર સવાલો સર્જતા હોય છે. સાચા સંબંધમાં માઠું લગાડવાનું નહીં. આજના સમયમાં સૌથી અમૂલ્ય વસ્તુ કોઇ હોય તો એ સંબંધ છે. દુનિયાના મોટા ભાગના લોકો અત્યારે રિલેશનશિપ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહ્યા છે. સંબંધો જ્યારે દાવ પર લાગી જાય છે ત્યારે એનું પેઇન આકરું હોય છે. સંબંધનું અંતિમ સત્ય એ છે કે, જો સંબંધ બચી શકે એમ હોય તો ગમે તે કરીને બચાવી લેવાનો. જોકે દરેક વખતે માત્ર આપણા એકથી સંબંધ બચતો નથી. સંબંધનું સત્ત્વ બંને બાજુ સજીવન હોય તો જ સંબંધ ટકે. સંબંધ તૂટે એમ હોય ત્યારે માત્ર એટલું વિચારવાનું કે, જે થયું એમાં મારો તો કંઇ વાંક નથીને? જો જવાબ ના હોય તો પછી એ સંબંધને સમય પર છોડી દેવાના! સાચો સંબંધ હશે તો એ ફરીથી સજીવન થશે અને જો ન થાય તો સમજવું કે એ સંબંધ સાચો હતો જ નહીં!
છેલ્લો સીન :
જિંદગીમાં ઘણી વખત આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણા માટે શું મહત્ત્વનું છે, સંબંધ કે પછી આપણો ઈગો? જવાબ જો સંબંધ હોય તો ઈગોને ઓગાળીને જતું કરી દેવાનું! -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *